શરૂઆતમાં પ્રેપરેટરી સાયન્સના વર્ગખંડમાં થયેલ અનુભવની વાત થઈ ગઈ. નાની લાગતી આ વાત વાસ્તવિક રીતે બહુ મોટી છે. બાળકની કારકિર્દી અંગેનો નિર્ણય લેવાની સમગ્ર પ્રક્રિયા જટીલ તેમજ ધીરજ અને ડહાપણ બંને માંગી લે તેવી છે. જ્યાં મા-બાપ ભણેલાં નથી હોતાં ત્યાં બાળકો દેખાદેખી એમની સમજ પ્રમાણે આગળ શું ભણવું અને કઈ કૉલેજમાં દાખલ થવું તે નક્કી કરે છે. પોતાના મિત્રો જે કૉલેજમાં દાખલ થાય તે કૉલેજમાં દાખલ થવાનું અને એ રીતે એમના નિર્ણયથી દોરાવવાનું કામ આ રીતે થાય છે. સરળ દાખલો લઈએ તો 12મા ધોરણમાં વિજ્ઞાનનો પ્રમાણમાં મધ્યમ કહી શકાય એવી ટકાવારીવાળો વિદ્યાર્થી પણ ગમે તેવી કૉલેજમાં એન્જિનિયરીંગમાં એડમિશન મળે તે માટે ઘોં ઘો થાય છે. એને બી.એસસી.માં જવું એ પોતાના અહમનું મોટું અપમાન હોય તેવું લાગે છે. આ કારણથી સૌથી વધુ હોંશિયાર અથવા સર્વોત્કૃષ્ટ ટકાવારીવાળો વિદ્યાર્થી હોય તેની સાથે આ ભાઈ પણ ઘસડાય છે. પરિણામે બહુ ઉત્કૃષ્ટ ન કહી શકાય તેવી શૈક્ષણિક કારકિર્દી સાથે અને પ્રમાણમાં ઘણો નીચો આત્મવિશ્વાસ લઈને આ વિદ્યાર્થી બહાર આવે છે.

        આથી ઊલટું, આ જ વિદ્યાર્થી જો એફ.વાય.બી.એસસી.માં જાય તો પોતાના વર્ગમાં પ્રમાણમાં વધુ ટકાવારીવાળા વિદ્યાર્થી સાથે જોડાય છે. થોડી મહેનત કરે તો પરિણામ પણ પહેલા 10 કે 20 ટકામાં લાવી શકે છે. સરવાળે ગ્રેજ્યુએટ એક વરસ વહેલો થાય છે અને ત્યારબાદ બે વરસે પૉસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે સારી કૉલેજમાંથી એમ.એસસી. કર્યું હોય તો નોકરી માટેની તકો પણ સામેથી આવી મળે છે. બેઝિક સાયન્સ અથવા કોઈ પણ શાખામાં મૂળ પાયાનો વિષય ભણવા તરફની વૃત્તિ ઘટતી ચાલી છે એટલે આગળ સંશોધન માટે જે ઉત્કૃષ્ટ માનવબળ જોઈએ તે મળતું નથી. જ્યારે બીજી બાજુ એક એવરેજ એન્જિનિયર એને લાયક ન હોય એવી નોકરીમાં કૂટાયા કરે છે.

        મા-બાપ શિક્ષિત હોય ત્યાં વળી બીજી એક તકલીફ આવે છે. પોતાના બાળક માટેની કારકિર્દી આ મા-બાપો બાળક નાનું હોય ત્યારે જ નક્કી કરી નાંખે છે. કારકિર્દી સાથેનું આ બાળલગ્ન છે એટલે મોટાભાગે કજોડું જ પેદા થાય છે. આથીયે ખરાબ તો પોતે ડૉક્ટર કે એન્જિનિયર ન થઈ શક્યા માટે પોતાનું બાળક મોટું થઈને ડૉક્ટર કે એન્જિનિયર બને એવી અભિલાષા બાળકને માથે ઠોકી દેવાનું પાપ પણ કેટલાંક મા-બાપ કરે છે. આ વાત અત્યંત જોખમી છે. બાળકનો પોતાનો “APTITUDE” એટલે કે વલણ શું છે એનામાં પડેલી ક્ષમતા એને કઈ દિશામાં દોરી જાય તો એ પોતાનો સર્વોત્કૃષ્ટ દેખાવ કરી શકે એ મોટાભાગના કિસ્સામાં ઉપરવાળા પર છોડી દેવાયેલી જ બાબત હોય છે. જવલ્લે જ બાળકમાં પડેલ ક્ષમતા અને એની પસંદગીનો અભ્યાસ કરી ભાવિ કારકિર્દી માટે નિર્ણય લેવાય છે. જ્યાં આવું થાય છે ત્યાં બાળક નસીબદાર છે. કારણ કે, એને પોતાના ગમતા ક્ષેત્રમાં જવાની તક મળે છે. મારો આ અનુભવ લગભગ સૌનો અનુભવ છે.

        આ ઘટના લખતાં મને એક આછું સ્મરણ થયું. કિસ્સો સંપૂર્ણ સાચો છે, પણ એની વિગતોમાં નામ, સ્થળ વિગેરે બધું જ બદલી નાખ્યું છે. એક નાના ગામમાં રહેતો વિદ્યાર્થી એસ.એસ.સી.માં 82 ટકા જેટલા સર્વોત્કૃષ્ટ ગુણ સાથે ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં બીજા નંબરે ઉત્તીર્ણ થાય છે. રાજ્યની સારામાં સારી ગણાતી યુનિવર્સિટીમાં એ વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે જોડાય છે. આ વિદ્યાર્થીને આટલા બધા અધધધ કહેવાય એટલા ટકા તો આવ્યા છે, પણ એનું મન વિજ્ઞાનના વિષયોમાં લાગતું નથી. એના શોખના વિષય તો સાહિત્ય અને સંસ્કૃત છે. વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવે છે અને આ વિદ્યાર્થી નાપાસ થાય છે. બીજો કોઈ વિદ્યાર્થી હોત તો કદાચ ભાંગી પડ્યો હોત, પણ ભાવિએ આ માણસ માટે કાંઈક જૂદું જ નિર્માણ કર્યું હશે. એટલે એ અંગ્રેજી વિષય લઈને ખૂબ ભણ્યો. વિશ્વમાં એના ક્ષેત્રમાં બહુ મોટા વિદ્વાન તરીકે નામ કાઢ્યું અને અમેરિકાની એક અગ્રણી યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયના પ્રોફેસર તરીકે ભણાવે છે. પણ બધા આવા નસીબદાર નથી હોતા. ઘણાની જિંદગીની દિશા બદલાઈ જાય છે. કેટલાક હતાશ થઈ જાય છે તો કેટલાક સાવ ઢીલાઢસ થઈ જાય છે. ખોટી કારકિર્દીની પસંદગી અને નહીં ગમતા વિષયોમાં અભ્યાસ કરીને સારૂં પરિણામ લાવવા માટેની તાણ એટલી બધી વધી જાય છે કે, વિદ્યાર્થી ભાંગી જાય છે.

        ડિપ્રેશન અથવા હતાશાનું આ એક મોટું કારણ છે. કદાચ એટલે જ ભારતમાં 50% જેટલા ડિપ્રેશનના કેસ 14 વરસથી ઓછી વયજૂથના વ્યક્તિઓમાં છે. હમણાં જ છાપામાં ચમકેલા એક સમાચાર મુજબ એક સારા કુટુંબની અને સારા ઘરની વિદ્યાર્થિનીએ પોતાનું જીવન ટૂંકાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ડૉ. તેજસ પ્રજાપતિ જે આપઘાતને લગતા કિસ્સાઓમાં ખાસ કરીને ઝેર ખાનાર વ્યક્તિઓની સારવાર માટેના એક અગ્રણી ડૉક્ટર છે તેમના કહેવા પ્રમાણે આપણા આ સમૃદ્ધ અને સુખી ગુજરાત રાજ્યમાં રોજના દોઢસો જેટલા આપઘાત કરવાનો પ્રયત્ન કરવાના કેસ બને છે. સંખ્યા આથી પણ વધુ હશે. કારણ કે, આ નોંધાયેલી સંખ્યા છે એવું ડૉ. તેજસ પ્રજાપતિનું કહેવું છે. બાળકને નહીં ગમતા વિષયોમાં અભ્યાસ માટે ધકેલવું અને ત્યારબાદ સારું પરિણામ લાવવા માટે કુટુંબ તેમજ સમાજનું કહેવાતું મનોવૈજ્ઞાનિક દબાણ કૂમળા બાળકને રીતસરનું કચડી નાંખે છે. ચૌદ વરસથી નીચેની વય ચિંતા કરવાની વય જ નથી. આ ઉંમર હસવા-રમવાની અને આનંદ કરવાની છે. તે વયજૂથમાં આ દેશમાં ડિપ્રેશનના કુલ કેસમાંથી 50% કેસ હોય તો આ દેશનું બાળપણ સુખી છે એમ કહી શકાય ખરૂં ? જે દેશનું બાળપણ સુખી નથી તે દેશનો સમાજ ચોક્કસ રીતે તાણ અને વ્યગ્રતામાં જીવતો સમાજ છે.

        આથી આગળ વધીએ તો 75 ટકા સુધીના ડિપ્રેશનના કિસ્સા ચોવીસ વરસથી નીચેની વયજૂથમાં છે, જેનો અર્થ એ થાય છે કે, આ દેશનું યુવાધન પણ સુખી નથી. કેરેકીન નેહ નામના ઈરાનીયન વિચારકે કહ્યું છે કે – “IF YOU WANT TO PREDICT AND SEE THE FUTURE OF A PEOPLE, THEN LOOK AT ITS YOUTH.” ડિપ્રેશનમાં જીવતી આપણી યુવાની કાં તો ચિત્તભ્રમ તરફ જાય છે અથવા આપઘાતનો રસ્તો લે છે કે પછી મન મારીને જીવે છે તો પછી આ દેશના ભાવિનો વરતારો શું હોઈ શકે ?

        આનાં ઘણાં બધા કારણો છે, પણ એમાનું એક મહત્વનું કારણ શિક્ષણ અથવા વર્ગખંડોમાં વિદ્યાર્થી તરફ થતો વર્તાવ છે. હમણાં જ વડોદરા પાસે આવેલી એક યુનિવર્સિટીમાં બે બહેનોનો એકનો એક ભાઈ જે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણતો હતો તેણે આપઘાત કર્યો. બીજા એક કિસ્સામાં સુરતના પુણા ગામ વિસ્તારમાં એક વિદ્યાર્થીએ બારમા માળેથી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો.

        આવા અનેક કિસ્સા બનતા હશે જ્યાં પોતે અપેક્ષિત પરિણામ ન લાવી શકે તેમ હોય. વર્ગખંડમાં સતત મશ્કરીનું કેન્દ્ર બનતો હોય અથવા અત્યંત ખરાબ રેગિંગનો શિકાર બન્યો હોય એવો વિદ્યાર્થી અને વિદ્યાર્થિની પણ માનસિક હતાશા અને તણાવ અસહ્ય બની જતાં આપઘાત તરફ દોરાય છે.

        ઘરથી દૂર કૉલેજનું સાવ તદ્દન જૂદું અને સ્પર્ધાત્મક અભ્યાસક્રમમાં જોડાવવું – જેવાં કારણો વિદ્યાર્થીને તોડી નાંખે છે. ઘરથી દૂર રહેતા વિદ્યાર્થીના કિસ્સામાં શરૂઆતનો હૉસ્ટેલ અને કૉલેજ જીવનનો તબક્કો આ કારણથી વિકટ બને છે એ વાત મા-બાપના ખ્યાલમાં હોવી જોઈએ અને પોતાનું બાળક ડિપ્રેશનમાં ન ચાલ્યું જાય, જિંદગીમાં સુખી થવા માટે વિપરિત પરિસ્થિતિને પણ પચાવતાં પોતાના બાળકને શીખવવું જોઈએ. મારા મતે જીવનની સૌથી મોટી કેળવણી વિપરીત પરિસ્થિતિ સાથે પનારો કેમ પાડવો તે છે.

        મારી કૉલેજની જિંદગીની શરૂઆત બહુ વખાણી કાઢીએ તેવી નહોતી. જો કે, જડતા ભગવાને મને આપેલી મોટામાં મોટી બક્ષિસ છે. ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ ઈશ્વર સાચા દિલથી પ્રાર્થના કરો તો બચાવે છે એવું મારી મા મને ગજેન્દ્ર મોક્ષની વારતા કહેતાં સમજાવતી. એ કહેતી “રામ રાખે તેને કોણ ચાખે ?” આગળ જતાં આ જડતા અને નફીકરાઈને કારણે મારા જીવનની વિદ્યાર્થી અવસ્થાનાં સૌથી ખરાબ વરસ એટલે કે પ્રેપરેટરી સાયન્સના અભ્યાસક્રમના શરૂઆતના ભાગમાં. હતાશાની ઊંડી ગર્તામાં પડતાં હું બચી ગયો.

અણી ચૂક્યો સો વરસ જીવે.

પછી તો ધીરે ધીરે શરૂઆતની તોફાની ઑવર પૂરી થઈ.

બોલિંગ અને પીચ થોડાં સમજાવવા માંડ્યાં.

ક્યાંક અન્યત્ર લખ્યું છે તેમ ડૉ. દવે સાહેબ જેવા કૉચનો સહારો પણ મળ્યો

અને...

પહેલી ટેસ્ટમાં ક્લિન બૉલ્ડ થનાર જય નારાયણ વ્યાસની ગાડી

ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધવા માંડી.

પણ...

એથીયે વધુ તો મારૂં ઘડતર કર્યું – મારા છ વરસના હૉસ્ટેલ નિવાસના પ્રથમ વરસે

મારૂં ઘડતર કર્યું – મારા સાથી મિત્રોની હૂંફે.

મારૂં ઘડતર કર્યું – વડોદરાના વાતાવરણે અને મેટીની શૉમાં જોયેલા “જેમ્સ બૉન્ડ 007”થી માંડી ”ગન્સ ઑફ નેવેરોન” અને “પેનિક ઈન બેંગકોક” કે “પેટન” જેવાં ચલચિત્રોએ.

મારૂં ઘડતર કર્યું – “કમ સપ્ટેમ્બર” જેવા ચલચિત્રની અતિપ્રચલિત ધૂન અને “ઈન અ હાઉસ ઑફ બામ્બૂ નંબર 54” જેવાં ગીતોએ

મારૂં ઘડતર કહ્યું – નવરાશના સમયમાં પંડ્યા હૉટેલથી સીધા માંડવી કે નવા યાર્ડથી માંડવીની બસમાં બેસીને માંડવી ઉતર્યા બાદ પદયાત્રી તરીકે ખૂંદી વળાયેલ માંડવી, સૂરસાગર, અમદાવાદી પોળ, ખંડેરાવ માર્કેટ, રાવપુરા, ફતેહગંજ અને સયાજીગંજ હેવમૉરના ખૂણાના ટેબલ પર બેસી કૉફી પીતાં પીતાં શહેર વડોદરા સાથે કેળવેલ પરિચયે.

મારૂં ઘડતર કર્યું – અલકાપુરી અને કુંજ સોસાયટી કે પ્રોફેસર ક્વાટર્સના ગરબાએ અને માર્કેટ તેમજ અન્યત્ર ઊભા થતા ગણપતિ બાપા મોરયાના પંડાલોએ.

મારૂં ઘડતર કર્યું – કમાટીબાગે, કલાકોનાં કલાકો સુધી પાંજરે પૂરાયેલા પંખીઓ અને પ્રાણીઓ સાથે મુંગામંતર બનીને પસાર કરેલ સમય અને એ સમય દરમિયાન અંતરના ઊંડાણમાંથી ક્યાંક ગૂંજી ઊઠેલ “પીંજરે કે પંછી રે... તેરા દરદ ન જાને કોઈ” ગીતના શબ્દો સાથે આંખને ખૂણે ઊપસી આવેલ આંસુએ.

મારૂં ઘડતર કર્યું – કમાટીબાગમાં આવેલ ગુજરાતના સર્વશ્રેષ્ઠ મ્યુઝિયમે.

યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ અને મોતીબાગ પર રમાતી ક્રિકેટ મેચ

અને એથીયે વિશેષ તો...

પંચમુખી મહાદેવની પોળના બસ સ્ટેન્ડે

અમદાવાદી પોળે દોસ્તારો સાથે કલાકોના કલાકો સુધી વણથાકે ઊભા રહીને

વીતાવેલ એ રમણીય અને મસ્તમજાની સાંજોએ

હું વડોદરાની ઓળખ એવા વિષ્ણુરામનો ચેવડો, જગદીશની ભાખરવડી, બૂમિયાનો શ્રીખંડ, દુલીરામના પેંડા, લીલો ચેવડો, ઢમરૂનાં પાપડ, બાબુભાઈના ખમણ, કેમેરા કાફેની પુનામીસળ જેવા નામોથી પરિચિત થવા માંડ્યો હતો.

બૂમિયાનું કાચની બાટલીમાં ઠંડું કરેલ ફ્લેવર્ડ મિલ્ક

હેવમૉરની કૉફી

રાવપુરાનું તમતમતું સેવઉસળ કે ભજીયાઉસળ

મને ભાવવા માંડ્યાં હતાં.

વડોદરા સ્ટેશનની રેલવે કેન્ટીનમાં મળતા

બટર ટૉસ્ટ અને બટાટાવડાંનો સ્વાદ દાઢે લાગ્યો હતો.

હું પળોટાતો જતો હતો.

પ્રેપરેટરી સાયન્સમાં મારી પાસે સાયકલ નહોતી

એટલે...

ઘણું બધું વડોદરા છેક સ્ટેશનથી પાણીગેટ,

મચ્છીપીઠથી માર્કેટ અને ફતેહગંજથી રેસકોર્સ

કોઈ જ કારણવગર પગે ચાલીને ભટકતો હતો.

સાચા અર્થમાં એક “બંજારા” જેવી જિંદગી હવે મને ગમવા માંડી હતી.

સિધ્ધપુર અને ઘર યાદ આવતાં,

પણ વડોદરાની વધતી જતી મોહિની

એ યાદોને ક્યાંક ને ક્યાંક ધૂંધળી કરી દેતી હતી.

આ રખડપટ્ટી અને રઝળપાટને અંતે છેવટે

પંડ્યા હૉટેલ ઉતરી પોલિટેકનિક કમ્પાઉન્ડમાં મારી હૉસ્ટેલમાં પહોંચતો

ત્યારે

એ રૂમ નં. સાડત્રીસ મને ધરતીના છેડા ઘર જેવો લાગતો.

પરિવર્તન એ જગતનો નિયમ છે.

માણસની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે

એનો જીવંત અનુભવ

હું કરી રહ્યો હતો.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles