ચાણસ્મા – હોળી ચકલે યજ્ઞોપવીત (જનોઈ)

અવસર સાદાઈથી પણ...

આનંદ અમાપ

 

મારી જનોઈનો પ્રસંગ તો અમારા ચાણસ્માના ઘરે યોજાયો હતો. એની પાછળ મારી માનો પોતાના વતનના ઘરમાં જ આ પ્રસંગ યોજવા દ્રઢ આગ્રહ કારણભૂત હતો. જે વિષેની વાત “કુબેરભાના દીકરાનો દીકરો” શીર્ષક હેઠળ લખાઇ છે.

ચાણસ્માના હોળી ચકલે આવેલા અમારા ઘરને વાળીઝાપટીને સમું કરવામાં આવ્યું હતું. આમ તો મારાં ફોઈ ચાણસ્મા રહે ત્યારે આ ઘર વાપરતાં. પાઘડીપને બંધાયેલું આ ઘર શરૂઆતમાં ખડકીનું બારણું ખોલી દાખલ થઈએ એટલે ખુલ્લો ચોક આવે જેનો એ જમાનામાં ઉપયોગ સગડી ઉપર કે લોખંડના ચૂલા ઉપર પાણી ગરમ કરવાથી માંડીને રસોઈ કરવા સુધી થતો. ચોક ખુલ્લો હોય એટલે ધુમાડો ઘરમાં જાય નહીં અને રસોઈ કરનારને ગરમી પણ ન લાગે. ત્યાર પછી ઓસરી આવે. લગભગ દસ થી બાર ફુટ જેટલી ઓસરી જ્યાંથી નિસરણી થકી ઉપર પહેલા માળે જવાય. ભોંયતળિયે ઓસરી વટાવો એટલે ઓરડો આવે અને એ ઓરડો વટાવો એટલે બીજો એક આઠેક ફુટનો અનાજની કોઠી વિગેરે રાખવા માટેનો નાનો ભાગ આવે. નીચે લીંપણ અને ઉપર પતરાં અને નળિયાં. આ ઘર ખાસ વપરાશમાં ન હતું એટલે પહેલું કામ તો માએ બે ત્રણ મજૂરો રાખી નીચે જૂનું લીંપણ કાઢી નવું ઓકળી પાડીને લીંપણ કરાવી દીધું. ઘરની દીવાલ ઇંટોની હતી, કોઈ પ્લાસ્ટર નહોતું એટલે એને ચૂનો કરાવી દીધો. અંદર ઓરડામાં પણ ચૂનો કરાવ્યો. ઉપર પહેલે માળે બધો કાટમાળ પડ્યો હતો, એને ઉખેળવાનું કોઈ કારણ નહોતું. મારું અઢી રૂમનું ઘર આ રીતે તૈયાર થઈ ગયું. અંદર ઓરડામાં અમારા શંકરલાલ ગોરબાપાએ ગણપતિ સ્થાપન કરાવ્યું અને બહાર ખડકીના જમણા હાથે માણેકસ્તંભ રોપાયો. બાપાનું આમાં બહુ ઝાઝું પ્રદાન નહોતું.

મા એવું કહેતી કે સાત ભાયડા ભાંગીને મને ઘડી છે અને એટલે એના પિયરમાં દોમદોમ સાહ્યબીમાં ઉછરેલ મા, જે એ જમાનામાં સ્કર્ટ અને બુટ-મોજાં પહેરતી, તે લગ્ન પછી સાવ બદલાઈ ગઈ,  સાચા અર્થમાં કાળી મજૂરીની જિંદગી જીવતી મા દરેક પ્રસંગ લગભગ એકલા હાથે સંભાળી લેતી. આમાં એના સંકટમોચન અમારા વસાઈવાળા જેઠાલાલદાદાના દીકરા કાંતિભાઈ રહેતા. જેઠાલાલદાદાના મોટા દીકરા નટવરભાઈ સાથે મારાં નાનાં માસીનાં દીકરી હસુબેન પરણાવેલાં. નટવરભાઈ ખૂબ વિદ્વાન. છેક કાશી ભણી આવેલા, પણ સાક્ષાત દુર્વાસા, તાપ જીરવવો ભારે પડે. પણ કાંતિભાઈ એટલા જ વ્યવહારુ. કાંતિલાલ અને છોટાલાલ એ બંને રતનપોળમાં માણસાવાળા શેઠની કાપડની પેઢીમાં નોકરી કરે. કાંતિભાઈ એટલે કાંતિભાઈ. વ્યવહારની ઊંડી સમજ, ઘરનું સમજીને ઝીણામાં ઝીણું આયોજન, પૈસા કેમ ઓછા વપરાય તેવી સુઝ અને પાઇએપાઇનો હિસાબ. લેંઘો અને ખમીસ, માથે ટોપી. હું એમને ક્યારેક બાળકબુદ્ધિમાં મુનીમજી કહીને ખીજાવું તો પણ હસી કાઢે. ઊલટાનું બાળક સાથે બાળક બની જવાની ખૂબ મોટી આવડત. નકામા કાગળમાંથી મને એ ચકલી, વિમાન, ફરકડી આવું બધું બનાવી આપે. કાંતિભાઈનો સ્વભાવ મને ખૂબ જ ગમતો. એ જ્યારે પણ ઘરે આવે બસ રોકાઈ જાવ એવો જ ભાવ હંમેશાં મનમાં રહે.

આ કાંતિભાઈ અને મારી મા, બન્ને એ આખો પ્રસંગ પોતાના માથે લઈ લીધો. ગણપતિ સ્થાપનનાં ગાણાં ગવાયાં ત્યારે ચાણસ્મામાં મંગળજીના મહાડમાં વસતા અમારા રવિશંકરદાદાનું કુટુંબ, કાલિદાસકાકાનું કુટુંબ, મણિભાઈનું કુટુંબ અને મહોલાતવાડામાં મારા નાના માસીનો પરિવાર, જંગલમાં રહીને એકલા ઉછરેલા મને આ બધી ભીડ ભેગી થઈ એટલે ટેસડો પડી ગયો.

ગણપતિ બેઠા છે ઘીને ગોળે અને ગણપતિ બાપાના મંગળ સ્મરણનાં ગાણાં સાથે આ મંગળ પ્રસંગની શરૂઆત. એ જ સમયે માણેકસ્તંભ, જેની સાથે ખીજડો, અરણી, પૈસો, સોપારી અને મીંઢળ અને ખીજડા/અરણીની સોટી માણેકસ્તંભ સાથે બંધાય અને પૈસો-સોપારી ખાડો કરી નીચે દાટે. વિધી પતી એટલે ઘર આગળ એક નાનકડો ચંદરવો બંધાયો. માંડ દસ ફૂટ બાય દસ ફૂટથી ઓછી સાઇઝ હશે પણ એ ચંદરવો બંધાયો એટલે જાણે આખું વાતાવરણ બદલાઈ ગયું. આંગણામાં કોરી રેત પથરાવી હતી, બેએક ખાટલા ઢાળ્યા હતા.

ત્યારપછી કુંભારને ત્યાંથી માટલી લેવા જવાનો પ્રસંગ. પિત્તળની ચાળણીમાં, ઘઉં, ગોળનું મોટું ઢેફું અને કંકાવટી સાથે આગળ વાગતા ઢોલે મહોલાતવાડાથી થોડું પહેલાં કુંભારને ત્યાં માટલી લેવા માટે આખુંય મહિલામંડળ ઉપડયું. માએ એના લગન વખતનાં જાળવી રાખેલાં, સાચી ચાંદીના તારથી જરી ભરેલા, કપડાં પહેર્યા. મારી મા આટલી જાજરમાન લાગે તેનો મને ત્યારે ખયાલ આવ્યો. પ્રસંગનો હરખ જે હોય તે પણ મારા માટે મા સજીધજીને તૈયાર થઈ હતી તે હરખ બહુ મોટો હતો.

યજ્ઞોપવીત એટલે મંગળ પ્રસંગ ગણાય. લગ્ન પણ આવો જ પ્રસંગ ગણાય. આવા મંગળ પ્રસંગે જેમ ગણપતિબાપાની કૃપા જરૂરી અને એમની સ્થાપના સાથે જ પ્રસંગની શરૂઆત થાય તે જ રીતે ગ્રહોની મહેરબાની હોય તે પણ એટલું જ જરૂરી છે. ક્યાંક પણ કોઈ ગ્રહનું નડતર મંગળ પ્રસંગને અભડાવી ન જાય તે સારું થઈને વિધિવત ગ્રહમંડળના બધા જ ગ્રહોની સ્થાપના અને પૂજા અને ત્યારબાદ હોમ કરવામાં આવે. એવું માનવામાં આવે છે કે લગ્ન સમયે વરકન્યાને નડતા કોઈ ગ્રહો એટલે કે નેટલ ચાર્ટમાં ચાર, આઠ અને બાર જેવા સ્થાનોમાં રહેલ ગોચરના ગ્રહોની શાંતિ માટે જાપ તેમજ હોમની વિધી કરવામાં આવે છે. સામાન્ય રીતે ચંદ્ર, સૂર્ય, ગુરુ અને શુક્ર એ ચાર ગ્રહો અને તેની સાથે મંગળની ખાસ પૂજા અને પ્રાર્થના ગ્રહશાંતિના પ્રયોગમાં કરવામાં આવે છે. આમ ગ્રહશાંતિ દરમ્યાન દરેક ગ્રહની કોઈ પણ પરિસ્થિતીમાં ઊભી થતી ખરાબ અસરને નિવારવા એના મંત્રના જાપ સમેત આહુતિ આપી હોમ કરાય છે. મારી જનોઈ પ્રસંગે ગ્રહશાંતિની વિધી અમારા મહેસાણા રહેતા નજીકના કુટુંબી બાળાશંકરભાઈ અને એમના ધર્મપત્ની શાંતામાસીએ (મારા મોસાળની સગાઈએ માસી) કરી હતી.

એ જમાનો હતો જ્યારે લોકો પ્રસંગ માણતા. કોઈને ઉતાવળ નહોતી. કુટુંબમાં જે નજદીકના સગા હોય તેમને પણ એક યા બીજી રીતે પ્રસંગમાં જોતરી લેવાતા. આવો એક પ્રસંગ ઉકરડી નોતરવા જવાનો. એમાં મહોલ્લાના નાકે આ વિધી થાય. પીઠી ચોળવાની વિધીના ભાગરૂપે માથામાં જાર અથવા બાજરીના કે નેતરના ડોકાથી તેલ લગાડે પછી ચણાનો લોટ, સુખડનો પાવડર, હળદળ અને સુગંધી દ્રવ્યો હોય. દરમિયાનમાં બટુક પાટલા ઉપર ઊભો રહે અને પહ ભરવાની વીધી થાય જેમાં સુંવાળી, પાપડ, સુખડી વિગેરે પાંચ કે સાત બહેનો ગાણાં ગાતી જાય અને માંગે તે પ્રમાણે તેમના ખોળામાં મૂકતા જવાનું. આમ તો એ જમાનામાં વડી, પાપડ, સુંવાળી એ બધું પણ કુટુંબવાળા ભેગા થઈને જ કરતાં. સુખડી અને સુંવાળી નાસ્તામાં વપરાતા. અમારું ઘર અવાવર હતું એટલે માએ આગોતરી તૈયારીરૂપે આ બધું સિદ્ધપુર જ બનાવી રાખેલું. સાથે એકાદ મણનું મગદળ પણ અમારા ભાણાભાઈ કાંતિ ભેજું, જે રસોઈનું કામ કરતાં, તેમની પાસે તૈયાર કરાવી લીધેલું.

આ વિધી ચાલતી હોય તે દરમિયાન બહેનો સુખડી, સુંવાળી, બે કુલડી વિગેરે લઈને ઉકરડી નોતરવા જાય. એક ખાડો કરી અહીંયાં ટકો-સોપારી વિગેરે મૂકી એ પૂરી દે પછી સુંવાળી અને લાડુ ત્યાં મૂકાય જે ભાભીએ ચતુરાઇપૂર્વક ઊંચકી લેવાનો હોય કારણ કે પાછળ ટુવાલને બરાબર વળ ચઢાવીને દિયર સાટકો મારવા તૈયાર હોય. ભાભી ચતુર હોય તો આમાં દિયરનો કોઈ ગજ વાગે નહીં. મૂળ તો આ બધા રિવાજો કદાચ એટલા માટે કર્યા છે કે દરેક પ્રસંગમાં ક્યાંક ને ક્યાંક દિયર, ભોજાઈ, મા, બાપ, કાકા, કાકી, મામા, મામી, માસા, માસી વિગેરેને આવરી લેવાય. એ બહાને કુટુંબમેળો જામે અને સૌને નિર્દોષ મનોરંજન મળે.

આ ઉકરડી નોતરવાની પ્રથા પણ કદાચ એટલે પડી હશે કે એ જમાનામા વીજળી નહોતી. રાતવરત કોઈક નાનો દાગીનો કે કિંમતી વસ્તુ પડી ગઈ હોય તો ઘરનો કચરો સવારે ભેગો કરી આ એક જ જગ્યાએ નખાતો હોય તો બીજે કશે શોધવાની જળોજથા રહે નહીં.

આ બધી મંડળી પાછી આવે એટલે બહુ હોંશપૂર્વક ગાળે, કપાળેથી શરૂ કરી પીઠી ચોળાય. ફઈ જડ બાંધે એટલે કે સોનાની કે ચાંદીની વીંટી કે દાગીનો વાળ સાથે બાંધે પછી બટુકના મામા એને પાટલેથી ઉતારે. હવે બટુક વિધી માટે તૈયાર થઈ ગયો ગણાય.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles