featured image

ફેફસાં અને છાતીના શ્વાસનળીને લગતા રોગોના દેશભરમાંથી આવેલા લગભગ ચાર હજાર જેટલા નિષ્ણાત ડોક્ટરોની વીસમી રાષ્ટ્રીય કોન્ફરન્સ ‘National Confence on Pulmonary Diseases – napcom 2018’ જીએમડીસી ખાતે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ૨૯ નવેમ્બર થી ૨ ડિસેમ્બર ૨૦૧૮ વચ્ચે યોજાઇ છે. તા. ૨૯મી નવેમ્બર ૨૦૧૮ના સાંજે à«­.૦૦ વાગ્યે આ કોન્ફરન્સનો ભવ્ય ઉદઘાટન સમારંભ અમદાવાદ ખાતે યોજાઇ ગયો. આના મુખ્ય મહેમાન તરીકે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના ડિરેક્ટર ડૉ. એરલ ડીસોઝા સાથે મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો સાંપડ્યો. શ્વાસનળી તેમજ ફેફસાંના રોગોમાં નિષ્ણાત અથવા ખેરખાં કહી શકાય એવા ડૉ. ગૌતમ ભગત – પ્રેસિડેન્ટ NAPCON2018, ડૉ. આર. એન. સોલંકી – પ્રેસિડેન્ટ NCCP, ડૉ. એસ. એન. ગૌર – સેક્રેટરી NCCP, ડૉ. એસ. કે. લુહાડિયા – પ્રેસિડેન્ટ ICS, ડૉ. રાજેશ સ્વર્ણકર – સિક્યોરિટી ICS, ડૉ. રાજ ભગત અને ડૉ. તુષાર પટેલ, ઓર્ગે. સેક્રેટરીઝ ઓફ ધ કોન્ફરન્સ ઉપરાંત ડૉ. એમ. એમ. પ્રભાકર – એડિશનલ ડિરેક્ટર, મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ડિરેક્ટર – મેડિસિટી અને સુપ્રિટેંડેંટ – અમદાવાદ સિવિલ હોસ્પિટલ, ડૉ. કિરીટ પટેલ – ડીન, જીસીએસ મેડિકલ કોલેજ, અમદાવાદ, ડૉ. જયેશ સચદે - ડીન, જીસીએસ મેડિકલ કોલેજ, અમદાવાદ – સાથે ઉપસ્થિત રહેવાનું, તેમાંથી ખાસ્સા એક ડઝન જેટલા વિશિષ્ટ ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટરોને એવોર્ડ આપવાના  àª† સમારંભે મને ગુજરાતના આ નિષ્ણાતો ઉપરાંત દેશભરમાંથી આવેલા અગ્રણી ડોક્ટરો સાથે ફરી એકવાર વાત કરવાની તક પૂરી પાડી.

 

ધુમાડો હવામાં ઉડતા અત્યંત સૂક્ષ્મ રજકણ, સિગારેટનો ધૂણો, કેમિકલ ગેસ, ખળાં અથવા થ્રેસરમાંથી હવામાં ફેંકાતા અત્યંત સૂક્ષ્મ વનસ્પતિ કણો, ઘરમાં લાકડાં/કોલસાથી રાંધતા થતો ધુમાડો, ઔદ્યોગિક પ્રદૂષણ વિગેરેને કારણે દેશમાં ફેફસાંઓ કામ કરતાં બંધ થઈ જવા/ભરાઈ જવાથી માંડીને દમ તેમજ એલર્જી જેવા રોગના દરદીઓ ઝડપથી વધતા જાય છે. આવનાર સમયમાં જો પ્રદૂષણ નિયંત્રણ નહીં થાય તો ફેફસાંના આ રોગો આપણા દેશમાં માણસના મૃત્યુ માટેનું સૌથી મોટું કારણ બનશે. આવા રોગ, તેની સારવાર, તેની શરીરના અન્ય અવયવો ઉપર ઘાતક અસર, સારવાર પદ્ધતિમાં થઈ રહેલા નવા સંશોધનો વિગેરે બાબતો પર આ બધા નિષ્ણાતો ૩૦ નવેમ્બર થી ૨ ડિસેમ્બર, ત્રણ દિવસ દરમિયાન ગહન ચર્ચાઓ કરશે અને દરદીને આવા ઘાતક રોગોમાંથી પીડામુક્ત કરવાની નવી દવાઓ, તરકીબો તેમજ સંશોધનો વિષે એકબીજા પાસે ઉપલબ્ધ જાણકારી મેળવશે.

 

આવી કોન્ફરન્સમાં મને મુખ્ય અતિથિ તરીકે બોલવાનો મોકો મળે તેનો આનંદનો છે જ પણ સાથોસાથ આ બધા ડોક્ટરો સમક્ષ આ વિષયના જાણકાર તરીકે નહીં પણ એક સામાન્ય માણસ તરીકે મારા આરોગ્ય મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમજ ત્યારબાદ જે બાબતો મારા લક્ષમાં આવી તેમાં સૌથી અગત્યની હ્રદય, કિડની, લીવર, મગજની તેમજ ફેફસાંનો રોગ શરૂઆતના તબક્કે પકડાય તો દરદીને બચાવી શકવાની શક્યતા અને તેનું આગળનું જીવન સામાન્ય રીતે વ્યતીત કરી શકે તે બાબતે પ્રોટોકોલ નક્કી કરી શરીરના આ પાંચ અંગોનું નિયમિત પરીક્ષણ થાય અને તેમાંય ફેફસાંમાં શરૂઆતના તબક્કે સામાન્ય ખાંસી જેવો દેખાતો રોગ Chronic Obstructive Pulmonary Disease (COPD) અથવા જીવલેણ ટ્યૂબરક્યૂલોસિસ કે મહાકષ્ટદાયક દમનું સ્વરૂપ લે તે પહેલા દુનિયા માં વિકસી રહેલ Wearable Technologiesના મશીન, સ્માર્ટ ટેક્સટાઈલ્સ, સ્ટેમસેલ્સ ટેક્નોલૉજીનો ઉપયોગ અને હજુ ખાસ ઉપયોગ થતો નથી તેવી ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટેશન વિગેરે મુદ્દે સામાન્યમાં સામાન્ય દરદીને પણ સારવાર મળે અને ફેફસાંના રોગોનું વહેલું નિદાન થાય તે દિશામાં પોતાની આવડત અને વગ વાપરવા જે સૂચનો કર્યાં તેને ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો.

 

સાથોસાથ આ રોગના દરદીને ઓક્સિજન થેરાપી એટલે કે જેમ ફ્રેકચર થયું હોય તો હાથમાં લાકડી અથવા તો ઘોડી લઈને ચાલવું પડે છે તે જ રીતે નાકમાં ઓક્સિજનની નળી નાખી ઓક્સિજન ઉપર આધારિત રહેવામાં કોઈ જ શરમ નથી અને પોતાના વિષે કોઈ શું ધારશે એની ચિંતા દરદીએ કરવાની જરૂર નથી. જેમ બીજી દવાઓ હોય છે એમ ઓક્સિજન થેરાપી પણ એક દવા જ છે એવું સમાજ પણ સ્વીકારે અને ઓક્સિજન આપે છે માટે આ દરદી કોઈ ગંભીર રોગના આખરી તબક્કે છે તેવું દરદી અને સમાજ ન માને તે માટે મનોવૈજ્ઞાનિક સલાહ દ્વારા કાઉન્સેલિંગ પણ અપાય જેથી દરદીનું મનોબળ મજબૂત બને તો એ વધુ સારી રીતે અને લાંબો સમય જીવી શકશે એ વાત પણ મૂકી.

 

સદનસીબે અમદાવાદથી પ્રસિદ્ધ થતા આજના (તા.૩૦.૧૧.૨૦૧૮) દૈનિક ગુજરાત સમાચારની પૂર્તિમાં આ બાબતનો એક સરસ લેખ આવ્યો છે જે પણ આ રોગના દરદીઓને તેમજ તેમના સગાવહાલાઓને મદદરૂપ થાય તે હેતુથી અલગથી મૂકું છું.

 

માનવજાતે પ્રગતિ ખૂબ કરી પણ એ પ્રગતિ કરવા જતાં જંગલોથી માંડીને જમીન, પાણી અને વાતાવરણ (પર્યાવરણ)નું સત્યાનાશ વાળી નાખ્યું જેને કારણે આપણે ખૂબ ઝડપથી એ પરિસ્થિતી તરફ ધસમસતા આગળ વધી રહ્યા છીએ કે જ્યાં આવનાર દસેક વરસમાં ફેફસાં સંલગ્ન રોગ/COPD સૌથી મોટો ઘાતક રોગ બનશે. સરકારો તો કાયદા કરશે પણ કાયદાથી સમાજ નથી ચલાવી શકાતો. કાયદાથી માણસનું દૈનિક જીવન નથી ચલાવી શકાતું. એ માટે આપણે સહુએ નાગરિક ધર્મ સમજવો પડે અને પોતે એમાં શું ફાળો આપી શકે એ કોઈ પણ કાયદાની દખલગીરી વગર જાતે જ સંભાળી લેવું પડે. અમેરિકાના પ્રમુખ જ્હોન એફ. કેનેડીના પેલા પ્રસિદ્ધ ઉદગાર, “ask not what your country can do for you - ask what you can do for your country”; તમારો દેશ તમારા માટે શું કરી શકશે એની પંચાતમાં પડ્યા વગર તમે દેશ માટે શું કરી શકશે એની ચિંતા કરો તો વધુ ઉપયોગી બનશે.

 

આઝાદી પછીની બધી જ સરકારો અને બધા જ રાજકીય પક્ષોએ મતબેંક કબજે કરવાની લ્હાયમાં એક સૂરે આ દેશની પ્રજાને એટલે કે આપણને શીખવાડ્યું છે કે –

 

“સરકાર કરશે, સરકાર બધું જ કરશે અને એથીય ખતરનાક, સરકાર મફતમાં કરશે. આપણે જનમીએ છીએ, જીવીએ છીએ મરીએ છીએ બધું જ સરકાર માટે, સરકારના જોખમ અને જવાબદારીએ.”

 

લોકશાહી કે પ્રજાતંત્રમાં સરકારો જ બધું કરશે એમ માનીએ તો કેટલું અહિત થઈ શકે એનું આદર્શ ઉદાહરણ ભારત છે. આપણે અધિકારો બધા જ જોઈએ છે પણ ફરજ કોઈ નહીં. સારું થાય ત્યારે ડોક લંબાવીને ગુલાબનો હાર પહેરવા કે મોઢા ઉપર મેકઅપીયા સ્મિત પહેરીને ફોટા પડાવવામાં પડાપડી થાય પણ ખરાબ થાય ત્યારે દોષ બીજા કોઈનો જ હોય, આપણો ક્યારેય નહીં.

 

સાચા અર્થમાં આપણી લોકશાહી ધીરી પણ મક્કમ ગતિએ એક એવી વ્યવસ્થા બની રહી છે કે જ્યાં જવાબદારીની ઐસીતૈસી કરનારને મનમાની કરવાનો અધિકાર વધુને વધુ મળતો જાય છે. Democracy has beoame a passport to misbehave.

 

આવા દેશમાં પર્યાવરણ સુધરશે, કચરો ઉડાડતા અને ધુમાડો કરતા આપણે બંધ થઈશું એવું થવાની આશા મૂર્ખતાની પરાકાષ્ઠા છે.

 

અને..

 

આવું નહીં થાય એટલે જ આવનાર દાયકામાં ભારતમાં ફેફસાં અને શ્વાસનળીના રોગો સૌથી વધુ ઘાતક બનશે અને એથીય વધુ દમ અને ફેફસાં ખરાબ થઈ ગયા હોય તેવા અનેકને જીવતા જીવત દોજખમાં જીવતા હોય એવી યાતનાઓ સહન કરવાનું કારણ બનશે.

 

લોકશાહી અમર રહો.

 

હે રામ !!!

 

નોંધ : થોડું લાંબુ લખાઈ ગયું છે એટલે ગુજરાત સમાચારવાળો આર્ટીકલ આવતી કાલે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles