આપણે દ્વિજ બન્યા એ દિવસની બે મોટી નિષ્ફળતાઓ,
પહેલી ઝડપથી પકડાઈ ગયા
અને બીજી દાળનો દાઝ્યો ફરી ક્યારેય પીરસવા માટે મેદાને ન પડ્યો!!
યજ્ઞોપવીત ધારણ કરાવવા માટેની વિધીમાં બાપા અને મા બંને બેઠેલા. જનોઈ આપવાનો પ્રસંગ ચાણસ્માના ઘરે યોજવા માટે જેની જીદ નિર્ણાયક બની હતી તે માના શબ્દો ‘દીકરાને જનોઈ આપવાનો પ્રસંગ આપણા હાથમાં છે અને એ આપણે નક્કી કરીએ તે મુજબ ગોઠવાશે. દીકરાના લગ્ન સમયે શું પરિસ્થિતી હશે એ કળી શકાય નહીં પણ એની આડે હજુ ઘણાં વરસો બાકી છે. ત્યારની વાત તે સમયે.’ મા અને બાપા કોઈ વિધીમાં સજોડે બેઠાં હોય એવો મારી સમજણમાં આ પહેલો પ્રસંગ હતો. માની ખુશી એના ચહેરાના ભાવ પરથી કળી શકાતી હતી. બાપા હંમેશની જેમ ફક્કડ ગિરધારી. ગોર મહારાજ શંકરબાપાએ વિધીની શરૂઆત કરાવી. અરધેક આવ્યા પછી આગળની વીધી માટે મસ્તક મુંડન કરાવવું જરૂરી હતું. આ વખતે ચોટલી રાખી અને ટકોમુંડો કર્યો. મારા સમવયસ્ક એવા કેટલાક ભત્રીજા/ભાણિયા હાજર હતા, જેમાં ચંદ્રવદન, અરવિંદ અને નલિનનાં નામ સ્મૃતિમાં આવે છે. મારા માસીના દીકરા રસિકભાઈનો દીકરો અશ્વિન આવી શક્યો નહોતો. ટકોમુંડો કરાવી સ્નાન વિગેરે કર્યું એટલે ગોર મહારાજે મુંજનો કંદોરો બાંધી લંગોટ પહેરાવ્યો અને ઉપર ધોતી. વળી પાછાં વિધીવિધાનો શરૂ થયાં. છેવટે ગોરબાપાએ યજ્ઞોપવીત ધારણ કરાવી અને ઉપવસ્ત્રથી મારું અને એમનું માથું ઢાંકી કાનમાં ગાયત્રી મંત્ર એટલે કે ગુરુમંત્ર આપ્યો.
ત્યાર પછીની એક વિધીમાં કિત્તો, કાતર, અરીસો, પુસ્તક આવી બધી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ ઊંચકી લેવાની હતી. મગજમાં શું આવ્યું હશે તે ભગવાન જાણે પણ આપણે પુસ્તક હાથમાં લીધું. બસ તે દિવસથી ચોપડી પકડાઈ તે આજ દિવસ સુધી સરસ્વતી માતાની અનરાધાર કૃપાથી છૂટી નથી. મેં પુસ્તક લીધું એટલે મા અને બાપા બંનેના ચહેરા પર રાજીપાના ભાવ ઉપસ્યા એટલે મને પણ લાગ્યું કે મેં કાંઈક સાચું કામ કર્યું હતું.
ત્યારબાદ મંગળાષ્ટક ગવાયું. હવે હું યજ્ઞોપવીત ધારણ કરીને દ્વિજ બન્યો હતો. મારી જે છાપ હતી તેના કારણે એક-બે કુટુંબીઓએ તો કટાક્ષમાં કહ્યું પણ ખરું કે હવે આ જનોઈ બરાબર પહેરી રાખજે, ખીંટીએ ના લટકાવી દેતો! યજ્ઞોપવીત ધારણ કરાવ્યા બાદ ગોર મહારાજે પણ ઘણી બધી શિખામણ આપેલી, તેમાંની શક્ય તે ઘણી બધી અત્યાર સુધી પાળી છે, એક નથી પાળી શકાઈ તે ત્રિકાળસંધ્યા કરવાની. શરુ શરુમાં શાસ્ત્રીજીની પાઠશાળામાં સંધ્યા શીખ્યો પણ પુણ્યબળ ઓછું હશે કે ત્રિકાળસંધ્યા મારી દિનચર્યાનો ભાગ ન બની શકી. જનોઈ પહેરી તે પહેરી એની પવિત્રતા નખશિખ જાળવી છે.
હવે તૈયારી હતી કાશી ભણવા જવાની. ગુરુજી સમજાવી રહ્યા હતા કાશીયાત્રાનું મહત્વ. પલાશ એટલે કે ખાખરાનો એક દંડ, એની સાથે મારગવાટની એક પોટલી, કપાળ, બાવડે અને છાતીએ ભસ્મ. માએ ખાસ આંખમાં મેંશ આંજી હતી અને એના દીકરાને નજર ન લાગે તે માટે ગાલે એક કાળું ટપકું કર્યું હતું. સાત વરસ પૂરાં નહોતાં થયાં એટલે નામ હજુ પણ કાયદેસરનું એ જ હતું ‘ભિક્ષુક’. હવે યજ્ઞોપવીત ધારણ કરીને દ્વિજ બનેલો આ ભિક્ષુક કાશીપ્રયાણ કરતાં પહેલાં ભિક્ષા માંગવા માટે ઊભો હતો. સૌથી પહેલો વારો આવ્યો માનો. એણે ખાસ આ પ્રસંગ માટે મંગાવેલા પેંડા મારી કાંસાની થાળી મૂકીને તૈયાર કરેલ ભિક્ષાઝોળીમાં પીરસ્યા. ટાચકાં ફોડીને મારાં ઓવારણાં લીધાં અને આશીર્વાદ આપ્યા. માના ચહેરા પર એના દીકરાને જનોઈ આપવાનો પ્રસંગ રંગે ચંગે પત્યો અને હવે એ કાયદેસરનો બ્રાહ્મણ બન્યો તેનો આનંદ જોઈ શકાતો હતો. કમનસીબે એ સમયે આજના જેવી વિડીયોગ્રાફી કે કલર ફોટોગ્રાફીની ટેક્નોલૉજી હાથવગી નહોતી એટલે માના ચહેરા પરની એ ખુશી કેમેરામાં કેદ ન કરી શકાઈ એનો અફસોસ મને કાયમ રહ્યો છે. જીવનમાં આનંદની કેટલીક અલભ્ય પળો હોય છે જે માત્ર સ્મૃતિ બનીને રહી જતી હોય છે. આજે આ લખું છું ત્યારે ગોરબાપાએ શીખવાડેલા એ શબ્દો ‘ભવતી ભિક્ષાન્ન્દેહી, મા મને ભિક્ષા આપો’ મગજમાં વારંવાર પડઘાય છે. માનો એ સમયનો ચહેરો અને એના પર ઉતરી આવેલ એક અણમોલ આનંદની ઝાંય આજે પણ સ્મૃતિમાં સંઘરાયેલી છે. કાશ મારી આ સ્મૃતિઓને ફોટો કે વિડીયો રૂપે ઉતારી શકાય તેવી ટેક્નોલૉજી વિકસી હોત તો? માની એ આનંદમયી તસવીર બસ જોયા જ કરત, જોયા જ કરત.
પછી તો ફોઇ, બંને માસીઓ, મામી અને બહેનો, બધાં વારાફરતી ભિક્ષા પીરસતા ગયા. દીકરીનો ચાંલ્લો લેવાતો નથી પણ એ ભિક્ષા પીરસી શકે. આ વિધી ખાસ્સો ચાલ્યો.
બસ હવે કાશીયાત્રા માટે પ્રયાણ કરવાનું હતું. મારાં મોસળિયાં મુલાતવાડામાં મારાં નાનાં માસીના ઘરે ઉતર્યાં હતાં. એ જમાનામાં કોઈ પણ પ્રસંગે મહેમાન આવે તો સાંકડેમોકડે સગેવહાલે સમાવેશ થઈ જ જાય. મારાં મામા, મામી, એમના દીકરા સુરેશભાઇ, દીકરી સગુણાબેન, મોટાં માસી, માસા, અમારા નાનાં માસીનું કુટુંબ, એમની દીકરીઓ હસુબેન, સવિતાબેન અને એમનો પરિવાર, બધાં આવ્યાં હતાં. મૂળ રાજસીતાપુરના વતની પણ એ સમયે બર્મામાં રંગૂન રહેતા, મારી માને પોતાની સગી બહેનની જેમ રાખતા શાંતિમામા (શાંતિલાલ ઓઘડલાલ ઠાકર), મામી અને એમનો પરિવાર, ખાસ આ પ્રસંગ માટે આવ્યા હતા. મુલાતવાડામાં મારાં નાનાં માસીના ઘરેથી મોસાળું લઈને મારાં મોસળિયાં આવી પહોંચ્યાં. મા માટે સાડી, મારા માટે શર્ટ, કોટ અને પાટલૂન, કેટલાક સોનાના દાગીના, એ બધું લઈને મારા મોસળિયાં મામાની આગેવાની હેઠળ આવી પહોંચ્યા. માએ આ બધું વધાવીને સ્વીકારી લીધું. હવે યજ્ઞોપવીતના આ પ્રસંગનો છેલ્લો તબક્કો શરૂ થવાનો હતો. આ છેલ્લો તબક્કો એટલે કાશીયાત્રા અથવા બડવો દોડાવવાની વિધી. મોસાળામાં આવેલ નવા કપડાં પહેરાવી મને તૈયાર કરવામાં આવ્યો. પલાશનો દંડ અને એના ઉપર બાંધેલી એક પોટકી ગોરબાપાએ હાથમાં પકડાવી. લગભગ ચારેક વાગ્યાના સુમારે અમારા ઘરેથી બરાબર સામે માણેકલાલ દાદા માસ્તરનું ઘર આવે, ત્યાંથી જમણે હાથે વળીએ એટલે માંડવી ચકલે જવાય. બટુકયાત્રાનો આ વરઘોડો માંડવીચકલા સુધી જવાનો હતો અને ત્યાંથી પછી ગોરબાપા નાનીમોટી વિધી પતાવી દે એટલે સડસડાટ દોડવાનું. બેચાર સ્થાનિક છોકરાઓ સાથે આયોજન કરી રાખ્યું હતું. કઈ રીતે મોસળિયાંની ફિલ્ડિંગમાં ગાબડું પાડી છટકી જવું તેની પાકી વ્યૂહરચના ગોઠવી હતી. મગજમાં આ વ્યૂહરચના સાથે વાજતેગાજતે માંડવી ચકલે પહોંચ્યા.
હવે મારો જનોઈનો પ્રસંગ લગભગ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે પણ તે પહેલા એક નાની ઘટનાનો ઉલ્લેખ મને જરૂરી લાગે છે.
આ ઘટના કોઈ કટુતાથી અથવા દ્વેષબુદ્ધિથી નહીં પણ કોઈ એક વ્યક્તિની સમજ અને વ્યવહારુ જ્ઞાન કઈ રીતે આખો પ્રસંગ જાળવી શકે તેનું મારી સમજણમાં મેં અનુભવેલું આ અદ્ભુત ઉદાહરણ હતું. એક નાની પણ ખૂબ મોટું પરિણામ લાવનારી સમજદારીનું આ ઉદાહરણ જિંદગીમાં આગળ જતાં અનેક પ્રસંગોએ મને દોરવાનું હતું.
આ પ્રસંગ હતો માની ખુદ્દારીનો અને વ્યવહાર કુશળતાનો.
મારી જનોઈનું મૂરત કઢાવ્યું પછી મા મને લઈને વિરમગામ મામાને ત્યાં જાતે નિમંત્રણ આપવા ગઈ હતી. સંસારમાં આધિ, વ્યાધિ, ઉપાધિ સૌને આવે છે. મારાં મામી એ દિવસે સહેજ દુ:ખ થાય એવું બોલી ગયાં કે ભાઈ એક અને બહેનો ત્રણ એટલે કોક ને કોક પ્રસંગો ભાઈને માથે તો આવ્યા જ કરે. અમારું કોણ વિચારે છે? ભાઈએ તો ઘસાતા જ રહેવાનું ને? એ જમાનામાં બેગો નહોતી, કપડાં થેલીમાં ભરીને લઈ જવાતાં. વાત સાંભળતાં જ મા ઊભી થઈ. કંઇ સમજણ પડે તે પહેલાં એણે થેલીમાંથી એક નાની પોટલી કાઢી કહ્યું, ‘સાવ સાચી વાત છે. બહેનો ત્રણ અને ભાઈ એક. મારે તો મારા પ્રસંગે મારો ભાઈ આવીને ઊભો રહે એટલે લાખ રૂપિયા. આમ છતાંય સમાજમાં વહેવારો કરી મૂક્યા છે એટલે મામેરામાં મૂકવા માટે દોરો, પહોંચી, વીંટી અને બે બંગડીઓ આ લઈ આવી છું, અને આ પાંચસો રૂપિયા મારાં અને તમારા ભાણાનાં કપડાં ખરીદવા, તમને કોઈ બોજો નહીં પડે, પ્રસંગ સારી રીતે ઉકેલાઈ જશે. ભાભી તમે બિલકુલ હળવા મને પધારજો.’ મારી મા પાસે જે હતું તે બસ આટલું જ હતું, આ પાંચસો રૂપિયા પણ એની પાઇ પૈસો કરીને કરેલી બચત હતી. પણ એ દિવસે મેં મારી માનો એક નવો જ અવતાર જોયો. ઘરની ગરવાઈ અને ખાનદાનીનો વારસો કદાચ મારા નાના છબીલદાસ શિવલાલ દવેએ અને નાની ભાગીરથીબાએ અંતરના આશિષથી સુવાંગ એને આપ્યો હતો. માની આ ખુદ્દારી અને નિસ્પૃહતા જ્યારે કોઈ માબાપનાં સંતાનો નાનીનાની વાતે ભાગ પાડવા માટે ઝગડતાં હોય ત્યારે અચૂક યાદ આવે છે.
માએ પ્રસંગ જાળવી લીધો. આથી ઊલટું બીજા વિકલ્પમાં ભાઈબહેન વચ્ચે કાયમી અંતર પડી ગયું હોત. જનોઈ જનોઈના ઘરે રહી હોત અને ભાઈ અને બહેનને બોલવાના પણ સંબંધો ન રહ્યા હોત. ઘણો મોટો પાઠ મને એ દિવસે માએ પોતાના વર્તનથી શીખવાડ્યો. જીવનમાં આગળ જતાં મને જતું કરવાની અને જાળવી લેવાની આ ભાવના ઘણી કામ આવવાની હતી. માત્ર એક જ માણસની સમજદારી અને મોટું મન કઈ રીતે પ્રસંગ જાળવી લઈ શકે એનું ઉદાહરણ આ ઘટના છે એટલે કોઈકને પણ એમાંથી બોધ મળે તે માટે ખૂબ મનોમંથનને અંતે તે જેમની તેમ અહીં રજૂ કરી છે.
વળી પાછા મૂળ વાત પર આવીએ. ત્રાંસાં અને ઢોલ સાથે શરણાઈ વાદ્યો સાથે અમારો કાશીયાત્રાનો વરઘોડો એટલે કે બટુકયાત્રા હવે માંડવી ચકલે પહોંચી ચૂકી હતી. મારી શાખ બહુ સારી નહોતી, હું ગમે તે રસ્તે ભાગી જઈશ એ ગળા સુધીનો વિશ્વાસ મારાં મોસળિયાંને પણ હશે. માંડવી ચકલેથી ઉગમણા દરવાજા તરફના રસ્તે દોડવાનું હતું. જેવી વિધી પતી કે આપણે મુઠ્ઠી વાળીને દોટ મૂકી. ખબર નહોતી કે થોડે આગળ જ મારા માસિયાઈ ભાઈ શિવપ્રસાદભાઈ અને વસઇવાળા કાંતિભાઈ કેચ પકડવા તૈયાર ઊભા હશે. આપણે બહુ સસ્તામાં આઉટ થઈ ગયા! ત્યાંથી ચંદરવો ઉપર રાખીને વાજતેગાજતે વરઘોડો પાછો ઘરે આવ્યો. ભાણાભાઈ કાશી તો ઠીક, ઉગમણી ભાગોળ સુધીય ન પહોંચ્યા!!
સાંજે પીપળેશ્વર મહાદેવમાં જમવાનું રાખેલું. મામાએ લાવેલું નવું નક્કોર પિતાંબર અમારા કાંતિભાઈએ સરસ રીતે પહેરાવ્યું હતું. પીરસવાનો શોખ પૂરો કરવા બીજું કાંઇ નહીં અને દાળનું કમંડળ લઈને હું પીરસવા મેદાને પડ્યો. પાંચ-સાત મિનિટ જ થઈ હશે અને પાછા પગલે આવતો કોઈ પીરસણિયો ધડામ દઈને ભટકાયો. ફળફળતી દાળ સીધી છાતી પર. દેકારો મચી ગયો. રસોડામાંથી ઘી લાવી છાતીમાં ચોપડયું પણ ખાસ્સા મોટા બે ફોડલા ઉપસી આવ્યા હતા. કોઈ પણ સમૂહભોજન કે નાતનું પીરસવા માટેનો મારો આ પહેલો અને છેલ્લો પ્રયાસ હતો. ત્યાર પછી પીરસવાનું કોઈ સાહસ ક્યારેય કર્યું નથી.
આપણે દ્વિજ બન્યા એ દિવસની બે મોટી નિષ્ફળતાઓ, પહેલી ઝડપથી પકડાઈ ગયા અને કાશીયાત્રાની ઇનિંગ શરૂ થાય તે પહેલાં જ સમેટાઇ ગઈ અને બીજી દાળનો દાઝ્યો ફરી ક્યારેય પીરસવા માટે મેદાને ન પડ્યો!!