હોસ્ટેલ ડે ની સાંજની ઘટનાના સંસ્મરણો આલેખતા મેં ઉલ્લેખ કર્યો હતો કે જાહેર ઉદ્દબોધન અથવા ભાષણો સાથે મારો જરાય પરિચય નહોતો. માઈકમાં બોલીને મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓને ઉદ્દબોધન થતું હોય તેવા અનેક પ્રસંગોમાં સાક્ષીભાવે મેં મારૂ સ્થાન ઓડિયન્સમાં જાળવી રાખ્યું હતું. હાઇસ્કૂલમાં વરસમાં આવા ત્રણ ચાર પ્રસંગો આવતા. શાળાના પ્રાંગણમાં લીમડા અને કણજીના ઝાડથી વીંટળાયેલ જગ્યામાં બધા વિદ્યાર્થીઓ ગોઠવાઈ જતા અને કોઈ વિશિષ્ટ પ્રસંગે આચાર્યશ્રી અથવા બહારથી પધારેલ મહેમાનનું ઉદ્દબોધન સાંભળતા. આમાં પણ મારો પ્રયત્ન બને તેટલો મહાનુભવોની નજરથી દૂર રહેવાય તેવો રહેતો. એટલે આવી સભામાં સાવ છેવાડે નહી તો લગભગ છેલ્લી ચાર પાંચ હરોળમાં હું મારૂ સ્થાન ગોતી લેતો. આના બે ફાયદા હતા. એક તો ક્યારેક બેધ્યાન થઈ જવાય તો આપણે નજરે ન ચડીએ અને બીજું સ્વભાવગત રીતે મસ્તીખોર મને આ જગ્યા એટલા માટે ફાવતી કે ત્રીજી આંગળી અને અંગુઠો ભેગા કરી વચ્ચે એક નાની કાંકરી મુકી સંપૂર્ણ નિર્દોષતાથી એ મિસાઇલ લોન્ચ કરી શકતું અને જેને વાગે તે આગળ પાછળ જોવે ત્યારે સાવ નિર્દોષ રીતે એની આ ચેષ્ટાઓ જોવાની મજા આવતી. કોઈ બહુ કંટાળાજનક ભાષણ ચાલતું હોય ત્યારે ભાષણ ભાષણની રીતે ચાલે અને હું મારી રીતે વ્યસ્ત રહું એવું બનતું. પાછળની હરોળમાં બેસવાનો એક વધુ ફાયદો આગળ જતાં સમજ્યો કે કોઈ સભા કે ઓડિટોરિયમમાંથી ચૂપચાપ નીકળી જવું હોય તો પાછલી હરોળમાં બેસવાનું અત્યંત લાભદાયી બની રહે છે.
ફિલોસોફીને બાજુ પર મૂકીએ પણ મેં કોઈ દિવસ કોઈ મોટા ઓડિયન્સ સામે પ્રવચન આપ્યું નહોતું. આ મારા વ્યક્તિત્વની તે સમયની નબળી કડી હતી એમ કહેવામાં મને જરાય સંકોચ નથી.
આ પરિસ્થિતિએ મારા પ્રિપ્રેટરી સાયન્સના અભ્યાસકાળ દરમિયાન નાટ્યાત્મક પલટો લીધો. અમારા પ્રોફેસર ડો.સુરેશ જોશી સાહેબે પાઠ્યપુસ્તક “માણસાઇના દીવા” થકી રજૂ થયેલ પૂજ્ય રવિશંકર મહારાજની ધારાળા, પઢીયાર, બારૈયા કે પાટણવાડીયા નામથી ઓળખાતી કોમની સુધારણા અને એ થકી એના સ્વભાવની ખૂબીઓ અને માન્યતાઓનું જતન કરીને ગુનાખોરીમાંથી મુક્તિ એવા કોઈક વિષય ઉપર દરેકે પોતાની રીતે અંદાજે ૨૫૦૦ શબ્દોમાં એક નિબંધ/લેખ લખીને પંદર દિવસની મહેતલમાં રજૂ કરવાનું ફરમાન કાઢ્યું. મારી લખાણની ભાષા તે સમયે પણ પ્રમાણમાં ઠીક ઠીક હતી. મને માણસાઇના દીવા પુસ્તક પણ ખૂબ ગમ્યું હતુ અને એ કારણથી એક કરતાં વધુ વખત મેં એ વાંચ્યું હતું. ડો. સુરેશ જોશી એક અચ્છા વિવેચક હતા અને ક્યારેક તો નિર્દયતા કહી શકાય એટલી હદ સુધી કોઈપણ સાહિત્ય ક્રુતિ અને એના લેખકને એ ઝૂડી નાખતા. માણસાઇના દીવા એમણે ક્યારેય પુસ્તક ખોલીને ભણાવી નહોતી. એનું પાત્રાવલોકન, ઘટના ક્રમ અને રવિશંકર મહારાજની આ કોમનું સ્વત્વ જાળવી રાખીને ચલાવેલ સમાજ સુધારણા ઝુંબેશ વિષે એ ચર્ચા કરતા. બાકીનું અમારે પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેવાનું રહેતું.
મેં મારી ક્ષમતા મુજબ માણસાઇના દીવા કૃતિને કેન્દ્રસ્થાને રાખી પૂજ્ય રવિશંકર મહારાજ અને આ નવલકથામાં ઝબકી જતાં બાબરદેવો, ભીખો કાવીઠાવાળો જેવાં પાત્રોનું નિરૂપણ કર્યુ. મને આજે પણ યાદ છે કે આ લેખના અંતમાં લગભગ ચારેક ફકરા બાબરદેવો રવિશંકર મહારાજને ન મળી શક્યો અને જો મળ્યો હોત તો શું બદલાવ આવ્યો હોત તે વાતને તાર્કિક રીતે રજૂ કરી તારણ કાઢ્યું કે મહારાજશ્રીએ અનેકોને સુધાર્યા હતા. જો બાબરદેવો પકડાઈ ગયો તેના ચારેક મહિના પહેલાની મહારાજશ્રી સાથેની એની મુલાકાતમાં વિઘ્ન ન આવ્યું હોત તો કદાચ બાબરદેવાનો અંત જુદો જ હોત.
નિષ્કામ કર્મના સિધ્ધાંતને અનુસરીને આ લખાણ મેં સમય મર્યાદામાં જ આપી દીધું. મનમાં થોડો હાશકારો પણ અનુભવ્યો કે ચાલો એક કામ પૂરું થયું.
આ સમયમર્યાદા પતી તેના દસેક દિવસ બાદ ડો. સુરેશભાઇએ અમારા ક્લાસનું સબમિશન કેવું રહ્યું અને કોઈ ત્રુટી રહી ગઈ હોય તો એ કેમ સુધારી શકાય તેની વાત કરી. જેની ઉત્કંઠાથી અમે રાહ જોઈ રહ્યા હતા એ અમારો નિબંધ એના ગ્રેડ સાથે હવે અમને પાછો મળવાનો હતો. બધાનાં નામ બોલાઇ ગયાં જે હાજર હતા તે પોતાનો નિબંધ લઈ આવ્યા. સ્વભાવગત રીતે જ જેમને સારો ગ્રેડ મળ્યો હતો તેમના ચહેરા પર એક આનંદ વરતાતો હતો. કોણ જાણે કેમ હજુ સુધી મારો નંબર બોલાયો નહોતો. છેલ્લે ત્રણ વિદ્યાર્થીઓના નિબંધ બાકી રહ્યા હતા. મેં સારું લખ્યું હતું એવું મારૂ મન કહેતું હતું. અગાઉ ટેસ્ટમાં પણ સારા માર્કસ આપ્યા હતા. આમ છતાય આ છેલ્લા ત્રણમાં મારો નિબંધ સાહેબે કેમ રાખ્યો હશે તે થોડુક મનને મુંઝવતું હતું.
છેવટે સુરેશભાઇએ જાહેર કર્યું કે આ ત્રણ વિદ્યાર્થીઓએ ઉભા થાય અને આગળ આવી ઊભા રહે. એમણે એ પણ કહ્યું કે આ ત્રણેએ સારો પ્રયત્ન કર્યો છે. ઘણા નવા મુદ્દા પણ શોધી લાવ્યા છે. પણ એમાય રોલ નં.૫૭૫ જય નારાયણ વ્યાસ બાબરદેવો રવિશંકર મહારાજને ન મળી શક્યો તે અંગે જે વાત કરે છે તે તેના થકી એક નવા જ દ્રષ્ટિકોણથી આ સમગ્ર પુસ્તકને જોવાયું છે એમ લાગે છે. એટલે આખા ક્લાસમાં પહેલો નંબર આ નિબંધને મળ્યો. સરવાળે હું ખુશ થયો. ફરી એકવાર પેલો SSC સુધી પહેલો નંબર મેળવતો જય નારાયણ વ્યાસ આજે જીવતો થયો. મનમાં ખુશી માતી નહોતી.
પણ ત્યારબાદ ડો.જોશી સાહેબે જે જાહેર કર્યું તેણે મને રીતસરનો ધ્રુજાવી નાખ્યો. એ કહી રહ્યા હતા કે દરેક વર્ગમાં જેનો નિબંધ પ્રથમ ક્રમે આવ્યો છે તે વિદ્યાર્થી આવતા અઠવાડિયે જનરલ એજ્યુકેશન ઓડિટેરિયમમાં પંદર મિનિટ પોતાના વિચારો પોતાના સહાધ્યાયીઓ સામે રજૂ કરશે. બધાં જ ક્લાસના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત સંબંધિત ફેકલ્ટી તેમજ પ્રિપ્રેટરી સાયન્સના હેડ ડો.કે.પી.યાજ્ઞિકની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.
આખા ક્લાસે તાળીઓથી આ જાહેરાતને વધાવી લીધી. તાળી ન પાડનારમાં હું હતો કારણ કે કેવી ગંભીર પરિસ્થિતી આના કારણે મારા માટે ઊભી થઈ છે તેનો મને અંદાજ હતો. મારી આજુબાજુના વર્ગખંડની દીવાલો જાણે કે ગોળ ગોળ ફરી રહી હતી. પિરિયડ પૂરો થયો. સાહેબ તો જતા રહ્યા પણ મારા માટે આફતની આંધી જેવા સમાચાર પાછળ મૂકાતા ગયા. ઘડીભર તો મને થયું કે સારો નિબંધ લખવાની ક્યાં જરુર હતી? જેના પરિણામે સ્ટેજ ઉપર પંદર મિનિટ ભાષાણ આપવાની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થવાનું હતું. મને કિરીટ ઠાકર યાદ આવી ગયો. કિરીટ પ્રભાશંકર ઠાકર. એલ.એસ. હાઇસ્કૂલમાં SSC સુધી અમે સાથે ભણ્યા. કિરીટમાં અદ્દભુત વક્તૃત્વકળા હતી. બહુ જ છટાદાર બોલતો. નાટકમાં ભાગ લે ત્યારે તો એ રીતસરનો છવાઈ જતો. હું કિરીટની આ ક્ષમતાઓથી પ્રભાવિત હતો. મનમાં થયું અત્યારે મારા બદલે જો કિરીટ હોત તો? એને તો મજા પડી ગઈ હોત.
ખેર, આપત્તિથી ભાગી છૂટવાથી ક્યારેય તેનાથી બચાતું નથી. મેં મારા નિબંધને ફરી ફરી વાંચવાનું શરૂ કર્યું. કમાટીબાગમાં પ્રાણીસંગ્રહાલય આવેલું છે તે તરફ જવાનો રસ્તો સાવ એકાંત અને વનરાજીની શોભા મારી ચિત્ત વૃત્તિ ને અનુકૂળ આવતાં. મારી જાત સાથેના અનેક સંવાદો મેં આ સ્થળે બેસીને કર્યા છે. આ પ્રકૃતિધામમાં બેઠા બેઠા મેં આ નિબંધને વાંચ્યો. ફરી વાંચ્યો. ફરી વાંચો.
બસ વાંચતો જ ગયો.
બસ વાંચતો જ ગયો.
લગભગ પચ્ચીસેક વાર વાંચ્યા પછી એ સ્થિતિ આવી કે નિબંધ જાણે મારી સાથે વાત કરવા માંડ્યો. કેટલાક મુખ્ય મુદ્દાઓ મેં જુદા તારવ્યા અને હવે એ મુદ્દાઓ સાથે વાર્તાલાપ શરૂ કર્યો. ચાર પાંચ દિવસમાં તો મારે આ એકાંત ખૂણે ભાષણ આપવાનું હોત તો પંદર મિનિટ બોલી શકાય તેટલો વિશ્વાસ મનમાં ઊભો થયો.
પણ...
આ ભાષણ તો ઓડિયન્સમાં સ્ટેજ ઉપરથી માઇક દ્વારા મહાનુભાવોની અને એથીય વિશેષ વિદ્યાર્થીઓના મહાસમુદાયને સંબોધીને કરવાનું હતું. એ દિવસ અને એ ઘડી પણ આવી પહોંચ્યાં. A થી F ડિવીઝનના નિબંધ લેખનમાં પહેલો નંબર આવેલ છ જણા, ક્લાસના વિદ્યાર્થીઓ, ડો.યાજ્ઞિક સાહેબ અને અમારા બને શિક્ષકો ડો.સુરેશ જોશી અને કવીકુમાર ગોઠવાઈ ગયા. કાર્યક્રમની શરૂઆત થઈ. ડો.જોશી સાહેબે પૂર્વભૂમિકા સમજાવી અને ત્યાર પછી ડિવિઝન Aથી શરૂઆત થઈ. મને મનમાં રાહત થઈ કે હું છેલ્લા એટલે કે F ડિવિઝનમાં હતો. વ્યાસ અટકના કારણે આપણે આમેય છેલ્લે જ નંબરે જ હોતા. આજે પહેલીવાર આ અટક મને આશીર્વાદરૂપ લાગી. મારા પહેલાં પાંચેય જણા બોલે તે સાંભળવાનો મને મોકો હતો અને ધીરે ધીરે ઓડિટોરિયમ અને એના માહોલથી ટેવાતા જવાનો પણ સમય હતો. શરૂઆતની જે ઉત્કંઠા અને ચિંતાની લાગણી હતી, હદયના ધબકારા થોડા જોરથી ચાલતા હતા તે ધીરે ધીરે થાળે પડી ગયા.
અમારા છ જણામાં બે વિદ્યાર્થિનીઓ અને ચાર વિદ્યાર્થીઓ હતા. જેમ જેમ વક્તવ્યો ચાલતા ગયા મે માનસિક નોંધ લીધી કે જે મધ્યવર્તી વિચાર પકડીને મેં નિબંધ લખ્યો હતો તે મુદ્દાઓ ચર્ચામાં લગભગ નહોતા આવ્યા. છેવટે મારો વારો આવ્યો. મારો સ્ટેજ ઉપર બોલવાનો આ પહેલો અનુભવ હતો. કોણ જાણે કેમ પેલો કિરીટ મારામાં ફિટ થઈ ગયો હતો. હું એને મનમાં ઘૂંટયા કરતો હતો. કોણ જાણે ક્યાથી મારામાં આત્મવિશ્વાસ આવ્યો. મારી જગ્યાએથી કમસે કમ માઇક સુધી મક્કમ ગતિએ જઇ શક્યો અને બોલવાનું શરૂ કર્યું.
મેં મારા મુદ્દાઓ વ્યવસ્થિત રીતે રજૂ કર્યા.
માઈક્રો ફોનમાંથી ઉદ્દભવતો મારો અવાજ કંઈક વધુ પડતો સારો અને પ્રભાવી લાગતો હતો.
પંદર મિનિટ પૂરી થયાના એક મિનિટ પહેલાંની વોર્નિંગ બેલ વાગી.
સમો બંધાઈ ચૂક્યો હતો
મેં મારૂ વ્યક્તવ્ય પૂરું કર્યું.
ઓડિયન્સમાંથી તાળીઓ અને ચીચકારીઓ મારે કાને પડી
અગાઉના કરતાં મને કદાચ વધુ અનુમોદન મળ્યું હતું
ખેર, જે થયું તે
Public Speaking- જાહેર ઉદ્દબોધનનો મારો પહેલો પ્રયાસ
જે ઘટનાથી હું ભાગતો હતો તે ઘટના સાથે...
બાથ ભીડવાનો મારો પ્રથમ અનુભવ
સારો રહ્યો હતો.
કવીકુમારે સમાપનમાં પણ મેં બાબરદેવા અંગે જે વાત કરી હતી તેનો ઉલ્લેખ કર્યો
યાજ્ઞિક સાહેબે અધ્યક્ષીય ભાષણમાં બધાને બિરદાવ્યા
મારો અને બીજા એક વિદ્યાર્થીનો નામજોગ ઉલ્લેખ કર્યો
પ્રસંગ પૂરો થયો
બહાર મારા વર્ગના વિદ્યાર્થીઓ ઉપરાંત ઘણા બધાએ મારી સાથે હાથ મિલાવ્યા
કોઈકે ધબ્બો મારીને બિરદાવ્યો
પંદર મિનિટના આ પ્રસંગે મને રાતોરાત પ્રી. સાયન્સના બધા જ વર્ગમાં જાણીતો કરી દીધો.
પપ્પુ પાસ હો ગયા !
મને આ પ્રયોગે એક નવો પરિચય આપ્યો
નવી ક્ષમતાની ભેટ આપી
આગળ જતાં આનો ભરપૂર ઉપયોગ થવાનો હતો
પણ...
એક બીજી વસ્તુ મારા અવલોકનમાં નોંધાઈ ગઈ
મારી વાત મૂકવાની ઢબમાં અને...
અવાજમાં કંઈક વિશેષ ક્ષમતા છે.
માણસાઈના દીવા
મારા જીવનમાં ક્ષમતાનો એક નવો દિપક પ્રગટવતા ગયા.
આજે પણ...
બાબરદેવો
ભીખો કાવીઠાવાળો
ધારાળા, ઠાકરડા...
બહારવટીયાઓની જમાત અને
આ બધાને સુધારવા નીકળેલો
એક જુદી જ ટોળીનો બહારવટીયો…
ગાંધી મહાત્માની ટોળીનો બહારવટીયો
પૂજ્ય રવિશંકર મહારાજ
એમની પ્રતિબધ્ધતા, એમની હિમ્મત
આજે પણ મારા મનમાં એમ જ સંગ્રહાયેલા છે.
મારા આ પ્રિય પાત્રો
માણસાઈના દીવા
મારી પ્રિય નવલકથા