Thursday, July 2, 2015
છેલ્લા નવ હપ્તાથી જશભાઈનું પાત્રચિત્રણ અને શબ્દગોઠડી ચાલી. ઘણો સુંદર પ્રતિભાવ મળ્યો. આ દરમ્યાન એંશી વરસની જૈફ વય પાર કરી ગયેલ જશભાઈ હજુ પણ યુવાનને શરમાવે તેવી ચુસ્તી મુસ્તેદીથી કાર્યરત છે એ જાણવા મળ્યું. એમ કહું તો ચાલે કે લગભગ ચાર દાયકાના અંતરાલ પછી એક નવા જ જશભાઈને ઓળખવાનો મોકો મળ્યો. વળી પાછા મૂળ વાત પર પાછા ફરીએ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે મારી બેકારીની ચિંતા તો ટાળી દીધી પણ વળી એક નવી ચિંતા ઉભી થઈ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો એ સુવર્ણકાળ હતો. ઘણા બધા પ્રોજેક્ટ એક સાથે દેશના જુદા જુદા રાજ્યોમાં ચાલતા. આ કારણથી ગુજરાત બહાર ગમે ત્યાં પોસ્ટીંગ મળે અને વખતોવખત બદલીઓ પણ થતી રહે એ વાતે હવે મને બેકારીની ચિંતા કરતા આ નોકરી મળ્યા પછીની ચિંતા વધુ સતાવા લાગી. માણસનું જીવન પણ કેવું વિચિત્ર છે નહીં ? આપણે ક્યારેક જે બાબતને ઉકેલ સમજતા હોઈએ તે જ બાબત અગાઉના પ્રશ્ન કરતા વધુ જટિલ સમસ્યાઓ લઈને આવે છે. મારી સ્થિતિ કંઈક આવી જ હતી. જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી છૂટશે એ ખયાલે એક ઘેરી ઉદાસી મનને વીંટળાઈ વળી. રાજીનામું ધડાક કરતું આપી તો દીધું પણ થોડાક દિવસોમાં આ કોલેજ, આ વાતાવરણ, આ ટી ક્લબ, આ મિત્રો અને પ્રમાણમાં કશી જ તકલીફ વગરની સરળ નોકરી છૂટી જશે એ વિચારે કોઈક ક્ષણે તો હજુ પણ વાણિયા મૂછ નીચી કરી રાજીનામું પાછું ખેંચી લેવાનું મન થતું. વળી પાછો બીજી ક્ષણે પેલો કેપીટલ “આઈ (I)” આડે આવતો. આ “આઈ (I)” પણ કેટલો વિચિત્ર છે નહીં ? વાક્યમાં પહેલા આવે તો પણ એ મોટા અક્ષરે કેપીટલમાં લખાય, વચ્ચે આવે તો પણ આ મહાશય કેપીટલમાં જ હોય અને વાક્યના છેલ્લે આવે તો ય એ કેપીટલમાં જ હોય. માણસના અહંકારનું પણ કેવું લોલંલોલ ચાલે છે ? આવી અહંકારની જ કોઈ ક્ષણે રાજીનામું આપવાનો નિર્ણય લેવાઈ ગયો. હવે લાગતુ હતું કે જરા ઉતાવળ થઈ ગઈ. પણ બીજી બાજુ મન કોઈપણ સમાધાન માટે તૈયાર નહોતું. પેલો કેપીટલ “આઈ (I)” કહેતો હતો કે આપણે પણ સ્વમાન જેવું કંઈક હોય ને ? નીચી મૂડીએ પાછા જઈએ એમાં આપણી શું કિંમત રહે ? કોઈ મોઢે ના કહે પણ પાછળ તો ખીલ્લી ઉડાવે જ ! એટલે વટના માર્યા ગાજર ખવાઈ ગયું હતું અને અંતરમન કોઈપણ હિસાબે એમાં બાંધછોડ કરવાની ના કહેતુ હતું. અનુભવે સમજાયું છે કે જીવનનું નામ જ સમાધાન છે. ક્યારેક ખોટા આત્મવિશ્વાસ કે અહંકારમાં લઈ લીધેલો નિર્ણય તમે લાખ ચાહો તમને છોડતો નથી. આમ એકબાજુ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરીંગના આપણે થોડાક દિવસના મહેમાન છીએ અને બધું છૂટી જશે તેની વ્યથા ઘેરી વળતી તો બીજી બાજુ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની નવી નોકરીમાં ઠેરઠેરની ઘંટીના લોટ ખાવા પડશે એ વિચાર ચિંતા જન્માવી જતો. બરાબર ત્રિશંકુ જેવી દશા થઈ હતી. કહી શકાય કે “આસમાન સે ગીરા ખજૂર મેં અટકા”. આ બધા વલોણા બાદ વળી પેલો ચણાજોરગરમવાળો આત્મવિશ્વાસ માથું ઉચકતો અને મનમાં ને મનમાં કહેવાઈ જતું પડશે એવા દેવાશે. ધીરે ધીરે જેમ દિવસો વીતવા માંડ્યા અમારી ટી ક્લબમાં પણ ફેરવેલ પાર્ટી માટેની તારીખ નક્કી કરવાની વાત શરુ થઈ. સામાન્ય રીતે આવી પાર્ટી એટલે રીસેસમાં જ્યારે ટી ક્લબ મળે ત્યારે રોજ ચા અને કોઈ હળવો નાસ્તો હોય એના બદલે એ દિવસે કંઈક વાનગી અને બીજી એક બે આઈટમ ફરસાણમાંથી હોય. બે ચાર નાના મોટા વક્તવ્યો થાય અને પછી રીસેસ પુરી થવાની ઘંટડી વાગે એટલે સહુ સહુના કામે વળગે. આ ટી ક્લબ ધીરે ધીરે મારા ફેકલ્ટી કાર્યકાળનું એક મહત્વનું અંગ બની ગઈ હતી. હું જ્યારે જોડાયો ત્યારે જોયું કે અહીં વધુ પડતી શિસ્તનું વાતાવરણ હતું. અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કે સીનીયર પ્રોફેસર કોઈ સૂચન કરે એટલે તરત થટ્ટે સાહેબ એમની ટચુકડી ડાયરીમાં એક આજ્ઞાંકિત કર્મચારીની માફક નોંધી લે. એટલા સુધી કે કોઈ સીનીયરનું એવું સૂચન હોય કે હવે રેડલેબલને બદલે લીપ્ટનની ગ્રીન લેબલ ચા વધુ સારી આવે છે તો એટલું પણ ચોક્સાઈપૂર્વક થટ્ટે સાહેબની ડાયરીમાં નોંધાઈ જાય. સીનીયરોની હાજરીમાં કોઈ બોલે નહીં અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ આવે એટલે એકદમ પાંદડુ પડે તો ય સંભળાય એવી શાંતિ વ્યાપી જાય. મને પહેલા જ અઠવાડિયાથી આ વાતાવરણમાં ગૂંગળામણ થતી હોય એવું લાગતું. રીસેસ હળવા થવા માટે અને હળવા મળવા માટે છે એવો મારો સ્પષ્ટ મત હતો. મેં ધીરે રહીને આ વાત મુકી તો એમાં અમારી યુવાબ્રિગેડના જુનીયર સભ્યો બિયાની, સતીષ, પ્રદ્યુમ્ન વિગેરે જોડાયા. મજાની વાત તો એ હતી કે સીનીયરો પાસેથી ક્લબ ફી માંગવાની કોઈની હિંમત નહોતી અને આમાનાં મોટા ભાગના એની ચિંતા પણ નહોતા કરતા. અમે બધાએ ભેગા થઈને થટ્ટે સાહેબ પાસેથી વહિવટ લઈ લેવાનું નક્કી કર્યું. પણ બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધે ? આ હિસાબ કિતાબ અને પરચુરણ કામો મને સોંપાયા. મેં કોઈપણ પ્રકારની શેહશરમ વગર ઉઘરાણી શરુ કરી. એક બે સીનીયરનું નાકનું ટેરવું ચઢી ગયું. એમણે ક્લબમાં આવવાનું બંધ કર્યું અને બાકીનાઓએ પોતાનો ફાળો નિયમિત આપવા માંડ્યો. ટી ક્લબનું ઉધારતંત્ર બંધ થયું, આવક વધી. પરિણામે નાસ્તાની ગુણવત્તા સુધરી. ક્લબનું વાતાવરણ પણ વધુ મુક્ત બન્યું અને સાચા અર્થમાં રીસેસનો સમય હળવા થવાનો અને હળવા મળવાનો બન્યો. મારું આ આખાબોલાપણું ન ગમ્યું માત્ર એક બે સીનીયરોને અને તેમની પરમ ભક્તિમાં રાચતા થટ્ટે સાહેબને જો કે મારી આ અસરકારકતાને લીધે સહકર્મીઓમાં મારા માટે લાગણી અને માન વધ્યાં. આ કારણથી જેમ જેમ મારો છૂટા થવાનો દિવસો નજદીક આવતો હતો તેમ તેમ એક વ્યક્તિ અત્યંત કાર્યરત અને વ્યસ્ત બનતી જતી હતી. આઠ દસ દિવસ સુધી તો રોજના સરેરાશ દોઢથી બે કલાક મારા માટેનું વિદાયમાન વક્તવ્ય લખવામાં આ ભાઈએ વીતાવ્યા હશે. એ વ્યક્તિ બીજું કોઈ નહીં થટ્ટે સાહેબ હતા. ટી ક્લબમાં મારી ફેરવેલ પાર્ટીમાં અસરકારક વક્તવ્ય આપવા માટેની એમની આ તૈયારીઓ હતી! બાકીના બધા હૃદયમાંથી બોલવાના હતા પણ થટ્ટે સાહેબ ચોપડીઓમાંથી બોલવાના હતા. આ તૈયારીમાં પણ એ શું કહેશે એની સંપૂર્ણ ગોપનીયતા જાળવવાની ખાસ કાળજી લીધી હતી. અહીં એક રમૂજ પ્રેરક વાત કહું. હું ક્યારેક ક્યારેક ચુડાસમાની સામે બેસી ગપ્પા મારી લેતો. ખાખી બીડી પીતો અને દુનિયાભરની પંચાતમાં માહિર ચુડાસમા અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટનો સ્ટેનો ટાઈપીસ્ટ હતો. હતો ટાઈપીસ્ટ પણ પૂરેપૂરો હરફનમૌલા માણસ. ઘણા લાંબા સમયનો અનુભવ અને વિશ્વસનીયતા સાથે કાર્યદક્ષતા એ એની મૂડી. અમારે ત્યાં દરેક વિષયમાં ત્રીસ માર્ક ઈન્ટરનલ માર્ક તરીકે મુકાતા. આ માટે દરેક ટર્મમાં સમયાંતરે ત્રણ ઈન્ટરનલ ટેસ્ટ થતા અને એમાં મેળવેલ માર્ક મુજબ ત્રીસ માર્કમાંથી ઈન્ટરનલ ગુણાંક મુકાતા. ક્યારેક કોઈ ઉદાર પ્રોફેસર હોય તો કોમ્પેન્સેટ્રી એટલે કે વધારાનો ટેસ્ટ લેતા પણ સરેરાશ તો જે ત્રણ ટેસ્ટમાં વધારે માર્ક હોય તેની જ ગણાય એટલે એકાદ ટેસ્ટ નબળો ગયો હોય તો આંતરિક ગુણાંકની સરેરાશ વધી શકે. આ માટે સાયક્લોસ્ટાઈલ પેપર દરેક ફેકલ્ટી મેમ્બર તૈયાર કરતા. કોઈક એકાદ અપવાદને બાદ કરતાં આ માટે બધા જ સ્ટેન્સીલ કટીંગ કરાવવા ચુડાસમાની મદદ લેતા. એક વખત અમને થટ્ટે સાહેબની મજાક કરવાનું મન થયું. થટ્ટે સાહેબ પોતે જ ચુડાસમાના ટાઈપ રાઈટર ઉપર સ્ટેન્સીલ કટીંગ કરે અને માથે ઉભા રહીને સાયક્લોસ્ટાઈલીંગ કરાવે. કોઈ ઉપર વિશ્વાસ નહીં. અમે ગતકડુ કાઢ્યું એક વાત થટ્ટે સાહેબ સુધી પહોંચાડી. કહ્યું તમે જે પેપર કાઢ્યું છે તે સ્ટેન્સીલ કટ કર્યા ત્યારે એના કાર્બન તમે વેસ્ટ પેપર બાસ્કેટમાં નાંખી દીધા જે પેલા વ્યાસ અને બિયાનીના હાથમાં આવ્યા છે અને હવે તેઓ પેપર લીક કરી દેશે. તમારું નામ ખરાબ થશે. કોઈને નવાઈ લાગશે પણ રાત્રે દસ વાગ્યે થટ્ટે સાહેબ પાછા ફેકલ્ટી ઓફિસ આવ્યા. આખું પેપર બદલી નાંખ્યું અને એ રીતે એની ગોપનીયતા જળવાઈ રહેશે એવા આત્મવિશ્વાસ સાથે વળી એમની દ્વીચક્રી સવારી એટલે કે સાયકલ પર ઘરે ગયા. મને વિશ્વાસ છે એ દિવસે ઉંઘમાં પણ થટ્ટે સાહેબના ચહેરા પર વ્યાસ અને બિયાનીને કેવા મૂરખ બનાવ્યા એ વિચારે સ્મિત ફરકતું હશે !
આ થટ્ટે સાહેબ મારા માટે ખૂબ ઝીણવટ અને ચોક્સાઈથી તૈયાર કરેલ વક્તવ્ય આપવાના હતા. શું કહ્યું હશે તેમણે ?