featured image

નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન

 

ગમે તેવી અપ્રિય ઘટના હોય એનો શરૂઆતનો આઘાત બહુ કપરો હોય છે. આમાંથી કળ વળતાં થોડો સમય લાગે પણ વાસ્તવિકતાઓનો ધીરે ધીરે સ્વીકાર થતો જાય અને ક્યારેક વિકલ્પ પણ ઉપસી આવે એવું બનતું હોય છે.

આગલા દિવસની રાત અપેક્ષાઓ અને ઉચાટની રાત હતી. ભાવિ કેવું હશે તે અંગેની જુદી જુદી શક્યતાઓની કલ્પનાઓની રાત હતી.

એવું કહેવાય છે કે મૃત્યુ કરતાં મૃત્યુનો ભય વધારે ભયંકર હોય છે. આવા જ કોઈ અજ્ઞાત ભયે પીડાતો હું ઊંઘી નહોતો શક્યો.

આજની રાત એમાંનો ખરાબમાં ખરાબ ભય સાચો પડ્યો તેના આઘાતની રાત હતી.

પણ એ કાલના જેટલી વસમી નહોતી લાગતી.

હવે નજર સામે ચિત્ર સ્પષ્ટ હતું. ટેક્સટાઇલ એન્જીનિયરીંગ માટે ભણવું નહોતું અને સિવિલ એન્જીનિયરીંગમાં મને એડમિશન મળ્યું નહોતું.

સરવાળે કલાભવનમાં દાખલ થવાના મારા અરમાનોનો ભુક્કો બોલી ગયો હતો. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં જ ડહાપણ હતું.

એ જમાનામાં મોબાઈલ ફોન નહોતા.

સિધ્ધપુર ફોન લગાડવાની કોઈ ગુંજાઈશ નહોતી કારણ કે મારા ઘરે ટેલીફોનનું ડબલુ નહોતું. નજદીકમાં પણ ક્યાંય ફોન નહોતો.

આ કારણથી ઘરે ફોન કરીને સલાહ લઈએ અથવા હૈયું હળવું કરીએ તેવી કોઈ શક્યતા નહોતી.

મારાં બે દૂરનાં સગાં વડોદરામાં રહેતાં હતાં. પહેલા યુનિવર્સિટીમાં ખૂબ ઊંચે હોદ્દે બિરાજમાન સાહેબને ત્યાં મળવા જઇ હારેલા યોધ્ધાની માફક મારે પેશ નહોતું થવું.

અને...

મારાં બીજા એક બહેન હતાં એમને ત્યાં નાપાસ થવાની વાત કોઈ મોટી ઘટના ગણાતી જ નહોતી. સરવાળે પેલી પંક્તિ, “ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે...” મુજબ આપણે આપણી રીતે આમાંથી બહાર આવવાનું હતું.

અમારા ગુજરાતી વિભાગના પ્રોફેસર ડો.રણજીતરામ પટેલ “અનામી”ની એક કવિતા “આપણી વ્યથાની વાત કોઈને ન કહેવી” આજે જ્યારે આ સંસ્મરણો લખી રહ્યો છું ત્યારે મારા માનસપટલ પર ઉપસે છે. અનામી લખે છે-

“આપણી વ્યથાની વાત કોઈને ન કહેવી,

હૈયામાં હામ ભરી આપદા સૌ સહેવી... આપણી વ્યથાની વાત...

આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે,

આપણી કથા એ તો સૌની કથા છે,

આપણા પરાયાના, ભેદ સહુ ભાંગી,

ગમ કેરી ગઠડીને, નિજ શિરે વહેવી... આપણી વ્યથાની વાત...

ગમ કેરી દિલ્લગીમાં, આગવી મઝા છે,

માનનારા માને તો, આકરી સજા છે,

કુંદન કસોટીની કસપટ્ટી આપદા,

હસતાં હસતાં ભાઈ એને સહી લેવી... આપણી વ્યથાની વાત...”

આપણી વ્યથા આપણને કદાચ વધારે મોટી લાગે છે કારણ કે આપણે એને ખૂબ નજદીકથી જોઈએ છીએ અને અનુભવીએ છીએ. બાકી તો આ દુનિયામાં દરેક માણસને પોતપોતાની વ્યથા હોય જ છે.

કોઈને એક પ્રકારની વ્યથા હોય તો કોઈને બીજા પ્રકારની

હાં, મારે માટે એ સાચું હતું કે આ પ્રકારની વ્યથા મારે માટે પહેલી હતી.

એકલો હતો, ઘરથી દૂર હતો, હુંફ આપે એવું કોઈ બાજુમાં નહોતું.

પણ આવી વ્યથા જ માણસને ઘડે છે ને?

કસપટ્ટી એટલે કે સોનાનો કસ કાઢવા માટેની પટ્ટી જેના ઉપર ઘસીને સોનું કેટલુ ચોખ્ખું છે એ જાણી શકાય છે.

કસપટ્ટી પર સોનાની જ કસોટી થાય છે.

અન્ય કોઈ હળવી કે હલકી ધાતુઓની નહીં.

અને એટલે જ અનામીના શબ્દોમાં...

“કુંદન કસોટીની કસપટ્ટી આપદા,

હસતાં હસતાં ભાઈ એને સહી લેવી

આપણી વ્યથાની વાત કોઈને ન કહેવી,

હૈયામાં હામ ભરી આપદા સૌ સહેવી”

આવી પરિસ્થિતીનો સમય ખૂબ મોટો બોધ પૂરો પાડે છે.

પણ ખરેખર આપણા માથે આવી પડે ત્યારે?

આ બોધને અમલમાં મૂકવો એટલો સરળ નથી.

એ રાતે પણ મને ઉંઘ ન આવી.

ગઈ રાત કરતાં આ રાતનું કારણ કંઈક જુદુ જ હતું.

ગઈ રાતે આવનાર ભવિષ્ય કેવું હશે તેના વિશેની અટકળો અને કંઈક વધુ સારું કહીએ તો આશંકાઓએ ઉંઘને ભગાડી દીધી હતી.

આજની રાત એ આશંકાઓ સાચી પડ્યા પછી

સિવિલ એન્જીનિયરીંગમાં એડમિશન નહીં મળે તે વાત નક્કર હકીકત બન્યા પછી

ભાવિ કઈ દિશામાં લઈ જશે?

મારે શું કરવું જોઈએ?

વિચારોમાં અટવાતી ધૂંધળા ભાવીને આરપાર વીંધીને કોઈ ઉકેલ શોધવાની, કોઈ દિશા પકડવાની મથામણની રાત હતી.

ઓરી નીકળી ત્યારથી જાણે પનોતી બેઠી હતી.

જેની કલ્પના પણ ન કરી હોય તેવું પરિણામ

એક વખત નહીં બે વખત મારા માથે વાગ્યું હતું.

પહેલી વખત તો એ આઘાત હળવો હતો કારણ કે સામે બીજી તક હતી.

પણ આ વખતે?

કલાભવનના દરવાજા મારે માટે બંધ થઈ ગયા હતાં.

એ બંધ દરવાજા ઉપર એક મોટા અક્ષરે લખેલુ પાટીયું ઝૂલતું હતું

“પ્રવેશ બંધ”

હા, કલાભવનામાં મારા માટે પ્રવેશબંધ હતો કારણ કે મારે ટેક્સ્ટાઈલ ભણવું નહોતું અને સિવિલ એન્જીનિયરીંગમાં એડમિશન મળ્યું નહોતું.

થોડો સમય વિત્યો દરમિયાનમાં...

મન થોડુ ઢીલું પડ્યું.

ટેક્સ્ટાઈલ તો ટેક્સ્ટાઈલ. એન્જીનિયર તો થવાશે ને.

આ વિચાર ક્યારેક ક્યારેક ઝબકવા માંડ્યો.

પણ જે વેગથી એ વિચાર આવ્યો.

એનાથી અનેક ગણા વેગથી મારા મને આ વિચારને બહાર ફંગોળી દીધો.

યાદ આવી ગયું હાઇસ્કૂલના શિક્ષણ દરમિયાન નજરે પડેલ એક વાક્ય...

“નિશાન ચૂક માફ પણ... નહીં માફ નીચું નિશાન”

મન મક્કમ બનીને કહી રહ્યું હતું રસ્તે તો રમેશભાઈ અને કેશવલાલ મિસ્ત્રી કાકાના જ જવાનું છે.

આ વિચારો ચાલતા હતા ત્યાં બીજા દિવસે વળી એક નવો ઉલકાપાત થયો.

અમારો જ એક સાથી જાણી લાવ્યો કે પ્રેપરેટરી સાયન્સ પછી ચાર વરસે B.E. સિવિલ થવાય એવી આ છેલ્લી બેચ હશે.

આવતી સાલથી પાંચ વરસનો ઇન્ટિગ્રેટેડ કોર્ષ અમલમાં આવવાનો હતો.

ગરીબ હતો ને પાછો લૂંટાયો ! વળી એક નવી મૂંઝવણ ઊભી થઈ. હવે આવતી સાલ મારે કલાભવનમાં એન્જીનિયરીંગનો ડિગ્રી અભ્યાસક્રમમાં દાખલ થવું હોય તો એક વરસ આ વખતનું બગડે અને એક વરસ કોર્ષનું વધી જાય.

સરવાળે બે વરસનો ખાડો પડે.

મારા સહાધ્યાયીઓ કરતા હું બે વરસ મોડો ગ્રેજ્યુએટ થાઉં.

બરાબર દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

શું કરવું મારે?

મારી સામે વિકલ્પો ત્રણ હતા.

એક ટેક્સ્ટાઈલ એન્જીનિયરીંગમાં એડમિશન લઈ ગ્રેજ્યુએટ ટેક્સ્ટાઈલ એન્જીનિયર બનવું.

બીજો FyBscમાં એડમિશન લઈ BSC અને આગળ MSC કરવું.

અને...

ત્રીજો આવતી સાલ ફરી એંન્ટ્રંસ ટેસ્ટ આપી સિવિલ એન્જીનિયરીંગમાં એડમિશન લેવું.

દરમિયાનમાં FyBsc.નો અભ્યાસ કરતા આ ટેસ્ટ માટેની તૈયારીઓ પણ કરતા જઈએ એટલે પસંદગીમાં કોઈ વાંધો આવે નહીં.

શું કરવું મારે?

કોને પૂછવું?

કોણ માર્ગદર્શન આપી શકે?

ઘરેથી આ દિશામાં બહુ બહુ તો હિમ્મત મળે બાકી મારા બાપાની ક્ષમતા પણ આમાં ટૂંકી પડે.

ખરી પરિસ્થિતી ઊભી થઈ હતી.

શું થશે હવે?

શું કરવું મારે?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles