ઘર - શાસ્ત્રીજીની પાઠશાળા – મૂળજીકાકાનો થૂંબડો અને ગુરુનાં પગલાં વચ્ચે સમાઈ જતું મારું બાળવિશ્વ
બાળપણમાં ઘણી વખત બાપાની આંગળી પકડી ‘ગુરુનાં પગલે’ જવા નીકળતો. રસ્તામાં મૂળજીકાકાનો બંગલો ‘કૈલાસનિવાસ’ આવે. મૂળજીકાકા એટલે શ્રી મૂળજીભાઈ લલ્લુભાઈ પટેલ, ચરોતરના ભાદરણ ગામના એક ખૂંખાર પાટીદાર. એમની ખૂબ મોટી ધાક. સાચા અર્થમાં દબંગ માણસ. કરડાકીવાળો ચહેરો, માણસને આરપાર વીંધી નાખે એવી વેધક દ્રષ્ટિ. માથે ફરવાળી ટોપી, ધોતિયું, ખમીસ અને એના ઉપર કોટ - એમનો પહેરવેશ. પાક્કી ચરોતરી ભાષા અને રહેણીકરણી. સિદ્ધપુરમાં ચરોતરના બે પાટીદાર કુટુંબો સાથે અમારે ઘરોબો. એમાંનું એક આ મૂળજીકાકાનું. ચરોતરમાં એ જમાનામાં પાટીદારોમાં સ્ત્રીઓ પરદાપ્રથા પાળતી. મૂળજીકાકાનાં પત્ની ગંગાબા કોઈ મુલાકાતી બેઠા હોય ત્યારે ક્યારેય બહાર ન દેખાય કે આડાં ન ઉતરે. આવું જ બીજું કુટુંબ અચળાપુરામાં રહેતું રુદ્રદત્તભાઈ ડોક્ટરનું. રુદ્રદત્તભાઈના મામા એટલે પુરુષોત્તમભાઈ હાથીભાઇ પટેલ ઉર્ફે દાસકાકા. જમાનાના ખાધેલ માણસ. પોતાની બેન ડાહીબાને નાની ઉંમરે વૈધવ્ય ભોગવવાનું આવ્યું એટલે મનોમન આ જીવે બેનનું કુટુંબ એ જ પોતાનું એમ મન વાળી લીધું. સગાઈ થઈ હતી. એક દિવસે પોતાની વાગ્દત્તાને સાકર અને ચુંદડી આપી ધર્મની બહેન બનાવી દીધાં. ત્યારથી આજીવન દાસકાકા એ રુદ્રદત્તભાઈના પરિવાર સાથે જ રહ્યા અને સંપૂર્ણ નિષ્કલંક બ્રહ્મચારી જીવન ગાળ્યું. રુદ્રદત્તભાઈનાં પત્ની સવિતાબેન, એમનો એક દીકરો તે ગુજરાતની રણજી ટ્રોફી ટીમનો ડાબોડી મીડિયમ પેસર જયપ્રકાશ પટેલ. સિદ્ધપુરમાંથી રણજી ટ્રોફી ટીમ સુધી પહોંચનાર પહેલો અને અત્યાર સુધી એકમાત્ર ખેલાડી. મારો સમવયસ્ક અને અત્યારે અમદાવાદમાં સ્થાયી થઈ ક્રિકેટ કોચિંગના ક્ષેત્રે વ્યસ્ત એવો એક ઓછાબોલો સજ્જન અને ખાનદાન માણસ. ડાહીબા અને ગંગાબા બંનેના ત્યાં દિવાળી વખતે જઈએ ત્યારે ખાસ લાલચ હોય મઠિયાં ખાવાની. બંને ઘરે અસલ ચરોતરનાં મઠિયાં પીરસાય.
વળી પાછા મૂળજીકાકાના કુટુંબની વાત કરીએ. મૂળજીકાકા અને ગંગાબાને એક દીકરો તે મદનીશભાઈ પટેલ. પત્નીનું નામ સુશીલાભાભી. મદનીશભાઈને ચાર બહેનો – સરોજબેન, ગાયત્રીબેન, પુષ્પાબેન અને કુમુદબેન. મૂળજીકાકાનો એક દીકરો ચિનુભાઈ – જે પણ એમના જેવો જ દબંગ શખ્શિયતનો માલિક – ભરયુવાન વયે ગુજરી ગયા. એમના ભાઈના એક દીકરા ચીકાભાઇ ઉર્ફે કાંતિલાલ સી. પટેલ પણ મૂળજીકાકાના કુટુંબની સાથે રહી ઉછર્યા. મદનીશભાઈને સંતાનોમાં ચાર દીકરા ને ત્રણ દીકરી. સૌથી મોટો અને મારો સમવયસ્ક રવિન્દ્ર (જવાહર). ત્યારબાદ અત્યારે સિદ્ધપુરમાં સિનિયર એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતો ભાઈ કિરીટ. પછી દિગ્વિજય અને સૌથી નાનો મુકેશ. દીકરીઓમાં શીલા, રશ્મિ અને કલ્પદત્તા. ગંગાબા એકદમ ભગવાનનું માણસ. પુણ્યશાળી આત્મા. સાવ સરળ સ્વભાવ. મદનીશભાઈના બાળકોને દાદીમાનું સુખ પૂરેપુરું મળ્યું જેની ક્યારેક મને ઈર્ષ્યા આવતી. આ મૂળજીકાકાનું બેસવા-ઉઠવાનું અને રહેવાનુ એક ઘર અને એની બરાબર સામે રસોડું, કોઠાર વિગેરે માટેનું બીજું ઘર. આંગણામાં એક પીપળનું ઝાડ અને બાજુમાં થોડે દૂર લીમડો. આ બંને વચ્ચે દોરીયો ફસાવી હિંચકો બાંધેલો. આ આખુંય સ્થળ આજુબાજુ કરતાં ઊંચાઈ ઉપર એટલે કે મૂળજીકાકાનું ઘર તેમજ એમની જમીનનો કેટલોક ભાગ મૂળજીભાના થૂંબડા તરીકે જાણીતો. ગુરુનાં પગલે જવું હોય તો મૂળજીકાકાના આ બે ઘરની વચ્ચેથી રસ્તો જાય. એમની જમીનનું છીંડું વટાવીએ એટલે આંકવી તરફ જતો રસ્તો આવે. તેને વટાવી થોડે આગળ જઈએ એટલે સ્વામી જનાર્દનતીર્થ આશ્રમ જેને ગુરુનાં પગલાં તરીકે ઓળખતા. પણ જનાર્દનતીર્થ આશ્રમના ઝાંપામાં દાખલ થઈએ એ પહેલાં ડાબા હાથે લગભગ પાંચેક વીઘામાં ફેલાયેલું ભટ્ટજીનું આંબાવાડિયું. કચરીયો ભીલ એ આંબા રાખે. ઉનાળુ વેકેશનમાં આ આંબાવાડીયા ઉપર અમારી નજર રહે. અને ક્યારેક લાગ મળે તો કચરીયા ભીલનું ધ્યાન ચૂકવી એકાદા આંબા ઉપર ચઢીને કેરીઓ તોડી લાવવાની. બાજુમાં જ શાસ્ત્રીજીની પાઠશાળા અથવા કિરીટનું ઘર. ત્યાં ગમે ત્યાંથી મરચું, મીઠું અને ખાંડની વ્યવસ્થા થઈ જાય એટલે ટેસડાથી ત્યાં આંબાવાડીયાના ખૂણે જ એક ગોળાકાર વિહામીયો હતો તેના પર અથવા ગુરુનાં પગલે ધર્મશાળા જેવો ભાગ હતો એની પડાળીમાં બેસીને જ્યાફત ઉડાડવાની. આ ગુરુનાં પગલે બેચાર બોરડીઓ પણ હતી. એટલે બોરની સિઝનમાં બોર મળી રહે અને ઉનાળામાં કિરીટના ખેતરના નેળિયાના ખૂણે ઉભેલો જાંબુડો સરસ મજાનાં મીઠા જાંબુ ઉપલબ્ધ કરાવી આપે. એ જ રસ્તે આગળ જતાં ડોડીયાવાળો વાંઘો આવે અને ત્યાંથી આગળ કસ્તૂર પટેલની જામફળીઓ અને એ પહેલાં મારા સહાધ્યાયી કાંતિ ભાઈચંદનું ખેતર. ગુરુનાં પગલાંની વાડને અડીને જે ખેતર હતાં એમાં એક ભગા હાવધરા, જે મોટે ભાગે ભગા બટાકાવાળા તરીકે ઓળખાતા, એ ભગવાનદાસનું ખેતર. એનો દીકરો કાંતિલાલ અને એમની બાજુમાં રત્ના લાવજીના અને સાથોસાથ મારા બીજા સહાધ્યાયી મફત મંગળનું ખેતર જ્યાં શિયાળામાં શક્કરીયાં અથવા ટામેટાં વવાય અને એની પણ ક્યારેક ક્યારેક ગ્રહો સારા હોય ત્યારે મોજ માણવાની તક મળી જાય. આવા સરસ મજાના કુદરતી વાતાવરણ વચ્ચે જનાર્દનતીર્થ આશ્રમમાંથી દાખલ થઈએ એટલે ડાબી બાજુ સ્વામીજીના પગલાં અને ધ્યાન માટેની રૂમ આવે. થોડા આગળ વધો એટલે જમણી બાજુ થોડીક ઓરડીઓ અને ધર્મશાળા જેવો ભાગ, જ્યાં ઘણી વખત સિદ્ધપુરમાંથી ફિસ્ટ કરવા માટે લોકો આવતા. એક વખત અમે પણ અખતરો કરેલો અને માંડ બાર વરસથી નીચેની ઉંમરનાં બધાં ટાબરિયાં ભેગાં થઈ બટાકાનું શાક અને ભાખરી બનાવેલાં. એ પરસાળીની બરાબર સામે ડાબે શિવમંદિર જ્યાં અમે બધા ધાર્મિક જીવોએ ભેગા થઈ એ દિવસે પાઠશાળાના એક વિદ્યાર્થી પાસે અભિષેક કરાવેલો. દક્ષિણા આપવાની કોઈ રોકડ જોગવાઈ નહોતી એટલે એને ભાખરી શાક જમાડી ફોગટમાં અમે પુણ્ય લેવાનો પ્રયોગ કરેલો. બાકીનું બધું સીધુ, લોટ, તેલ, મરચું, મીઠું, બટાકા, ગોળ સહુસહુના ઘેરથી શક્તિ મુજબ ધાપ મારી ઉઘરાવી લાવેલા અને સરસ મજાની પાર્ટી કરી હતી. ઘણી બધી જગ્યાએ જવાનું અને જમવાનું બન્યું છે ફાઇવસ્ટાર હોટેલ સમેત. અમારી એ હાથે બનાવેલી જુદા જુદા આકારવાળી ક્યાંક થોડી દાઝેલી તો ક્યાંક થોડી કાચી એવી ભાખરી અને બટાકાના રસાવાળા શાક જેવો સ્વાદ ચાખવા મળ્યો નથી. ટેસડો પડી ગયો હતો. આ જગ્યામાં જ એક કૂવો પણ હતો. જેનાથી થોડા આગળ જઈએ તો એક વાડ આવે અને વાડ પર ડોડીના વેલા થતા. આ ડોડીના ડોડાં ખાવાની મજા એ વખતે કોઈ પણ મિજબાની કરતાં વધારે લાગતી.
થોડી દૂર એ જ વાડ પર ચણોઠી પણ હતી જેનાં પાંદડાં મીઠાં લાગે. મોઢું આવ્યું હોય તો ચણોઠીનાં પાંદડાં ચાવી લાળ દદડતી રાખવાની. મટી જાય. આ આશ્રમમાં રાજપુર ગામના શ્રદ્ધાળુઓ તેમજ ચવેલી, જીતોડા વગેરે ગામોથી ભક્તો આવતા. પરમ આદરણીય બ્રહ્મચારી હરિભાઇ એક અત્યંત સૌમ્ય અને પ્રેમાળ વ્યક્તિત્વનું સ્મરણ હજુ આજે પણ તાજું છે.
ગુરુનાં પગલાં અથવા જનાર્દનતીર્થ આશ્રમનો એક ખૂબ મોટો ઇતિહાસ શ્રદ્ધા અને આધ્યાત્મ સાથે જોડાયેલો છે. પુણ્યબળનો ઉદય કહો કે શુભ સંયોગ, આ અંગેની સંપૂર્ણ માહિતી શોધખોળ કરતાં હાથ આવી છે. પહેલાં વિચાર હતો એને ટૂંકાવીને માત્ર સાર રજૂ કરું પણ જેમ જેમ એ વંચાતું ગયું આ વિચાર થોડો નબળો પડ્યો છે. જોઈએ હવે પછી ભાવિએ શું નિર્માણ કર્યું છે, વિસ્તૃત વર્ણન કે પછી ટૂંકાવીને રજૂ કરેલ સાર.
મારા બાળપણના જીવન સાથે, એની ધમાચકડી સાથે, એનાં તોફાનો સાથે, સાહસો સાથે, જે જગ્યાઓ ખૂબ નિકટથી જોડાઈ હતી એમાં એક શાસ્ત્રીજીની પાઠશાળા, બીજું મૂળજીકાકાનો થૂંબડો અને ત્રીજો જનાર્દનતીર્થ આશ્રમ. અમે રાજપુરના સીમાડે મોટા થયા. પણ એ રાજપુર સાથેનો પણ મારો પરિચય હું હાઈસ્કૂલમાં દાખલ થયો અને ક્રિકેટ રમતો થયો ત્યાર પછી પાંગર્યો. ત્યાં સુધી તો રાજપુર પ્રાથમિક શાળામાં બારોબાર જવાનું અને નિશાળ છૂટે ઘર ભેગા. ત્યાર પછીનું અમારું વિશ્વ એટલે ઘર, શાસ્ત્રીજીની પાઠશાળા, ગુરુનાં પગલાં અને મૂળજીકાકાનો થૂંબડો. આટલી નાની દુનિયામાં સમાઈને મોટાં સપનાં જોવાની વાત તો સંભવે જ ક્યાંથી? કદાચ આ જ કારણસર મારા બાળપણમાં કોઈ મોટાં સપનાં મને હેરાન કરતાં નહોતાં. રસ્તો સરળ હતો. ફાઇનલ પાસ કરી એટલે પ્રાથમિક શિક્ષક બનાય. એ સ્ટોપ વટાવ્યું. હાઈસ્કૂલમાં જતાં પહેલા જ હિન્દીની પરીક્ષાઓ, ગુજરાત વિદ્યાપીઠની અને ભારતીય વિદ્યાભવનની આપવાની શરૂ કરી. એસએસસી પાસ કરતાં પહેલાં મેં ગુજરાત વિદ્યાપીઠની વિનીત અને ભારતીય વિદ્યાભવનની રાષ્ટ્રભાષારત્ન પાસ કરી એટલે કે હિન્દીમાં હું સ્નાતક સમકક્ષ બન્યો જે મારાં સપનાના બીજા પગથિયે પહોંચવા માટે પૂરતું હતું. એ બીજું પગથિયું હતું હાઈસ્કૂલના શિક્ષકની નોકરી કરવાનું. બસ તે સમયે તો મારી દુનિયા આટલામાં જ સમાઈ જતી હતી પણ ભાવિએ મારા માટે કાંઇ જુદું જ નિર્મિત કર્યું હશે તે હું ન તો પ્રાથમિક શાળાનો શિક્ષક બન્યો ન માધ્યમિક શાળાનો પણ શિક્ષક જરૂર બન્યો - યુનિવર્સિટીમાં. ખેર શિક્ષક એ તો શિક્ષક જ છે ને?
સાવ સાચું. હું આજે પણ શિક્ષક જ રહ્યો છું.
કદાચ એનું કારણ પેલી જનાર્દનતીર્થ આશ્રમથી માંડી શાસ્ત્રીજીની પાઠશાળા અને મૂળજીકાકાના થૂંબડાથી મારા ઘરની વચ્ચે સમેટાઇ જતી મારી નાની દુનિયા હશે એમ કહી શકાય?
સાચું ખોટું રામ જાણે !!!