સિદ્ધપુર શહેરના કેટલાંક દેવસ્થાનો જેમ માની આંગળી પકડીને જોયા તેમ સિદ્ધપુરની શહેરની આજુબાજુ આવેલા કેટલાક અતિ પવિત્ર દેવસ્થાનો એક અથવા બીજા સમયે બાપાની આંગળી પકડીને જોયા અને ત્યાર બાદ મારી વનેચર જિંદગીના ભાગરૂપે જે રઝળપાટ પગમાં જોડા ન હોય અને ખભે ડાંગ કે ધારિયું હોય એ સ્થિતિમાં ક્યારેક અમારા પાડોશી ઠાકોરોના સમવયસ્ક બાળકો સાથે તો ક્યારેક રાજપુર ગામમાં વસતા પટેલોના સમવયસ્ક અને સહપાઠી સંતાનો સાથે કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. આ રઝળપાટ અને પરિભ્રમણના ભાગરૂપે રાજપુર પાસે આવેલા ખડાલીયા હનુમાનથી શરૂ કરી સરસ્વતીને તીરે વસેલા ચંપકેશ્વર, અરવડેશ્વર, વાલખીલેશ્વર એટલે કે વાલકેશ્વર, બ્રહ્માંડેશ્વર, હિંગળાજ અને સહસ્ત્રકળા માતાના મંદિર સુધી અમારી રઝળપાટ લંબાતી. સરસ્વતી નદીમાં એ જમાનામાં લગભગ ચૈત્ર મહિનો આવે ત્યાં સુધી એટલે કે માર્ચના અંત સુધી પાણીનો રેલો રહેતો. આ રેલો સુકાવાનું એક કારણ ઉપરવાસમાં છેક મુકેશ્વર સુધી બટાકા, ટેટી અને તરબૂચનું વાવેતર થતું અને તેના માટે પાણી વાળી લેવાતું. સિદ્ધપુરની સરસ્વતી નદીના ભાઠાની સક્કરટેટી દળદાર અને મધ જેવી મીઠી. એને કાપો એટલે અંદરથી આછા ગુલાબી રંગનો ગરભ અને બીજડાં નીકળે. પાકી સક્કરટેટીની સોડમથી આજુબાજુનું વાતાવરણ મહેંકી ઊઠે. એવા જ મીઠા તરબૂચ અને હવે જે જોવા નથી મળતા એવા વીસવીસ કે પચીસપચીસ કિલો સુધીના મોટા કોળા. મીઠું મધ તરબૂચ અને ક્યારેક લાલચટ્ટક ટામેટાં. સિદ્ધપુરની સરસ્વતી નદીના પટમાં ટેટી, તરબૂચ, કોળું અને બટાકાનો મબલખ પાક થતો. આ ખેતરો ભેળાય એટલે પાછળ જે કાંઇ બચ્યું હોય તેમાંથી થોડા ઘણા બટાકા, ક્યાંક નાની મોટી ટેટી કે તરબૂચ મળી રહેતા. એ જમાનામાં સરસ્વતી નદીનું મીઠું મધ પાણી અને એનો રેતાળ પટ આખાય વિસ્તારના ભૂગર્ભ જળને પુનર્જીવિત તો કરતો જ પણ સાથોસાથ ચાર મહિના માટે નદીના ભાઠામાં થતી ખેતી અનેકને આજીવિકા આપી જતી.
ચંપકેશ્વર બાજુ તો પાનોના મોટા ઝુંડના ઝુંડ હતા. એવો જ પાનનો ધરો મેળોજ જતાં જોવા મળતો.
સિદ્ધપુરનો એ સમય એક કરતાં વધુ કારણોસર જાહોજલાલીનો સમય હતો. તેવા સિદ્ધપુરમાં એ જ કાળખંડમાં પુણ્યસલીલા સરસ્વતી નદીના કિનારે ખાસ્સી અરધી સદી જેમના તપના પ્રભાવે સિદ્ધપુર ધીરે ધીરે ઓળખાતું જતું હતું તે પૂ. દેવશંકર બાપાનો આશ્રમ અરવડેશ્વરની બરાબર બાજુમાં આવેલો હતો.
પરમ વિદ્વાન હરગોવિંદ પુરુષોત્તમ ભટ્ટ – કાશી ભણ્યા એટલે હરગોવિંદ શાસ્ત્રી અને પરમ પુણ્યશાળી તપસ્વીની માતા મહાલક્ષ્મીનું આ બીજું સંતાન.
અગાઉ જણાવ્યું તેમ હરગોવિંદ શાસ્ત્રીને સંતાનોમાં ત્રણ પુત્રો : સૌથી મોટો પુત્ર માણેકલાલ એ પછી બીજો પુત્ર... એ દેવશંકર, અને સર્વમાં નાનો પુત્ર ભોગીલાલ. આ ત્રણેમાં દાદા પુરુષોત્તમ ભટ્ટને અધિક વહાલો દેવશંકર. જ્યાં તેઓ જતા ત્યાં આંગળીએ દેવશંકર અવશ્ય હોય. માઢની સ્ત્રીઓ તેથી તો દેવશંકરને ‘દાદાનું વાછરડું’ કહે.
દાદાને વહાલો દેવશંકર, પણ દેવશંકરને વધુ વહાલી હતી જનેતા. મહાલક્ષ્મી માથે બેડું મૂકી નદીએ જળ ભરવા જતી, ત્યારે પુત્ર દેવશંકર પણ તાંબાનો કળશિયો લઈને સાથે જતો. નદીને જોતાં જ નાનકડા દેવશંકરને હૈયે હરખ ઉભરાય. નદીના સામે કિનારે તેની આંખો વિહવળ બની દોડી જતી. ત્યાં આવેલાં દેવાલયોના શિખરો સાથે જાણે કોઈ જૂની દોસ્તી હોય એવું તે અનુભવે.
પૂ. બાપાનો જન્મ ૧૫.૧૧.૧૮૮૬ના રોજ થયો હતો અને ધોળાભટ્ટના માઢમાં સિદ્ધપુરમાં તેમનું નિવાસસ્થાન હતું. પિતાશ્રી હરગોવિંદદાસ ભટ્ટ પણ કાશીમાં રહેતા હોય સંસ્કૃતના પંડિત હતા. શ્રી દેવશંકર મહારાજ પણ સંસ્કૃતના પારંગત હતા. એટલું જ નહીં જ્યોતિષના પ્રખર જ્ઞાતા હતા. ગૃહસ્થાશ્રમમાં જ પ્રભુભક્તિ અને ગાયત્રી ઉપાસના તરફ તેમનું મન વળ્યું હતું. કહેવાય છે કે તેમની પત્નીના મરણ બાદ સરસ્વતીના તટે અગ્નિસંસ્કાર કર્યા બાદ તેઓશ્રી સરસ્વતીના સામા તટે ઔદુમ્બર વડ, બીલી, પીપળાનાં વૃક્ષો વચ્ચેના રમણીય પ્રકૃતિધામમાં સ્થાયી થયા. અને સિદ્ધપુર શહેરમાં પાછા ફર્યા નહીં. એક પુત્રી અને બે પુત્રોનો પરિવાર તેમને હતો.
આ સાધુ પુરુષ માટે પત્નીનું અવસાન ‘ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ’ જેવું બન્યું. પૂ. બાપાએ તો ગૌમુખી અને માળા ગ્રહણ કરી ઇષ્ટમંત્રનો જપ આદર્યો. તે સતત મૃત્યુ પર્યંત ચાલુ રહ્યો. ગાયત્રીના આ પરમ ઉપાસકે પવિત્ર નદીના કાંઠે દૂધ ઉપર રહી કેટલાંય અનુષ્ઠાનો કર્યા. સત્કર્મ સરસ્વતીના તટે ફળે. સૂર્યની ઉપાસનાના આ મંત્ર જપથી બુદ્ધિ તેજસ્વી બને અને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય. બાપાની વચનસિદ્ધિથી અને તેજસ્વી બુદ્ધિમત્તાથી સૌને આનંદ થતો, જગતમાં આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્તિ મેળવવા પ્રભુના નામનો જપ જ મહત્વનો છે એ તેમણે પ્રત્યક્ષ આચરણથી ઉપદેશ્યું.
આચાર એજ ઉપદેશ. સંસારનો ત્યાગ, મોહમાયા વ્યાપે નહીં જેને એવું પવિત્ર જીવન અને નામ સ્મરણ એજ બાપાના જીવનમાંથી શીખવા જેવું. જપ, ધ્યાન, સત્સંગ ને કેન્દ્રમાં રાખી તેમણે તપ આદર્યું. લગભગ અર્ધી સદીનું આ તપ તેમના વિશાળ તેજસ્વી ભાલપ્રદેશને સોહાવતું અને આ તપોમુર્તિના નયનના તેજરશ્મિથી સૌ દર્શનાર્થીઓ પાવન થતા. તેઓ કશું બોલે નહીં, પરંતુ તેમના તપબળથી ઓજસવતી બનેલી પવિત્ર દ્રષ્ટિથી જ ભાવક ભાવવિભોર બની જતો.
દર્ભના આસન પર બેસી જપ કરતા કૌપીનધારી, ભસ્મધારી, ત્રિપુંડધારી બાપનું દર્શન શિવજીના દર્શન જેવું લાગતું. અરવડેશ્વર મહાદેવનું મંદિર એટલે જાગતા શંભુનું સ્થાન. આ સ્થાનમાં બિરાજેલા દેવશંકર બાપા પણ મહાદેવ સરીખા ભોળાનાથ જ હતા. સરસ્વતીનો તટ એટલે સત્કર્મનો કિનારો. પૂ. બાપાના સત્કર્મોથી આ સ્થાન વિશેષ પવિત્ર બન્યું. વૃક્ષો વચ્ચે આવેલું આ સ્થાન પ્રાચીન ઋષિમુનિઓના આશ્રમનું સ્મરણ કરાવે છે. આ પુણ્યવંતા સ્થાનમાં પ્રવેશો એટલે તમે કોઈ દિવ્ય સ્થાનમાં પ્રવેશતા હો તેમ લાગે.
પૂ. બાપા સરસ્વતીના જળમાં ઊભા રહી સૂર્યોદય ટાણે સૂર્યદેવને અંજલિ આપતા. ગાયત્રી મંત્રથી સુરજનારાયણને અર્ધ્ય આપતા બાપાનું દર્શન કરવું તે જીવનનો મહામૂલ્ય લ્હાવો હતો. સરસ્વતી નદીમાં ચોમાસા દરમિયાન ગમે તેટલું પૂર આવે બાપાની દિનચર્યા ક્યારેય પણ બદલાતી નહીં અને નદીમાતા ક્યારેય બાપાના પાદપ્રક્ષાલનની મર્યાદા ઓળંગીને આગળ વધતાં નહીં. કૌપીનધારી બાપાની પુજા આરાધના સરસ્વતી માતાના જળ સમીપ ચાલ્યા કરતી. બાપાના પ્રત્યેક શ્વાસની સાથે નમઃ શિવાય, નમઃ શિવાયનો જાપ સતત ચાલ્યા કરતો. પૂ. બાપા જ્યાં બેઠા હોય ત્યાં આચમની – પંચપાત્ર પડ્યું જ હોય. થોડી થોડી વારે પંચપાત્રમાંથી આચમની ભરી એ તરભાણીમાં પધરાવતા હોય.
દેવશંકર બાપાનું જીવન જ ભક્તિના રંગે રંગાયેલું હતું. છતાંય જીવન પરિવર્તનમાં કેટલાય નાટકીય પ્રસંગો બનતા હોય છે. તેમની પત્નીના અવસાનના આઘાતે તેઓ ભક્તિ અને ગાયત્રીની ઉપાસના તરફ વળ્યા. અને સિદ્ધપુર ગામને છેલ્લા પ્રણામ કર્યા.
