ચૌલકર્મ – મારી બાબરીનો પ્રસંગ
ઘણા પરિવારોમાં એવો રિવાજ હોય છે કે પ્રથમ બાળક પાંચ કે સાત વરસનું થાય ત્યાં સુધી એને કેશ-કર્તન અથવા મુંડન કરાવાતું નથી. મા, દાદી, બહેન અથવા કુટુંબનું બીજું કોઈ સભ્ય હોંશે હોંચે વાળ હોય તો બે પૂંછડી અથવા ઓછા હોય તો એક ચોટલી લે છે. ક્યારેક નાની અંબોડી તો ક્યારેક બંને બાજુ ચોટલી લઈ એકબીજાની વિરુદ્ધ સુધીનો હિંડોળો એમ આ વધી રહેલા વાળની માવજત થતી રહે છે. આ રીતે વધારાતા વાળને બાબરી કહે છે.
કુટુંબના રિવાજ અને પરંપરા મુજબ અંબાજી, બહુચરાજી કે અન્ય કોઈ જગ્યાએ આ વાળ પાંચ અથવા સાત વરસની ઉંમરે ઉતરાવે છે. આ પ્રકિયાને ચૌલકર્મ અથવા બાબરી ઉતરાવવી કહેવાય છે.
અમારા કુટુંબના રિવાજ પ્રમાણે બાબરી બહુચરાજી ઉતરે છે. એ જમાનામાં તો બહુચરાજીનું મંદિર ખાસ મોટું ન હતું. નાની મોટી ધર્મશાળાની સવલત રહેતી, પણ એથી વિશેષ કંઈ નહીં.
મારાં નાનાં માસીનાં દીકરી બચુબેન લાઘણજ પરણ્યાં હતાં. અમારા એ બનેવી રામશંકરભાઈ માના પૂજારી તરીકે સેવા આપતા એ મોટો ફાયદો હતો, કારણકે એના કારણે માનો થાળ ધરાવવામાં તેમજ અન્ય વિધિવિધાનોમાં તો મદદ મળી રહે પણ બહુચરાજી પરિસરમાં જ એમના નિવાસસ્થાને રહેવાની વ્યવસ્થા પણ થઈ શકી હતી.
મૂરત પ્રમાણે સિદ્ધપુરથી અમે ટ્રેનમાં બહુચરાજી જવા નીકળ્યા. સવારે સાડા છ વાગ્યે તારંગા લોકલ પકડી અમે મહેસાણા પહોંચ્યા. અહીંથી અમારે ગાડી બદલવાની હતી. મહેસાણાથી હારીજ અને બહુચરાજી એ બન્ને તરફ જવા માટે સવારે લગભગ સાડા નવ વાગ્યે ગાડી ઉપડે. અદ્દલ બાપુની ગાડી. બહુચરાજીમાં મેળો હોય તે સમયે ગિરદી રહેતી હશે બાકી સાવ નિરાંત. આખો ડબ્બો માત્ર પાંચ સાત પેસેન્જરના હવાલે. મહેસાણાથી ગાડી ઉપડે, પહેલું સ્ટેશન પાંચોટ, ત્યારબાદ ધિણોજ, અને પછી આવે મણુંદ રોડ. ત્યાર પછી રણુંજ અને એક નાનું ફ્લેગ સ્ટેશન, જીતોડા પછી ચાણસ્મા. સાડા નવ વાગ્યે મહેસાણાથી ઉપડેલી ગાડી, અત્યારે રોડ રસ્તે મહેસાણાથી ચાણસ્મા પહોંચતા માંડ કલાક લાગે છે તેટલું અંતર તે સમયે ખાસ્સા સાડા ત્રણ કલાકમાં કાપતી. ચાણસ્માથી હારીજ પણ જવાય અને બેચરાજી પણ જવાય. અમારે બેચરાજી જવાનું હતું. જીતોડા અને ચાણસ્મા આવ્યું એટલે પોતાનું બાપીકું ગામ આવ્યું એનો આનંદ. અમે ત્રણ જણાં અને ચોથી મારા કાકાની દીકરી બહેન મંજુબેન, એમ ચાર પેસેન્જર હતાં. ચાણસ્માથી અમારા કુટુંબી અને રેવન્યુ ખાતામાં તલાટીની નોકરી કરતાં કાંતિભાઈ રવિશંકર, મૂળશંકર વ્યાસ જોડાયા. ચાણસ્મા ખાસ્સી પંદર મિનિટ ગાડી ઊભી રહી. તરસ લાગી હતી, બાપાની થેલીમાં પિત્તળનો ગ્લાસ હતો તે કાઢી સામે નળેથી પાણી કાંતિભાઈ પાસે મંગાવ્યું. સિદ્ધપુર સરસ્વતીનું પાણી મીઠું મધ નાળિયેરના પાણી જેવું પીવા ટેવાયેલી જીભને ચાણસ્માનું થોડુક ખારું એવું મરકું પાણી ભાવ્યું નહીં. પણ તરસ ખૂબ લાગી હતી, પીવાઇ ગયું. માગશરનો મહિનો હતો. ગાડી બહુચરાજી તરફ જવા માટે ઉપડી ત્યારે બ્રાહ્મણવાડા, ભાટસણ, ખાંભેલ, વેણપુરા, શંખલપુર અને છેલ્લું મા બહુચરનું ધામ તે બહુચરાજી. મા ભક્તિભાવથી વિભોર થઈ ઉઠી. ઘણી બાધા-આખડીઓ પછી માએ એને એકનો એક દીકરો આપ્યો હતો. એની બાબરી ઉતરાવવા એ માના પારે લઈને આવી હતી. માનું પરિસર ખાસું મોટું, કુકડાઓ દોડાદોડ કરે. મઝા આવી ગઈ કુકડાઓને ભગાડવાની. રામશંકરભાઈને ત્યાં ઉતારો હતો. મારે તો બીજું કંઈ કરવાનું ન હતું. રાત પડે કુકડાઓ પાછળની હડિયાપટ્ટીમાં થાકીને લોથપોથ થઈને સૂઈ ગયો તે બીજે દિવસે વહેલું પડે સવાર.
ચૌલકર્મના આ સંસ્કારના આવિર્ભાવ વિષે વાત કરીએ તો આ સંસ્કારોનો આવિર્ભાવ એ વૈદિકોની ઉચ્ચ માનસ-શાસ્ત્રીય સમજનું દર્શન છે. અને તેથી જ વૈદિક ક્રિયા-કર્મોમાં પણ સંસ્કારોને જ પ્રમુખ સ્થાન આપવામાં આવેલું છે. ઇચ્છિત અને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ થાય અને ઉત્પન્ન થયેલ બાળક ગુણવાન, ઐશ્વર્યવાન, આરોગ્યવાન બની રહે આ સંસ્કારવિધિનું મુખ્ય પ્રયોજન છે.
શાસ્ત્ર વર્ણિત સંસ્કારોમાં જન્મથી મૃત્યુ સુધીમાં અનેકવિધ સંસ્કારો છે જેમાં સોળ સંસ્કાર મુખ્ય છે અને સર્વમાન્ય પણ છે. જેમાં ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમન્તોન્નયન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ચૌલ - ઉપનયન સંસ્કાર, ચાર પ્રકારના વેદવ્રત સંસ્કર, કેશાન્ત, સમાવર્તન અને વિવાહ સંસ્કાર વગેરેનું વર્ણન છે. આ સંસ્કાર બાળકના જન્મ પછી ત્રીજું અથવા પાંચમું વિષમ વરસે કુટુંબના કુલ દેવી કે કુલ દેવતાના સ્થાને કરવામાં આવે છે. ચૌલ કર્મ સોમવાર, બુધવાર, ગુરુવાર, અને શુક્રવારે કરવામાં આવે છે.
બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે. તેમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે. ચૌલ ક્રિયા, બાબરી એટલે કે બાળકોના વાળ ઉતારવાની ક્રિયા માનસરોવર તળાવ નજીક કરવામાં આવે છે. મહેસાણા જિલ્લાના ઊંઝા, પાટણ, ચાણસ્મા સહિત તેમજ અમદાવાદ જેવા વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અહીં પોતાના પરિવાર સાથે આવે છે અને પોતાના પ્રથમ પુત્રના જન્મની ખુશાલી રૂપે બાળકની ચૌલક્રિયા વિધિ અહીં કરાવી ધન્યતા અનુભવે છે. આ માટે બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખાસ આયોજન કરાય છે. ભગવાન શ્રી કૃષ્ણની બાબરી પણ અહીં ઉતારવામાં આવી હતી એવી માન્યતા છે. જ્યારે ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણના માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમાં મા અંબાના સ્થાને થઈ હતી. આ પ્રસંગે નંદ-યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજીમાં રહ્યાં હતાં.
સવારે જાગ્યા, સ્નાન ઈત્યાદિ પતાવ્યું. માની આરતીનો લાભ અનાયાસે મળી ગયો. મુહૂર્ત નજીક આવતું હતું. સવા નવ વાગ્યે મને બરાબર તૈયાર કરીને માનાં દર્શન કરવા લઈ ગયા. પૂજારીએ આશીર્વાદ આપી શુકનની એક લટ લઈ લીધી. ત્યાર પછીની વિધિ ત્યાં પરિસરથી થોડું દૂર આવેલ માનસરોવર ઉપર કરવાની હોય છે. ત્યાં લઈ જઈ મુંડન એટલે કે ચૌલકર્મ કરવાની શરૂઆત થાય તે પહેલાં કાતરથી વાળંદ લટ કાપવાની તૈયાર કરે છે. તે બહેનના ખોળામાં ઝીલાય છે. મારા કાકાની દીકરી મંજુબેન આ માટે ખાસ આબુ રોડ પાસે માવલથી આવી હતી. મુંડન વિધિ દરમિયાન ઘણાં બાળકો રડે અથવા તોફાન કરે છે એટલે એમને પકડી રાખવાં પડે છે. આમાં ક્યાંક અસ્ત્રો વાગી જાય અને લોહી પણ નીકળે. પણ આપણે રામે આવું કાંઇ ના કર્યું. તોફાન કરવાનો ક્વોટા તો ઘણો વહેલો વપરાઇ ગયો એટલે ડાહ્યાડમરા થઈ ટકોમુંડો કરાવી લીધો. વળી પાછું સ્નાન કર્યું. અને મા બહુચરના સમીપ ઉપસ્થિત થયા જ્યાં પૂજારીએ માથા ઉપર સ્વસ્તિક અને કપાળમાં કુમકુમનું તિલક કરી માની પાવડી માથે મૂકી. વીધી પૂરી થઈ. થાળ ધરાવાયો અને પાંચ બ્રાહ્મણોને જમાડી બાપાએ દક્ષિણા પણ આપી. એ જ દિવસે બપોરે વળતી ગાડીમાં અમારો સંઘ સિદ્ધપુર જવા રવાના થયો. રસ્તામાં જેટલાં સ્ટેશન આવે એનાં પાટિયાં વાંચવાની ચાપલૂસી કર્યા કરતો. બેચરાજીથી શરૂ થયેલી અમારી સફર, શંખલપુર, બ્રાહ્મણવાડા, ચાણસ્મા, રણુજ, મણુંક રોડ, ધીણોજ, પાંચોટ થઈને સાંજે મહેસાણા પહોંચી. મહેસાણા પહોંચતા સુધીમાં ધીરે ધીરે મને તાવ ચઢવા માંડ્યો હતો. ગળામાં સખત દુ:ખતું હતું. મહેસાણા ઉતર્યા ત્યારે શરીર તાવે ધખી રહ્યું હતું. ઉનાવાવાળા ડોક્ટર દલપતરામ રાવલ જે આગળ જતાં જયદત્ત શાસ્ત્રીજીના વેવાઈ થયા, એમની પાસે લઈ ગયા. દવા આપી, કાકડા થયા છે એવું કહ્યું. અમે સાંજની પાલનપુર લોકલ પકડી સિદ્ધપુર જવા રવાના થયા. આખે રસ્તો કણસતો રહ્યો. બોલવા ચાલવાના હોશ નહોતા. સિદ્ધપુર ઉતરી ઘોડાગાડી કરી અમે રાત્રે ઘરે પહોંચ્યાં.
મા ખૂબ જ ચિંતામાં હતી. ઘરે જઈને એણે હું માંદો પડ્યો તેની બધી ખીજ શબ્દોમાં ઠાલવી, ‘પગમાં પાંખો આવી હોય એમ કુકડાઓ પાછળ દોડતો હતો, પોપટની માફક બધાં સ્ટેશનોનાં નામ વાંચતો હતો, નજર ન લાગે તો શું થાય?’ માએ તાત્કાલિક ધોરણે નજર ઉતારી. આજે કદાચ આ બધું હસવું આવે એવું લાગે છે પણ નજર લાગે કે ના લાગે એ તર્કવિતર્કને બાજુમાં મૂકીએ. મૂળ વાત માને એકના એક છોકરાને કેમ જલદી સાજો કરી દેવો એ ચિંતા હતી. તે સમજાવવા પૂરતું આ લખ્યું છે.
થોડા દિવસમાં પાછો સાજો થઈ ગયો. નિશાળમાં પહેલાં હું એકલો જ છોકરીની માફક વાળની અંબોડી કે શેર ગૂંથીને જતો હતો. હવે હું પણ બધાની માફક વાળ રાખી શકીશ અને દર અઠવાડિયે માથું ધોવરાવી વાળ સુકવવાની ઝંઝટમાંથી છૂટો થયો તેનો આનંદ હતો. થોડા દિવસ નિશાળે ટોપી પહેરીને જતો. મા માથામાં એણે જાતે તૈયાર કરેલું ધુપેલ ઘસતી જેથી ઠંડક રહે. ધીરે ધીરે વાળ ઉગવા માંડ્યા હતા અને હવે હું પણ બધાની માફક વાળ કપાવી ઓળાવાતો થઈ ગયો તેનો આનંદ હતો. બાબરી વખતે લેંઘો અને ઉપર કાળો ઝભ્ભો અને ખભા ઉપરથી આગળ છુટ્ટા મૂકેલા ખાસ્સા લાંબા વાળ એવો ફોટો ખૂબ ઉમંગથી બાપાએ સિદ્ધપુરના તાહેર ફોટો સ્ટુડિયોમાં પડાવ્યો હતો. આ ફોટોગ્રાફના આલ્બમને અમદાવાદ મારા નિવાસસ્થાને માળીયામાં ભેજ લાગવાથી મારા લગ્ન જીવન સુધીના બધાજ ફોટાઓની સ્મૂર્તિ ભેજમાં ઓગળી ગઈ.
ખેર ! આજ તો વાસ્તવિક્તા છે ને...