મા શહેરમાં જાય ત્યારે એના રસ્તામાં આવતા દેવસ્થાનોમાં અચૂક માથું નમાવે.

મને પણ દર્શન કરાવે.

મારી ઉંમર માંડ સાત-આઠ વરસની હશે ત્યારથી તે હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યાર સુધી માના સિદ્ધપુર પ્રવાસ કાર્યક્રમનો હું સાક્ષી અને સાથીદાર.

શરીર સાવ સુકલકડી.

મારા બાપાના કેટલાક મિત્રો ગમ્મતમાં પૂછે કે ઘરે તારી મા ખાવા આપે છે કે નહીં !

કપાળ સહેજ મોટું ટેકરાવાળું.

એક વખતે જયદત્ત શાસ્ત્રીજીને હું ગુરુપૂર્ણિમા વખતે બાપા સાથે એમને પગે લાગવા ગયો ત્યારે કહેલું કે આ છોકરાનું કપાળ એ આગળ જતાં ખૂબ તેજસ્વી બનશે અને નસીબદાર થશે એવું દેખાડે છે.

જયદત્ત શાસ્ત્રીજી સાચા પડ્યા કે નહીં તે નક્કી કરવાનું કામ મારું નથી પણ નસીબદારવાળી વાતમાં તો સો ટકા સાચા.

એક સાવ સામાન્ય કુટુંબ અને ગામડાંની શાળામાંથી કોઈ લાગવગ વગર નસીબે મને આટલા સુધી ધકેલ્યો તેમાં જરાય અતિશયોક્તિ નથી.

ચડ્ડી મોટા ભાગે બ્લ્યુ રંગની અથવા ક્યારેક સફેદ અને ઉપર અરધી બાંયનું ખમીસ. માથું પાકું થાય એટલે મા જાતે બનાવેલું ધુપેલ ઉદરતાપૂર્વક વાપરીને વાળ ઓળાવે.

આવા વાળમાં પણ દેવાનંદ જેવો ગુચ્છો પાડવાનો શોખ.

આવો ગુચ્છો પડે નહીં એ બીજી વાત.

પગમાં ક્યારેક જોડા હોય, ક્યારેક ન પણ હોય.

આ બધા મંદિરે દર્શન કરતાં કરતાં માની જે દેવદર્શનની પ્રદક્ષિણા થાય એના આ એક રાઉન્ડમાં આશાપુરી, ઉપલી શેરીને નાકે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ અથવા લીલાબાવા અને ગોવિંદમાધવ. માને માટે વિશેષ શ્રદ્ધાસ્થાન આશાપુરી મા વિષે તો વાત કરી. નીલકંઠેશ્વર મહાદેવ માટે એવું કહેવાય છે કે યવનોએ રુદ્રમાળ તોડ્યો તે વખતે મહાદેવનું આ બાણ દેવાલયમાંથી ઉઠાવી આશારામ મૂળજી ભટ્ટ પોતાને ઘરે લઈ ગયા.

ભટ્ટજીના ઘરે જ લાંબો સમય આ બાણની પુજાઅર્ચના ચાલી.

કહેવાય છે કે વિસનગરના એક નાગર બ્રાહ્મણને સ્વપ્નદર્શન થયું જેમાં મહાદેવજીએ તેને કહ્યું કે ‘હાલ મારું બાણ સિદ્ધપુરનિવાસી આશારામ મૂળજી ભટ્ટને ત્યાં છે. મારી ઈચ્છા ભક્તોને દર્શનનો લાભ મળે તે માટે દેવળમાં રહેવાની છે. મારે તું મારું દેવળ બંધાવી મારી સ્થાપના કર.’

સ્વપ્નમાં મહાદેવજીએ કહેલ વાત સાંભળી તે નાગર સદગૃહસ્થે સિદ્ધપુરમાં આવી બાણની તપાસ કરતાં સ્વપ્નની હકીકત સાચી જણાતા તેમણે દેવળ બનાવી લિંગ પધરાવ્યું. થોડા સમય બાદ પાટણ નિવાસી સખરા વ્હાલજી નામનો એક સજ્જન સિદ્ધપુર યાત્રા માટે આવ્યો જેણે નીલકંઠેશ્વર મહાદેવનું ચમત્કારિક વૃતાંત સાંભળ્યુ. તે અપુત્ર હતો. તેણે મનમાં નિર્ણય કર્યો કે જો પોતાને પુત્રપ્રાપ્તિ થશે તો મહાદેવનું દેવાલય બંધાવશે. થોડા વખત પછી તેની ઈચ્છા પૂરી થઈ. તેણે નીલકંઠેશ્વરનું ભવ્ય દેવાલય બનાવ્યું. તેની અંદર લિંગની સ્થાપના કરી. આ મહાદેવમાં અગાઉ સન્યાસીઓને ભોજન આપવામાં આવતું. ઘણાં સન્યાસીઓ અહીંયાં રહેતાં. શંકરના નૈવેધ વગેરેનો ખરચ સરકાર તરફથી અપાતો. આ મહાદેવની તેમજ અન્નક્ષેત્રની વ્યવસ્થા શ્રીમંત શારદા પીઠાધિશ શંકરાચાર્ય તરફથી કરવામાં આવે છે.

માની આસ્થાનું સૌથી મોટું સ્થાન એટલે ગામધણી ગોવિંદમાધવનું મંદિર.

અગાઉ લખ્યું તેમ ભગવાન ગોવિંદરાયજી અને માધવરાયજીનાં સ્વરૂપ સમક્ષ મેં માને સંપૂર્ણ ધ્યાનમગ્ન થઈ પ્રાર્થના કરતી જોઈ છે. એ દસ મિનિટનો સમય જાણે કે મા બધાથી અલિપ્ત બની જતી. એવા આ ગોવિંદરાયજી માધવરાયજીના મંદિરને લગતી કેટલીક બાબતોનો ઉલ્લેખ સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મમાં જોવા મળે છે.

પ્રથમ ભગવાન માધવરાયજીના પ્રાગટ્યની વાત કરીએ તો સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મના પાન. ૧૪ અને ૧૫ પર એનો ઉલ્લેખ નીચે મુજબ કરેલો છે.

પૂર્વે સનકાદિક ઋષિ લોકો સરસ્વતીના કિનારે તપશ્ચર્યા કરતા હતા ત્યારે અસુરો સરસ્વતીનાં જળનાં અંદર મળમૂત્રાદિ નાખી પાણી નિરુપયોગી કરી ઋષિ લોકની તપશ્ચર્યાનો ભંગ કરવા લાગ્યા. તે જોઈ સરસ્વતી ઘણાં કોપાયમાન થઈ તમામ ઋષિ ગણોને લઈ પોતે જગતનાં બ્રહ્મા પાસે ગયાં. તે વખતે ઇંદ્રાદિક દેવો પણ ત્યાં આવ્યા. સરસ્વતીને ઉદાસીન જોઈ બ્રહ્માએ પૂછ્યું કે, ‘હે સુતા ! આપ ઉદાસીન કેમ જણાવ છો? તમારા દુ:ખનું કારણ કહો.’ આવાં વચન સાંભળી સરસ્વતીજી બોલ્યાં કે, ‘હે પિતા ! અસુરો મળમૂત્રાદિકથી મારા જળને અશુદ્ધ કરે છે ને તેથી ઋષિ લોકોના તપમાં ભંગ થાય છે. માટે તે બંધ થવાનો કોઈ ઉપાય કરી મને કૃતાર્થ કરો.’ આ પ્રમાણે કહી રુદન કરવા લાગ્યાં. ત્યારે બ્રહ્માએ દેવગણોને લઈ પરમાત્મા કે જે તે વખતે સમુદ્રની અંદર શેષનાગ ઉપર શયન કરી રહેલા છે ત્યાં જઈને પરમાત્મા દેવગણો સાથે સ્તુતિ કરી, તે સ્તુતિથી પ્રસન્ન થઈ બોલ્યાં કે તમો બધા ત્યાં જાવ ને હું થોડા વખતમાં ત્યાં આવી અસુરોનો નાશ કરીશ.

આવા વચન પરમાત્માના સાંભળી ઋષિ વિગેરે દેવ લોકો સરસ્વતી સાથે તેમના સ્થાન ઉપર આવ્યા. ત્યાં આવી થોડો વખત રહ્યાં પછી પરમાત્મા પોતે સ્વદેહે પધાર્યા. પરમાત્મા આવેલા જોઈ ઋષિ લોકોને ઘણો આનંદ થયો અને અસુરોનો નાશ કરવાની આજ્ઞા કરી તે પ્રમાણે તેમણે નાશ કર્યો ને બ્રહ્મા ઇન્દ્ર વગેરેને આ જગ્યાએ રહેવા પરમાત્માએ આજ્ઞા કરી. પરમાત્માની સ્તુતિ કરી આ સ્તુતિ કરવાથી પરમાત્મા પ્રસન્ન થયા ને વર માગવા કહેતાં, દેવ લોકોએ કહ્યું કે મહારાજ અમારે બીજું કોઈ જાતનું વરદાન માગવાની ઈચ્છા નથી. પણ અમારી ઈચ્છા એવી છે કે આપ આ જગ્યાએ નિવાસ કરી રહી અમોને કૃતાર્થ કરો. પરમાત્મા ‘તથાસ્તુ’ કહી, મુર્તિસ્વરૂપે ઊભા રહ્યાં. ત્યારથી તે ‘માધવ’ નામથી ઓળખાય છે. તે પ્રથમ હાલ માધુ પાવડી છે, ત્યાં હતા. થોડા કાળે તેમની પ્રતિષ્ઠા શહેરમાં કરેલી છે. (સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ, પાન. ૧૪ અને ૧૫)

માધવે પોતે સરસ્વતીમાં અદ્રશ્ય સ્નાન કરેલાનું અગાઉની હકીકત પરથી જણાય છે. એક વખત તેમણે એક બ્રાહ્મણને સ્વપ્ન દ્વારા કહ્યું કે પોતે મોક્ષપીપળા નજીક સરસ્વતીનાં શુદ્ધ જળમાં નિવાસ કરી રહ્યાં છે. હવે બહાર આવવું છે. માટે તું મને બહાર કાઢ. આ પ્રમાણે સ્વપ્ન દર્શન થવાથી બ્રાહ્મણે બીજા દિવસે સવારમાં જઇ તપાસ કરાવી તો ભગવાન ‘માધવ’ સરસ્વતીનાં જળની અંદરથી પ્રગટ થયા જેમની યથાવિધિ પ્રતિષ્ઠા કરવામાં આવી.

થોડા સમય બાદ કાશ્મીરનો એક રૂનો વેપારી રૂના ગાડાં ભરી વેપાર માટે ફરતો ફરતો મોક્ષપીપળા નજીક આવ્યો. સાંજ પડી ગઈ હતી. બાજુમાં જ વહેતી સરસ્વતીનાં નીર ઉપર ધીરે ધીરે સંધ્યાનો આછો પ્રકાશ છવાતો જતો હતો. રાત પડવાને હવે ઝાઝી વાર નહોતી. નદીના આ કિનારાની રમણીયતાથી પ્રભાવિત થઈ વેપારીએ પોતાના ગાડાં ત્યાં છોડ્યાં. વાળુંપાણી કરી આખા દિવસનો થાક ઓઢી પવનની શીતળ લહેરોનાં પ્રભાવતળે વેપારી નિંદ્રાધીન થયો. સ્વપ્નમાં તેને ભગવાન ગોવિંદરાયજીએ દર્શન આપ્યા અને કહ્યું, ‘હું તારા આ રૂના ગાડાની અંદર છું. મારા મોટા ભાઈ માધવરાયજી અહીં બિરાજે છે. આ કારણથી મારી ઈચ્છા પણ અહીં રહેવાની છે. માટે હે વેપારી ! તું મને રૂના ભડામાંથી કાઢી મારા ભાઈ સાથે પધરાવ.’ આટલું કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયાં.

વેપારી તરત જાગ્યો. સ્વપ્નની વાત તેને હજુ પણ યાદ હતી પણ એને ગંભીરતાથી નહીં લેતા એણે સવારે ગાડા જોતર્યા. પણ એક ગાડુ એની જગ્યાએથી જરાય ચસકયું નહીં. પેલા વેપારીને રાતના સ્વપ્નની યાદ આવી. એણે રૂના ભડા છોડી તપાસ કરી તો અંદરથી ગોવિંદરાયજીની દેદીપ્યમાન મુર્તિ નીકળી આવી. વેપારીને હવે સ્વપ્નની યથાર્થતા સમજાઈ. વેપારીએ ભગવાનની ખૂબ કાલાવાલાપૂર્વક પ્રાર્થના કરી અને તેના પોતાના દેશમાં પધારવા વિનંતી કરી. પણ ગાડું ત્યાંથી ખસ્યું નહીં. છેવટે તેણે તપાસ કરી માધવરાયજીની સાથે જ ગોવિંદરાયજીની આ મુર્તિ પધરાવી. કહેવાય છે વિક્રમ સંવત ૧૩૦૦ની આ ઘટના છે.

હાલમાં આ બે પ્રતિમાઓ નિજમંદિરે બિરાજી રહી છે. સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ હોઇ અપ્રતિમ તેજસ્વી એવી આ પ્રતિમાઓ શહેરની તમામ વસતિ માટે આસ્થાનું સ્થાન છે. સિદ્ધપુરની યાત્રા ગોવિંદમાધવના દર્શન કર્યા વગર પૂરી થતી નથી.

આ દેવના ચમત્કાર વિષે એક વાત સિદ્ધપુરમાં પ્રચલિત છે. બેસતા વરસે ભગવાનને અન્નકૂટ ધરાવાય. ભગવાન જાતજાતનાં પકવાન જમે. એકાદ વખત જરા વધારે જમાઈ ગયું હશે તો ભગવાનને પેટમાં દુ:ખવા માંડ્યુ. મધરાત વીતી ગઈ હતી. કહેવાય છે કે ભગવાન સ્વયં નિજમંદિરમાંથી નીકળી સામે, કોઈ એવું કહે છે કે કોઈ વણિક ગૃહસ્થનાં ઘરે તો કોઈ વળી સામે આવેલી કરિયાણાની પેઢી જઈને, જાતે જ અજમાનો ડબો ખોલી એણે ચાવતા ચાવતા પોતાના સ્થાનકે પાછા ફર્યા. સમગ્ર રસ્તે અજમો વેરાતો આવ્યો. જે પાત્રમાંથી લીધો હતો ત્યાંથી ભગવાનની મુર્તિ સુધી અજમો વેરાયેલો હતો. કદાચ આ કારણથી જ અન્નકૂટને બીજે દિવસે હળવું ભોજન એટલે કે ખિચડી કઢીનો પ્રસાદ ભગવાનને ધરાવાય છે. યથાદેહે તથાદેવે. બીજા બધા સંપ્રદાયોમાં શ્રી કૃષ્ણ હતા એ ભાવથી ભક્તિ થાય છે પણ વૈષ્ણવ સંપ્રદાય તો ભગવાન સાથે વર્તમાનમાં જીવે છે. ભગવાન હાજરાહજૂર છે એમ માની એની સેવાપુજા કરે છે, એને ભોગ ધરાવે છે, શિયાળો હોય તો ગોદડી ઓઢાડે છે, ઉનાળામાં પંખો નાખે છે. આમ ભગવાન સાક્ષાત આપણી સાથે જ છે એ ભાવ સાથે શ્રી કૃષ્ણ ભક્તિ કરે છે. ભગવાનને પેટમાં દુ:ખી શકે એ કલ્પના પણ કદાચ આ પ્રકારની ભક્તિભાવથી નિસ્પાદિત થઈ હશે.

વૈષ્ણવ ધર્મમાં મરજાદનું પણ મહત્વ છે. આજે પણ રૂ. ૩૫૧ જેટલી રકમ આપી ભગવાનને થાળ ધરાવાય છે અને આરતી ઉતારાય છે. પણ આરતી ઉતારવા નાહીધોઇ શુદ્ધ થઈ ફરજિયાત પીતાંબર પહેરવું પડે છે. ગોવિંદમાધવની આરતી ઉતારવી એ પણ એક લહાવો છે, નસીબદારને જ એ પ્રાપ્ત થાય છે.

અત્યારે આ મંદિરની વ્યવસ્થા હિન્દુ મહાજન તરફથી શ્રી ગોવિંદમાધવ મંદિર કમિટી જે નોંધાયેલ ટ્રસ્ટ છે તેના દ્વારા ચાલે છે.

શ્રી ગોવિંદરાયજી અને માધવરાયજી એટલે સિદ્ધપુરના નગરદેવ.

સિદ્ધપુરના ગામધણી એટલે ગોવિંદરાયજી અને માધવરાયજી.

દર અષાઢી બીજે એમની ભવ્ય સવારી નીકળે નગરયાત્રાએ.

ભાવિકો દર્શન કરીને કૃતકૃત્ય થાય.

સાંજે લગભગ ત્રણ-સાડા ત્રણ વાગે આ રથયાત્રા શરૂ થાય તે રાત્રે ભગવાન નિજમંદિરે પરત આવે.

અનેકની આશા પૂરતા, અનેક માટે મનનો વિસામો

ભક્ત વત્સલ અને ભાંગ્યાનાં ભેરુ

મા માટે મૃત્યુંજય મહાદેવ, સિદ્ધેશ્વરી અને ગોવિંદમાધવ સંકટ સમયની સાંકળ.

માની એ સુપ્રીમ કોર્ટ.

કંઇ પણ નાની મોટી મૂંઝવણ હોય ત્યાં અરજી દાખલ કરી દે એટલે મા નિશ્ચિત

ઘરમાં કોઈ સારો પ્રસંગ આવવાનો હોય તો મા એમને વિનવણી કરે, પ્રસંગ નિર્વિધ્ને પાર પડે તે માટે.

આમ સિદ્ધપુરનાં આ મંદિરો એટલે માનાં જીવના ધબકાર સાથે જોડાયેલ શ્રદ્ધાકેન્દ્રો.

આજે મા નથી પણ આજે પણ જ્યારે આ મંદિરોમાં દેવ અથવા દેવી સમક્ષ હતા જોડીને પ્રાર્થના સાથે મનમાં ઊંડે ઉતરી જાઉં છું ત્યારે...

જાણે અજાણે આંખોના ખૂણા ભીના થઈ જાય છે.  

આ મૂર્તિઓના તેજપૂંજની ઝાંયમાં મારી મા અને બાપાનું દિવ્ય સ્વરૂપ ડોકાઈ જાય છે.

મારે માગવાની જરૂર પડે એવું ભગવાને રાખ્યું નથી.

પણ ગોવિંદમાધવની સાક્ષાત અનુભૂતિનો એક અદ્ભુત ચમત્કાર મેં જાતે અનુભવ્યો છે.

સિદ્ધપુરના ધુરંધર તબીબો ડૉ. સંતદાસાની, ડૉ. ભરત નિહાલાની, ડૉ. સી.બી.શાહ જેને મિરેકલ અથવા ચમત્કાર કહીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા તે પ્રસંગ.

મારી પાર્થના કહો કે કાકલૂદીના જવાબમાં અનુભવાયેલી એક ચમત્કારિક ઘટના

એની વાત ક્યારેક કરીશું.

પણ ચમત્કારો હજી આજેય બને છે જો શ્રદ્ધા હોય તો.           

આમ તો સાચી શ્રદ્ધાથી કરેલ પ્રાર્થના અને ઈશ્વર પાસે મૂકેલ માંગણી મંજૂર થાય જ છે.

કદાચ એટલે જ કહ્યું છે કે –

અધીરો છે ઈશ્વર તમને

બધું આપવા માટે,

પણ તમે ‘ચમચી’ લઈને ઊભા છો

‘દરિયો’ માંગવા માટે                                                  

                                   


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles