વૃદ્ધાવસ્થાને સ્થૂળરૂપમાં વિચારીએ તો જિંદગીના ચાર તબક્કામાંનો છેલ્લો તબક્કો છે.
વૃદ્ધાવસ્થાને સ્થૂળરૂપમાં વિચારીએ તો જિંદગીના ચાર તબક્કામાંનો છેલ્લો તબક્કો છે. મે ઘણા માણસોને કહેતા સાંભળ્યા છે કે હવે શું કરવાનું, હવે તો ઉંમર થઈ ! ત્યારે પ્રશ્ન થાય છે કે ખરેખર ઉંમર એ જ વૃદ્ધત્વનો માપદંડ છે?
વૃદ્ધત્વની એક સર્વસ્વીકૃત વ્યાખ્યા છે. પચ્ચીસ વરસ સુધી બ્રહ્મચર્યાશ્રમ, પચાસ વરસ સુધી ત્યારબાદ ગૃહસ્થાશ્રમ, એકાવનથી પંચોત્તેર સુધી વાનપ્રસ્થાશ્રમ અને પંચોત્તેર પછી સંન્યાસ્થાશ્રમ. આ ચાર આશ્રમો આપણા જીવન વ્યવસ્થામાં આપણી સંસ્કૃતિએ પાડેલા છે. ઉંમર થાય એટલે માણસને કહેવાવાળા પણ મળે છે, આ શું ચટપટાવાળું ? હવે તમારી ઉંમર થઈ સમજો. નાના કૉલેજીયન જેવા થતા જાવ છો દિવસે દિવસે.
ઉંમર તમારી ત્યારે થાય છે જ્યારે નવું શીખવાની વૃત્તિ તમારામાંથી મરી પરવારે છે. જે દિવસે તમને લાગે કે ના હવે કાંઈ આપણે શીખવા જેવું છે જ નહીં. આ પૃથ્વી ઉપર સૂર્ય ઉગે છે એ સૂર્ય નીચે ઊભા રહીને જે કાંઈ શક્ય હોય એ બધું જ હું જાણું છું. સંપૂર્ણપણે હું જ્ઞાનનો ભંડાર છું. બહાર કશું જ છે નહીં. અહમ્ બ્રહ્માસ્મી. મારે કાંઈ જ શીખવાની જરૂર નથી, કાંઈ નવું જાણવાની જરૂર નથી. અને હવે ઉંમર થઈ શેના માટે જાણવાનું ? અરે આ કોઈ દલીલ છે? કંઈક નવું શીખવાની ધગશ જેનામાં જીવંત હતી તેવાં બે ઉદાહરણો રજૂ કરું છું.
તમે આદરણીય બ્રહ્મલીન કે. કા. શાસ્ત્રીજીના જીવન વિષે સંભાળ્યું હશે. બેહદ પુસ્તક પ્રેમી અને ભાષા ઉપર ગજબનો કાબૂ. તેમાંય સંસ્કૃત પર તો ભારે પકડ. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ પી. એચ ડી.ની ડિગ્રી મેળવી. સાદું જીવન જીવતા શાસ્ત્રીજી એ જિંદગીની દરેક ક્ષણનો ઉપયોગ પોતાના જ્ઞાનની જ્યોત ફેલાવવા કર્યો હતો. પોતાની પરસાળમાં જ આસન બનાવી પુસ્તકોથી ઘેરાયેલા રહેતા શાસ્ત્રીજી શતાયુ થયા ત્યાં સુધી સતત સરસ્વતીની આરાધના કરતા રહ્યા અને એ વચ્ચે પણ કદીય વલ્લભસદનની સભાનો સમય ન ચૂક્યા. વિદ્યાપીઠ જવાનું હોય કે હવેલી, તેઓ સાઇકલ સવાર બનીને કે પગપાળા ચાલીને જતા. એક નવલોહીયા યુવાનને પણ શરમાવે તેવું જોમ અને ખમીર તેમનામાં હતું. સો વરસની આવરદા પૂરી કરનાર શાસ્ત્રીજીને ઉંમરના માપદંડથી વૃદ્ધની કક્ષા માં મુકાય ખરા?
એવું જ બીજું નામ છે ભારતરત્ન સર મોક્ષગુંડમ વિશ્વસરૈયાનું. ઘણા ઓછા લોકોને ખબર હશે કે ભારતના એ પનોતા પુત્ર. ઉચ્ચકોટીના ઈજનેર. મૈસૂર રાજ્યના કાબેલ શાસક દિવાન. મૈસૂર રાજ્યમાં ઔદ્યોગિક ક્રાંતિની મૈસૂર કેમિકલ્સ અને ભદ્રાવતી સ્ટીલની સ્થાપના કરી શરૂઆત કરાવનાર એક સાહસિક. ખૂબ વિદ્વાન અને નખશીખ પ્રમાણિક માણસ એટલે સર મોક્ષગુંડમ વિશ્વસરૈયા. એમનો જન્મદિવસ એન્જિનિયર્સ ડે તરીકે દર વરસે પંદરમી સપ્ટેમ્બરે ઉજવાય છે. સર મોક્ષગુંડમ વિશ્વસરૈયાને ૯૯ વર્ષ પૂરાં થયા અને ૧૦૦મી વરસગાંઠ આવવાની હતી. એમનાં એક મિત્ર મદ્રાસ જતા હતા. એમણે પૂછ્યું કે, દાદા શું લાવું તમારા માટે? જન્મદિવસ ઉપર શું ભેટ આપું તમને?
વિશ્વસરૈયા સાહેબે જે જવાબ આપ્યો ને તે તમને ને મને બંનેને ચોંકાવી દે તેવો છે. એમણે કહ્યું કે, જો બેટા ! તું ચેન્નાઈ જાય છે ને? મેં સાંભળ્યું છે કે હમણાં વેબસ્ટરની ડિક્શનરીની નવી આવૃત્તિ આવી છે. મારા માટે એ લેતો આવજે!
વિચાર કરો, ૯૯ વરસે માણસ વેબસ્ટરની ડિક્શનરીની નવી આવૃત્તિ પોતાના જનમ દિવસની ભેટ તરીકે મંગાવે છે. શું પ્રતિભાવ આપીએ આપણે હોઈએ તો ? હવે આ ઉંમરે શું કરવી છે ડિક્શનરીને? ઘણોય વખત થોથાં ફેંદયાં. હવે શું કરવું છે નવું જાણીને? અને હવે એ જ્ઞાન આવવાનું પણ શું કામમાં છે? એના કરતાં ભગવાનનું નામ લો. ઉંમર થઈ છે. હવે ભગવાનનું નામ નહીં લો તો ક્યારે લેશો?
ઈશ્વરની સાચી પૂજા કર્મને વફાદાર રહેવામાં છે. તમે તમારું કર્મ ચૂકો છો અને કર્મ ચૂકીને ઈશ્વરની પૂજા કરો છો, ઈશ્વરની આરાધના કરો છો તો એ ફળતી નથી. એક બેન પોતાના ઘરમાં રસોઈ કરવાની બાકી મૂકીને કથા સાંભળવા જાય તો એ કથા નહીં ફળે. “સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ” એ ધર્મ છોડીને તમે કથા સાંભળવા જાવ છો. તો એ કથા તમને નહીં ફળે. આપણે વળી પાછા મુદ્દા પર પરત આવીએ, ઘરડા કોને ગણવા ? વૃદ્ધ કોને ગણવા ? ક્યારે કહેવાય કે તમને ઘડપણ આવ્યું છે? જવાબ છે, જ્યારે નવું જાણવાની, નવું કરવાની, નવું વિચારવાની અને નવી દિશામાં જોવાની તમારી અંદરની ઉર્મી મરી પરવારે ત્યારે તમે પચ્ચીસ વરસના હોવ તો પણ ઘરડા થયા છો અને જો એ ન મારી પરવારી હોય તો વિશ્વસરૈયા સાહેબની માફક ૯૯ વરસની માફક પણ તમે યુવાન છો. વૃદ્ધત્વની વ્યાખ્યા એ વરસોની માપપટ્ટીથી ન માપશો. વૃદ્ધત્વની વ્યાખ્યા તમે કેટલા વરસ જીવ્યા છો તેનાથી ન માપશો. તમે અત્યારે કેવું જીવી રહ્યા છો, તમારામાનું કૂતૂહલ નાશ પામ્યું છે? નવું શીખવાની વૃત્તિ નાશ પામી છે? તમે ચોક્કસ વૃદ્ધ થયા છો. ઘરડા ન જ થવું હોય, આજીવન યુવા રહેવું હોય તો મોક્ષગુંડમ વિશ્વશ્વરૈયા સાહેબનો દાખલો યાદ રાખો, તમે ક્યારેય ઘરડા નહીં થાવ.
બાય ધ વે, આપણે ત્યાં પણ પી.સી.વૈદ્ય સાહેબ કે લાકડાવાળા સાહેબ અથવા સાક્ષર રત્ન પ્રો. નિરંજન ભગત સાહેબનાં કે શાહબુદ્ધિનભાઈ રાઠોડનાં ઉદાહરણ છે જ. માણસે પોતે નક્કી કરવાનું હોય છે કે તે કઈ અવસ્થામાં થી પસાર થઈ રહ્યો છે, બધું જ મનોબળ અને જિજ્ઞાસા વૃતી ઉપર આધારિત છે. કેટલાય વૃદ્ધવસ્થાએ પહોંચેલા નવલોહીયા યુવાનો એ જીવનની ઢળતી સાંજે મંદિરમાં જઈને બેસવાને બદલે સમાજ સેવાની ભેખ ધરીને અથવા પોતે નક્કી કરેલા લક્ષ્ય માટે જીવનની અંતિમ ક્ષણ સુધી કાર્યરત રહી સમાજને અનેક ઉદાહરણો પૂરાં પાડ્યાં છે.
એક જમાનો હતો જ્યારે માણસ પચાસ પૂરાં કરે, એકાવનની ઉમર શરૂ થાય એટલે એમ કહેતા કે વનમાં પ્રવેશ્યો અને ઘણા ગમ્મતમાં એમ પણ કહેતા કે વનમાં રહી ગયા તો રહી ગયા ને બહાર નીકળ્યા તો નીકળ્યા. કદાચ એ વખતનું સરેરાસ આયુષ્ય ૬૦ વર્ષથી નીચે હતું તે માટેનું કારણ હશે. સામાન્ય રીતે માણસ નોકરીમાંથી નિવૃત્ત થાય, જીવનના ૬ દાયકા વટાવી ચૂક્યો હોય અને ૬ દાયકા સુધીના સમયમાં એણે કાંઇ ખાસ ઉકાળ્યું ન હોય અને કોઈ પૂછે કે આ માણસે શું કરવું તો મને લાગે છે આપણે જરાય અચકાયા વગર કહી દેવું કે બાકીનું જીવન એણે શાંતિથી પૂરું કરવું? ના આજે એવી નબળી વાત નથી કરવી. વાત કરવી છે નિવૃત્તિ પછી ૬૦નો દાયકો વટાવ્યા પછી જીવનમાં કઈક કરી ગયેલા એક ખૂબ મશહૂર માણસની. એ માણસનું નામ કોલોનેલ સેન્ડર્સ.
