મારા દોસ્તારો – ભાઈબંધી હજુ પણ અષાઢી મોગરાની જેમ મહેકે છે.
મિત્ર, ભાઈબંધ, ગોઠિયો, દોસ્ત. આ શબ્દોની વ્યાખ્યા કેમ કરવી એ સમજાતું નથી. કોને દોસ્ત કહેવાય એનો દાખલો શોધવો હોય તો તરત કૃષ્ણ સુદામાનો દાખલો ઉલ્લેખાય છે. તકલીફ એ છે કે મારા કિસ્સામાં હું નથી કૃષ્ણ અને મારા મિત્રોની દિલેરી એટલી મોટી છે કે એમાંનો એકેય સુદામા બની શકે એમ નથી. અહીંયા તો ઊલટું છે. મારે ક્યાંક કહેવું પડે કે –
બનતા હૈ મેરા કામ તુમ્હારે હી કામ સે
હોતા હૈ મેરા નામ તુમ્હારે હી નામ સે
તુમ જૈસે મેહરબાં કા સહારા હૈ દોસ્તો
યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો
આવા બાળપણના ગોઠિયાઓની વાત કઈ રીતે લખવી? કૃષ્ણ સુદામા તરફ પાછા ફરીએ તો મા એક કવિત અથવા ભજન ગાતી જેની પંક્તિઓ હતી –
પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે
હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે
આપણે બે સાથે રહ્યા તને સાંભરે રે
હાજી સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે
ઉંમર વધ્યા પછી ડહાપણ વધે એ આશામાં શાહબુદ્દીનભાઈને સાંભળતાં, તેમની વ્યાખ્યા પ્રમાણે દોસ્ત કેવો હોવો જોઈએ એ પણ જાણ્યું. શાહબુદ્દીનભાઈ કહે છે કે –
મિત્ર એસા કિજીએ જે ઢાલ સરીખો હોય,
સુખ મેં જો પીછે રહે ઔર દુ:ખ મેં આગે હોય
વળી પાછું એવું પણ કહે છે કે –
મિત્ર એસા કિજીયે જૈસે સીર કો બાલ
કાટ કાટ કે કાટીયે ફિરભી તજે ના ખાલ
પણ દોસ્તની આ વ્યાખ્યામાં તો આપણો જ સ્વાર્થ આવે. બાળપણને અક્કલ નથી હોતી અને એટલે એ વખતે જે દોસ્તી બંધાય છે કે કોઈ ગણતરી કે ભવિષ્યની ધારણા વગરની બંધાય છે. નિર્ભેળ પ્રેમ, કોઈ મોટું નથી હોતું અને કોણ મોટું થઈને શું બનવાનું છે એ તો ખબર જ નથી હોતી. માત્રને માત્ર મન મળી જાય અને દોસ્તી બંધાઈ જાય. કોઇ રસ્તો ના દેખાતો હોય ત્યારે જેની સાથે બેસીને પોતાના દિલની મૂંઝવણનો પટારો ખોલી શકાય તે દોસ્ત. પ્રથમ પ્રેમની વાત શરમાતા શરમાતા જેની સાથે જરાય શબ્દો ચોર્યા વગર કરી શકાય તે દોસ્ત. ઘરેથી ગજવે ઘાલેલા દાળિયા કે શીંગ જેની સાથે વહેંચીને ખાઈ શકાય તે દોસ્ત. જેના ખભે હાથ મૂકીને જાણે કોઈ મોટી શિખરમંત્રણા ચાલતી હોય તે રીતે ચાલી શકાય તે દોસ્ત. જેને કોઈ સતાવે તો ગુણદોષમાં ઉતર્યા વગર જેનું ઉપરાણું લઈ શકાય અને સાચા-ખોટાની પડપૂછમાં પડ્યા વગર જેના આડે ઢાલ થઈ ઊભા રહી શકાય તે દોસ્ત. બાળપણમાં દોસ્તી બહુ સહજ રીતે બંધાઈ જતી હોય છે, પણ જેમ ખેતરમાં વાવેલું બિયારણ બધું જ ઉછરીને ફળ આપવા સુધી નથી પહોચતું તેમ ખૂબ શરૂઆતની અવસ્થામાં વવાયેલી દોસ્તીનાં બિયારણ ક્યાંક ઉગતાં નથી તો ક્યાંક કરમાઈ જાય છે. જીગરજાન દોસ્ત જ્યારે નિશાળમાં આવીને કહે કે હવે તો મારા બાપા ની બદલી થઈ છે મારે બીજે જવાનું થશે અને ત્યારે જે આઘાત લાગે એનું દુઃખ કેટલું હોય છે તે વેઠનાર જ જાણે. ક્યારેય અમારા ગામડાની નિશાળમાં કોઈ ભણવાનું છોડી દે તો પણ છુટો પડી જાય. એમ કરતાં કરતાં પરિપક્વ મૈત્રી, આ મુગ્ધાવસ્થાની મૈત્રી, જે છેક જીવનના અંત સુધી જળવાઈ રહેવાની છે, તેનાં ફળ પાકે. કદાચ એટલે જ કહેવાયું છે કે –
શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક
જે પર સુખદુઃખ વારીયે, તે લાખોમાં એક
મારું બાળપણ આવા મિત્રોના વૈવિધ્યથી સભર રહ્યું. માંડ સાતમું ભણીને ઉઠી ગયેલ સોમાજી બાજુજી ઠાકોર, ત્યાર પછી લખોટી રમતાં રમતાં કે લંગડી રમતાં રમતાં, ગીલીદંડા રમતાં રમતાં કે ખોખો રમતાં રમતાં રાજપુરની પ્રાથમિક શાળાએ મને જે મિત્રો આપ્યા તેમાં તે વખતે સૌથી પહેલું નામ આવે જયંતિ અંબારામ. જોરદાર માણસ. શરીર બળ ખાસું. હુતુતુ રમીએ ત્યારે સામે પક્ષેથી ખેલાડીને રીતસર ઊંચકી અને લઈ આવે. પણ લંગડી રમવામાં તો ત્રિભુવન સુથાર. એની ચપળતા અદ્ભુત. બાકી ભણવામાં હંમેશાં મારી લગોલગ રહે તેમાં શાંતુ શંકર અને એક મગરવાડાથી ભગવાન રૂગનાથ મિસ્ત્રી આવેલો તે. બાકી ટોળટપ્પાં મારનાર દોસ્તારોમાં તો બાબુ ડાહ્યા, માધા કાળુ, મફત મંગળ, આ બધા મારાં સહાધ્યાયીઓ. ટૂંકાં નામ એટલા માટે લખ્યાં છે કે અમે એકબીજાને એ રીતે બોલાવતા. ક્યારેક એક કરતાં વધારે વિદ્યાર્થીઓ એક જ નામધારી હોય ત્યારે તો આ જરૂરી બનતું. દાખલા તરીકે મારી સાથે ત્રણ જયંતિ હતા – જયંતિ અંબારામ, જયંતિ નારાયણ અને જયંતિ બેચર. બે મફા હતા - મફા મોતી અને મફા મંગળ. બાબુ ત્રણ હતા - બાબુ ડાહ્યા, બાબુ રામા અને બાબુ અંબારામ. હીરા પરસોતમ અને પરસોતમ હરી - ઉલટાસુલટી. અને પાછળ જુનિયરમાં એવાં જ નામ શંકર પરસોતમ અને પરસોતમ શંકર. ઈશ્વર શંકર (આભડેટ) અને બીજો ઈશ્વર શંકર. આમ સરખાં નામો અને આખા નામથી બોલાવવાનો રિવાજ. આજે પણ મારા બધા જ મિત્રોને આખા નામથી ઓળખું છું.
રાજપુરની શાળાએ આ મિત્રો મેળવી આપ્યા, જેમાં ક્યાંક અમારાથી જુનિયર હોય તેવા ચતુરજી રામસંગજી ઠાકોર અને લક્ષ્મણ મોતી પટણી પણ આવે, સાયબો પણ આવે અને નનીયો પણ આવે.
શાળા નં. ૧માં મને સિંધી મિત્રો નું આખું એક જૂથ મળ્યું, જેમાં જીવત ખાનચંદ, ચીમન જાંગીમલ, રુપામલ ગાંગુમલ, ગનામલ ક્રિષ્નામલ આવે. એક નાગર ભાણા હતો એ પણ આ જૂથની સાથે જોડાયેલો. આ શાળા નં. ૧માં સાતમા ધોરણમાં દાખલ થયો ત્યારે મળેલા આ મિત્રો, જેમની સાથે મૈત્રી હજુ પણ એમને એમ જળવાઈ રહી છે.
એલ એસ હાઈસ્કૂલમાં જે મિત્રો ઉમેરાયા તેમાં ગાંગલાસણના બે મિત્રો માધુભાઈ ચેલદાસ પટેલ અને લીલાચંદ કાળીદાસ પટેલનો છેવટ સુધી પરિચય ચાલુ રહ્યો છે, પણ થોડોક સમય માટે બિલીયાના રામજી કામા અને એ. જે. પટેલ પરિચયમાં આવ્યા અને ગુમ થઈ ગયા.
એલ એસ હાઈસ્કુલે મને સિદ્ધપુરના ભૂદેવ મિત્રો પણ ખાસ્સા મેળવી આપ્યા. હર્ષદ નટવરલાલ ઠાકર, નવનીત ભગવાનભાઈ ઠાકર, મહેન્દ્ર વાસુદેવ ઠાકર, કિરીટ પ્રભાશંકર ઠાકર, બચુ ઠાકર, ચંદ્રકાંત બી. ઠાકર, હર્ષદ એમ. ઠાકર. આજની માફક એ સમયે પણ ઠાકરોનો દબદબો હતો. એવો જ એક મિત્ર અરુણ રાણા અને પ્રજાપતિ સમાજના ચીમન જે. પ્રજાપતિ, નટુભાઈ પ્રજાપતિ. કાંતિલાલ ડી. વાળંદ અને રમેશ વાળંદ, કુમુદ પાધ્યા, સોમાભાઈ મફતલાલ પાધ્યા (પુરાણી). પણ સૌથી વધુ હું અભિભૂત હતો. કિરીટ ઠાકરની વક્તૃત્વ કળા અને અભિનયકળાથી, અને બીજો રમેશ વાળંદ અને નરેન્દ્ર પાધ્યા, બેની ગાયકી ઉપર. કિરીટને સંવાદો બોલતા જોઈ રહેવું એ એક લ્હાવો હતો. સ્ટેજ ઉપર એન્ટ્રી થાય અથવા વક્તૃત્વ સ્પર્ધા હોય, કિરીટ છવાઈ જાય. રમેશ વાળંદ અને નરેન્દ્ર પાધ્યાને ‘આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે’ અથવા ‘બોલ રી કઠપુતલી દોરી કોન સંગ બાંધી’ ગાતા સાંભળીએ ત્યારે લાગતું કે ભગવાને આ બંને મિત્રોને કેવી અદભુત ભેટ આપી છે. SCAના પિરિયડમાં માઈક પર ગુંજતો આ બંને મિત્રોનો અવાજ અથવા શાળાના વાર્ષિક ઉત્સવમાં સ્ટેજ પરથી રજૂ થતી તેમની ગાયકી કાનમાં હજુ પણ ગુંજે છે. અમારો ભાલુભાઈ ઠાકર અને બચુ ઠાકર બૉલ થ્રો કરીને પગમાં જ મારે. (કદાચ હજુ પણ એ જ ચાલુ રહ્યું છે) ગયાપ્રસાદ દવે અને ઘનશ્યામ ભટ્ટ.
પણ ત્રણ જણા તકલીફ ઊભી કરે, બે વણિક બંધુઓ એક હિંમતલાલ જે. શાહ અને બીજો અરવિંદ એન. પરીખ. ત્રીજામાં આવે માધુભાઈ ચેલદાસ પટેલ. એકથી ચાર નંબર માટેની હરીફાઈમાં આ લોકોથી હંમેશાં જાત બચાવી પડે. ભણવામાં તેજસ્વી.
આમાંથી કેટલાક મિત્રો ખૂબ આગળ વધ્યા. નરેન્દ્ર જેવા કેટલાક આજે હયાત નથી. અને જશુ બારોટ હજુ પણ કોઈ પણ સભામાં માઇક ઉપર બોલવા બેસે એટલે ક્યાં અટકશે એ કળવું મુશ્કેલ થઈ જાય છે.
આ બધા બાળપણના મિત્રો
એ સમયના મિત્રો જ્યારે કોણ ગરીબ અને કોણ પૈસાદાર એ સમજ નહોતી
હા! એ સમજ જરૂર હતી કે અમુક પૈસાદાર કુટુંબના નબીરાઓ છે,
અમુક મારામારી નિષ્ણાંત છે, વાડીથી ઝઘડો ઉભો કરે એટલે બચીને ચાલવું, એમની સાથે હંમેશા ‘દુર્જનમ પ્રથમમ વંદે, સજ્જનમ તદુપરંતમ’નો નાતો નિભાવ્યા કર્યો.
કેટલાક વેપારીઓ કુટુંબમાંથી આવતા હતા
કેટલાક ગામડેથી ભણવા માટે અપડાઉન કરતા હતા
આ બધું ભેગું થાય એટલે મારું ૧૯૪૭-૬૨ના કાળનું મિત્રમંડળ મળી આવ્યું.
જીવનમાં સૌથી વધારે સંખ્યામાં સાથે રહ્યા હોય તેવા મિત્રો મને આ કાળખંડે અપાવ્યા.
પતંજલિ શાસ્ત્રી જેવા કેટલાક મિત્રો સાથે તો સાંસારિક સંબંધે બંધાવાનું પણ થયું,
પણ આ મૈત્રીમાં કોઈ હિસાબ-કિતાબ નહોતા.
અને મારી પાસે આપવા જેવું તો ઝાઝું કશું હતું પણ નહીં,
પણ લેવાની કોઈ વૃત્તિ ત્યારે પણ નહોતી થતી.
જ્યાં મન મળ્યું ખભે હાથ મૂકી દોસ્તી કરી.
૧૯૬૨ સુધીમાં થયેલી આ દોસ્તીએ મારા જીવનમાં ઘણાં ભાતીગળ રંગો પૂર્યા છે
આ દોસ્તીની સુગંધનો પમરાટ સદૈવ પ્રેરણાદાયક રહ્યો છે
આમાં કોણ કૃષ્ણ અને કોણ સુદામા?
કોણ શું બનવાનું છે તે જ કોઈને ખબર નહોતી
કૃષ્ણ તો સાંદિપની આશ્રમ ગયા ત્યારે પણ કૃષ્ણ હતા
અહીં તો બધા જ સરખા
હા, એ ખરું કેટલાક પૈસાપાત્રના વિદ્યાર્થીઓનું એક અલગ જૂથ ચાલતું,
એમના ખર્ચા ય જુદા હતા, ક્યારેક એમની ટેવો પણ
આટલું બાદ કરીએ તો મુગ્ધાવસ્થા સુધીની મૈત્રી નિસ્વાર્થ ભાવના અને પ્રેમનો આદર્શ ઉદાહરણ હતું,
જેની મહેક સાથે વડોદરા જવા માટે મેં સિદ્ધપુર છોડ્યું
યોગાનુયોગ મને રેલવે સ્ટેશને મારું લગેજ લઈને મૂકવા આવનાર વ્યક્તિ –
જેની સાથે લખોટી, કરકચ્ચાં, ગીલીદંડા, આંબલી-પીપળી ઘણું બધું રમતો, લડતોઝગડતો મોટો થયો હતો કે મારો પાડોશી –
સોમાજી બાજુજી ઠાકોર
શાસ્ત્રીજીની પાઠશાળામાંથી મળ્યા કાંતિલાલ દેવશંકર વ્યાસ અને પ્રભાશંકર કેશવરામ ઠાકર, મગનલાલ દેવરામ જોષી અને ચંદ્રશેખર મગનલાલ જોષી (બાબુ). આ મિત્રોને કારણે સંસ્કૃતમાં રસ પડ્યો. કાંતિલાલ અને પ્રભાશંકરને કારણે ‘રાષ્ટ્રભાષારત્ન’ની પરીક્ષા સુધી કંપની મળી રહી. પાઠશાળાને કારણે સિંધી સમાજના ગોર એવા ભાઈ તારાચંદ અને ગિરધારીલાલ મળ્યા.
મારું બાળપણનું મિત્ર વૃંદ એટલું વૈવિધ્યપૂર્ણ અને ભાતીગળ રહ્યું કે ન પૂછો વાત! એમાં ગોફણ અને ગિલોલ, કાતર, તીરકામઠું અને ધારિયું ચલાવનાર ઠાકોર મિત્રો પણ હતા, તો ગાડું જોડી ખેતરે લઈ જનાર અને હમાર ઉપર ઊભા રહેવાની અથવા વરત પર બેસી કોહ હાંકવાની મજા કરાવનાર અને ઢાળીયાં પડતાં કે પાણિત કરતાં અથવા ખળામાં હાલરું હાંકતાં કે પડવો વીંઝતાં શીખવનાર પાટીદાર મિત્રો પણ હતા, તો મધપૂડામાંથી મધ કેમ પડાય એ શીખવનાર દેવીપૂજક અને ઠાકોર મિત્રો પણ હતા, માધુકરી માગી લાવીને સંસ્કૃતનું અધ્યયન કરતા પાઠશાળાના વિદ્યાર્થીઓ પણ હતા, તો સિદ્ધપુર સિંધી સમાજના કેટલાક ઉગતા તારલાઓ પણ હતા. બ્રહ્મસમાજનું એ જમાનામાં સિદ્ધપુરમાં ખૂબ વર્ચસ્વ હતું. હાઈસ્કૂલમાં ગયા પછી બ્રહ્મસમાજના મિત્રો પણ મળ્યા. પ્રજાપતિ અને વાળંદ, બન્ને સમાજોના સારા મિત્રો, જે ભણવામાં તેજસ્વી હતા, તેમનો પણ એલ એસ હાઈસ્કૂલે જ ભેટો કરાવી આપ્યો. ગર્ભશ્રીમંત એવા હિંમત શાહ અને અરવિંદ પરીખે ‘બોલે તો પણ માપીતોલીને બોલે એ વાણિયો’, એ સમજવાની તક પૂરી પાડી. પ્રાથમિક શાળાથી માધ્યમિક શાળા સુધી મિત્રમંડળનું આ મેઘધનુષી સ્વરૂપ મને ઘણું શીખવાડી ગયું. ઘણા અનુભવો કરાવી ગયું. કોઈ યુનિવર્સિટીએ જેટલો અનુભવ અને જ્ઞાન ન આપ્યું હોત એટલું મારા મિત્રોના વૈવિધ્યપૂર્ણ સમૂહે મને શીખવાડયું. રમતગમતથી માંડી પ્રકૃતિ અને ખેતીથી માંડી અન્ય વ્યવસાયોની ખૂબીઓ, એમાં કામ કરતાં કરતાં જોઈ. મારા ઘડતરમાં આ બધાનો ફાળો હાવર્ડ કે સ્ટાન્ફર્ડ , આઇ.આઇ.ટી. કે આઇ.આઇ.એમ. કરતાં ઓછો નથી. જો ભણતરે મને તાર્કિક અને સૈદ્ધાંતિક જ્ઞાન આપ્યું તો મારા મિત્રોની સોબતે મને સમાજજીવનના પ્રવાહો અને વિવિધતાઓ સમજવાની તક આપી.
એમાં એક નામ હજુ રહી જાય છે, ડૉ. મહમ્મદ પોલરા. એ પણ ભણવામાં હોશિયાર, પણ અમારાથી આગળની બેચમાં. એનો મોટો ભાઈ ડૉ. એ. એન. પોલરા, ડૉ. રમેશ શુક્લ, મેવાડા જેવાં નામો અને એમની પરીક્ષામાં પ્રાપ્ત કરેલ ઝડપથી સિદ્ધિઓ પણ પ્રેરણાનું કામ કરી ગઈ. મારે કોઈ ભાઈ-બહેન નહોતું અને એટલે ભાઈની ખોટ પૂરે એવા મિત્રો માટે મન હંમેશાં તલસતું રહેતું. આ બધા ભાઈબંધોએ એક યા બીજી રીતે એ ખોટને કાંઈક અંશે પુરવામાં મોટો ફાળો આપ્યો.
૧૯૬૨, એસએસસી પરીક્ષાનું પરિણામ આવ્યું. શાળામાં પ્રથમ નંબરે આવ્યો. એનો આનંદ હતો, પણ એ પછી ૨૦૦ કિલોમીટર કરતાં વધુ દૂર વડોદરા ફેંકાઈ જવું પડશે અને એના પડકારો કેવા હશે, એનો જરાય ખ્યાલ નહોતો. મેં વડોદરા જવા માટે સિધ્ધપુર છોડ્યું ત્યારે આ મિત્રોની મૈત્રીના ખાટાંમીઠાં સંભારણા, એ ક્રિકેટ મેચો, એલ એસ હાઈસ્કુલના લીમડા પર બેસીને ગોસાઈ સાહેબ માટે દાતણ પાડતાં પાડતાં માણેલી મજા, ઘણું બધું, યાદોના પિટારામાં ભરીને એને તાળું માર્યું હતું. ક્યારેક ક્યારેક એને ખોલીને જોઈ લેતો, પણ આજે એ આખો પિટારો ખુલી ગયો. દુઃખ એક જ વાતનું છે કે સુખના દિવસો વીતી ગયા, પણ સંતોષ અને આનંદ એટલો જ છે કે મારા દોસ્તારો સાથેની ભાઈબંધીની મહેક અષાઢી મોગરાની માફક એવી જ મહેકે છે.