ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)
વિશ્વભરમાં માનવતાવાદી કટોકટીથી પીડિત લાખો લોકો સહાય મેળવવા માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે યુનાઈટેડ નેશન્સે ૨૦૨૪ માટે ૪૬ બિલિયન ડોલરનું ભંડોળ માંગ્યું છે. તાજેતરના ઈઝરાયેલ-હમાસના યુદ્ધને કારણે પેલેસ્ટિનિયન પ્રદેશ ઉપરાંત સુદાન અને યુક્રેનની પરિસ્થિતિની નોંધ લેતા, યુએન ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA)એ ૨૦૨૪ માટેના ગ્લોબલ હયુમેનિટેરિયન ઓવરવ્યૂમાં જણાવ્યું હતું કે જો પૂરતું ભંડોળ નહીં મળે તો એનો અર્થ એ છે કે સહાય માટે ઝંખતા માત્ર અડધા લોકોને સહાય પૂરી પાડી શકાશે. આવતા વર્ષે લગભગ ૩૦ કરોડ લોકોને સહાયની જરૂર પડશે.
OCHAએ વર્ષ ૨૦૨૪ને માનવતાવાદી દૃષ્ટિકોણથી અંધકાર સમાન ગણાવતા ચેતવણી આપી હતી કે યુદ્ધ, કલાઇમેટ ચેન્જ અને તૂટતી અર્થવ્યવસ્થાઓને કારણે વિશ્વભરના સૌથી સંવેદનશીલ લોકો બદથી બદતર પરિસ્થિતીએ પહોંચવાની સંભાવના છે અને કટોકટીની સંખ્યાની સાથે તીવ્રતા પણ વધી રહી હોવાથી માનવતાવાદી સહાય પ્રણાલી માટે મોટા ભંડોળની જરૂર પડશે જે હાલની સ્થિતિએ તો ઘણું ઓછું છે.
યુએન સહાય વડા માર્ટિન ગ્રિફિથ્સે એક નિવેદનમાં કહ્યું છે કે, ૨૦૨૩માં, અમને જરૂરી ૫૭ બિલિયન ડોલરમાંથી માત્ર એક તૃતીયાંશ જેટલી રકમ પ્રાપ્ત થઈ છે. હાલના વર્ષોમાં ભંડોળની ખૂબ ખરાબ તંગી છે. તેમ છતાં, અમે હજી પણ વિશ્વભરના ૧૨.૮ કરોડ લોકોને જીવન-બચાવ સહાય અને સુરક્ષા પહોંચાડી શક્યા છીએ. આવનાર સમયમાં સમગ્ર મધ્ય-પૂર્વ, ગાઝા અને વેસ્ટ બેંક, કદાચ સૌથી વધુ જરૂરિયાતવાળો વિસ્તાર બનશે એમ કહેતા ગ્રિફિથ્સે કહ્યું હતું કે યુક્રેન પણ ભયાવહ સમય અને યુદ્ધમાંથી પસાર થઈ રહ્યું છે જે આવતા વર્ષે નવા તબક્કામાં પ્રવેશવાની શક્યતા જોતાં તેના પર પણ ખૂબ ધ્યાન આપવાની જરૂર પડશે. ઉપરાંત પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના ૭.૪ કરોડ લોકોનો પણ ખૂબ જરૂરિયાતમંદો છે, જેમાંથી મોટાભાગના સુદાનની કટોકટીથી પ્રભાવિત છે.
આ સાથે જળવાયુ પરિવર્તન પણ OCHAના કાર્યને અસર કરી રહ્યું છે. યુદ્ધ કરતાં પણ તેની અસર વધુ ઊંડી છે. કલાઇમેટ ચેન્જને કારણે જેટલા બાળકો વિસ્થાપિત થાય છે તેટલા તો યુદ્ધને કારણે પણ નથી થતાં. આવું અગાઉ ક્યારેય નથી બન્યું. વધતી કટોકટી છતાં, OCHAના કહેવા અનુસાર તેને મળતા દાનમાં ઘટાડો થઈ રહ્યો છે. પરિણામે, ૨૪.૫ કરોડ લોકોને સહાય પહોંચાડવાના મૂળ લક્ષ્યાંક કરતાં ૨૦૨૪માં માત્ર ૧૮.૧ કરોડ લોકોને મદદ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ સામે પોણા બે વરસથી ચાલી રહેલા યુક્રેન યુદ્ધનો અંત દેખાતો નથી. યુક્રેન મુદ્દે રશિયા મચક નથી આપી રહ્યું એ જોતાં નજીકના ભવિષ્યમાં શાંતિ સ્થપાય એવું લાગતું નથી. પુતિને જાહેરાત કરી કે તેઓ માર્ચ ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે, જેમાં સ્વાભાવિક રીતે જ તેમની પાંચમી ટર્મ માટેની જીત લગભગ નિશ્ચિત છે. તેઓ વડાપ્રધાન પદ સહિત ૨૪ વર્ષથી સત્તામાં છે, અને આવતા વર્ષે જીતશે તો તેઓ ૨૦૩૦ સુધી રાષ્ટ્રપતિ રહેશે. યુક્રેન મુદ્દે તેમણે મોસ્કોમાં જાહેર જનતા અને મીડિયાને કહ્યું હતું કે યુક્રેનના ‘ડિનાઝિફિકેશન, ડિમિલિટરાઇઝેશન અને તટસ્થ સ્થિતિ’ પછી જ શાંતિ શક્ય બનશે. પુતિને યુક્રેનને તટસ્થ રહેવાની અને નાટોમાં ન જોડાવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો.
યુદ્ધ તેનું બીજું વર્ષ પૂર્ણ થવાની નજીક જઈ રહ્યું છે ત્યારે યુક્રેનને પ્રતિઆક્રમણથી ઝાઝો લાભ નથી મળી રહ્યો. સામે રશિયાએ મે મહિનામાં બખ્મુત શહેર કબજે કર્યા પછી કોઈ પ્રગતિ કરી નથી. રશિયા યુક્રેનના લગભગ છઠ્ઠા ભાગ પર કબજો કર્યાનો દાવો કરે છે પરંતુ દાવો કરાયેલા ચાર યુક્રેનિયન પ્રદેશોમાંથી કોઈપણ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવતું નથી. યુક્રેનને અમેરિકા અને યુરોપમાંથી મળનાર આર્થિક સહાયતા સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે ત્યારે યુદ્ધ સમાપ્ત થાય છે કે નવો વળાંક લે છે તે જોવું રસપ્રદ બની રહેશે.