આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી જ્યાં ત્રણ મહિના રહ્યા હતા તે
નીલકંઠેશ્વર મહાદેવ – લીલાબાવા
બાળપણના મારાં સંસ્મરણો વાગોળતાં મેં નીલકંઠેશ્વર મહાદેવ (લીલા બાવા) વિષે થોડું લખ્યું છે. જેમ જેમ હું સિદ્ધપુર વિષે અભ્યાસ અને સંશોધન કરતો જાઉં છું તેમ તેમ આ સિદ્ધક્ષેત્ર અથવા શ્રીસ્થળ કેટલી જબરદસ્ત પાવન ભૂમિ છે એનાં ઉદાહરણો મળતાં જાય છે. દરેક ઉદાહરણે માથું ભકિતભાવથી ઝૂકી જાય છે, એક પ્રકારની ધન્યતા મને પોતાની પકડમાં જકડી લે છે. આ સિદ્ધપુર, મારું સિદ્ધપુર, જ્યાંથી શંકરાચાર્યજી પીઠાધિશ બન્યા, જ્યાં ગુરુ મહારાજ અને મોતીરામ ગુરુ જેવા પરમ તપસ્વી આત્માઓ પાક્યા, જેમના પગલે આ શહેરની ધૂળ પવિત્ર થઈ. મહાપ્રભુજી અન્યત્ર તો એક વખત પધાર્યા પણ સિદ્ધપુર બે-બે વખત પધારી અને બિંદુ સરોવરને કિનારે ભાગવત કથા કરી, ભગવાન સ્વામિનારાયણ સ્વયં ત્રણ વખત પધાર્યા અને ત્રણેય વખત બિંદુ સરોવરને કિનારે ભાગવત કથા કરી. આ સિવાય પણ અનેક સાધુસંતોએ સિદ્ધપુરની ભૂમિને પવિત્ર કરી જેમાં જૈન આચાર્યોથી માંડી સંતશ્રી બહેચર સ્વામી તેમજ સંતશ્રી પૂનમનાથજી જેવા પુણ્યાત્માઓનો સમાવેશ થાય. આ સિદ્ધપુરની કણેકણ આવા પવિત્ર પુરુષોના ચરણસ્પર્શથી રંગાયેલી છે. એમાં ભગવાન કર્દમ મુનિ, દેવહુતિ માતા અને કપિલ દેવ તો ખરા જ પણ સ્વયં ભગવાન પરશુરામ આ ક્ષેત્રમાં શ્રાદ્ધ કરવા પધાર્યા હતા એવું આ સિદ્ધક્ષેત્ર એટલા બધા પવિત્ર આત્માઓ જે ઋષિ અથવા દેવતુલ્ય હતા તેમની સ્મૃતિઓ સંઘરીને બેઠું છે. સિદ્ધપુરના આપણા જ અખિલ ભારતીય ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ અને વિદ્વાન ડૉ. ગિરીશભાઈ ઠાકર સિદ્ધપુર વિષેના મારા સંશોધનોના પ્રયાસમાં એક માર્ગદર્શક અને પૂરક બળ રહ્યા છે. એમણે બે દિવસ પહેલાં જ મને ફોન પર જણાવ્યુ કે આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી ઘરેથી ભાગી છૂટ્યા ત્યારે એમનો પહેલો મુકામ નીલકંઠેશ્વર એટલે કે લીલાબાવા હતો. ખાસ્સા ત્રણ મહિના મૂળશંકર ઉર્ફે સ્વામી શુદ્ધ ચૈતન્ય સિદ્ધપુર પધાર્યા હતા. સિદ્ધપુરના એમના નિવાસની વાત આગળ જતાં કરીશું પણ અગાઉ ટૂંકાણમાં ઉલ્લેખ કર્યો છે તે નીલકંઠેશ્વર મહાદેવ – લીલાબાવા વિષે વિગતે વર્ણન કરવું છે.
ધૂળેટીના દિવસે ગોવિંદરાયજી-માધવરાયજી, રણછોડજી અને લક્ષ્મીનારાયણની પાલખી પટેલલોકના મહાડમાં આવેલા સિદ્ધનાથ મહાદેવને મળવા આવે છે. શિવરાત્રિના આગળના દિવસે બાવાજીની વાડી ખાતેના સિદ્ધેશ્વર મહાદેવ અને બ્રાહ્મણીયા પોળમાં બિરાજતા નીલકંઠેશ્વર મહાદેવ પટેલલોકના મહાડમાં આવેલા સિદ્ધનાથ મહાદેવને શિવરાત્રિની નગરયાત્રા માટેનું આમંત્રણ આપવા આવે છે. આ સિદ્ધનાથ મહાદેવ અને નીલકંઠેશ્વર મહાદેવ બંને શિવાલયો સિદ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલા અતિ પ્રાચીન મંદિરો છે.
ઉપલી શેરીના નાકે ગુંદીવાળી ખડકીથી સહેજ આગળ અને બ્રાહ્મણીયા પોળની નજદીક બિરાજતા નીલકંઠેશ્વર મહાદેવ વિષે એક કથા પ્રવર્તે છે. રુદ્રમહાલયનું બાંધકામ ચાલી રહ્યું હતું. રાજા સિદ્ધરાજ જયસિહે રુદ્રમહાલયના નિર્માણ કાર્ય માટે ૧૦૩૭ બ્રાહ્મણોને બોલાવ્યા હતા. સિદ્ધરાજને કોઈ વાતનું દુ:ખ નહોતું પણ સિદ્ધરાજની મહારાણીને કોઈ સંતાન ન હતું. કોઈ સંતે સિદ્ધરાજની રાણીને કહેલું કે સમસ્ત સૃષ્ટિના હિત માટે વિષ પીને તેને પોતાના ગળામાં ધારણ કરનાર, નીલ સ્વરૂપ શિવજી એવા નીલકંઠેશ્વર મહાદેવની સ્થાપના કરો. આથી રુદ્રમાળ બનાવ્યા પછી જ્યારે સિદ્ધપુરની ફરતે કોટ બનાવી રહ્યા હતા ત્યારે રાણીના હસ્તે નીલમના શિવલિંગની સિદ્ધપુરના બ્રાહ્મણો દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી અને નીલકંઠેશ્વર મહાદેવનું નિર્માણ થયું. અહીં શિવજી ઉપરાંત ભગવાનના ૨૪ અવતારની દુર્લભ મૂર્તિઓ તથા ચાર વેદના ચાર મહાદેવ, ભગવાન દત્તાત્રેય, શ્રીરામ અને ભૈરવ હનુમાનની અતિ પ્રાચીન મૂર્તિઓ પણ બિરાજમાન છે.
સંવત ૧૫૩૪માં તે સમયના પેશવાઓના રાજા અને છત્રપતિ શિવાજીના પૂર્વજ મારવાડ પર યુદ્ધ કરવા નીકળ્યા ત્યારે સિદ્ધક્ષેત્ર સિદ્ધપુર આવ્યા હતા અને આ નીલકંઠ મહાદેવનો જીર્ણોદ્ધાર કર્યો હતો. સંવત ૧૫૪૩માં મહા સુદ પાંચમ (વસંત પંચમી) પુષ્ય નક્ષત્રમાં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી પરમેશ્વરાનંદ તીર્થજીને આ મંદિર સમર્પિત કરવામાં આવ્યું હતું. આ મંદિરના નિભાવ માટે વર્ષાસનરૂપે સિદ્ધપુર પાસે આવેલા દેથળી ગામની જાગીર નીલકંઠ મહાદેવના નામે કરવામાં આવી હતી. તે સમયે નીલકંઠેશ્વર મહાદેવ, વટેશ્વર મહાદેવ તેમજ જગદગુરુ શંકરાચાર્યની પાદપીઠ (મઠ)નો ખર્ચ દેથળીની જાગીરથી પૂરો થતો. કપિલ સિદ્ધપીઠ આશ્રમ જગતની સૌથી પ્રાચીન પીઠ ગણાય છે. મહર્ષિ કર્દમ ઋષિએ ભગવાન કપિલ મુનિની સ્તુતિ આ પીઠમાં બેસીને કરી હતી. આ અંગે શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના ૨૪મા અધ્યાયમાં ૩૨મા શ્લોકમાં આ પીઠનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે ૩૩મા અધ્યાયમાં ૩૨ થી ૩૮ સુધીના શ્લોકમાં સિદ્ધક્ષેત્રે આવેલા આ સ્થળનું વર્ણન મળે છે.
ઇ.સ. ૧૮૮૪માં ગાયકવાડ સરકારના સમયમાં સયાજીરાવ ગાયકવાડ દ્વારા દેથળી ગામની જાગીરને ખાલસા કરી ગાયકવાડ સરકારમાં ભેળવી દેવામાં આવી હતી. તેના બદલામાં વાર્ષિક રૂપિયા ૨૨૦૦ ચૂકવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સમયાંતરે ગાયકવાડ સ્ટેટ તરફથી વર્ષાસનમાં વધારો કરવામાં આવ્યો હતો.
અહીં ઘણા દંડી સ્વામીઓ, મહાત્માઓ, શંકરાચાર્ય ગાદીના મહંતો, મહામંડલેશ્વરો ચાતુર્માસ કરવા પધારતા હોય છે. આ મંદિરમાં બારે મહિના ભજન, કીર્તન, ધૂન, વિષ્ણુસહસ્ત્રના પાઠ થતાં હોય છે.
આ જ્યોતિર્લિંગ સમાન લિંગ લીલાબાવા તરીકે ઓળખાય છે. શિવરાત્રિમાં ભગવાનની પાલખી નગર પરિક્રમાએ નીકળે ત્યારે નીલકંઠેશ્વર મહાદેવની પાલખી પ્રથમ નીકળે છે અને ત્યાર બાદ બીજા મંદિરની પાલખી તેની સાથે જોડાય છે. મંદિરનો વહીવટ ભારતના સૌથી પ્રાચીન મઠ દ્વારા સ્થાપિત નીલકંઠેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા કરાય છે.
નીલકંઠેશ્વર મહાદેવ માટે એવું કહેવાય છે કે યવનોએ રુદ્રમાળ તોડ્યો તે વખતે મહાદેવનું આ બાણ દેવાલયમાંથી ઉઠાવી આશારામ મૂળજી ભટ્ટ પોતાને ઘરે લઈ ગયા. ભટ્ટજીના ઘરે જ લાંબો સમય આ બાણની પુજાઅર્ચના ચાલી. કહેવાય છે કે વિસનગરના એક નાગર બ્રાહ્મણને સ્વપ્નદર્શન થયું જેમાં મહાદેવજીએ તેને કહ્યું કે ‘હાલ મારું બાણ સિદ્ધપુર નિવાસી આશારામ મૂળજી ભટ્ટને ત્યાં છે. મારી ઈચ્છા ભક્તોને દર્શનનો લાભ મળે તે માટે દેવળમાં રહેવાની છે. માટે તું મારું દેવળ બંધાવી મારી સ્થાપના કર.’
સ્વપ્નમાં મહાદેવજીએ કહેલ વાત સાંભળી તે નાગર સદગૃહસ્થે સિદ્ધપુરમાં આવી બાણની તપાસ કરતાં સ્વપ્નની હકીકત સાચી જણાતા તેમણે દેવળ બનાવી લિંગ પધરાવ્યું. થોડા સમય બાદ પાટણ નિવાસી સખરા વ્હાલજી નામનો એક સજ્જન સિદ્ધપુર યાત્રા માટે આવ્યો જેણે નીલકંઠેશ્વર મહાદેવનું ચમત્કારિક વૃતાંત સાંભળ્યુ. તે અપુત્ર હતો. તેણે મનમાં નિર્ણય કર્યો કે જો પોતાને પુત્રપ્રાપ્તિ થશે તો મહાદેવનું દેવાલય બંધાવશે. થોડા વખત પછી તેની ઈચ્છા પૂરી થઈ. તેણે નીલકંઠેશ્વરનું ભવ્ય દેવાલય બનાવ્યું. તેની અંદર લિંગની સ્થાપના કરી. આ મહાદેવમાં અગાઉ સન્યાસીઓને ભોજન આપવામાં આવતું. ઘણાં સન્યાસીઓ અહીંયાં રહેતાં. શંકરના નૈવેધ વગેરેનો ખરચ સરકાર તરફથી અપાતો. આ મહાદેવની તેમજ અન્નક્ષેત્રની વ્યવસ્થા શ્રીમંત શારદા પીઠાધિશ શંકરાચાર્ય તરફથી કરવામાં આવે છે.
આ લીલાબાવામાં સ્વામી દયાનંદ સરસ્વતી રહ્યા હતા જેમણે આર્યસમાજ જેવો ક્રાંતિકારી પંથ સ્થાપ્યો. આર્ય સમાજ સ્વામી દયાનંદ દ્વારા ૧૦ એપ્રિલ ૧૮૭૫માં શરૂ કરાયેલ હિંદુ સુધાર આંદોલન છે. સ્વામી દયાનંદ એક સન્યાસી હતા અને તેઓ વેદોની ક્યારેય નિષ્ફળ ન જનારી સત્તામાં માનતા હતા. દયાનંદે બ્રહ્મચર્ય (ચારિત્ર્યની શુદ્ધતા)ના આદર્શો પર વધારે ભાર મૂક્યો હતો. સમગ્ર વિશ્વમાં ત્રીસ થી ચાલીસ લાખ લોકો આર્ય સમાજને અનુસરે છે. આર્ય સમાજ એક ક્રાંતિકારી જનઆંદોલન છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ અને આમ જનતામાં જુદી જુદી જાતના પાખંડ, મતમતાંતર, નાત-જાતના ભેદભાવ વગેરે ભ્રાંતિ ફેલાયેલી છે, તેને દૂર કરવાનો છે. આજે અનેક પ્રકારના અંધવિશ્વાસ, ગુરૂઓ, બાબાઓ વગેરે આધ્યત્મના એજન્ટ બની ગયા છે. તેઓને સમાજમાંથી ઉખેડીને ફેંકી દેવા માટે સમજુ અને ધર્મપ્રેમી સજ્જનો દ્વારા ચલાવાતું વિશ્વવ્યાપી આંદોલન એટલે ‘આર્યસમાજ'.
કેટલા ધર્મોની શરૂઆતનો કાળ સિદ્ધપુરમાંથી ઊગ્યો! સ્વામિનારાયણ હોય, સિદ્ધરાજ જયસિંહના સમયમાં પાંગરતો જૈન ધર્મ હોય, આજે વિશ્વભરમાં પથરાયેલો આર્યસમાજ હોય, વૈષ્ણવ વણિક બંધુઓનો વલ્લભાચાર્ય સંપ્રદાય હોય કે પછી સનાતન હિન્દુ ધર્મની શિરમોર પીઠ એવા શંકરાચાર્યજીની પીઠ હોય, માને મોક્ષ મળે એ માટે માતૃતર્પણ કરવાની અતિ પ્રાચીન અને અતિ પવિત્ર તીર્થભૂમિ બિંદુ સરોવર હોય કે પછી રબારી ભાઈઓ ‘જય ગોગા’ લખે છે તે ગોગાનું ઉદગમસ્થાન પારસપીંપળી હોય, સ્વામી કીકરાનંદજી (બાવનીયાવાળા મહારાજ) દ્વારા પ્રચલિત કરાયેલ રાધાસ્વામી સંપ્રદાય હોય, સિદ્ધપુર અનેક વટવૃક્ષ સમાન ફેલાયેલ ધર્મપરંપરાઓનું ઉદગમસ્થાન છે. મોતીરામ ગુરુ અને પૂ. દેવશંકર બાપાની તપોભૂમિ છે. આ મારું સિદ્ધપુર છે. જેની રજ પણ શરીર પર પડે તો હું ધન્યતા અનુભવું છું. કદાચ ચારધામની યાત્રા કરતાં મારા માટે સિદ્ધપુરની યાત્રા વધુ આનંદદાયક અને આધ્યાત્મિકતાને પ્રેરનારી, આંતરમનમાં ડોકિયું કરાવનારી યાત્રા છે. આ મારું સિદ્ધપુર છે.
આ સિદ્ધપુરમાં સ્વામી દયાનંદ સરસ્વતી ત્રણ મહિના ક્યાં રોકાયા? કેમ રોકાયા? અને આ દરમિયાન એમણે શું પ્રવૃત્તિ કરી એની વાત રસપ્રદ છે. હા, એમાં પણ કાત્યોકનો મેળો તો આવે જ છે. મળીએ હવે આ ઘટનાને ઝવેરચંદ મેઘાણી લિખિત પુસ્તક ‘ઝંડાધારી – મહર્ષિ દયાનંદ’ના માધ્યમ થકી.
અને હા, ગિરીશભાઈ આ મુદ્દે આંગળી ચીંધવા બદલ આપનો ધન્યવાદ.