આ માણસની જીવનકથની જાણવા જેવી છે. પાંચ વર્ષે એના પિતાનું અવસાન થયું. સોળ વરસની ઉંમરમાં એણે સ્કુલ છોડી દીધી. સત્તર વરસની ઉંમર સુધીમાં છૂટકપુટક ચાર નોકરી કરીને ચારેચાર છોડી દીધી કશું ના ઉકાળ્યું. આગળ વધ્યો અઢાર વરસની ઉમરે બાકી રહેતું હતું તે લગ્ન કર્યાં. કહેવત છે ને કે દખ ના હોય તો ડોબું વોરજો. એકલાનું તો ઠેકાણું નહોતું ત્યાં અઢાર વરસની ઉમરે એણે લગ્ન કર્યાં. અઢાર થી બાવીસ વરસ એણે કન્ડક્ટર તરીકે નોકરી કરી. ઘંટડી વગાડવાની આ નોકરીમાં એ સફળ ન થયો. આર્મીમાં જોડાયો ત્યાં પણ નિષ્ફળ. કાયદાની સ્કૂલમાં ભણવા માટે અરજી કરી એમાં પણ નસીબે યારી ના આપી, કોલોનેલ સેન્ડર્સ એમાં પસંદ ન થયો. ઈન્સ્યોરન્સ સેલ્સમેન બન્યો વિમાની પોલિસી વેચવા ગયો, નિષ્ફળ ગયો. ઓગળીસ વરસની ઉમરે તે પિતા બન્યો અને વીસ વરસની ઉમરે આ ભાઈની લબાડગીરીથી કંટાળીને એની પત્ની એની દીકરીને લઈને જતી રહી. પછી કોલોનેલ સેન્ડર્સે એક નાના એવા કાફેમાં રસોયા તરીકે અને વાસણો માંજનારની નોકરી શરૂ કરી. દીકરી બહુ સાંભરે એટલે એણે દીકરીને ઉપાડી લાવવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો. પણ છેવટે એ સમજાવી પટાવીને એની પત્નીને ઘરે લઈ આવ્યો. પત્ની પણ આવી દીકરી પણ આવી.
૬૫ની ઉમરે એ રિટાયર્ડ એટલે કે નિવૃત્ત થયો. હાશ.. માણસ હાશકારાનો શ્વાસ લે ને? ૬૫ વરસની ઉમર નિવૃત્તિનો સમય. આગળ વાત કરું તે પહેલા મારે તમને પૂછવું છે શું કરી શકાય? શું કર્યું હશે આ માણસે? તમે હો તો શું કરો? તમને શું લાગે છે? આ કોલોનેલ સેન્ડર્સ ૬૫ વર્ષે નિવૃત્ત થયો ત્યાં સુધી કડકીદાસ હતો. તો શું કર્યું હશે એણે?
વાર્તા હવે જામે છે. સ્ટોરીમેં કુછ ટ્વીસ્ટ હૈ. બાતમે કુછ દમ હૈ. બંદેમે કુછ દમ હૈ. એ નિવૃત્ત થયો એટલે અમેરીકામાં સરકાર ભરણપોષણનો ચેક આપે જેને સોશિયલ સિક્યોરિટી કહે એનો ૧૦૫ ડોલરનો ચેક મળ્યો. આ ચેક એના હાથમાં આવ્યો ને એનો અંતર આત્મા જાગી ઉઠ્યો. એને લાગ્યું કે જાણે ગવર્નમેન્ટ એને એમ કહે છે કે અલ્યા નકામાં માણસ, સાવ નિષ્ફળ ગયો તું? તારી જાતનું પૂરું કરવા માટે પણ તું સક્ષમ નથી. એટલે આ ૧૦૫ ડોલરનો ચેક સરકાર તને આપે છે. ખૂબ અપમાનિત થયો હોય એવું લાગ્યું. જીવનમાં એ દિવસે એને પહેલી વાર લાગ્યું કે એનું સ્વમાન ઘવાયું છે. એની જિંદગીમાં એ ક્યાંય સફળ થયો નહોતો. એનું જીવન બેકાર લાગ્યું અને એ નિરાશાની એ ક્ષણે, હતાશાની એક પળે એણે આત્મહત્યા કરવાનું વિચાર્યું. કઈ જ રસ્તો દેખાતો નહોતો. એને થયું કે આ જીવન જીવવું એના કરતાં તો મોતને વ્હાલું કરી લેવું વધારે સારું.
એક ઝાડ નીચે પોતાની વસીયત લખવા બેઠો! આ બુધ્ધિશાળી માણસ કઈ હતું તો નહીં એની પાસે પણ છતાય એને લાગ્યું કે મારી વસીયત લખવી જોઈએ. એટલે એક ઝાડ નીચે બેસીને એણે વસીયત લખવાનું શરું કર્યું. એણે વસીયતમાં એ બધું લખ્યું જે એણે એની જિંદગીમાં કર્યું હતું.
બરાબર ત્યારે જ એને સમજાયું કે હજુ ઘણુબધું કરવાનું બાકી છે. એકાએક એને ખ્યાલ આવ્યો કે એને રાંધવાનું બહુ સરસ આવડતું હતું. હી વોઝ અ વેરી ગુડ કૂક. ખૂબ સરસ રસોયો હતો એટલે ગવર્નમેન્ટે આપેલા એ ચેકના પૈસામાંથી એણે ૮૭ ડોલર ઉપાડ્યા.
એમાંથી એ થોડું ચિકન લઈ આવ્યો. એને એ રેસીપી બરાબર આવડતી હતી. તે ચિકન બહુ સારું બનાવતો હતો. એણે ચિકન પકાવ્યું અને કેન્ટુકી પ્રાંતમાં આજુબાજુના ઘરોમાં એણે પોતાની આ વાનગી વેચવાનું શરૂ કર્યું. ધીરે ધીરે એનું આ ડોર ટુ ડોર સેલિંગ અને ચિકન એટલું પ્રચલિત થતું ગયું કે ૬૫ની ઉમરે જે વ્યક્તિ આત્મહત્યા કરવા તૈયાર થયો હતો એ કોલોનેલ સેન્ડર્સ નામના માણસે ૮૮ વરસની ઉમર સુધીમાં કેન્ટુકી ફ્રાય્ડ ચિકન (KFC)નું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું. આટલી મોટી ઉંમરે એ કરોડપતિ બન્યો. એના મૃત્યુ પછી આજે પણ એનું આ સામ્રાજ્ય વિકસી રહ્યું છે!
સાહસ કરવા માટે અને સફળ થવા માટે કોઈ ઉંમર મોટી નથી. સાહસ કરવા માટે અને સફળતા મેળવવા માટે કોઈ ઉમરે તમે હતાશ થઈ જાઓ, નિરાશ થઈ જાઓ એ જરૂરી નથી. માણસ, એક્સપાયરી ડેટ જેના કપાળમાં નથી લખી એવું, ઈશ્વરનું બનાવેલું એક અદ્દભુત સેમ્પલ છે. એની આવતી પળે શું લખ્યું છે એના નસીબમાં કોઈને ખબર નથી અને એટલે જ ગુજરાતીમાં કહેવાય છે કે “પુરુષના નસીબ આડે પાંદડું”. આ કોલોનેલ સેન્ડર્સના નસીબ આગળનું પાંદડું ખસી ગયું. કે.એફ.સી. નામના એક જબસદસ્ત મહા સામ્રાજ્યનું સર્જન થયું. ૬૫ વર્ષે આત્મહત્યા કરવા નીકળેલો એ માણસ બાકીના બે દાયકામાં તો ખૂબ ખૂબ સફળ બન્યો. મોટો ધનપતિ બન્યો અને પોતાની પાછળ એક વિશાળ સામ્રાજ્ય મૂકતો ગયો. કદાચ એટલે જ કહ્યું છે કે હજારો એ નિરાશામાં અમર આશા છુપાઈ છે. કોઈપણ નિરાશા તમારા ઉપર સવાર થવા લાગે ત્યારે કોલોનેલ સેન્ડર્સનો દાખલો યાદ કરવા જેવો છે. આવા તો અનેક દાખલા છે.
વૃદ્ધત્વ એટલે કે ઘરડા થવું. એને ઉંમરની વ્યાખ્યા સાથે કોઈ લેવાદેવા નથી. માણસનું મન પ્રફુલ્લિત છે, કંઈક નવું કરવાની ધગશ છે, કંઈક નવું શીખવું છે તો એ આજન્મ યુવાન છે.
કેટલાક યુવાનવયે પોતાના જ્ઞાનના પ્રભાવથી વિશિષ્ટ ડહાપણ મેળવે છે અને પાકટ બને છે. તેમના માટેનો શબ્દ છે ‘જ્ઞાનવૃદ્ધ’. આ કક્ષામાં સ્વામી વિવેકાનંદ, પૂ. આદિ શંકરાચાર્યજી અને કવિ કલાપી જેવી હસ્તીઓ આવે. ઘણી નાની ઉંમરમાં એમણે ખૂબ બધું હસ્તગત કરી સાચા અર્થમાં ‘જ્ઞાનવૃદ્ધ’ બન્યા. વૃદ્ધાવસ્થાને પણ એની ગરિમા હોય છે. એ ગરિમા એટલે શાસ્ત્રીજી કે ભારતરત્ન મોક્ષગુંડમ વિશ્વસરૈયાની ગરિમા. પોતાનાં પોતરાંને રમાડતા કરચલીવાળા ચહેરા પર પણ અદભૂત તેજ રમી રહે તેવા દાદાદાદી કે નાનાનાનીની ગરિમા. ઘણું બધું છે ઘડપણ પાસે.
સાથે સાથે શારીરિક ક્ષમતાની મર્યાદાઓ પણ વૃદ્ધાવસ્થા શીખવે છે અને ક્યારેક શરીર માધ્યમ ખલુ ધર્મસાધનમ્ ની શીખ મુજબ શરીર સાથ ન આપે, પોતિકાં હોય તે મોં ફેરવી લે, જેમને હથેળીની છાજલી કરીને ઉછેર્યાં હોય તેવાં સંતાનો કારકિર્દીની શોધમાં દૂર દૂર ચાલ્યાં જાય ત્યારે ઘડપણ અભિશાપ બની જતું હોય છે. આવા ઘડપણને પણ મળવા જેવું છે. સ્વાર્થી સગાંવહાલાં કે સંતાનોથી તરછોડાયેલું, ઢળતી ઉંમરે આજુબાજુ રણ સમાન લાગણીશુષ્ક પ્રદેશમાં ક્યાંક લાગણીની મીઠી સરવાણી શોધતું ઘડપણ તમને મળે તો એને બીજું કંઇ નથી જોઈતું, બે ઘડી, માત્ર બે ઘડી વાતનો વિસામો જોઈએ છે, હુંફ જોઈએ છે, લાગણી જોઈએ છે. આવું ઘડપણ ક્યારેક કોઈ બાગબગીચાના બાંકડે કોઈ વૃદ્ધાશ્રમમાં કે કોઈ મંદિરની પગથારીયે, જાહેર પુસ્તકાલયના કોઈ ટેબલને ખૂણે કે પછી સ્વીડન જેવા સમૃદ્ધ દેશના કોઈ સૂર્યપ્રકાશિત દિવસે પબ્લિક ગાર્ડન – જાહેર બગીચામાં મળી જાય છે. ઘડપણ ઘડપણ છે. એને ગરીબ-તવંગર, દેશ-પરદેશ એવો કોઈ ભેદ નડતો નથી. ક્યારેક આવું ઘડપણ તમને ક્યાંક મળી જાય તો બહુ નહીં, થોડો સમય એને ફાળવશો ને? એના અંતરમાંથી નીકળતા આશીર્વાદથી તમારું જીવન ધન્ય બની જશે.