પ્રારંભમાં તેઓ મથુરભાઈના ખેતરમાં જઈને રહ્યા. અને બાદમાં અરવડેશ્વરમાં કાયમી નિવાસ કર્યો. મા ગાયત્રીની અખંડ ઉપાસના, ભગીરથ શ્રમ અને ભક્તિના ત્રિવેણી સંગમે આત્મશ્રદ્ધાનો દીપ જલાવ્યો. કડકડતી ઠંડી હોય કે મુશળધાર વરસાદ હોય, નદીના નીરમાં પ્રાત:કાલે અર્ધ્ય આપવાનો જ. પ્રાણીમાત્ર પ્રત્યે તેઓ સમદ્રષ્ટિ રાખતા. અરવડેશ્વરના ભોંયરામાં શેષનાગ સાથે ઘણીવાર પ્રેમથી વાતો કરતા. તેમની ધ્યાનાવસ્થામાં શેષનાગને તેમની આસપાસ ફરતા અનેક શિષ્યોએ જોયા છે.
એક વખત આશ્રમની એક ગૌમાતાની અંતિમ ઘડીઓ હતી ત્યારે ગૌમાતાના પગ દબાવતા અને એક માતા જવાથી જેટલું દુ:ખ અને આઘાત થાય તેટલું દુ:ખ ને આઘાત ગૌમાતા જવાથી તેમને થયાં. તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેની યાદમાં તેના પ્રતીક રૂપે ચાંદીની ખરીઓ અને સોનાના શિંગડાની ઈચ્છા વ્યક્ત કરી. જે એમના અનન્ય ભક્ત ડૉ. કાંતિલાલ શાહે સેવા સ્વીકારી લીધી.
મહારાજશ્રીની આત્મશ્રદ્ધા અને પ્રભુ પરાયણતા અનન્ય હતી. પણ તેની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે કે જ્યારે તેમનો નાનો પુત્ર હરિભાઈ આખર સ્થિતિએ હતો. બચવાની કોઈ આશા નહીં. ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા. ત્યારે એમણે મા સરસ્વતીનું જળ આપ્યું. અને ગાયત્રીનો અખંડ દીપ જલાવ્યો. હરિભાઇ ધીમે ધીમે સ્વસ્થ થયા. અને જે કામ દવાએ ના કર્યું, તે સંતની દુવાએ કર્યું.
એક વખત જબરદસ્ત ચમત્કાર થ્યઓ. પૂ. દાદાએ ચોરાશી કરેલી. ધોધમાર વરસાદ પડ્યો. નદી ચારે કિનારે છલકાઈ ગઈ. લાડુ માટે ઘી ખૂટયું. બ્રાહ્મણો અકળાયા. દાદાને ખબર પડી તેમણે આજ્ઞા કરી. સરસ્વતી મૈયામાંથી પાણીના ડબ્બા ભરી લાવો. અને જેટલા ડબ્બા પાણી લાવો તેટલા ડબ્બા ઘીના નદીમાં પછી પધરાવજો. સહુના આશ્ચર્ય વચ્ચે નદીમાંથી ડબ્બા ભરીને લવેલ પાણી ઘી બન્યું. અને ચોરાશી રંગેચંગે પતી ગઈ. પછી જેટલા ડબ્બા ઘી નદીમાં પધરાવ્યું તે જળ સાથે જળ બની ગયું.
આવો જ એક પ્રસંગ પૂર્વ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ અને બાપાના પરમ ભક્ત શ્રી રાજેન્દ્રભાઈ જાની દ્વારા ઉલ્લેખાયો છે. ઇ.સ. ૧૯૭૭માં શ્રી બદ્રીનાથ કેદારનાથ જઈને આવ્યા પછી મારો જમણા હાથનો અંગુઠો એકદમ stiff થઈ ગયો. સ્હેજ પણ વળે નહીં. પેન પકડાય નહીં, જમાય નહીં. હવે શું કરવું? પછી પાટણના નામાંકિત સર્જન અને મિત્ર વિનોદભાઈ રાવલને બતાવ્યુ. તેમણે કહ્યું, ‘આ ટીનોસાયનોવાઈટીસ કહેવાય અને દવાથી કદી મટે નહીં. ઓપરેશન વગર મટે નહીં અને એમાં ભૂલ થાય અને રેડિયલ નર્વ કપાઈ જાય તો હાથ નકામો / paralyse થઈ જાય.’ પછી મેં અમદાવાદના જાણીતા હાડકાંના સર્જન ડૉ. દીનુભાઈ પટેલને બતાવ્યું. એમનો પણ અભિપ્રાય એજ હતો. પછી કેસની સીરીયસનેસ/ગંભીરતા જોતાં મેં મુંબઈના ઇન્કમટેક્સ કમિશનર શ્રી ચારી સાહેબ દ્વારા ડૉ. ધોળાકીયા, (એશિયાના સારામાં સારા) ઓર્થોપેડિક સર્જનને બતાવ્યું. તેમણે ખૂબ ધ્યાનથી વીસ મિનિટ તપાસ્યા પછી એનો એજ અભિપ્રાય આપ્યો. મેં કહ્યું તમે તો ખૂબ જ નામાંકિત છો. તમે ઓપરેશન કરો. તેમણે કહ્યું, ‘ભૂલથી પણ ભૂલ થાય.’ આ પછી કોઈ છૂટકો ન હોવાથી ખૂબ મૂંઝવણ થઈ કેમ કે આઠ મહિના સુધી ડાબા હાથથી જમવું પડેલું અને જમણા હાથથી અંગુઠાની મદદ વગર હજારો સહીઓ કરીને થાકી જવાયેલું. પછી કંઇ પણ નક્કી કરતાં પહેલાં બાપાનો આદેશ/આશીર્વાદ લેવાનું નક્કી કરેલું. પ.પૂ.બાપાને ઉપરોક્ત હકીકત જણાવી પૂછ્યું, ‘હું ઓપરેશન કરાવું?’ બાપાએ ના પાડી અને કહ્યું, ‘હું બ્રહ્માસ્ત્ર આપીશ.’ મને થયું પુજા પાઠમાં આમેય ઓફિસ જવામાં મોડું થઈ જાય છે તો બીજો પાઠ કરવાનું કહે તો શું થાય? મેં કહ્યું, ‘બાપા હાથ ફેરવી દો ને ઉપર’ તેમણે હાથ ફેરવ્યો અને દસ દિવસમાં અંગુઠો જેવો હતો તેવો સરસ થઈ ગયો. આવા તો કેટલાય ચમત્કારો પૂ. બાપાના નામે જાણીતા છે.
કૌપીનધારી પૂજ્ય શ્રી ગુરુમહારાજના સાન્નિધ્યમાં તેમના આશ્રમમાં સંત મહાત્માઓના દર્શનનો અને સત્સંગનો પણ લાભ અવારનવાર મળતો રહેતો હતો. પૂજ્ય બ્રહર્ષિ દૈવરાનજી જેઓ આપણા રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદના ગુરુ થાય, તેઓ પૂજ્ય શ્રી રમણ મહર્ષિના અંતરંગ સંબંધમાં પણ હતા. તેઓ સને ૧૯૧૪ની સાલમાં બાવીસ વરસની ઉંમરના હતા ત્યારે ઈશ્વરના આદેશથી અહી આવેલા અને અરવડેશ્વર મહાદેવના મંદિરની દક્ષિણ દિશા તરફના ભોંયરાના તેઓ રહેતા હતા અને ઈશ્વર દર્શનનો લાભ તેમણે મેળવેલો. તેઓ ફરીથી સને ૧૯૬૯ની સાલમાં આવેલા અને ગુરુમહારાજ સાથે સત્સંગ કરતા હતા.
પૂજ્ય શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ તથા તેમના પત્ની શ્રીમતી સીતાદેવી પણ અવારનવાર આવતાં હતાં. પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની મહાવ્યાધિ ગાયત્રી પુરશ્ચરણથી ગુરૂમહારાજજી કૃપાથી મટી ગયેલી અને સીતાદેવીને સદાય પ્રભુપરાયણ રહેવાના આશીર્વાદ પણ આપવામાં આવેલા.
પૂજ્ય શ્રી રંગ અવધૂતજી પણ અહીં આવેલા. તેમનું તથા ગુરુ મહારાજનું મિલન જાણે સાક્ષાત શિવ અને દત્તાત્રેયના મિલનની ઝાંખી કરાવતું હતું. ભારતની ઋષિ સંસ્કૃતિનું દર્શન આથી થતું હતું. ખૂબ જ આનંદ તથા પ્રેરણાદાયક હતું. શ્રી અવધૂતજીએ કહેલું કે અહીં જે કામ કરી રહ્યું છે, તેનો જ લાભ લઈ તેના જ સંબંધમાં આવવાની સાધના કરવી જોઈએ.
એક મહાત્મા મુનિ મહારાજ પણ આવેલા. તેમની સાથે શ્રી જયંતિલાલ ઠાકર હતા. તેઓ સને ૧૯૭૭ની સાલમાં આવેલા. બંને સંતોનું મિલન ગુરુ મહારાજની પાર ઉપર થયેલું. તેઓ મા ગાયત્રીના ઉપાસક હતા, અખંડ શાંતિનો અનુભવ અને મા ગાયત્રીની પરમ કૃપાના દર્શન, આ મહાત્માએ ભાઇશ્રી જયંતિભાઈને જણાવેલું કે ગુરુ મહારાજ એક સાલમાં પોતાના આ પાર્થિક દેહનો વિલય કરશે.
ભાઈ શ્રી રતિલાલ જોશી વાલમ આશ્રમવાળા પણ ગુરૂમહારાજના દર્શને આવેલા. તેમને ગુરુમહારાજે મા ગાયત્રીના જપ કરવાની પ્રસાદી તથા આશીર્વાદ આપેલા. તેઓ તેથી સદાય આનંદમાં રહેતા હતા અને તેઓ ફક્ત એક જ વખત ગુરૂમહારાજના દર્શન કરવા તથા આશીર્વાદ લેવા આવેલા.
પૂજ્ય શ્રી સચ્ચિદાનંદ મહારાજ જેમની સાધનામાં ગુરૂમહારાજનું માર્ગદર્શન તથા સતત હાજરીનો અનુભવ તેમને થતો હતો તેઓશ્રી લુખાસણના હનુમાનજીના મંદિરમાં સાધના કરતાં હતા. હાલ તેઓનો મુકામ ચાણસ્મા છે.
પૂ. દેવશંકર બાપાના પ્રત્યક્ષ દર્શન અને આશીર્વાદનો લાભ અનેક વખત મળ્યો છે. કોઈ નામ પૂછે તો જ બ્રાહ્મણનો દીકરો છું એવી ખબર પડે બાકી સાંગોપાંગ ગામડિયા જેવો દેખાવ. બાપાના સાન્નિધ્યમાં જઈને અદબપલાંઠી વાળી દૂર બેસવું. અનિમેષ નયને આ ઋષિને જોઈ રહું. કાંઇ માંગવા જેટલી સમજ કે ઉંમર તો હતી નહીં પણ મનમાં એક પરમ આદર અને ભક્તિભાવ જાગે. થોડી વાર બેસું. જંપીને બેસવાવાળો જીવ નહીં એટલે વળી પાછા અમે ત્રણ-જણ, મોટા ભાગે અમારી સાથે અમારા પાડોશીનો છોકરો સોમાજી કે એનો નાનો ભાઈ હોય, ઊભા થઈએ. સરસ્વતી ઉતરી સામે પાર સિકોતર માતાના મંદિર પાસે નીકળી ઘર ભેગા. ક્યારેક એથીય આગળ ડોડીયાવાડા વાઘાના નેળિયામાંથી ત્યાં આજુ બાજુના ખેતરોની વાડે ઉગેલી ગોરસઆંબલીની મજા લેતા ગોળીબારના ટેકરા સુધી ઘરે પહોંચીએ ત્યારે માની વઢ ખાવાની તૈયારી રાખવાની જ. કાન ટેવાઇ ગયા હતા. મા કહે, ‘પગ વાળીને બેસતો નથી. રજા પડી નથી કે તારી રઝળપાટ શરૂ થઈ નથી. ચોપડી તો હાથમાં લેતો જ નથી. હવે આગળ ભણવાનું અઘરું આવશે. થોડું ઘણું ભણવામાં પણ ધ્યાન આપ.’ પણ એની બહુ ચિંતા નહીં. ટેવાઇ જવાયું હતું. ક્યારેક પગમાં બાવળની શૂળ કે થુરિયાનો કાંટો વાગે ત્યારે તરતને તરત ખોતરવાથી લોહી નીકળે એટલે થોડું ખોતરી એના ઉપર ખરસાંડી અથવા થૂવરનું દૂધ લગાવી દઈએ.
બીજા દિવસે એ થોડું દબાવીએ એટલે કાંટો પાકીને નીકળી જાય પણ ઝાડ ઉપર ચઢતા કે થોરની વાડની નેળ ગળતા શરીર ઉપર ઉઝરડા પડ્યા હોય તે છુપા ન રહે એટલે તે દિવસે ક્યારેક માના હાથનો થોડોક મેથીપાક પડે પણ ખરો. મા મારા પર ગુસ્સે થાય અથવા મારે તે મને નહોતું ગમતું. એટલા માટે નહીં કે માર વાગતો હતો પણ એટલા માટે કે ક્યારેક મારા ઉપર વધારે પડતો હાથ ઉપાડયો હોય ત્યારે મા ખુદ રડી પડતી. અને મા રડે તેનાથી મારું કાળજું કપાઈ જતું. પેલો માર ખાધો હોય એની વેદના આ દુ:ખ અને પસ્તાવા સામે કશી જ નહોતી. હવે ફરી તોફાન નહીં કરું એવો મનોમન નિર્ણય પણ થઈ જતો પણ એ સ્મશાન વૈરાગ્ય જેવો જ. તોફાન કરવાનું તો મેં મા જીવી ત્યાં સુધી નહોતું છોડ્યું. પણ બાળપણના એ વાનરવેડાને કારણે મારા સગાંવહાલા બધે મારી છાપ એક અટકચાળા અને તોફાની છોકરા તરીકેની હતી. માને એનું દુખ હતું પણ મને નહોતું.
ફરી પાછા મૂળ વાત પર આવીએ. આ રીતે અદબપલાંઠી વાળીને બેઠા હતા ત્યારે બીજા મોટા માણસો પણ બેઠા હતા. એકાએક પૂ. બાપાએ મને પાસે બોલાવ્યો. અંતર્પ્રેરણાના બળે જ મારાથી એમને ચરણસ્પર્શ કરવા માટે નીચે નમી જવાયું. બાપાએ મને ખૂબ જ પ્રેમાળ સ્વરે કહ્યું, ‘બોલ, ૐ નમો ભગવતે વાસુદેવાય’ અને પછી તરત જ ‘ૐ નમઃ શિવાય’ આ ગુરુમંત્ર હતો કે પ્રસાદી એ આજેય નથી સમજાતું પણ એ ઘડી ચોક્કસ મારા પુણ્યબળના ઉદયની ઘડી હશે એમાં કોઈ શંકા નથી.
સિદ્ધપુરના આ સંત પરમ તપોનિષ્ઠ ઋષિ સ્વરૂપ પૂ. બાપાની છબી મારા મનમાં એવી જ અંકિત છે.
મહારુદ્ર હતો કે અતિરુદ્ર એ ખયાલ નથી પણ રાજપુરથી ખડાલીયા હનુમાન જતાં નારાયણ સ્વામીનો આશ્રમ આવે છે ત્યાં આ યજ્ઞનું આયોજન થયું હતું અને ભક્તોના આગ્રહને વશ થઈ બાપા ત્યાં પધાર્યા ત્યારે એવું કહેવાય છે કે યજ્ઞની વેદીઓમાં જાણે એકાએક અગ્નિજ્વાળા બાપાના દર્શન કરવા માટે ઉત્સુક બન્યા હોય તેમ જવાળાઓ એકદમ પ્રજ્વલિત થઈ ઉઠી હતી.
પૂ. દેવશંકર બાપાની યાદ આજે પણ મારા મનમાં સંગ્રહાયેલી છે. ૐ નમો ભગવતે વાસુદેવાય અને ૐ નમઃ શિવાય તેમજ ગાયત્રી મંત્રનું બીજારોપણ આવા પવિત્ર સંતપુરુષના હાથે મનમાં થયું એ કોઈ પૂર્વ જન્મના સંસ્કારોને કારણે હશે એમ કહી શકું.