featured image

ડૉ. જય નારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)   

અમેરિકાએ નવાનવા રંગ ધારણ કરવાનું ચાલુ રાખ્યું છે. પેન્ટાગોન પેપર લીક દ્વારા ગયા સપ્તાહે જે સમાચાર લીક થયા છે તે અંગે કેટલીક વિગતો જોઈએ તો આ સમગ્ર પ્રકરણની ગંભીરતા બાબત વિગતે સમજી શકાશે. એવી ચર્ચા ચાલી રહી છે કે પેન્ટાગોનમાં માત્ર ૨૧ વર્ષના છોકરાએ ઝેરોક્ષ કરવાનું મોટું કામ પૂરું કર્યું તોપણ કોઈને ગંધ સરખી કેમ ન આવી. આ દેશમાં સીઆઈએ અને એફબીઆઈ જેવી સંસ્થાઓ શું કરતી હતી? અગાઉ પણ ૯/૧૧માં ટ્વીન ટાવર્સને વિમાન અથડાવીને ધ્વસ્ત કરવામાં આવ્યા ત્યારે અમેરિકાની આ બહુખ્યાત સિક્રેટ એજન્સીઓ ઊંઘતી ઝડપાઇ હતી. ગેરિલા યુદ્ધનો મોટો ખાં ચે ગુઆરા કહે છે કે, ‘ડેન્જર ટુ ધી લાઇફ કમ્સ ફ્રોમ ધ ડાયરેક્શન લીસ્ટ એક્સ્પેક્ટેડ’ એટલે કે જિંદગી પરનું જોખમ ઓછામાં ઓછી દહેશત હોય તેવી દિશામાંથી જ આવે છે. 

        આ કિસ્સામાં એક છોકરડા જેવા એરમેન જેક ટેક્સેરાએ પુરવાર કર્યું છે કે ગમે તેવી મોટી સલામતી વ્યવસ્થા હોય તેમાં છિંડા નહીં પણ ગાબડાં પાડી શકાય છે. ટેક્સેરા કોઈ વ્હિસલ બ્લોઅર અથવા વિદેશ સાથે જોડાયેલ ડિપ્લોમેટ પણ નહોતો છતાં અમેરિકા જેવા દેશમાં કાયદો તેમજ સલામતીની ઐસીતૈસી કરી ૨૧ વર્ષના છોકરડાએ આ કામ કઈ રીતે પાર પાડ્યું હશે? એક સોશિયલ મીડિયા ગ્રુપ જેનો ઉદ્દેશ જીઓપોલિટિકલ બાબતો થકી હાલના અને ભૂતકાળના યુદ્ધની ચર્ચા કરવાનો હતો તે માટે તેણે આવું કર્યું, એવું સામાન્ય રીતે ગળે ન ઉતરે એવું કારણ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટીગેશને પોતાનું હલકનામું કોર્ટમાં દાખલ કરતાં આપ્યું છે. આ સ્ટેટમેન્ટે જાતજાતના ગૂંચવાડા ઊભા કર્યા છે. એની પાસે આવી સંવેદનશીલ ફાઇલો જે માત્ર મિલિટરીના ઉચ્ચ અધિકારીઓ માટે જ હોય એ ક્યાંથી આવી? 

        એફબીઆઈએ કોર્ટમાં કરેલ એફિડેવિટમાં કહ્યું છે કે, આ માહિતી અને ફોટોગ્રાફ્સ જે અતિસંવેદનશીલ માહિતી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા તે ડિસેમ્બર, ૨૦૨૨ની આજુબાજુ લીક થયા છે અને ત્યાર બાદ આ માહિતી વાપરનારે તેને જાન્યુઆરી, ૨૦૨૩માં જાહેર કરી હતી. આ માહિતી પોસ્ટ કરનાર ટેક્સેરા હતો એવું માનવામાં આવે છે. એને ભીતિ હતી કે ઑફિસમાં આટલા મોટાપાયે ડૉક્યુમેન્ટ કૉપી કરવા જતાં તે પકડાઈ જશે એટલે એ આ બધું મટીરિયલ ઘરે લઈ જતો. નિષ્ણાતોનું એવું કહેવું છે કે, આ માહિતીનું બહાર આવવું એ અમેરિકન ઇન્ટેલિજન્સ સેવાઓ માટે તો મૂંઝવણ ઊભું કરવારું છે જ પણ અમેરિકાના સાથી રાષ્ટ્રોને પણ અમેરિકા બાબતે શંકા ઊભી થશે.

        અમેરિકન સેનેટની ઇન્ટેલિજન્સ કમિટી આ ઘટનાની તપાસ કરશે. દરમિયાનમાં પ્રેસિડેન્ટ બાઇડેનના વહીવટીતંત્ર દ્વારા નુકસાન ઓછું થાય તે માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. આ સિવાય પણ હવે ઘણું બધું થઈ રહ્યું છે અને થશે. આ બધું અરણ્યરુદન છે. ઘોડો ભાગી જાય પછી તબેલાને તાળા મારવા જેવું છે.

        ટેક્સેરાની ધરપકડ બાદ પણ આ પ્રકરણનો અંત થશે એવું લાગતું નથી. આપણે ઝડપી સમાચાર અને જ્ઞાનની હેરાફેરીના યુગમાં આવ્યા છીએ ત્યારે આ પ્રકારની ઘટનાઓ બને તે ઇચ્છનીય નથી. આ પ્રકારની માહિતી ધરાવતા નેટવર્કની અંદર ઘૂસવું અને પછી તેમાંથી સહી-સલામત બહાર નીકળવું આવનાર સમય માટે ગંભીર સમસ્યાઓનાં એંધાણ આપે છે. જો અમેરિકા જેવા દેશમાં આ સ્થિતિ હોય તો ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં તો આ પ્રકારની સંવેદનશીલ માહિતી રસ્તે રઝળતી મળી શકે છે અથવા મોસાદ, સીઆઈએ, કેજીબી, MI6 અને ચીન તેમજ અન્ય દેશોની જાસૂસી સંસ્થાઓ ગમે ત્યાં ઘૂસ મારીને માત્ર માહિતી જ લઈ જાય એવું નહીં પણ સાઇબર એટેક થકી દેશની સંરક્ષણ સેવાઓ સમેત બેન્કિંગ, હવાઇ, ટ્રાન્સપોર્ટ જેવી ઘણી બધી સેવાઓ અને સ્ટ્રેટેજિક મિલિટરી, ઇન્ફર્મેશનમાં ઘૂસીને સાઇબર વૉર કરી શકે છે. આપણે ટેક્નોલૉજી સાથે વધુ ને વધુ પનારો પાડવાનો છે ત્યારે આ પ્રકારની સંવેદનશીલ માહિતીની સલામતી બાબતે ઘણી મોટી ચિંતાઓ ઊભી થશે. 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles