ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)
પ જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ. આ વર્ષની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની હતી. જમીનની સાથોસાથ સમુદ્ર પણ પ્લાસ્ટિક પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. મહાસાગરના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને તેના સંરક્ષણને પ્રોત્સાહન આપવા, યુનાઈટેડ નેશન્સ દર વર્ષે ૮ જૂને વિશ્વ મહાસાગર દિવસ ઉજવે છે.
દર વર્ષે, વિશ્વભરમાં લગભગ ૪૦૦ મિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે, જેમાંથી લગભગ અડધાનો ઉપયોગ સિંગલ-યુઝ વસ્તુઓ બનાવવા માટે થાય છે. આ પ્લાસ્ટિકમાંથી, અંદાજે ૮થી ૧૦ મિલિયન ટન દર વર્ષે સમુદ્રમાં જાય છે. આટલા જથ્થાના પ્લાસ્ટિકને જો જમીન ઉપર પાથરવામાં આવે તો તે ૧૧૦૦૦ ચો.કિમીના વિસ્તારને આવરી લે, જે કતાર, જમૈકા અથવા બહામાસ જેવા નાના દેશોના કદ જેટલું થાય. પ્લાસ્ટિક કચરો જો આ દરે વધ્યા કરે તો ૫૦ વર્ષમાં તે ૫,૫૦,૦૦૦ ચો.કિમી કરતાં મોટા વિસ્તારને આવરી લેશે, જે ફ્રાન્સ, થાઇલેન્ડ અથવા યુક્રેન જેટલો થાય.
પ્લાસ્ટિક કચરો કુલ દરિયાઈ પ્રદૂષણનો ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. પ્લાસ્ટિક કચરા નિકાલની અયોગ્ય પ્રણાલી, જેવી કે નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકવાથી છેવટે તે સમુદ્રમાં જાય છે. માછીમારીની જાળ અને અન્ય દરિયાઈ સાધનોના રૂપમાં પણ જહાજો અને ફિશિંગ બોટ દ્વારા પ્લાસ્ટિક સમુદ્રમાં ફેંકવામાં આવે છે. ઉપરાંત, માઇક્રોપ્લાસ્ટિક્સ તરીકે ઓળખાતા નાના કણો પણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. માઈક્રોપ્લાસ્ટિક્સ, જેની લંબાઈ 5mm કરતાં ઓછી છે, તે મુખ્ય પર્યાવરણીય ચિંતા છે કારણ કે દરિયાઈ જીવો તેને ગળી જાય છે અને તેમના મારફત તે પ્રાણીઓ અને મનુષ્ય બંનેને નુકસાન પહોંચાડી શકે છે. અંદાજે ૫૦થી ૭૫ ટ્રિલિયન જેટલા માઇક્રોપ્લાસ્ટિકના ટુકડા આજે સમુદ્રમાં છે.
માઇક્રોપ્લાસ્ટિક્સની માનવીય આરોગ્ય પર અસરો વિશેનું સંશોધન હજુ મર્યાદિત છે. જોકે કેટલાક અભ્યાસો સૂચવે છે કે માઇક્રોપ્લાસ્ટિક્સ યકૃત, કિડની અને આંતરડા જેવા અંગોમાં એકઠા થઈ શકે છે અને બળતરા, ઓક્સિડેટીવ તણાવ અને સેલ્યુલર નુકસાન તરફ દોરી શકે છે. પ્લાસ્ટિકના ટુકડાઓમાં ઝેરી રસાયણો હોય છે જે હોર્મોન્સમાં દખલ કરવા માટે જાણીતા છે. તેઓ શરીરમાં ઝેરના સંચયનું કારણ બની શકે છે જે સમય જતાં ખરાબ અસરો તરફ દોરી શકે છે.
સાયન્સ એડવાન્સિસ રિસર્ચ દ્વારા પ્રકાશિત ૨૦૨૧ના અભ્યાસ મુજબ, મહાસાગરમાં જોવા મળતા તમામ પ્લાસ્ટિકમાંથી ૮૦ ટકા એશિયામાંથી આવે છે. મહાસાગરોના પ્લાસ્ટિક કચરાના ત્રીજા ભાગ કરતાં વધુ (૩૬.૪ ટકા)નો મૂળ સ્ત્રોત ફિલિપાઇન્સ હોવાનું માનવામાં આવે છે, ત્યારબાદ ભારત (૧૨.૯ ટકા), મલેશિયા (૭.૫ ટકા), ચીન (૭.૨ ટકા) અને ઇન્ડોનેશિયા (૫.૮ ટકા) આવે છે.
પ્લાસ્ટિક પર્યાવરણ માટે આટલું જોખમી હોવાનું કારણ એ છે કે તે પોલિમરમાંથી બનેલી કૃત્રિમ સામગ્રી છે જે સહેલાઈથી બાયોડિગ્રેડ થતા નથી અને પર્યાવરણમાં સેંકડો વર્ષો સુધી ટકી શકે છે, જેના કારણે પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. સમુદ્રમાં આવતા પ્લાસ્ટિક લાંબા સમય સુધી સપાટી પર તરતા રહે છે. છેવટે, ડૂબીને તળિયે દટાઈ જાય છે. સમુદ્રની સપાટી પરનું પ્લાસ્ટિક સમુદ્રમાં રહેલા કુલ પ્લાસ્ટિકના માત્ર એક ટકા જેટલું હોય છે, બાકીના ૯૯ ટકા માઇક્રોપ્લાસ્ટિક ટુકડાઓ સપાટીથી નીચે હોય છે.
સમુદ્ર પૃથ્વીના ૭૦ ટકાથી વધુ વિસ્તારને આવરી લે છે, જે માનવ સહિત પૃથ્વી પરના દરેક જીવોનું ભરણપોષણ કરે છે. મહાસાગરો પૃથ્વીના ઓછામાં ઓછા ૫૦ ટકા ઓક્સિજનનું ઉત્પાદન કરે છે, તે પૃથ્વી પરની મોટાભાગની જૈવવિવિધતાનું આવાસ છે અને વિશ્વભરના એક અબજથી વધુ લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. સમુદ્ર આધારિત ઉદ્યોગો દ્વારા અંદાજિત ૪૦ મિલિયન લોકો રોજગારી મેળવે છે અને એ રીતે તે આપણી અર્થવ્યવસ્થા માટે ચાવીરૂપ છે. આજે ૯૦ ટકા મોટી માછલીઓની વસતી ઓછી થઈ ગઈ છે, અને અડધોઅડધ પરવાળાના ખડકો નાશ પામ્યા છે ત્યારે સમુદ્રને આપણા ટેકાની જરૂર છે.