Wednesday, February 15, 2017
પ્રાથમિક શાળાનો અભ્યાસ મારા માટે કોઈપણ પ્રકારના બોજા વગરનો હતો. આમેય એ જમાનામાં આજના જેટલા વિષયો પણ નહોતા અને ચોપડીઓ પણ નહોતી. નિશાળમાં વર્ગશિક્ષક ભણાવે તે ભણવાનું અને શ્રુતલેખનથી માંડી પલાખાં અથવા દાખલા સુધી જે લખાવે તેના જવાબ સ્લેટમાં લખી સાહેબને બતાડી દેવાનું. નિશાળનો ઘંટ વાગે અને બાળકો આવી પહોંચે એટલે શાળાના પ્રાંગણમાં જ ઝાડના છાંયડે (જો ગરમીની મોસમ હોય તો) અથવા તડકે (જો શિયાળો કે સવારની નિશાળ હોય તો) વર્ગદીઠ ત્રણ-ત્રણની કતાર બનાવી બેસી જવાનું. બધા ગોઠવાઈ જાય એટલે સામે શિક્ષક સાહેબો ખુરશી પર બેસે. પ્રાર્થના ગવરાવવા માટે જેનો અવાજ સારો અને સહેજ મોટો હતો તેવાં ચાર છોકરા-છોકરીઓને પસંદ કર્યાં હતાં. આ પ્રાર્થનાની ટીમ અમારી સામે શિક્ષક સાહેબોની હરોળમાં ઉભી રહે. શરુઆત પ્રણામ ગુરુજીથી થાય પછી ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ..... વાળો શ્લોક એ લોકો બોલે. સામે બેઠેલ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ એમને અનુસરવાનું. આ શ્લોક પતી જાય એટલે –
ઓ ઈશ્વર ભજીએ તને.....
ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સહુ તમારા.....
વંદુ શ્રીહરિ તવ ચરણોમાં.....
પ્રભો અંતરયામિ જીવન જીવનાદીન શરણા.....
રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ.....
આમાંથી કોઈપણ એક પ્રાર્થના ગવાય જેનું બધાં બાળકો પેલી પ્રાર્થના ટીમ સાથે સમૂહગાન કરે. સમગ્ર વાતાવરણ બાળકોની આ કાલીઘેલી ભાષામાં ઉચ્ચારાયેલ શબ્દોથી ગુંજી રહે. કદાચ ઈશ્વર પણ એ બાજુથી નીકળે તો એને બે ઘડી રોકાઈ જવાનું મન થાય એવું પવિત્ર વાતાવરણ સહુને ઈશની આરાધનામાં તલ્લીન કરી દે.
પ્રાર્થના પુરી થાય એટલે ઘડીયા બોલાવાનું શરુ થાય. રોજ જુદા જુદા વિદ્યાર્થીઓનો વારો આવે. એ ઘડીયો બોલાવે એમ બાકીના બધાં બાળકો લયબદ્ધ ઘડિયા બોલતાં જાય. આ ઘડિયા બોલવાનો પણ એક વિશીષ્ટ તાલ અને લય હતો –
બાર એકુ બાર
બાર દુ ચોવીસ
બાર તરી છત્રીસ
બાર ચોકુ અડતાલીસ.....
આમ, ઘડિયો બોલાતો જાય. રોજ કોઈનો પણ વારો આવે. સાહેબ જેને કહે એણે ઉભા થઈ આગળ આવી જવાનું અને બધાને આ ઘડિયાગાન કરાવાનું. બધાને અનુકૂળ આવે તેટલા ખાતર ત્રીસ સુધીના ઘડિયા બોલાવાતા. રોજ બે ઘડિયા હોય. એક ચાર ધોરણ સુધીમાંથી કોઈની પણ પસંદગી થાય એને વીસ સુધીના ઘડિયામાંથી જે ભાગ આવે તે બોલાવાના. બીજો લોટ પાંચ અને છ ધોરણ (અમારી રાજપુર પ્રાથમિક શાળામાં તે સમયે છ ધોરણ સુધીના વર્ગ હતા)ના વિદ્યાર્થીને ભાગ એકવીસથી ત્રીસ સુધીમાં કોઈપણ ઘડિયો બોલાવાનો હોય. જો આ વિદ્યાર્થી કોઈ ભુલ વગર આખો ઘડિયો બોલાવે તો એને શાબાશી મળે પણ જો એ ભુલ કરે તો બીજા દિવસ દસ વખત આ ઘડિયો લખીને લઈ આવવાનો. એ દિવસ પૂરતું એના વતી એ ક્લાસના મોનીટરે ઘડિયો બોલાવાનો. વર્ગમાં પહેલો નંબર આવે એને જ મોનીટર બનાવતા. સ્લીપ કે શોર્ટ લેગમાં ઉભેલા ફિલ્ડરની માફક મોનીટરે તો હંમેશા સતર્ક જ રહેવું પડતું. એને ઘડિયો ન આવડે તે તો ચાલે જ નહીં. જો કે આવું બનતું નહીં.
ઘડિયા ગણાવાના પુરા થાય ત્યારબાદ સહુ ઉભા થઈ રાષ્ટ્રગીત ગાય અને પછી વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસમાં જાય. છ ધોરણ વચ્ચે ત્રણ વર્ગખંડ હતા. ત્રણ શિક્ષકો હતા જો કોઈ કારણસર વર્ગશિક્ષક રજા પર હોય તો અન્ય શિક્ષકના માર્ગદર્શન નીચે એ દિવસ પૂરતું મોનીટર શિક્ષણકાર્ય આગળ ચલાવે. ટૂંકમાં મોનીટરનું કામ બારમા ખેલાડી જેવું હતું. મોટે ભાગે એ દિવસ શ્રુતલેખન, ગણિતના દાખલા લખાવવા, ચોપડીમાંથી પાઠનું વાંચન અને બે-એક પીરીયડ જેટલો સમય રમતગમતમાં જતો. આમ, વર્ગશિક્ષક ન આવે એટલે મજા પડી જતી.
ગામડાની નિશાળ હતી એટલે રમતગમત પ્રત્યે પ્રમાણમાં થોડો વધુ ઝોક રહેતો. રમતગમત માટે કોઈ સાધન જેવું કે ભમરડો, લખોટી, કરકચ્ચા કે ગીલ્લી ડંડો લઈ આવે તો તે સામે કોઈ પ્રતિબંધ નહોતો. અમે હુતુતુતુ, ખોખો, લંગડી, એરંડો, ખારીમીઠી, આંધળી ખિસકોલી, ગીલ્લી ડંડો, સાત તાલી, થપ્પો, ચોર-પોલીસ, આંબલી-પીપળી, ગદામણી, કોચામણી (ચોમાસું હોય ત્યારે), વાઘકૂકરી, સાતોલીયું જેવી રમતો રમતા. વચ્ચે વચ્ચે દિવાસળીનાં કે સિગરેટનાં ખોખાંની છાપ પણ અમારી રમતોમાં આવી જતી. સીઝન પ્રમાણે રમત બદલાતી.
શરીરબળ ઝાઝું ન જોઈએ એવી રમત મારે માટે અનુકૂળ રહેતી. કબડ્ડી (હુતુતુતુ) જેવી રમતમાં મને અડુકીયો દડુકીયો રાખતા એટલે કે વધારાનો ખેલાડી. હું હુતુતુતુ બોલીને ક્યારેય સામા પક્ષની લીટીને અડી શકતો નહીં. મોટે ભાગે કેટલાક કદાવર ખેલાડીઓ મને ઉંચકીને ખભે બેસાડી દેતા. લંગડી કે ખોખોમાં પણ આપણો ગજ વાગતો નહીં. હું ગીલ્લી ડંડો સારો રમતો. એમાં પણ વખત, રેંટ, મુઠ, નાર, અંકી, બાંડો અને જકુ એ રમત મને સારી ફાવતી કારણ કે શરીરના જુદા જુદા અંગો પર ગીલ્લી મુકીને એને ઉલાળી હું અચૂકપણે સારી રીતે ફટકારી શકતો. ક્યારેય હું એ નિશાન ચૂકતો નહીં. સલેટની પેનોનો પણ અમે એક જાતનો હાર જીતનો જુગાર રમતા. એક ગબી (નાનો ખાડો) ખોદી નિર્ધારીત અંતરેથી જે પ્રમાણે એક ચોક્કસ પદ્ધતિથી ક્રમ નક્કી થયો હોય તે મુજબ બધા રમનારના સલેટની પેનના ટુકડા ભેગાં કરી નિર્ધારીત અંતરેથી નાંખવાના રહેતા. ગબીમાં પડે તેટલા લઈ લેવાના. આ રીતે જ લખોટી અને કરકચ્ચા પણ રમાતા. આ બધી રમતોમાં મારી ઠીક ઠીક ફાવટ હતી અને મોટા ભાગે રમતના અંતે મૂડીમાં વધારો જ થતો. સાંજ પડે ગેડીદડો કે બોલબેટ પણ રમાતું. મૂળભૂત રીતે આ બધી રમતો વગરપૈસે રમી શકાતી અને શરીર સૌષ્ઠવમાં વધારો કરતી. આજે આ બધું ગામડાંમાં પણ વીસરાઈ ગયું છે.
શિયાળામાં બીજું એક રસપ્રદ કામ અમારે ભાગ આવતું. એ કામ હતું વગડે ખેતરોમાંથી થુવર કાપી લાવી નિશાળની વાડ સમી કરવાનું. મોનીટર તરીકે આમાં મારે ભાગ રખડવાના આનંદ સિવાયનું કોઈ કામ આવતું નહીં પણ રાજપુર ગામની સીમના ખેતરોની મુલાકાત મજાની બની રહેતી. બને ત્યાં સુધી નિશાળનો સમય પુરો થાય તે રીતે જ અમે પાછા આવતા અને બીજો દિવસ આખો જ્યાં જ્યાં નેળ અથવા છીંડુ પડ્યું હોય ત્યાં ખાડો ખોદી થુરીયા ઉભાં કરવામાં જતો. આ થુરીયાની સાથોસાથ વચ્ચે વચ્ચે અમે ખરસાંડીનાં ડાળાં પણ વાવતા. આમ, શાળાની વાડ મરામત કરવામાં અમારો બે દિવસના ઉત્સવ જેવો સમય પસાર થઈ જતો.
અમારી નિશાળ ગામના ગાંદરે હતી. એ જમાનામાં સહુ ગામકુવેથી પાણી ભરતા. શિયાળામાં મંગા પટેલ કોસ જોડી ગામનો હવાડો ભરતા જે ઢોરને પાણી પીવા તેમજ કપડાં ધોવા કામમાં આવતો. અમારા સાહેબ આ ચામડામાં બહાર કાઢેલું પાણી પીવે નહીં. કાયમી ધોરણે એક વ્યવસ્થા આ કારણથી ઉભી થયેલી. નિશાળથી લગભગ અડધો કિલોમીટર દૂર આવેલ દેવસ્વામીના બાગમાં કુવામાં મોટર મુકેલી હતી અને એનું પાણી ટાંકામાં ચડાવતા. સાહેબ માટે દેવસ્વામીની બાગમાંથી રોજ બે વિદ્યાર્થીઓ પાણી લઈ આવે. ઘડા ઉપરનું બુજારું તેમજ પાણી પીવા માટેનો પિત્તળનો ગ્લાસ ચકચકાટ ઉટકાઈ જાય અને એ માટલું એક ઘોડી ઉપર મુકાય જેમાંથી અમારા ત્રણેય સાહેબોને ડોયા થકી ગ્લાસમાં કાઢીને પાણી આપવાનું. ઉનાળો આવે એટલે એ પાત્રની આજુબાજુ જાડુ કપડું ભીનું કરી વીંટાળી દેતા. આ અમારું દેશી રેફ્રીજરેટર હતું.
રાજપુર પટેલ બહુલ વસતી ધરાવતું ગામ હતું. લગભગ દરેકના ઘેર દૂઝણું ઢોર હોય જ. આમ રોજ કોઈને કોઈના ઘેર આ દૂધ જમાવીને તૈયાર થયેલ ગોરસમાંથી છાસ બનાવવાનો વારો હોય. વાસુદેવ ઠાકર સાહેબને આમાં બહુ રસ ન પડે પણ એક સોમનાથ રાવળ સાહેબ હતા જે સિદ્ધપુરના છેક છેવાડાના વિસ્તાર બિંદુ સરોવર પાસે રહેતા હતા. છાસ ક્યારેક દૂધ અને શાકભાજી એમના ઘરે પહોંચે એ સામે તેઓ વાંધો નહોતા લેતા. આ ઉપરાંત સિદ્ધપુર શહેરની શાળા નંબર એક જ્યાંથી બધો વહિવટ ચાલતો ત્યાં ક્યારેક કોઈ ટપાલ આપવા પણ જવું પડે.
આ બધા માટે પટાવાળાની કોઈ વ્યવસ્થા નહોતી. વિદ્યાર્થી પાસેથી જ કામ લેવાતું. મજાની વાત એ હતી કે બાગમાં પાણી ભરવા જાય એ નિરાંતે બે કલાકે આવે. ગજવામાં આંબલીના કાતરા પણ લેતો આવે. સાહેબના ત્યાં દૂધ, છાસ કે શાકભાજી આપવા જાય એ ચારથી પાંચ કલાક પછી પાછો આવે. શહેરમાં ટપાલ આપવા કે પોસ્ટ ઓફિસના કામે જાય તે ત્રણ ચાર કલાકે પાછો આવે. આમાં કોને મોકલવા તે મોનીટર તરીકે નક્કી કરવાનું મારે ભાગ આવતું. મોટા ભાગે આ પ્રકારની વૃત્તિ હોય અને જેનાં મા-બાપનો ક્યાં રખડે છે એમ કહીને ઠપકો ન આવે એવા વિદ્યાર્થીઓને હું આ કામમાં જોતરતો. અલબત્ત, શક્ય હોય ત્યાં સુધી મારા મિત્રોમાંથી જ. આવાં વિવિધ કારણોસર મારા સહાધ્યાયીઓ મારી સાથે સારા સંબંધો જાળવી રાખતા. આવા કોઈપણ કારણસર ક્યાંય પણ જવાની મારા માટે ઘરેથી સખ્ત મનાઈ હતી એટલે મને આ રખડપટ્ટીનો લાભ મળતો નહીં. ક્યારેક આ રીતે મુક્તપણે હરીફરી શકનાર સહાધ્યાયીઓની મને ઈર્ષા પણ આવતી.
કોઈ પ્રસંગ કે એવું હોય અથવા તો રમત હરિફાઈ હોય ત્યારે અમને શહેરની શાળા નંબર એકમાં અથવા સૈફી જ્યુબીલી સ્કુલમાં જવાનો મોકો મળતો પણ તે તો ભાગ્યે જ. આ સિવાય સિદ્ધપુર શહેર સાથે છઠ્ઠા ધોરણ સુધી પરિચિત થવાનો બહુ ઝાઝો મોકો મળ્યો નહોતો.
બાળસહજ તોફાનો કરવાની અમારી એ ઉંમર હતી એટલે અમે પણ તક મળે વાનરવેડા કરી લેતા. જમીન પર લાઈનબંધ બેસાડ્યા હોય ત્યારે ક્યાંકથી એકાદી કાંકરી શોધીને અંગુઠા અને આંગળીની કરામતથી આગળ કોઈકના માથાને વાગે તે રીતે ફેંકી નિર્દોષતાપૂર્વક સાક્ષીભાવે ડાહ્યાડમરા બનીને જોઈ રહેવાનું મેં પણ શીખી લીધું હતું. ચોમાસામાં એક ખાસ પ્રકારના ભંઠીયા જેવી વનસ્પતિ ઉગતી. એ તોડી ગોળો બનાવી ચૂપચાપ આગળ જતા કોઈકને ચીટકાડી દેતા તો ક્યારેક કોઈકને લટ્ટી મારીને પછાડી દેતા. પણ એક દિવસ હદ થઈ ગઈ. અમારા ક્લાસમાં નનીયો કરીને એક પટણી વિદ્યાર્થી હતો. ઉંચાઈ સારી. ધીરે ધીરે અમે એની આ ઉંચાઈનો ઉપયોગ કરતા શીખી ગયા હતા. નનીયો રોજ બપોરની રીસેસમાં વર્ગખંડમાં કોઈ ના હોય અને અમારા સાહેબો પણ એક ક્લાસમાં બેસી ચાની ચૂસકીઓ લેતા હોય ત્યારે ચૂપચાપ ઘડિયાળ અડધો કલાક આગળ કરી દેતો. આના કારણે અમારા પાંચ વહેલા વાગતા. બીજે દિવસે ઘડિયાળને ચાવી આપવાનું કામ પણ એને જ સોંપ્યું હતું એટલે વળી પાછી ઘડિયાળ સમયસર થઈ જતી. આવું કેટલાક દિવસ ચાલ્યું. આ કામગીરી નિર્વિઘ્ને થતી રહી એટલે એક દિવસ આ નનીયાએ ઘડિયાળ એક કલાક આગળ કરી નાંખી. નિશાળ તો છુટી ગઈ પણ સાહેબને કંઈક શંકા ગઈ. ગામના નાકામાં જ આવેલ હરગોવન સરપંચની દુકાનમાં ઘડિયાળ હતું. સાહેબે બધાને રોકી રાખ્યા અને એક જણને હરગોવન સરપંચની દુકાને સમય જોવા મોકલ્યો. ખલાસ ભંડો ફુટી ગયો. સાહેબે બધાને પાછા ક્લાસમાં બેસાડી દીધા પણ તે દિવસથી ઘડિયાળને તાળુ વસાતું થઈ ગયું. લોભનો કોઈ થોભ ના હોય એ કહેવત નનીયાએ સાચી પાડી.