છેવટે જેની દહેશત હતી એ જ થયું. અમારા સમયે M.S. યુનિવર્સિટીમાં પ્રિ.મેડિકલ અથવા પ્રિ.એન્જીનિયરીંગ (F.E.)માં એડમિશન લેવા માટે બે રીતની પધ્ધતિ હતી. 15% સીટો મેરિટના ધોરણે પ્રિ.સાયન્સના પરિણામ પરથી સીધી ભરાતી. પણ એમાં પત્તો ન લાગે તો બાકી 85% All India Test જેમાં ભારતભરમાંથી કોઈપણ બેસી શકતું જેના થકી ગુણવત્તાના ધોરણે ભરાય. (આ પ્રથા 1983-84 સુધી ચાલી. ત્યારપછી માધવસિંહભાઈએ ગુજરાતમાંથી જ જેણે બારમું ધોરણ પાસ કર્યું હોય અને અહીંનો ડોમિસાઈલ હોય તેને જ પ્રવેશ આપવો એવો નિર્ણય કરી નાખ્યો. આ નિર્ણય મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વૈશ્વિક કળેવર પર કુઠારાઘાત સમો હતો. જે વ્યક્તિત્વ ઘડતરની તક સમગ્ર દેશમાંથી અને વિશ્વભરમાંથી આવતા વિદ્યાર્થીઓ સાથે સંપર્ક અને વિચાર વિમર્ષને કારણે મળતી હતી તે પણ આ સાથે જ પૂરી થઈ. ત્યાં સુધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માત્ર આ દેશની જ નહીં પણ વિશ્વમાં પણ ખ્યાતિપ્રાપ્ત યુનિવર્સિટી હતી. આને કારણે બીજું એવું બન્યું કે વાઇસ ચેન્સેલર સરકાર દ્વારા નિમાતા થયા. અધ્યાપકોની નિમણૂકની પ્રક્રિયા લગભગ સરકારી કહી શકાય તેવી બની અને ઈજનેરી કોલેજના પ્રધ્યાપકોની સર્વિસબુક સુધ્ધાં સચિવાલયમાં કોઈ સેક્શન ઓફિસરના હાથમાં હોય તેવી દયનીય પરિસ્થિતીનું નિર્માણ થયું. આજે પણ ફેકલ્ટી ઓફ ટેકનૉલોજી એન્ડ એન્જીનિયરીંગમાં લેક્ચરરથી માંડી પ્રોફેસર સુધીની ઘણી બધી જગ્યાઓ સરકાર અને યુનિવર્સિટી વચ્ચેના ગજગ્રાહમાં ખાલી પડી છે. કલાભવન એનું એ જ છે, યુનિવર્સિટી એની એ જ છે પણ એના સંચાલનનું સંપૂર્ણ રાજકીયકરણ થઈ ગયું છે. મને કોઈ પૂછે તો હું ચોક્કસ કહું કે માધવસિંહભાઈનાં શાસનમાં ગુજરાતની એક Center of Excellence ગણાતી યુનિવર્સિટીમાં સરકારી હસ્તક્ષેપ દ્વારા ગુણવત્તા અને વ્યવસ્થાપન બંનેનો ખુરદો બોલી જતાં આ Center of Excellenceનો મૃત્યુઘંટ વાગી ગયો.) 

શિક્ષણ વ્યવસ્થા જ્યારે કથળે ત્યારે શું થાય એ અંગે દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટીના દરવાજાની દીવાલ પર નેલ્સન મંડેલાનાં વિચારો કંઈક આ રીતે લખાયેલા છે-

“The famous statement of Nelson Mandela is displayed at the entrance of the University of South Africa thus:
"Destroying any nation does not require the use of atomic bombs or the use of long range missiles. It only requires lowering the quality of education and allowing cheating in the examinations by the students."
Patients die at the hands of such doctors.
Buildings collapse at the hands of such engineers.
Money is lost in the hands of such economists & accountants.
Humanity dies at the hands of such religious scholars.
Justice is lost at the hands of such judges...
"The collapse of education is the collapse of a nation."...

(અંગ્રેજી ભાષા સાથે પરિચય ન હોય તેમને માટે આનું ભાષાંતર અહીં રજૂ કરું છું
“મંડેલાનું એ વિખ્યાત સ્ટેટમેન્ટ યુનિવર્સિટી ઓફ સાઉથ આફ્રિકાના પ્રવેશદ્વારે કંઈક આ રીતે લખાયું છે :
કોઈપણ દેશને તોડી નાખવો હોય તો એટમબોમ્બ અથવા લોંગ રેન્જ મિસાઇલની જરૂર નથી. માત્ર શિક્ષણની ગુણવત્તા ઘટાડવાથી અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરીઓ કરવા દેવાથી આ થઈ શકે છે.
આ રીતે ભણેલા ડોક્ટરોના હાથમાં દરદીઓ મોતને ભેટે છે.
આ રીતે ભણેલા એન્જીનિયરો દ્વારા ચણાયેલ બિલ્ડીંગ તૂટી પડે છે.
આ રીતે ભણીને બહાર પડેલ અર્થશાસ્ત્રીઓ અને એકાઉન્ટન્ટ અર્થવ્યવસ્થા અને નાણાંનો ખુરદો બોલાવી દે છે.
આવા ધાર્મિક સ્કૉલરને હાથે માનવતાનું ખૂન થાય છે.
આ રીતે પેદા થયેલ ન્યાયમૂર્તિ ન્યાયનો ખાતમો બોલાવી દે છે.
શિક્ષણ વ્યવસ્થાનું બદતર સ્તર અને તૂટી પડવું એ છેવટે રાષ્ટ્રને તોડી પાડે છે”.)

પ્રથમવર્ગ આવ્યો હોત તો સિવિલ એન્જીનિયરિંગમાં સીધું એડમિશન મળી જાત. હવે સખત સ્પર્ધામાંથી પસાર થઈ એડમિશન મેળવવાનું હતું. આ કેટલું મુશ્કેલ બનશે તેનો ખ્યાલ માત્ર મારા આત્મવિશ્વાસને ડગાવી દેતો હતો.

પણ પ્રિ.સાયન્સનું પરિણામ ધાર્યા કરતાં નબળું આવ્યું એટલે પહેલા રાઉન્ડમાં આપણે પાછા પડ્યા. ઘરે આ બધી વાત કરતાં થોડા ઢીલા થઈ જવાતું. આ કંઈ મારા એકલાનું સ્વપ્ન નહોતું. મારા બાપા, મા અને હું ત્રણેયે કેટલાય વરસોથી આ શમણાને સિંચ્યું હતું. પણ મારા કરતાં મારા બાપા અને મા વધુ સહનશીલતા ધરાવતાં હતાં. મારા માટે તો આ “પાશેરામાં પહેલી પૂણી” જેવો પહેલો આઘાત હતો. બાપા અને મા એ તો આખી જિંદગી ઝંઝાવાતો સામે ઝઝૂમીને ગુજારી હતી. દુખ અને સમસ્યાઓની થાપટોએ કદાચ એમની લાગણીઓને એક હદ સુધી બહેરી કરી નાખી હતી. કદાચ હું નિરાશ ન થઈ જઉં અને ભાંગી ન પડું તે માટે એમણે પ્રયત્ન કરીને પણ સ્થિરતા જાળવી રાખી હોય એવું પણ બન્યું હોય. જે હોય તે પણ મારી નિષ્ફળતાની આ પળે-

Both my Parents stood with me like a Rock. (મારાં મા-બાપ મારી સાથે અડીખમ ખડક બનીને ઉભાં રહ્યાં)

તેમણે મને સ્પષ્ટ કહ્યું કે જીવનમાં આગળ આવવા માટે કોઈ ચોક્કસ પરીક્ષા પાસ કરીએ તો જ એ શક્ય બને તેવું નથી. મા એ કહ્યું- 

“પુરુષના નસીબ આડે પાંદડું,
ક્યારે ખસી જાય તેની કાંઇ જ ખબર નહીં”

તેં પ્રમાણિકતા પૂર્વક મહેનત કરી છે. એનાં અમે સાક્ષી છીએ. તું સિવિલ એન્જીનિયર થાય તો જ આપણા ઘેર રોટલો આવે એવું નથી અને બહારવાળા ગમે તે કહે કોઈ આપણી કોઠીએ દાણો પુરવા નથી આવવાનું. માણસે માત્ર બે જ બાબતની શરમ રાખવી જોઈએ. એક ચોરી અને બીજું છિનાળું (ચારિત્ર શિથિલતા). બાકી જગતનો પાલનહાર ભૂખ્યા ઉઠાડે છે, ભૂખ્યા સુવાડતો નથી. જેણે દાંત આપ્યા છે તે ચાવણુ પણ આપશે. પરિણામની કોઈ ચિંતા કર્યા વગર તું આગળની જે કંઇ ગતિવિધિ હોય તે કર.

નકોર હૈયે અને પરાસ્ત યોધ્ધો પોતાની છાવણીમાં પાછો ફરતો હોય એવા ભાંગેલા મનોબળ સાથે બીજે દિવસે મેં વડોદરાની વાટ પકડી. તાત્કાલીક તો પેલા મેડિકલવાળા મિત્રના રૂમમાં ગેસ્ટ તરીકે ધામા નાખ્યા. યુનિવર્સિટીમાંથી માર્કશીટ મેળવી લેવી એ પહેલું કામ હતું. માર્કશીટ હાથમાં આવી ત્યારે મેં જોયું કે ગણિતના વિષયે મરણતોલ ઘા માર્યો હતો. મારા માર્કસ હતા 100માંથી 42. કુલ મળીને 54%થી થોડા વધારે માર્કસ થતા હતાં. માર્કશીટમાં અત્યારસુધી પ્રથમવર્ગ અથવા પ્રથમવર્ગ ડિસ્ટિંક્શન જોવા ટેવાયેલ આંખોએ રિમાર્ક્સનાં ખાનામાં નજર નાખી તેમાં લખ્યું હતું “Second”. કેટલાય મિત્રો મળ્યા મોટાભાગના સારી ટકાવારીથી પાસ થયા હતા. થોડા ઘણા મારા જેવા પણ હતા. પણ જેમને મેડિકલ, ઇલેક્ટ્રિકલ કે કેમિકલ એન્જીનિયરીંગમાં જવું હતુ તેમનું મેરીટ ઊંચું આવે એટલે ડાઇરેક્ટ એડમિશન ટેક્સ્ટાઇલ કે સિવિલમાં મળતું હોય તો પણ એ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના હતાં. મારે તો એ સિવાય છૂટકો જ નહોતો. લગભગ એક મહિના જેટલો સમય આ ટેસ્ટ લેવાય તેની વચ્ચે હતો. સિધ્ધપુર જવાનો કોઈ જ અર્થ નહોતો. વોર્ડન પાસેથી મંજૂરી લઈ મેં વળી પાછા હોસ્ટેલમાં જ ધામા નાખ્યા અને ટેસ્ટ માટેની તૈયારી શરૂ કરી.

પરીક્ષા આપી ત્યારે થોડા દિવસ પહેલાં જ માંદગીમાંથી ઊભો થયો હતો.
આત્મવિશ્વાસ અને શમણાં સાબૂત હતાં
હવે માંદગીમાંથી તો લગભગ સાજો થઈ ગયો. પણ...
કચ્ચરઘાણ બોલી ગયો
શમણાંનો... અને...
આત્મવિશ્વાસનો.
પરીક્ષાથી ક્યારેય નહીં ઘભરાનાર હું
હવે એન્ટ્રંસ ટેસ્ટની કલ્પના માત્રથી
ક્યારેક ક્યારેક ધ્રુજી ઊઠતો હતો.
મારું શું થશે?
એન્ટ્રંસ ટેસ્ટમાં પણ પરીક્ષાની માફક ભોપાળું તો નહીં નીકળે ને ?
હું સિવિલ એન્જીનિયર બની શકીશ?
કદાચ મારા કરતા પણ વધારે...
ઉત્કટતાથી મારું મન મારારાં મા-બાપનાં સપનાં પૂરા કરવા
ઝંખતું હતું.
આખી જિંદગી આ બંનેએ મારી જિંદગી બનાવવા
મારા માટે જાત ઘસી નાખી હતી
ભલે એ મોઢે ન કહે
ભલે મને હિંમત આપવા બધા દાખલા આપે
પણ...
મારે સિવિલ એન્જીનિયર બનવું જ પડે
મારા ખાતર કે મારી મહત્વકાંક્ષા માટે નહીં
મારા મા- બાપનાં સપનાં સાચાં પાડવા માટે.
જોઈએ ભાવિના ગર્ભમાં શું છુપાયું છે?
કોને ખબર?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles