મહાત્મા ભીમભારતી સ્થાપિત મોટો મઠ
સિદ્ધપુર શહેરની પૂર્વે વહેતી પુણ્યસલીલા સરસ્વતી નદીના સામા કિનારે નિહંગ (ફક્કડ) દશનામ ગોસ્વામીઓના સ્વતંત્ર માલિકીના કબજાભોગવટાના મઠો આવેલા છે. તે મઠોમાં એક નાનો મઠ તથા એક મોટો મઠના નામથી ઓળખાય છે. તે મઠોના મૂળ સ્થાપક મહાત્મા પુરુષ સમર્થ યોગીરાજ શ્રી બ્રહ્મભારતી ઉર્ફે ઝેરીબાવા તથા તેમના સાધક શ્રી ભીમભારતી મહારાજ આજથી લગભગ આઠસો વરસ પૂર્વે એટલે કે સંવત ૧૨૦૦ના સૈકામાં થઈ ગયા. તે સમયે ગુજરાતમાં સિદ્ધરાજ મહારાજાનો અમલ ચાલતો હતો અને ગુજરાતની રાજધાની પાટણમાં હતી. તે સમયે સિદ્ધપુર શહેર હતું જ નહીં અને સરસ્વતી નદીનો પૂર્વ વિસ્તાર ભયંકર જંગલથી આચ્છાદિત હતો. હિમાલય તરફથી આવેલા બે યોગીઓએ આ વનપ્રદેશમાં ધૂણી ધખાવી અને પરમાત્માનું ભજન કરવા લાગ્યા. એક વખત આ જંગલમાં મૃગયા રમવા આવેલા સિદ્ધરાજ મહારાજાએ આ બે યોગીઓને જોયા. સિદ્ધરાજને દરેક મહાત્માની પરીક્ષા કરવાની ટેવ હતી. આ બંને મહાત્માની પણ પરીક્ષા કરવાના હેતુથી સિદ્ધરાજે બીજા દિવસે હળાહળ ઝેરથી ભરેલા સાત શીશા એક દૂત મારફતે આ બંને યોગી શ્રી બ્રહ્મભારતી મહારાજ અને શ્રી ભીમભારતી મહારાજને પ્રસાદ તરીકે આરોગવા મોકલ્યા. શ્રી બ્રહ્મભારતી મહારાજ આ દૂતના દેખાતા જ બધુ ઝેર પી ગયા. બીજા દિવસ સુધી મહારાજને કંઇ જ થયું નહીં. તે દિવસથી તેમનું નામ ઝેરીબાવા પડ્યું. બીજા દિવસે આવી સિદ્ધરાજ ઝેરીબાવાના ચરણે પડ્યો અને મહાત્માની ક્ષમા માગી. મહાન તપસ્વી ઝેરીબાવાથી પ્રભાવિત થઈ મહારાજા સિદ્ધરાજે તેમને કંઇ માગવા કહ્યું. પરંતુ તપોનિષ્ઠ મહાત્માએ કંઇ પણ માગ્યું નહીં તેમજ સિદ્ધરાજ પાસેથી કંઇ લીધું પણ નહીં. સિદ્ધરાજે કંઈક સેવા બતાવો એમ વારંવાર વિનંતી કરતાં ભજન કરવા સારું એક ગુફા બાંધવી આપવા તથા પાણી માટે એક કૂઈ બાંધવી આપવા શ્રી બ્રહ્મભારતી મહારાજે સૂચન કર્યું. તે પ્રમાણે સિદ્ધરાજે પથ્થરની ગુફા બંધાવી આપી તેમજ કૂઈ કરાવી આપી જે આજે પણ મોજૂદ છે. અગાઉ ઝેરીબાવા વિષે જે લેખ લખેલ છે તેનાથી આ વર્ણન થોડું અલગ પડે છે.
મહાત્મા ભીમભારતી શ્રી બ્રહ્મભારતી ઉર્ફે ઝેરીબાવાના સાધક હતા અને અહર્નિશ તેઓ બ્રહ્મભારતી મહારાજની સેવામાં હાજર રહેતા. સંવત ૧૩૨૫માં શ્રી બ્રહ્મભારતી ઉર્ફે ઝેરીબાવાએ જીવંત સમાધિ લીધી તે સમયે શ્રી ભીમભારતી મહારાજ હાથ જોડી ઊભા રહ્યા અને કંઇ વચન કરવા વિનંતી કરી. તે સમયે શ્રી બ્રહ્મભારતી મહારાજે કહ્યું, ‘તમે પણ એક મહાન સિદ્ધ તરીકે ઓળખાશો અને નજીકના વરખડાના ઝાડ નીચે (હાલ મોટા મઠનો ભંડાર છે તે સ્થળ) ધૂણી ધખાવો. ત્યાં એક મોટો મઠ બંધાશે જ્યારે અહીં બંધાનાર મઠ નાનો મઠ કહેવાશે. મારું વચન છે કે – તેરે ડેગ ચડેગા અને ઇધર દેઘડી ચડેગા’, આમ કહી ઝેરીબાવાએ જીવતા સમાધિ લીધી. તે દિવસથી મોટા મઠમાં ડેગ એટલે કે મોટા ચરુથી દરરોજ રસોઈ થાય છે. મોટા મઠમાં ભીમભારતી મહારાજે ધખાવેલ ધૂણીનો અગ્નિ આજે પણ જીવંત છે. આઠ સદીથી અગ્નિ બુઝાયો નથી કારણ કે તે ધૂણી ઉપર જ મોટા મઠના મોટા ભંડારનો ચૂલો છે જ્યાં મોટા મોટા ચરુઓથી રોજ રસોઈ બને છે. નાના મઠમાં માણસો તે દિવસથી જ ઓછા રહેતા હોઈ ઝેરીબાવાના વચન પ્રમાણે દરરોજ દેઘડી (તપેલી)થી રસોઈ થાય છે. ભીમભારતી મહારાજે પણ કેટલાક વરસો બાદ જીવતા સમાધિ લીધેલી. નાના મઠની ઝેરીબાવાની સમાધિ તેમજ મોટા મઠની ભીમભારતી મહારાજની સમાધિની રોજ પૂજાઅર્ચના થાય છે.
મોટા મઠમાં ભીમભારતી પછી પણ ઘણા મહાત્માઓ ને યોગીઓ થઈ ગયા છે જેમાં મહંતશ્રી રાજભારતી ઘણા જ પ્રતાપી અને સમર્થ હતા. આથી જ મોટા મઠનું બીજું નામ રાજભારતી મઠ પણ છે. લગભગ ૯૦ વરસ પહેલાં આ મોટા મઠમાં પવિત્ર અને ઉદાર મહંત રાજરત્ન શ્રી ગંગાભારતી થઈ ગયા. તેમના વિવેક, સદાચાર, ઉદારતા અને ચરિત્યની કદર કરી વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે તેમને રાજરન્તનો સુવર્ણ ચંદ્રક એનાયત કર્યો હતો. મોટા મઠમાં સવાસો વરસ પહેલાં થઈ ગયેલા શ્રી ગણેશભારતી મહારાજ ઘણા ચમત્કારી હતા. તુંબડીમાંથી જળ લઈ તેઓ ગમે તેવા રોગી પર છાંટે તો તે રોગમુક્ત થઈ જતો. કોઈ ગામમાં પ્લેગનો ભયંકર રોગ વ્યાપ્યો હોય તો તે ગામમાં જઈ તેઓ તુંબડીમાંથી જળ લઈ છાંટે તો પ્લેગનો પ્રકોપ સમી જતો. ગણેશભારતી મહારાજે શુદ્ધ ભૂમિ પસંદ કરી તેના પર પોતાના હાથે તોરણ બાંધી ઘણા નવા ગામો વસાવી લોકોને સુખી કર્યા. ધાણધાર પ્રદેશ અને સિદ્ધપુરની આજુબાજુના ઘણાં ગામોમાં તેમણે ચમત્કાર બતાવેલા. તેઓ કોઈ પાસેથી ભેટ, પૂજા કે પૈસા લેતા નહીં કે દ્રવ્યને અડકતા પણ નહીં. તેમની સમાધિ પાલનપુર પાસે આવેલા લક્ષ્મીપુરામાં આવેલી છે જ્યાં નિત્ય સેવાપૂજા થાય છે. તેમના શિષ્ય શ્રી મોતીભારતી પણ ચમત્કારી યોગી હતા. ભજનાનંદી સ્વામીશ્રી બલદેવભારતી મોતીભારતી મહારાજના શિષ્ય હતા. સિત્તેરેક વરસ પહેલાં થઈ ગયેલા મોટા મઠના જ મુની મહારાજ નામના યોગી કાયમ જાસોરાના ડુંગરમાં આવેલી ગુફાઓમાં એકલા જ રહેતા. કાયમ નિર્વસ્ત્ર રહેલા આ યોગી મૌનવ્રત પાળતા અને આહારમાં રોજ અરધો શેર દૂધ જ લેતા. કહેવાય છે કે આસપાસ જંગલ વિસ્તાર હોવા છતાં ગમે ત્યાંથી એક ગાય કે ભેંસ તેમની પાસે જતી અને તેઓ પોતાના પવાલામાં અરધો શેર દૂધ દોહી લેતા. માત્ર દૂધનો જ આહાર લેતા બીજા પણ એક મહારાજ દૂધાધારી તપસ્વી શ્રી જીવણભારતી ગુરુ શ્રીરામભારતી મોટા મઠમાં થઈ ગયા.
યોગીરાજ શ્રી બ્રહ્મભારતી ઉર્ફે ઝેરીબાવાએ જે મઠ સ્થાપ્યો તે નાના મઠમાં પણ દર ત્રીજી પેઢીએ એક યોગી થતાં જ આવે છે. ગત સૈકામાં જ તે મઠમાં મહંત શ્રી ધીરાભારતી તથા મહારાજ શ્રી સવધાનભારતી જેવા પવિત્ર અને વચનસિદ્ધ મહાપુરુષો થઈ ગયા છે.
નાનો મઠ અને મોટો મઠ, બંને મઠોની એક ખાસિયત એ છે કે તેઓ કોઈની પાસેથી કાંઇ પણ ચીજ, ભાવ કે પૈસા ધર્માદા કે ભેટ તરીકે લેતા નથી તેમજ સેવકો કે સેવકવૃત્તિ કરતાં નથી. મઠના મૂળ મહારાજ શ્રી બ્રહ્મભારતીજી દ્વારા જ આ માટેની સખત મનાઈ કરવામાં આવી છે. તેથી જ મઠોમાં રહેતા મહાપુરુષો દાન, ભેટ કે દક્ષિણાનો કદી સ્વીકાર કરતા નથી. ખેતી, ધીરધાર, જમીન, જાગીરો અને મહેનત મજૂરી કરીને જ તેઓ સંસ્થાઓ નિભાવે છે જે વંશપરંપરાથી એ રીતે જ નભતી આવી છે. શ્રી બ્રહ્મભારતી મહારાજની શિષ્યપરંપરામાંથી ઉતરી આવેલા શ્રી ગણપતભારતી મહારાજને સંવત ૨૦૦૮, પોષ સુદ બારસ ને તા. ૮.૧.૧૯૫૨ના રોજ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યજી દ્વારા ‘દશનામ ભૂષણ’ની પદવી અર્પણ કરી હતી.
સિદ્ધપુરમાં ગૃહસ્થી દશનામ ગોસ્વામી વંશમાં જન્મેલા અને ગ્રહસ્થાશ્રમી એવા મહાન યોગી શ્રી સુરજબાઈ થઈ ગયા. તેઓએ સંવત ૧૯૧૭ની ભાદરવી પૂનમે સવારે ૧૦ વાગ્યે હજારો માણસોની હાજરીમાં સરસ્વતી તીરે આવેલા સ્વયંભૂ શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવની જગ્યામાં જીવતા સમાધિ લીધી હતી.
મોટા મઠની જાગીરી બત્રીસ ગામની હતી. મઠનું એકાઉન્ટ ઋગ્વેદી દવે પરિવારના દવે આત્મારામ લખતા હતા જે બળદેવદાસ કકલદાસ દવેના કાકા હતા. મોટા મઠમાં ચૈત્ર માસમાં બ્રાહ્મણોને સમૂહભોજન કરાવવામાં આવતું હતું અને દરેક બ્રાહ્મણને નિર્ણયસાગર પંચાંગ ભેટ તરીકે આપવામાં આવતું હતું. આ મઠમાં ઘણી હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મો, નાટકો ઉપરાંત ‘ફડફડાટ’ ધારાવાહિક સિરિયલનું શૂટિંગ થયેલું છે. અહીં હેરિટેજનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ અર્થે પણ આવે છે. ગાઈડ તરીકે સિદ્ધપુરના શ્રી માધવીબેન ઠાકર તેમજ ધ્રુવ દવે સહયોગ આપે છે. માત્ર નિહંગ (ફક્કડ) બાવાઓની રહેવાની જગ્યાને તે લોકો મઠ કહે છે. (સંદર્ભ : ઇ.સ. ૧૯૫૩માં પ્રકાશિત દશનામભૂષણ સ્વામીશ્રી ગણપતભારતી ગુરુશ્રી અદાભારતી લિખિત ‘ભારતી કૃત ભજનમાળા’)