રવિવારનો દિવસ માંડ વીત્યો. વળીવળીને મનમાં એક જ ખ્યાલ આવતો હતો. જે છબી ઊભી થઈ હતી તે ધડામ કરતી તૂટી જશે. મારી પાસે મારી પોતાની વિશિષ્ટતા કહી શકાય એવી તો એક માત્ર ચીજ હતી – સરસ્વતિ. કોઈ નવા ખેલાડીને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું હોય અને પહેલી જ ઓવરમાં એની દાંડી ઊડી જાય ત્યારે એને આજુબાજુ ખીચોખીચ ભરાયેલું સ્ટેડિયમ ચકરાવો લેતું હોય તેવું લાગે છે. પેવેલિયનનો રસ્તો પણ નથી જડતો. બરાબર એવી સ્થિતિ મારી હતી. એલ. એસ. હાઈસ્કૂલમાં ધીરે ધીરે મારી છાપ ઉપસી રહી હતી. હું એક હોંશિયાર વિદ્યાર્થી છું એ રીતે માત્ર આઠમા ધોરણના જ નહીં, પણ સિનિયર વિદ્યાર્થીઓ સુધ્ધાં મને માનની લાગણીથી જોતા હતા. બધું સમૂ-સુતરું ચાલી રહ્યું હતું ત્યાં હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાં પ્રવેશ માટે મુંબઈ જઈને આપેલી પરીક્ષામાં હું નાપાસ થયો. પહેલી ઓવર પૂરી થાય તે પહેલાં જ શતકની અપેક્ષાએ મેદાનમાં ઉતરેલ ખેલાડી ક્લિન બૉલ્ડ થઈ ગયો હતો. પરીક્ષામાં નાપાસ થવાનો મારો આ પહેલો અનુભવ હતો. ઘરે તો મા-બાપે આ ઘટનાને બહુ હળવાશથી સ્વીકારી લીધી, પણ સ્કૂલના વિદ્યાર્થી સમુદાયમાં આના શું પ્રત્યાઘાત આવશે – એ મારી સમજ બહારની વસ્તુ હતી. એ વખતે માત્ર પાંચ ફૂટ ઊંચાઈ અને બત્રીસ કિલો વજન ધરાવતા મારી પાસે જેને વ્યક્તિત્વ કહી શકાય એવું બીજું કશુંક શોધવા જવું પડે તેમ હતું. હા ! ક્રિકેટ, ગિલ્લીદંડા, આંબળી-પીપળી, લખોટી જેવી રમતોમાં હું ઠીક ઠીક માહીર હતો, પણ એ કોઈ વ્યક્તિત્વનો ભાગ ગણાય એવી સિદ્ધિઓ નહોતી.
સોમવારનો સૂરજ મારા માટે કાંઈક વિશેષ ચિંતા અને મુંઝવણ લઈને ઉગ્યો હશે એવું આજે માનું છું. પહેલીવાર નિશાળે જવા માટે મન નહોતું થતું, પણ નિશાળે ગયા વગર તો કોઈ સંજોગોમાં ચાલે તેમ નહોતું. મેં ટાઈમટેબલ મુજબનાં મારા પુસ્તકો લીધાં. એમાં જ એક નોટમાં જાણે કાયમ માટે દાબી દેવા માંગતો હોઉં તે રીતે પેલા પત્રને છીપાવ્યો અને નિશાળનો રસ્તો પકડ્યો. અમે ત્રણ-ચાર મિત્રો રાજપૂરથી સાથે જતા-આવતા. રસ્તામાં ગામભરની પંચાત કૂટીએ. આજે એમની સાથે પણ વાત કરવામાં મન નહોતું લાગતું. રસ્તો કેમેય કર્યો ખૂટતો નહોતો. કદાચ એ દિવસે મારા ઘરથી એલ. એસ. હાઈસ્કૂલ સુધીનો રસ્તો મને ખૂબ જ લાંબો લાગ્યો હશે. સ્કૂલમાં પહોંચ્યા, ઘંટ વાગવાને હજુ દસેક મિનિટની વાર હતી. હું ભાવસાર સાહેબની ઑફિસના બારણે જઈને ઊભો. સદનસીબે એમની સાથે એ સમયે બીજું કોઈ નહોતું. “May I Come In, Sir ?” કહી મેં સાહેબની ઑફિસમાં દાખલ થવા માટેની રજા માંગી. સાહેબે “આવ” કહ્યું એટલે અંદર દાખલ થઈ એમને પ્રણામ કરી પેલો કાગળ નતમસ્તકે એમના સામે મૂક્યો. ભાવસાર સાહેબે એ પરબિડિયું હાથમાં લઈ અંદરથી કાગળ કાઢ્યો. માત્ર ચાર જ લીટીના એ કાગળમાં આમેય ઝાઝું વાંચવા જેવું કશું હતું નહીં. નજર ફેરવતા જ સાહેબ વાત સમજી ગયા. એજ શાંત મુદ્રા, કોઈ પણ પ્રકારના ભાવ વગર એમણે પરબિડિયું મને પાછું આપ્યું અને કહ્યું, “ભલે ! કાંઈ વાંધો નહીં ! હવે જરા વધારે મહેનત કરીશું.”
આ “કરીશું” શબ્દ મારા મગજમાં તે દિવસથી કોતરાયેલો છે. ભાવસાર સાહેબે મારી નિષ્ફળતામાં પણ પોતાની ભાગીદારી નોંધાવી તે આ શબ્દ પર કળી શકાય છે. મારો થોડો બોજ ઓછો થયો. હજુ મુખ્ય ચિંતાનો વિષય બાકી હતો. વિદ્યાર્થીઓમાં આ વાત ફેલાશે ત્યારે શું થશે ? આ લોકો મારી મજાક ઉડાડવામાં કશું જ બાકી નહીં રાખે – એ ભય મને ઊંડે ઊંડેથી કોરી ખાતો હતો. મારી એકમાત્ર મૂડી “હોંશિયાર હોવાની છાપ” હતી. આ લોકો એને છિન્નભિન્ન કરી નાંખશે. મારી પાછળ પડી જશે. મારા માટે આ શાળામાં ભણવું મુશ્કેલ બની જાય એ હદ સુધીની સતામણી કરશે. મને ક્યાંયનોય નહીં રહેવા દે.
આમ વિચારતો વિચારતો ઢસડાતાં પગે હું પ્રાર્થના માટે મારા વર્ગની ટૂકડીમાં જઈને બેઠો. મનમાં એમ હતું કે, આ પ્રાર્થના પૂરી થઈ એટલે મારા માટે મુશ્કેલીઓની મહામારી શરૂ થશે.
રાબેતામુજબ પ્રાર્થનાનો કાર્યક્રમ ચાલ્યો. સુવિચાર વાંચન પણ થયું. ત્યારબાદ આચાર્યશ્રી બોલવા માટે ઊભા થયા. કોઈક વિશિષ્ટ પ્રસંગ અથવા ઘટનાનો ઉલ્લેખ કરવો હોય કે શિખામણ આપવી હોય ત્યારે જ ભાવસાર સાહેબ પોતાનું ટૂંકું પણ મનનીય પ્રવચન આપતા. એમની વાત હંમેશા મુદ્દાસરની રહેતી. એમણે ઊભા થઈને પહેલા શબ્દો ઉચ્ચાર્યા અને તે મારે કાને પડ્યા ત્યારે મારૂં સમગ્ર અસ્તિત્વ જાણે ધરતીકંપનો એક જબરદસ્ત આંચકો લાગ્યો હોય એમ ધ્રુજી ઊઠ્યું. સામે જ ઊભેલું શાળાનું મકાન જાણે કે ધ્રૂજી રહ્યું હતું. અર્જુનને મહાભારતના યુદ્ધ પહેલાં યુદ્ધના મેદાનમાં જે વિચારો આવ્યા હતા, એનું મ્હોં સૂકાઈ ગયું હતું, રૂએ રૂએ ધ્રુજારી ઊઠી હતી, પરસેવો વળી ગયો હતો, ગાત્રો ધ્રુજી ઉઠ્યાં હતાં. આ સ્થિતિ સમજવા માટે મારે હવે ગીતા વાંચવાની જરૂર નહોતી. મારો વિષાદયોગ ભાવસાર સાહેબના પહેલા ઉચ્ચારણો સાથે શરૂ થઈ ચૂક્યો હતો.
શું હતાં એ ઉચ્ચારણ ? ભાવસાર સાહેબે ઊભા થઈને પેહલું જ મારૂં નામ ઉચ્ચાર્યું – “જય નારાયણ વ્યાસ”. હું ઊભો થયો. એમણે કહ્યું, “અહીં આવો ભાઈ !” ગભરાતો ગભરાતો બધા વિદ્યાર્થીના સમૂહની સામે હું પ્રિન્સિપાલ સાહેબે બોલાવ્યો એટલે તેમની સામે જઈને ઊભો રહ્યો. અરે ! તે પછી જે થયું તે તો કદીયે માન્યામાં ન આવે તેવું હતું. પહેલા આંચકાની ધ્રુજારી ચાલુ હતી ત્યાં ભાવસાર સાહેબે બીજો આંચકો આપ્યો. એમણે મારી પીઠ થાબડી અને સંબોધન કરતાં કહ્યું, “આખા મુંબઈ રાજ્યમાં ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં બેસે છે તેમાં એક અમદાવાદથી અને એક આપણી શાળામાંથી એમ ઉત્તર ગુજરાતમાંથી માત્ર બે જ વિદ્યાર્થીઓ બેઠા હતા. આ પરીક્ષા મુંબઈ ખાતે લેવાય છે. આપણો આઠમા ધોરણનો આ વિદ્યાર્થી એની પહેલી ચકાસણીમાં પસાર થયો. આપણા સૌ માટે એ ગૌરવની વાત છે. બીજી અત્યંત કડક ચકાસણીમાં એ પસાર નથી થઈ શક્યો, પણ ત્યાં સુધી પહોંચવું એ જ એલ. એસ. હાઈસ્કૂલ અને તમારા-મારા સૌ માટે ગૌરવની વાત છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી જયનારાયણને વધાવીએ. આ રસ્તે ભવિષ્યમાં કોઈક દિવસ આપણો વિદ્યાર્થી મુંબઈ રાજ્યમાં સફળ થશે એ માટે જય નારાયણનો આ દાખલો આપણને રસ્તો બતાવશે. હું એને આશીર્વાદ અને અભિનંદન આપું છું.
આખીયે વાત બદલાઈ ગઈ. કોઈ નાપાસ થાય ત્યારે એનો માનભંગ ન થાય અને બીજો કોઈ વિદ્યાર્થી આવી પરીક્ષા આપતાં અચકાય નહીં તે માટેનો આ જબરદસ્ત મનોવૈજ્ઞાનિક પ્રયોગ હતો તેવું આજે મને સમજાય છે. મારામાંનો ભય – શંકા બધું દૂર થઈ ગયું હતું. ફરી એકવાર હું પેલો તરવરીયો હોંશિયાર વિદ્યાર્થી છું એ આત્મવિશ્વાસ જાગી ઉઠ્યો હતો. તે દિવસે મને ભાવસાર સાહેબમાં કૃષ્ણનાં દર્શન થયાં હશે. એમણે મને નિષ્ફળતાને ખંખેરી નાંખીને, સંશયોથી મુક્ત થઈને, પોતાના કર્તવ્યના માર્ગે પ્રતિબદ્ધ બનીને આગળ વધવા અને લક્ષ્ય સુધી પહોંચવા માટેનો આદેશ અને આશીર્વાદ આપી દીધા હતા. કદાચ આ પરિસ્થિતિને જ “પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ” તરીકે વર્ણવાતી હશે. મેં સિદ્ધિ પ્રેરણા – એચીવમેન્ટ મોટીવેશન, લીડરશીપ, ટીમ બિલ્ડીંગ સારામાં સારી સંસ્થાઓમાં ભણ્યું છે અને ભણાવ્યું પણ છે, પણ ભાવસાર સાહેબનો તે દિવસનો આ દાખલો મને લાગે છે કે જે કોઈ કેસ સ્ટડી મારા ભણવામાં કે વાંચવામાં આવ્યા તેમાં સર્વોત્કૃષ્ટ સ્થાન પામે છે.
મારો અર્જુનવિષાદ યોગ પૂરો થયો હતો.
ભાવસાર સાહેબનું સંબોધન –
એક નિષ્ફળ વ્યક્તિમાં કઈ રીતે આત્મવિશ્વાસનું સિંચન કરવું,
કઈ રીતે એક આશાસ્પદ કારકિર્દી નિરાશામાં ન ધકેલાઈ જાય,
કઈ રીતે પોતાના વિદ્યાર્થીનો માનભંગ ન થાય,
કઈ રીતે એને નવી પ્રેરણા અને આત્મવિશ્વાસ મળે,
ભાવસાર સાહેબે 10 થી 12 મિનિટના ભાષણમાં આ બધું જ કરી બતાવ્યું.
હું નાપાસ થયો હતો છતાં જે કાંઈ સિદ્ધિ મેળવી તેને આગળ કરી
નિષ્ફળતાને ઢાંકી દીધી.
ભાવસાર સાહેબ આપનું તે દિવસનું પ્રવચન
મારી જિંદગીમાં સાંભળેલું શ્રેષ્ઠ પ્રવચન છે.
સલામ સાહેબ !
તમારી માનવ સ્વભાવની સમજને
સલામ સાહેબ !
મારી નિષ્ફળતામાં ભાગીદારી કરીને....
હારેલી બાજી જીતમાં પલટાવી દેવા માટે
સાહેબ ! ગીતામાં અર્જુનવિષાદ યોગ આવે છે.
મારા મનમાં આપના પ્રવચન પહેલાં તદ્દન જુદાં જ કારણોસર
વિષાદ છવાઈ ગયો હતો.
સાહેબ ! આપે એ દિવસે હાઈસ્કૂલમાં કારકિર્દીની શરૂઆત કરતા
આ તરૂણ વિદ્યાર્થીને હૂંફ પૂરી ન પાડી હોત તો.
શું થાત ? શું ન થાત ?
છોડો ! આ બધા પ્રશ્નોને.
નિરાશાનાં વાદળો વિખરાઈ ચૂક્યાં હતાં.
વિશ્વાસ અને આશાનો સૂર્ય ફરી ઝળહળી ઊઠ્યો હતો.
ભગવદ્ ગીતાના શ્લોકનું આ વાક્ય,
“સ્થિતોસ્મિ ગતસન્દેહઃ કરિષ્યે વચનં તવ ।।”
જેનો અર્થ થાય છે હું હવે સંશયથી પર બનીને સ્થિર બન્યો છું.
આથી હંમેશાં આપની આજ્ઞાનું પાલન કરીશ.
એક વિદ્યાર્થી તરીકે મારૂં સર્વશ્રેષ્ઠ મા સરસ્વતિના ચરણે ધરવા માટે પ્રવૃત્ત રહીશ.