તૃષ્ણા જ્યારે પૂર્ણપણે નાશ પામે છે ત્યારે સાચી શાંતિની શરૂઆત થાય છે.
એક અતિ પ્રચલિત વાત છે.
રાજા માંદો પડ્યો હતો.
અનેક વૈદહકીમોની દવા કરી, ભુવાજતિને બોલાવ્યા, બાધાઆખડી કરી
પણ રાજાની માંદગી મટવાનું નામ જ ના લે.
એવામાં ક્યાંકથી ફરતા ફરતા એક સંત નગરમાં આવી ગયા.
સંતને કોઈ રાજમહેલમાં લઈ ગયું.
રાજાની બીમારીનો ઈલાજ પૂછ્યો.
સંતે કહ્યું, ‘ચિંતાનું કોઈ જ કારણ નથી. કોઈ સુખી માણસનું પહેરણ રાજાને પહેરાવો, બધું જ મટી જશે.’
સંતે આટલું કહેતાં તો રાજાના માણસો ચારેય બાજુ નીકળી પડ્યા.
એમને તલાશ હતી એક સુખી માણસની, જેનું પહેરણ એટલે કે ખમીસ રાજાને માટે લઈ જવાનું હતું.
ખૂબ ઉત્સાહથી બહાર પડેલા આ બધા માણસો જેમજેમ આગળ વધતા ગયા, જેમજેમ સમય જતો ગયો તેમતેમ નિરાશ થતા ગયા.
આટલા સમૃદ્ધ રાજ્યમાં આટલી મહેનત કરવા છતાં કોઈ સુખી માણસ મળતો નહોતો.
દરેકને કંઈનું કંઈ દુઃખ થતું.
દિવસો વીત્યા, અઠવાડિયાં થયાં પણ રાજાના માણસોને કોઈ સફળતા મળતી નહોતી.
એક દિવસ સૂરજ હજુ તો માંડ ઉગ્યો હતો ત્યાં ગામને અડીને વહેતી નદીના રેતાળ પટમાં એમણે જોયું, એક ખાખી બાવો મસ્તીથી શિયાળાની એ ઠંડી સવારે ઊગતા સૂરજનાં કૂમળાં કિરણોનો તાપ માણતો સુસ્તાઈ રહ્યો હતો.
રાજાના એક માણસે એને પૂછ્યું, ‘અલ્યા ભાઈ, તું આમ બિન્દાસ્ત પડ્યો છે, તે તને કોઈ ચિંતા નથી?’
પેલો ખાખી બાવો ખડખડાટ હસી પડ્યો.
એણે કહ્યું, ‘ભાઈ, ચિંતાની ચાસણીમાં ફિકરને ઓગાળીને ખાઈ ગયો છું.’
એટલે તરત જ બીજાએ પૂછ્યું, ‘તું સુખી છે?’
ખાખીએ જવાબ આપ્યો, ‘હાસ્તો વળી! મને શેનું દુ:ખ’
રાજાના માણસો ખુશીના માર્યા ઉછળી પડ્યા.
આટલા દિવસોની મહેનત છેવટે રંગ લાવી ખરી.
સુખી માણસ મળ્યો તો પણ કેવો? કેવી જગ્યાએથી?
હશે! આ એની સુખ માણવાની રીત હશે. આપણે કામથી કામ રાખોને.
એમણે હળવેથી કહ્યું, ‘બાબા, ખૂબ આનંદ થયો આપને મળીને.
આપના આશીર્વાદ સાથે એક નાની ભેટ જોઈએ છીએ.
તમારું ખમીસ જોઈએ છે.’
પેલો ખાખી ખડખડાટ હસી પડ્યો. બસ હસતો જ જાય.
માંડમાંડ એનું હસવાનું રોકાયું ત્યારે એના મોંઢામાં શબ્દો હતા,
‘અલ્યા ભાઈ, અહીં ખમીશ છે કોના પાસે?
હું તો આ મજાના તડકામાં શરીર શેકું છું, ટાઢ ઉડાડું છું.’
પેલા માણસોનો પડછાયો આ ખાખી બાવાના શરીર પર પડતો હતો.
બાબાએ પોતાના અવાજમાં થોડો રોષ ભેળવીને કહ્યું,
‘ભાઈઓ! જરા આ બાજુ ઊભા રહો. તમારો પડછાયો મારા પર પડે છે,
મારું સુખ તમે છીનવી રહ્યા છો માટે જરા આઘા ખસો.’
જોઈ મજા! ખાખી સુખી હતો પણ એની પાસે શર્ટ એટલે કે ખમીસ નહોતું.
સુખની આ જ તો વ્યાખ્યા છે. પળોજણ ઓછી કરો તો જ સુખને આવવા માટે રસ્તો મળશે.
જો તમારું મન અપેક્ષાઓ અને આકાંક્ષાઓથી જ ભરેલું હશે તો સુખ ત્યાં પ્રવેશશે જ કઈ રીતે?
સુખી થવું હોય તો ભગવાન જેમ જીવાડે તેમ જીવો. તૃષ્ણાઓના મૃગજળ પાછળ દોડો નહીં.
એટલે જ તો કહ્યું છે કે...
Peace begins when ambitions ends
તૃષ્ણા પૂરી થાય બરાબર ત્યારે જ શાંતિની શરૂઆત થાય છે.