featured image

આ વખતે બેસતું વરસ દિવાળીના બીજા દિવસે નહોતું. વચ્ચે એક પડતર દિવસ હતો અને ત્યારબાદ મંગળવાર તારીખ ૭ નવેમ્બરના રોજ વિક્રમ સંવત ૨૦૮૦નું નવું વરસ બેઠું. આમ તો નવા વર્ષે સવારમાં નાહીધોઈ તૈયાર થઈ ઓફિસના મુહૂર્તમાં હાજરી આપવાનો વર્ષો જુનો વણલખ્યો નિયમ છે. ઓફિસના મુહૂર્તમાં હાજરી આપી પછી પાછા ઘરે આવીને આપણે મંડલોપ સિદ્ધેશ્વરી માતાના દર્શને જતા. ગમે તે કારણ હોય છેલ્લા કેટલાક વર્ષોથી આ નિયમ જળવાતો નથી. કશુંક વિઘ્ન તો આવે જ છે. આ વખતે રાંઝણ એટલે કે સાયટીકાને કારણે જમણો પગ પકડાયો. અસહ્ય પીડા થાય. માંડ બે ડગલાં ચાલીયે ત્યાં જાણે કે જીવ નીકળી જતો હોય એવું લાગે. નિષ્ણાત ડોક્ટરોની દવા તો કરી પણ કર્મનો સિદ્ધાંત કહે છે કે દેહના દંડ તો ભોગવવા જ પડે. આ દેહના દંડ ભોગવી રહ્યો છું. દર્દ સહેવાનો હવે મહાવરો પડી ગયો છે. તારી હયાતીમાં ભાગ્યે જ માંદો પડ્યો. ઓફિસમાં ક્યારે પણ રજા પાડી નહોતી. એને બદલે છેલ્લા બે વર્ષથી બાયપાસ સર્જરીથી શરૂઆત કરી અનેક માંદગીઓ વેઠી. પહેલી ઈશ્વરની કૃપા, બીજી તારી હુંફ અને ત્રીજુ આત્મબળ. આ વખતે તો જીભ લોચા મારવા માંડી હતી. બોલવાનું ન સમજી શકાય તે હદ સુધી શબ્દો અસ્પષ્ટ હતા. એમાં વચ્ચે તો એકદમ મજા થઈ ગઈ. લગભગ વીસેક દિવસ યાદદાસ્ત તદ્દન ગુમ. કશું જ યાદ ન રહે. કોઈને ઓળખી પણ ન શકાય. મગજની ડાયરી જાણે સંપૂર્ણ ભૂંસાઈ ગઈ. આ વખતે મારા નિષ્ણાત ડોક્ટર મિત્રોનો આત્મવિશ્વાસ પણ ડગી ગયો હતો.

તારું દેહાવસાન ૧૬ માર્ચ ૨૦૨૧ના રોજ થયું અને લગભગ મે મહિનાથી મારી આ દુર્દશા શરૂ થઈ. જોકે મને કોઈ ચિંતા નહોતી. આત્મબળ અને ઈશ્વર ઉપરની શ્રદ્ધા એકદમ મજબૂત હતા. ક્યારેક એવો પણ વિચાર આવતો કે ઈશ્વરે ધાર્યું હશે તો તારી પાછળ આ માંદગીઓના માધ્યમથી ચાલી નીકળીશ. આમેય હું તારા કરતાં ઝડપથી ચાલી શકતો એટલે લાગતું કે થોડી વધારે ઝડપ કરીશ તો તને રસ્તામાં જ પકડી પાડીશ. એ માટે પણ નસીબ જોઈએ ને! હું અહીંયા ટકી ગયો પણ આ વખતે સાયટીકાએ તો મારા પૂર્વજોની સાત પેઢી યાદ કરાવી દીધી. ગુજરાતીમાં એને રાંઝણ કહે છે. એનો પ્રકોપ એટલો તીવ્ર હતો કે વ્હીલછેર અથવા વોકર વગર ચાલી શકાતું નહોતું. લગભગ એક મહિનો અને એક અઠવાડિયું પથારીમાં જ પડ્યા રહેવાનો ડોક્ટરોનો આદેશ હતો. ક્યારેક હું ટૂર પર જાઉં અને છોકરાઓ સહુસહુના કામમાં વ્યસ્ત હોય ત્યારે તું સાહજિકતાથી કહેતી કે આવડા મોટા ઘરમાં અને બધા બંગલાવાળાઓ પોતપોતાના કમ્પાઉન્ડમાં સમેટાઈને રહેતા હોય ત્યારે આપણે તો ‘વનવગડામાં સોનબાઈ એકલા’. મને ખ્યાલ છે આ વાક્ય તને તારી સાસુ તરફથી વારસામાં મળ્યું છે. પણ આ વાક્યનો ખરેખર અનુભવ દોઢ મહિનાના એ એકાંતવાસે બરાબર કરાવી દીધો. ક્યારેય પગ વાળીને નહીં બેસનાર આ માણસ ઘરની દીવાલો વચ્ચે કેદ થઈ ગયો અને રાંઝણ ઝડપથી મટતી નથી એટલે મારો એકાંતવાસ લાંબો ચાલ્યો અને પેલું ‘વનવગડામાં સોનબાઈ એકલા’ વાક્ય બરાબર સમજાઈ ગયું. જો કે અહીંયા મારું આત્મબળ અને સાહિત્ય ખૂબ કામ આવ્યા, નહીંતર સતત કામ કરનાર માણસને એકાંતવાસની સજા થાય તો ગાંડો થઈ જાય. આમેય હું અડધો ગાંડો તો છું જ. આ વખતે સિદ્ધેશ્વરી માતા નહીં જવાયું.

આ દિવસ સાથે સંકળાયેલ એક બીજી વ્યક્તિની યાદ પણ હંમેશા મનમાં ઉદાસીના વાદળ ખેંચી લાવે છે.  એ વ્યક્તિ એટલે રંગરેજ. ધારાસભ્ય બન્યા બાદ સિદ્ધપુર સર્કિટ હાઉસમાં એક દિવસ આ ઉમદા માણસનો પરિચય થયો. એ પરિચય આજીવન મિત્રતામાં પલટાયો. રંગરેજ અત્યંત ખંતીલો માણસ. સર્કિટ હાઉસની વ્યવસ્થાથી માંડી જમવા સુધી રંગરેજ હોય ત્યારે કશું જ જોવું ન પડે. સિદ્ધપુર સર્કિટ હાઉસનો વહીવટ ખાસ્સો લાંબો સમય એમની પાસે રહ્યો અને ત્યાં સુધી સિદ્ધપુર સર્કિટ હાઉસની વ્યવસ્થા એકદમ જળવાયેલી રહી. નવરા માણસોનો અડ્ડો સિદ્ધપુર સર્કિટ ક્યારેય ન બન્યું. ન તો અન્ય બદનામ વસ્તી જેવા સર્કિટ હાઉસોની માફક એને કોઈ કાળી ટીલી લાગી. ભલભલા તીસમારખાંને પણ રંગરેજ રસ્તો પકડાવી દે. ત્યાંથી એ માઉન્ટ આબુ સર્કિટ હાઉસમાં ગયા અને ત્યારબાદ પ્રમોશન મેળવી મહેસાણા સર્કિટ હાઉસ ખાતે મેનેજર તરીકે પરત આવ્યા. મારી ધારાસભ્ય અને મંત્રી તરીકેની કારકિર્દીમાં સ્વાર્થ વગર મારી સાથે જોડાનાર અને મારા અસ્તિત્વનો એક ભાગ બની જનાર બહુ ઓછા લોકોમાં રંગરેજ પહેલા નંબરે આવે. આપણે બેસતા વર્ષના દિવસે સિદ્ધેશ્વરી માના દર્શન કરવા જવાનો જે અતૂટ નિયમ હતો તેવો જ અતૂટ નિયમ પાછા આવતા મહેસાણા સર્કિટ હાઉસ ખાતે રંગરેજની મહેમાનગતિ માણવાનો હતો. જમવાનું પૂરું થાય ત્યાં સુધી આ નેકદિલ ઇન્સાન અદબ વાળીને ઉભા રહે. થાળીમાં કશું ખૂટે અને આપણે માંગીએ તે પહેલા તો રંગરેજની ચકોર નજર પીરસવાવાળાને ઇશારો કરી દે. આ માણસને લાખ આગ્રહ કરવા છતાં બેસતા વર્ષની દાવતના પૈસા એણે ક્યારેય ન લીધા. ઘણા મિત્રો આવ્યા, ઘણા ગયા, ખૂબ નજીકના મિત્રો ગણતા હોઈએ અને જેને આપણા કુટુંબના સભ્ય ગણતા હોઈએ એવી વ્યક્તિઓ પણ પોતાના રાજકીય હિત ખાતર મોઢુ ફેરવી જાય, એમના ઘરમાં ફોટાઓ બદલાઈ જાય, એવા ઘણા નાટકો જોયા છે. તે જ કહેલું કે ‘ચડતાને પૂજે એ દુનિયાનો નિયમ છે’, એટલે ક્યારે આવી વાતોને દિલ પર ન લેવી. સૂર્ય અસ્તાચળે જાય ત્યારે વ્હેતિયાઓના પડછાયા લાંબા થઈ જાય છે અને એટલે જ જ્યારે મારો રાજકીય સૂર્ય અસ્તાચળે જતો દેખાયો ત્યારે ઘણા વ્હેતિયાઓના પડછાયા લાંબા થતાં આપણે અનુભવ્યા છે. તું ઘણીવાર મને કહેતી કે મેં લગ્ન તમારી સાથે કર્યું છે, તમારા હોદ્દાઓ સાથે નહીં અને એટલે તમારો આનંદ અને તંદુરસ્તી જેવી બાબતે જ હું ચિંતા કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું. વાત તો તારી સાચી હતી. હું મંત્રી રહ્યો ત્યારે માત્ર એક વખત તું વિધાનસભામાં આવી હતી અને તે પણ સપનાને વિધાનસભા બતાવવા માટે. કોઈ કહે, ‘ગાંધીનગર કેમ નથી આવતા?’ ત્યારે તારો હંમેશનો જવાબ રહેતો, ‘મારે ગાંધીનગર સાથે શું લેવાદેવા?’ અને આમ છતાંય માનનીય કેશુભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મહિનામાં એકવાર બધાને સહકુટુંબ જમવા બોલાવતા અને તે સમયે આપણે ગાંધીનગર નહીં રહેતા હોવા છતાં જાણે આ બધાને વર્ષોથી ઓળખતી હોય તે રીતે તું એમની સાથે ભળી જતી. માનનીય કેશુભાઈ અને લીલાબા સાથે પણ વાત કરવાનો તારો અતૂટ સંબંધ રહ્યો. મને ત્યારે નવાઈ લાગતી કે આટલી બધી આવડત તારામાં આવે છે ક્યાંથી? પણ એ બાબતમાં હું નસીબદાર હતો.

વળી પાછા રંગરેજની વાત પર આવીએ. રંગરેજ પતિપત્નીને કોવિડ ભરખી ગયો. એમનો દીકરો હોમિયોપથ ડોક્ટર છે, એ માંડ માંડ બચ્યો. રંગરેજના જેવો જ મિજાજ અને ખાનદાની એના દીકરાની છે. મળીએ ત્યારે આનંદ થાય કારણ કે મારા મિત્રની એ યાદ છે. તું પણ બરાબર એ જ અરસામાં ચાલી નીકળી. ત્યારબાદ કોણ જાણે કેમ, એક યા બીજા કારણોસર, બેસતા વર્ષના દિવસે નથી સિદ્ધેશ્વરીના દર્શન થતાં કે નથી મહેસાણા સર્કિટ હાઉસમાં પગ મુકવાનું મન થતું. ભગવાને જાણે બેવડો ફટકો માર્યો હોય તેવું લાગે છે. હા, સિધ્ધપુર બેસતા વર્ષનો શુભેચ્છા મિલન સમારોહ કરવાનો રિવાજ જળવાઈ રહ્યો છે. આ વખતે રાંઝણની અસહ્ય પીડા થતી હોવા છતાં મેં સફળતાપૂર્વક સબસલામતનું નાટક કર્યું. મને લાગે છે કે આવી બાબતોમાં નાટક કરવાનું અને મારી વ્યથા કે વેદના કોઈને પણ કળવા નહીં દેવાની હવે ફાવટ આવી ગઈ છે.

વિશેષમાં આ વખતે રાજપુર જવાનું થયું. વર્ષો સુધી મા જે અંબાજીની નાનકડી દેરીમાં સાંજે દીવો કરાવતી અને એની બાજુની કૂઈમાંથી અમે પાણી પીતા તે બધું બદલાઈ ગયું છે. અંબાજીમાના દર્શન કર્યા ત્યારે બે વસ્તુ યાદ આવી ગઈ, એક મા અને બીજી તું. કારણ કે લગ્ન પછી કન્યાવિદાય થઈ પણ જે મોટરમાં આપણે જવાનું હતું તે બગડીને બેઠી એટલે આપણે બે ચાલતાચાલતા ઘરે ગયા હતા. છેડાછેડી બાંધેલા અને ત્યારે અંબાજી માતાના દર્શન કરીને પછી આપણા બંગલાના કમ્પાઉન્ડમાં ઝાંપો ખોલી પગ મુક્યો હતો. ત્યાર પછી તો બધું બદલાઈ ગયું. માએ અંચાઇ કરી, એકાએક બીમાર પડી વિદાય લીધી. અને તેવી રીતે તે પણ મારો સાથ અને હાથ છોડી દીધો. મા પણ આજે ડગલે ને પગલે સાંભરે છે. એ જે કહેવતો વાપરતી એનું લિસ્ટ બનાવ્યું, લગભગ ૬ હજાર કરતા ઉપર થયું. ખાસ્સી વીસ વર્ષ કરતાં વધુ સમય ચાલશે ચિત્રલેખાના પાને, રોજ મૂકી શકાય એટલે ખજાનો માના સ્વમુખેથી પ્રાપ્ત થયો. મા પાસેથી ઘણું બધું મેળવ્યું. સેવા કરવાનો બહુ ઓછો સમય મળ્યો. આ અંબાજી માની દેરી સાથે માની યાદ જોડાયેલી છે. એ દેરીમાં મા શક્તિ વસે છે અને શક્તિ સ્વરૂપમાં મારી મા પણ ત્યાં હાજર છે એવો અનુભવ જ્યારે જ્યારે ત્યાં દર્શન કરીએ ત્યારે થાય છે. તારા નામની આગળ મેં હંમેશા હૃદયસ્થ લખ્યું છે એટલે આ અંબાજી માતાની દેરીએ જ્યારે જ્યારે માથું નમાવવાનું બન્યું છે ત્યારે ત્યારે એ પ્રાર્થના હંમેશા આપણા બે વતી જ કરી છે. ક્યારેય એકલતા અનુભવી નથી.

આ વખતે પણ રાજપુર ગામના યુવાન મિત્રોએ એક નાનકડું સંમેલન રાખ્યું. એ સ્નેહમિલન દરમિયાન સ્વાગત તો કર્યું પણ ચાંદીના ગ્લાસમાં પાણી પીવડાવ્યું કારણ કે કોઈ કમનસીબ પળે હું રાજપુરથી રિસાયો હતો. મને પણ એ નહોતું ગમ્યું. આ બેસતા વર્ષે રાજપુર સાથે ફરી જોડાઈ ગયો. મને દુઃખ થયું અને રિસાયો એ પછીનો એકેએક દિવસ રીતસરનો રાજપુરના મારા બાળપણના મિત્રો અને સંસ્મરણો યાદ કરીને ગાળ્યો છે. હવે કદાચ રાજપુર મારાથી રિસાશે તો પણ હું રાજપુરથી ક્યારેય નહીં રિસાઉ, એવું મનોમન મેં અંબાજીની દેરીએ દર્શન કરતાં નક્કી કર્યું છે. રાજપુર મારું - આપણું ગામ છે, વતનથી પણ વિશેષ છે, હવે ગમે તે પરિસ્થિતિ ઉભી થાય રાજપુર સાથે ક્યારેય સંબંધમાં કડવાશ નહીં આવે. છેક અંતિમ શ્વાસ સુધી...

છેલ્લે, બાબાના દરબારમાં હાજરી પુરાવી. સાંઈબાબા તને ગમતું એક સ્થળ, આપણે ઘણીવાર અહીંયા બેઠા છીએ. મારા મિત્રોમાંથી મોટાભાગના સાંઈના દરબારમાં એમના એમ જ રહ્યા છે. આ વખતે બચુભાઈ ઠાકરના પૌત્ર અને પૌત્રવધૂ તેમજ સર્વમંગળાબેન હાજર હતા. મજા આવી. બચુભાઈના પૌત્રે સારી પ્રગતિ કરી છે. દિલ્હી રહે છે. આવું બધું જોઈએ ત્યારે ખૂબ ખુશી થાય છે. વસંત આ વખતે નહોતો, એ પણ લાંબા ગામતરે ઉપડી ગયો છે. બાબાના દરબારમાં થોડો સમય બેઠા. એ પણ એવું સ્થળ છે જ્યાં કલાપીની યાદ આવે છે અને કહેવાઇ જાય છે, ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની...’

સવારમાં ખૂબ વહેલા તારા પછી જેણે લક્ષ્મીમાનો હવાલો સંભાળ્યો છે તે આપણી ભત્રીજી શ્રેયાએ ફોટો અને વિડીયો મૂકી દર્શન કરાવી દીધા હતા. વાહનો ખૂબ વધી ગયા છે એટલે આપણો ખટારો ત્યાં સુધી જઈ ન શક્યો. મને ચલાતું હોત તો દર્શન થઈ શક્યા હોત. એનો વસવસો રહી ગયો. ભાઈ ઉપવર્શ અને શ્રેયા સામે ચાલીને જમચકલે મળવા આવ્યા. બંનેને મળીને દિલમાં ખૂબ ટાઢક થઈ. શ્રેયાની દીકરી પણ હવે ખૂબ મોટી થઈ ગઈ છે. તમારા બંનેની માફક એ પણ ચબ.. ચબ.. બોલે છે. મેં અનુભવ્યું છે કે દીકરીઓ ખૂબ ઝડપથી મોટી થઈ જાય છે અને પરાણે મીઠડી લાગે તેવું બોલે છે પણ ખરી. શ્રેયા તેના ઘરે સુખી છે એનો આનંદ.

આમેય તું નથી એટલે ગોવિંદમાધવના મહાડમાં જવા માટે પગ ઉપડતો નથી. જાઉં તો પણ માતાજીના દર્શન કરીને પાછો વળી જઉં છું. તું હોય ત્યારે આખો મહોલ્લો ગાજતો રાખતી હતી. હજુ પણ ક્યાંક તારો અવાજ સંભળાશે એની રાહ જોઉં છું. ખબર છે એ નહીં સંભળાય. જાણેઅજાણે લક્ષ્મી માને ઠપકો અપાઈ જાય છે - એના પર જેને વિશ્વાસ હતો એવી એની લાડકી દીકરીને થોડા વધુ વરસ જાળવી લીધી હોત તો શું તકલીફ હતી? ખેર! નિયતિના ઇરાદાઓ અને નિર્ણય કોણ સમજી શક્યું છે!

બેસતા વર્ષની સાંજનો સુરજ ડૂબી રહ્યો હતો. મેં સિદ્ધપુર છોડ્યું ત્યારે અંધકાર ઉતરતો આવતો હતો, ઠીક મારા ભાવવિશ્વની જેમ જ. દર વખતની જેમ કાશ તું સાથે હોત તો!!


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles