ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)
મ્યાનમારમાં ૨૦૨૧માં થયેલ સૈન્ય બળવા પછી કટોકટી લાદવામાં આવી હતી. સેનાએ આ વર્ષે ઓગસ્ટ સુધીમાં ચૂંટણી યોજવાનું વચન આપ્યું હતું પણ હવે આ ચૂંટણીને સત્તાવાર રીતે મુલતવી રાખવામાં આવી છે. લશ્કરે ચૂંટણીમાં વિલંબનું કારણ દેશમાં ચાલી રહેલ હિંસા ગણાવ્યું હતું. લશ્કરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચુંટણી મુક્ત અને નિષ્પક્ષ હોય, અને કોઈપણ ડર વિના મતદાન થાય તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ અત્યારે દેશમાં નથી અને તેથી કટોકટીનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે.
આ ઘોષણા એક રીતે સૈન્યની કબૂલાત છે કે ચૂંટણી યોજવા માટે પરિસ્થિતી કાબૂમાં લાવી શકે એટલું નિયંત્રણ તે ધરાવતું નથી અને તે સૈન્ય શાસનના વ્યાપક વિરોધને કાબૂ કરવામાં નિષ્ફળ ગયું છે. સૈન્ય વધુને વધુ સશસ્ત્ર પ્રતિકાર ઉપરાંત અહિંસક વિરોધ તેમજ નાગરિક અસહકારનો સામનો કરી રહ્યું છે.
૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ જ્યારે સૈન્યએ ચૂંટાયેલા નેતા આંગ સાન સુકી તેમજ તેમની સરકારના ટોચના અધિકારીઓ અને તેમની નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટીના સભ્યોની ધરપકડ કરી ત્યારે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. સૈન્યએ નવેમ્બર ૨૦૨૦માં યોજાયેલી ચૂંટણીમાં વ્યાપક છેતરપિંડીનો દાવો કર્યો હતો. મ્યાનમારમાં પાંચ દાયકાના લશ્કરી શાસન પછી લોકશાહીની સ્થાપના થઈ હતી જે પરિસ્થિતી લશ્કરે ફરી પલટી દીધી. સૈન્યએ તે સમયે જાહેરાત કરી હતી કે સત્તાના હસ્તાંતરણના એક વર્ષ પછી નવી ચૂંટણીઓ યોજવામાં આવશે, જોકે પછી તે તારીખ લંબાતી રહી. કટોકટી ચોથી વખત લંબાવવામાં આવી રહી છે. સૈન્ય તમામ સરકારી કાર્યો સંભાળી રહ્યું છે, સૈન્યના વડા મિન આંગ હલાઈંગ, ગવર્નિંગ કાઉન્સિલના વડા તરીકે કાયદાકીય, ન્યાયિક અને કારોબારી સત્તાઓ ભોગવી રહ્યા છે.
નેશનલ યુનિટી ગવર્નમેન્ટ (NUG) પોતાને દેશની કાયદેસર સરકાર કહે છે, તેના પ્રવકતાએ જણાવ્યું હતું કે સેનાને સત્તાની લાલસા છે, માટે જ તેઓ કટોકટી લંબાવ્યા કરે છે. તેમણે પોતાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ઝડપી બનાવવાની જાહેરાત કરી છે. મ્યાનમારનું લશ્કર NUG અને તેની સશસ્ત્ર પાંખ, પીપલ્સ ડિફેન્સ ફોર્સિસને આતંકવાદી ગણાવે છે.
અમેરિકાએ કહ્યું છે કે કટોકટીની સ્થિતિ લંબાવવાથી મ્યાનમાર હિંસા અને અસ્થિરતામાં વધુ ઊંડે ધકેલાઇ જશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે, અઢી વર્ષ પહેલાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધા બાદ, લશ્કરી શાસને સેંકડો હવાઈ હુમલાઓ કર્યા છે, હજારો ઘરોને બાળી નાખ્યા છે અને ૧૬ લાખથી વધુ લોકોને વિસ્થાપિત કર્યા છે.
યુનાઇટેડ નેશન્સ અને એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) પ્રાદેશિક બ્લોકની આગેવાની હેઠળના શાંતિ માટેના રાજદ્વારી પ્રયાસો ભાંગી પડ્યા છે કારણ કે સૈન્યએ વાતચીતમાં તેના વિરોધીઓને સામેલ કરવાનો વિરોધ કર્યો છે. મ્યાનમારમાં માનવાધિકારની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રના વિશેષ સંવાદદાતા થોમસ એન્ડ્રુઝે જણાવ્યું હતું કે ASEANની પાંચ-મુદ્દાની શાંતિ યોજનાને અમલમાં મૂકવા અંગે કોઈ પ્રગતિ થઈ નથી. ASEAN યોજનામાં હિંસાનો તાત્કાલિક અંત લાવવા, માનવતાવાદી કાર્યો અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સર્વસમાવેશક સંવાદની હાકલ કરવામાં આવી હતી, પરંતુ સૈન્યએ તેનો અમલ કરવાની કોઈ તૈયારી દર્શાવી નથી. લશ્કરી સરકાર તેના શાસનના વિરોધને નાબૂદ કરવાના પ્રયાસો ઝડપી બનાવી રહી છે. યુએન અનુસાર, ૧૫ લાખથી વધુ લોકો બેઘર થયા છે. પીપલ્સ ડિફેન્સ ફોર્સ તરીકે ઓળખાતા સશસ્ત્ર જૂથોની સૈન્ય સામેની અથડામણો પણ તીવ્ર બની છે. સ્થાનિક મોનિટરિંગ ગ્રૂપ અનુસાર, લગભગ ૩૬૭૯ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો જેલમાં છે.
એન્ડ્રુઝ હાલમાં ASEANના અધ્યક્ષ છે, તેમણે કહ્યું કે ASEANએ મ્યાનમારના સૈન્ય કર્મચારીઓને ઉચ્ચ સ્તરીય રાજદ્વારી બેઠકોમાં આમંત્રિત ન કરવા જોઈએ, કારણ કે તે બળવાને કાયદેસરતા આપવાનું કામ કરે છે. તેમણે કહ્યું છે કે વિશ્વએ મ્યાનમારની કટોકટી પ્રત્યેના તેના મૂળભૂત અભિગમ પર પુનર્વિચાર કરવો જોઈએ.