શહેરની મધ્યમાં આવેલું એક સરસ મજાનું મંદિર.
સવારમાં મંગળા આરતીનો ઘંટારવ થાય. ભક્તોની ભીડ જામે.
ભાવિક ભક્તો એકીટસે ભગવાનના સ્વરૂપની ઝાંખી કરતાં પ્રાર્થના કરે.
દિવસ દરમિયાન દર્શનાર્થીઓની આવનજાવન ચાલુ રહે.
પણ સંધ્યાકાળે તો જેવો ઘંટારવ થાય અને આરતીના દીવાની જ્યોત પ્રગટે, મંદિર ભક્તોની ભીડથી ઉભરાઇ જાય.
કેટલાક તાળીના તાલે આરતી ગાવામાં જોડાય
તો કેટલાક વળી પોતાના મનમાં જ ભગવાનની પ્રાર્થના કરે.
કેટલાકના હોઠ હાલતા હોય પણ આંખો બંધ હોય અને હાથ જોડેલા હોય
તો બીજા કેટલાક ખુલ્લી આંખે મૂર્તિ સામે નજર નોંધીને ભક્તિમાં લીન હોય.
સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જાય.
આવા એક આરતી ટાણે બાપ અને દીકરો બંને આ ભાવિક ભક્તોની ભીડમાં હાજર હતા.
છોકરો માંડ સાત-આઠ વરસનો હશે.
પિતા આરતીમાં સૂર પુરાવતા હતા ત્યારે એ હાથ જોડી આંખો મીંચીને હોઠ ફફડાવી રહ્યો હતો.
પિતાએ આ જોયું અને એની નોંધ લીધી.
આરતી પૂરી થઈ અને મંદિરમાંથી બંને બહાર નીકળી ઘર તરફ ચાલવા લાગ્યા.
વાતવાતમાં પિતાએ પેલા બાળકને પૂછ્યું...
“તને તો આરતી આવડતી નથી ને?”
દિકરાએ બિલકુલ નિર્દોષતાપૂર્વક જવાબ આપ્યો, “હા પપ્પા !”
“તો પછી તું આરતી ચાલતી હતી ત્યારે શું ગણગણતો હતો?”
પેલા બાળકે જે જવાબ આપ્યો તે સાંભળીને તેનો પિતા સ્તબ્ધ થઈ ગયો.
એણે સાહજીકતાથી કહ્યું...
“મને આરતી તો આવડતી નહોતી એટલે હું ભગવાનની સામે જોઈને આખો કક્કો બોલ્યા કરતો હતો.
ભગવાનને પ્રાર્થના કરી કે આ કક્કામાંથી તારે મારી જે પ્રાર્થના બનાવવી હોય તે બનાવી લેજે !”
બાળકની નિયત સાફ હતી.
એની પાસે જે કંઈ હતું એ ભગવાનને ધરીને બાકીનું ઈશ્વર પર જ છોડ્યું.
દુનિયામાં ક્યારેક આવું પણ બને, ખરું ને ?
આમ તો દુનિયા દંભ, દાખડો અને દોરદમામ જુએ છે
એને સ્વીકારે છે અને નમે છે.
પણ...
બાળકની નિયત આ બધાની ઉપરવટ જઈને ભગવાનના દરબારમાં તો...
શબરીના બોરની માફક સ્વીકારાય ને ?
નિયત સાફ હશે તો કક્કામાંથી પણ ભગવાન આપણા માટે પ્રાર્થના બનાવી લેશે.
અને...
શબરીને એના રામ સામે ચાલીને મળી જશે.
નહિતર... ??
દાખડો, દંભ અને દોરદમામ દુનિયાદારીમાં ચાલે, ભગવાનના દરબારમાં નહીં.
લાગે છે ક્યારેક આપણે પણ બાળક બનીએ... આખો કક્કો જ કરતાર સામે ધરીએ.
યાદ આવે છે...
પ્રભુજી ! તુમ ચંદન હમ પાની,
જાકી અંગ અંગ બાસ સમાની...
પ્રભુજી, તુમ ઘન બન હમ મોરા,
જૈસે ચિતવત ચંદ્ર ચકોરા...