નાનીયો અખો નહોતો
એટલે...
અમે નાનીયો ખોઈ ન નાંખ્યો.
વીતેલા સમયનાં સંસ્મરણો ખાસ યાદ કરી કરીને લખતો જાઉં છું અને તેને વાચકમિત્રોનો સારો પ્રતિભાવ પણ મળે છે. જ્યારે કોઈ એવો પ્રતિભાવ મળે કે જેમાં આ કાળખંડમાંથી પસાર થયેલ કોઈ સ્નેહી અથવા મિત્ર નોંધાયેલ બાબતને પોતે એનો સાક્ષી હોવાનો સૂર પૂરાવે ત્યારે આનંદ થાય છે. સૌથી વધુ આનંદ તો જ્યારે કોઈ વાચકમિત્ર મેં રજૂ કરેલ કોઈ પ્રસંગ અથવા સંસ્મરણો એનાં ભૂતકાળને સજીવન કરી ગયા અને રજૂ થયેલ હકીકતો જાણે એની પોતાની જ જિંદગીના ટ્રેલરનો એક ભાગ છે એવું લખે ત્યારે દિલ બાગ બાગ થઈ જાય છે. દેશમાં અને દુનિયામાં ઘણા મહાન માણસો અને વ્યક્તિત્વો થઈ ગયા. એમાં કોડિયાના દીવા જેવી આપણી વાતમાં કોને રસ પડશે ? આ મોટા પ્રશ્નાર્થ સાથે અને એક છૂપી દહેશત સાથે મેં લખવાનું શરૂ કરેલું. પ્રશ્નાર્થ એટલા માટે કે મને ખબર નહોતી શા માટે મારી વાતમાં કોઈને રસ પડવો જોઈએ અને દહેશત એટલા માટે કે આ વાત PUBLIC DOMAIN એટલે કે સૌને ઉપલબ્ધ એવા મુક્ત અવકાશમાં મુકાશે ત્યારે ક્યાંક એના ઉપર રીતસરની પથ્થરબાજી તો નહીં થાય ને ?
આ બધા સંદેહો આજે દૂર થઈ ગયા છે ત્યારે શાયર અમૃત “ઘાયલ”ના આ શબ્દો જાણે કે કાંઈક અંશે મારી જિંદગીમાં ચરિતાર્થ થયા છે –
“શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.”
મારી જિંદગીમાં ઘટેલ ઘટનાઓને આપ સૌએ આવકારી છે એ મારૂં સદનસીબ છે.
આજે (શનિવાર, તા. 10 જૂન, 2017) નવગુજરાત સમય અખબારની અમદાવાદ આવૃત્તિના એડિટ પેજ (પાના નં. 8) પર છપાયેલ સુમનભાઈ શાહની બહુખ્યાત કટાર “સાહિત્ય સાહિત્ય” વાંચીને મને ખૂબ મોટો સધિયારો મળ્યો છે. એમણે એક પોર્તુગી લેખકનો ઉલ્લેખ કરી લખ્યું છે કે, એ પોતાની રચનાઓમાં પોર્તુગલના ભર્યાભાદર્યા વાતાવરણનો કહેવાતો દેશપ્રેમ ઝીણવટ અને કાળજીથી વ્યક્ત કરે છે જેનું નાનકડું લિસ્ટ આ પ્રમાણે છે.
“ઉનાળાના દિવસો. એ સમયના સફેદ પાટલૂનો. ધૂળ. થિયેટરની ટિકિટો ને નગરની સાંજની લટારો. બટનહૉલ્સમાં ખોસેલાં ગુલાબ. કૉચમાંથી ઊતરતી ને ચડતી, ગાઉનમાં શોભતી રમણીઓ, સામેનાં ભૂમિદ્રશ્યો, વૃક્ષો, પુષ્પો, ખડતલ ખેડૂતો, ગામડાંગામની નોકરબાઈઓ. ભરચક વાતચીતોનો માહોલ. બિલાડીઓ અને ગાતાં પંખી. ફળોની વાડીઓ. સ્ટેશનના છાપરા નીચે સૂકાતાં પમ્પકિન્સ – કોળાં, મીઠા ભાત અને ચીઝની પેસ્ટ્રીઝ, કૉનિયાક બ્રાન્ડી, વ્હાઈટ વાઈન, મજાનો ઠંડો શેમ્પેઈન તથા સિગાર ને સિગારેટો.”
સુમનભાઈ આ લેખના અંતમાં આક્રોશ વ્યક્ત કરતા કહે છે કે, આ પોર્તુગી લેખકે પોતાની નવલોમાં પોર્તુગાલને પ્રગટાવ્યું, પણ આપણને ગુજરાતી સાહિત્યકારો આપણા સર્જનોમાં બીજું કોઈ નહીં તો પણ ગુજરાતને, અરે ! પોતાના વતનને તો લાવી શકીએ ને.
સમાપનમાં સુમનભાઈ કહે છે કે, વતન, ઘર, શૈશવ અને પહેલો પ્રેમ એ ચાર જીવલેણ ચીજોથી સાહિત્યકાર કદી પણ છૂટી નથી શકતો. એ એના સર્જનની જમીન છે. સુમનભાઈનું છેલ્લું વાક્ય ખૂબ પ્રેરક છે. એ કહે છે – “તમારી પાસે પણ આવું ઘણું છે, તમે પણ લખવા માંડોને....”
હાશ ! આજ મને મેં જે મૂર્ખામીની શરૂઆત કરી એમાં આ ચાર એટલે કે વતન, ઘર, શૈશવ અને પહેલો પ્રેમ એ જીવલેણ ચીજોમાંથી પહેલી ત્રણને સહારે ઘણું બધું લખાઈ ગયું. સુમનભાઈએ આજે મને મારા પ્રયાસને નવગુજરાત સમયના માધ્યમ થકી અંગ્રેજીમાં જેને LEGITIMACY એટલે કે વૈધતા આપી એટલે આજનો દિવસ મારા માટે વિશિષ્ટ અગત્યનો છે. હું કોઈ લેખક નથી, સાહિત્યકાર પણ નથી, પણ લખું છું. કારણ કે, પેલી ચાર જીવલેણ બીમારીઓ મેં પણ વેઠી છે અને એ વેઠ્યા પછી એના અનુભવો વહેંચવાનું કામ કરૂં છું જે આપને સૌને પોતિકા લાગે છે.
આપણે અગાઉ અધૂરી વાતને આગળ ચલાવીએ. નાનુ ધોબી. ખરેખર નાનુ – નાનીયો હીરો હતો. દેવાનંદ જેવી ઝૂલ્ફો પાડી માથું ઓળાવે. ધોબી હતો એટલે કપડાંનો ઠાઠ સ્વાભાવિક રીતે હોય, પણ નાનીયો માત્રને માત્ર સફેદ કપડાં જ પહેરે. મધ્યમ ઊંચાઈ, માંજરી અને વેધક કહી શકાય એવી નજરવાળી આંખો, તમને ગોળ ગોળ કરી નાખે એવી ભાષા અને મોટાભાગે આપેલા સમયે ડિલિવરી નહીં આપવાની ખાસિયત. આમ છતાંય, નાનીયો નાનીયો હતો. અમારી સાથે તો એનો એવો આત્મીયતાનો સંબંધ બંધાઈ ગયો હતો કે પલંગ ઉપર ચાદર અથવા ઓશિકાનું કવર સહેજ મેલું જૂએ એટલે કોઈ પૂછપરછ વગર એ કાઢી લે. પોતાના હાથે જ કબાટ ખોલે અને ખાનામાંથી નવી ચાદર અને કવર ચઢાવી દે. મોટે ભાગે સાંજના ચારથી રાતના દસ વાગ્યા સુધી એ જોવા મળે. સાયકલ પર થોડું મોટું કેરિયર બનાવેલું તેમાં ચપોચપ ગોઠવીને ધોયેલાં અને ઈસ્ત્રી કરેલા કપડાં લેતો આવે અને પાછો જાય ત્યારે ધોવાનાં કે ઈસ્ત્રી કરવાનાં કપડાં લેતો જાય. અમારી હૉસ્ટેલમાં એવા પણ નબીરાઓ હતા કે જે બનિયન અને જાંગીયા પણ ધોબી પાસે ધોવડાવે. નાનુના આ વિશિષ્ટ ઘરાકો હતા. કારણ કે કામ મોટું મળી રહેતું. નાનીયો પરણ્યો નહોતો. એકલપંડે જીવ. બારણાની બરાબર વચ્ચે બારશાખને ટેકો દઈ ઊભો રહે અને દુનિયાભરની વાતોનાં ગામ ગપાટાં ઝૂડવામાં કલાક – દોઢ કલાક કાઢી નાંખે. ક્યારેક પોટલું મોટું થઈ જાય તો વધારાનાં કપડાં બીજું પોટલું વાળી અમારા રૂમની લૉબીના ખૂણામાં મૂકી દે તે બીજે દિવસે લઈ જાય. હિસાબ મહિને કરવાનો. રૂપિયામાં દસ કપડાં ઈસ્ત્રી કરી આપે. ચાર કપડાં ધોઈ આપે અને આઠ આનામાં ડ્રાયક્લિનિંગ કરી આપે. મોટા ભાગે ડ્રાયક્લિનિંગ જેવું કામ એની પાસે ઓછું આવે, પણ બાકીનું કામ એ ચીવટથી કરે. એમ. વી. હૉલ, એસ. જે. હૉલ અને આર. ટી. હૉલ એ ત્રણ હૉલ વચ્ચે આમ ગણીએ તો બે ધોબી, પણ આમ નાનુ અને નાનુનો ભાઈ એ રીતે ગણીએ તો એક જ ધોબી બધું કામ સંભાળે. ધંધો સારો. મળતર પણ સારૂં. એના કામનો સમય એવો હતો કે નશો કરવો એને પોષાય નહીં એટલે બે પૈસા બચતા પણ હશે. એનું ઘર ગણો કે દુકાન એ નવી ધરતી ALL INDIA RADIO STATIONની બાજુમાં આવેલું. નાનુને વૉલિબોલ અને ક્રિકેટ રમવાનો પણ શોખ. એટલે સાંજના સમયે ક્યારેક વૉલિબોલનો તો રવિવારે સવારના રાઉન્ડમાં નીકળ્યો હોય તો ક્રિકેટ રમવામાં જોડાય.
એની એક ખાસિયત બહુ સરસ. તમે એને ગમે તેટલું કહીને મરી જાવ પણ એ તમારા પાના પર પોતાના હાથે એક એન્ટ્રી ન પાડે. હું એને ક્યારેક કહું, “નાનીયા, બહુ સતવાદીની પૂંછડી થઈ ગયો છે ? મારાં કપડાં લખી નાખ. હું અત્યારે કામમાં છું.” એનો સ્પષ્ટ જવાબ હોય, “તે સાહેબ કાલે લખજો. તમે ક્યાં જતા રહેવાના છો ?” આ અંગે એને ભૂતકાળમાં થયેલો એક કડવો અનુભવ મને એણે એકવાર કહેલો. એણે તે વખતે કહેલું – “સાહેબ, ભગવાન નેકીનો રોટલો આપે તે ખાઉં છું. ધંધો મળી રહે છે. મારે કોઈ મગનશંકર કે દાસકાકા નથી બની જવું. કોઈ એલેમ્બિક કે સારાભાઈ કંપનીઓ નથી કરવી. મેં મારી નેકી ક્યારેય નથી છોડી, પણ એક દિવસ સાહેબ એક નાની વાતમાં જેનું કામ હું ખૂબ પ્રેમથી કરતો એવા એક સાહેબે કોણ જાણે કેમ મને કીધું કે, હું કપડાં લખવામાં ગોલમાલ કરૂં છું. એમણે પછી ખુલાસો પણ કર્યો કે, એ વાત એમણે હળવાશમાં કહી હતી, પણ સાહેબ બધાની વચ્ચે એમણે મારી નેકી ઉપર આંગળી કરી. ખૂબ દુઃખ થયું. મારે ક્યાં કોઈ મહેલ બંધાવવા છે કે મોટરો લાવવી છે તે આવું પાપ કરૂં. સાહેબ તમે બધા જે પ્રેમ આપો છો એ પ્રેમનો બંધાયેલો હું અહીં આવું છું. મારી આ રોજી છે. રોજી સાથે બેઈમાની ન કરાય. બસ, તે દિવસથી મેં નક્કી કર્યું. કોઈની પણ કપડાંની એન્ટ્રી હું જાતે નહીં લખું. સાહેબ તમે જ લખો. તમારા હાથે લખો. અમે નાના માણસ એટલે નાની ઈજ્જત પણ એ જ તો અમારી મૂડી છે. ત્યારથી સાહેબ આપણે આ પધ્ધતિ ચાલુ કરી છે. ક્યારેય કોઈ આંગળી કરે નહીં.”
નાનુની વાત નાની હતી, પણ બોધ ખૂબ મોટો હતો. ઘણી બધી જગ્યાએ આપણે ઝાકઝમાળ અને ચમકદમકમાં છેતરાઈએ છીએ. ત્યાં ક્યારેય આપણે આવી શંકા નથી કરતા. એક મજૂરી કરીને પેટીયું રળતો માણસ એની સામે કોઈ પૂરાવા વગર પણ આક્ષેપ કરી શકાય. એ નાનો માણસ છે એટલે ?
બે વિરોધાભાસ યાદ આવ્યા એક પેલો રામના રાજ્યSનો ધોબી જે ભગવાન શ્રી રામચંદ્ર સામે પણ આક્ષેપ કરી શક્યો અને પરિણામે સીતા માતાને કાયમી ધોરણે દેશવટો વેઠવો પડ્યો. નાની વાત નાનો આક્ષેપ એનું કેટલું ભયંકર પરિણામ. બીજો દાખલો અખાનો અને તેની ધરમની બહેનનો છે. પોતાની માનેલી બહેનને શુદ્ધમાં શુદ્ધ સોનું ઉપરથી ઘરનું ચાર તોલા ઉમેરીને અખાએ અછોડો ઘડી આપ્યો, પણ પેલી બહેનના કાનમાં શંકાના વિષનું ટીપું નાખનાર કોઈકે એને સમજાવી કે સોની કોઈ દિવસ સોનું ઉમેરે નહીં. શંકાની મારી આ બહેને બીજે અછોડાની ચકાસણી કરાવી. અખાને આ વાતની જાણ થઈ. એનો સંવેદનશીલ આત્મા કકળી ઊઠ્યો. એ દિવસે એક કઠોર નિર્ણય લઈને અખાએ પોતાની ફૂંકણી, હથોડી, ધમણ, એરણ વગેરે બધાં જ સોની કામનાં હથિયારો કૂવામાં નાંખી દીધાં. સંસારમાંથી એનો રસ ઊઠી ગયો. એ વિરક્ત બની ગયો.
એક બાજુ એક નાનો આક્ષેપ
અગ્નિપરીક્ષામાં પસાર થયેલ સીતા માતાને
કાયમી ધોરણે દેશવટો અપાવે
મા સીતા અંતે ધરતીમાં સમાઈ જાય.
બીજી બાજુ, ધરમની બહેન માટે કાંઈક ગુપ્ત રીતે કરવું
આ શુભ આશયથી પ્રેરાઈને અખો પોતાના ઘરનું સોનું ઉમેરે
સો ટચ શુદ્ધ સોનાનો અછોડો ભાવથી ઘડીને
એ માનેલી બહેનના હાથમાં મૂકે
શંકાની મારી આ બહેન...
અછોડાની ચકાસણી કરવા જાય
અને...
આ વાતની ખબર પડતાં આઘાત પામેલ
અખો સોની કામનાં બધા હથિયાર કૂવામાં ફેંકી
વિરક્ત બની જાય
વાત નાની છે
પરિણામો કલ્પ્યાં ન હોય તેટલાં ભંયકર છે
નાનીયો પણ આવી નાની વાત જ કરી રહ્યો હતો
વાત હતી એની ખુદ્દારીની, એની નેકીની
પ્રશ્ન હતો એ નેકી તરફ કોઈ આંગળી ઊઠાવે તે સામે આક્રોશનો
અખાની માફક નાનીયો વિરક્ત તો ન બન્યો
પણ....
પ્રેક્ટિકલ બનીને એની નેકી સામે કોઈ આંગળી ન ઉઠાવે એવો રસ્તો શોધી કાઢ્યો
નાનીયો અખો નહોતો
કદાચ આ બદલાયેલ જમાનાનો પ્રભાવ હશે
એટલે...
અમે નાનીયો ખોઈ ન નાંખ્યો.