featured image

ડૉ. જય નારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)        

પુતિનને મારી નાખવા માટે યુક્રેને ડ્રોન મોકલી જાન લેવા હુમલો કર્યો હતો તેવા રશિયાના આક્ષેપ અને યુક્રેનના પ્રતિઆક્ષેપો ચાલ્યા કરે છે. મૉસ્કોનો આક્ષેપ કે આ હુમલા પાછળ વૉશિંગ્ટન અને કીવનો હાથ છે અને તેઓ દ્વારા પુતિનની જિંદગી ઉપર ઘા કરવાનો પ્રયાસ કરાયો હતો તેને યુક્રેને નકારી કાઢ્યો છે.

        રશિયા પુતિન ઉપર યુક્રેનનો જે જાનલેવા ડ્રોન હુમલો થયો તેની પાછળ અમેરિકાનો હાથ છે, એવો આક્ષેપ મૂકે છે. યુક્રેને આ ડ્રોન હુમલો અમેરિકાને ઇશારે કર્યો હતો તેને સંપૂર્ણ રદિયો આપ્યો છે. આ તથાકથિત હુમલા પાછળ પોતે કોઈ રીતે જવાબદાર નથી અને રશિયાએ આ અંગેનો કોઈ પુરાવો પૂરો પાડ્યો નથી એવું યુક્રેનનું કહેવું છે. દરમિયાનમાં ૩ મે, ૨૦૨૩ની રાત્રે કીવ અને ઓડેશા સમેત યુક્રેનના ઘણા બધા શહેરોમાં ધડાકા સાંભળી શકાતા હતા. રશિયાના હુમલામાં યુક્રેનિયન શહેર ખેરસનમાં ઓછામાં ઓછા ૨૩ લોકો માર્યા ગયા હતા. શિયાળો પૂરો થતાં યુક્રેન નવેસરથી આક્રમણની તૈયારી કરી રહ્યું છે એવા સમયે આ હુમલો થયો છે. ખેરસન શહેર, જ્યાંથી રશિયન સૈનિકોએ ગયા નવેમ્બરમાં પીછેહઠ કરી હતી તે દક્ષિણ યુક્રેનમાં ફ્રન્ટલાઇનની નજીક સ્થિત છે.

        પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી કહે છે કે, રશિયન પ્રમુખ પુતિનને એના આવા હીન કૃત્યો બદલ હેગ ખાતે આવેલી ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટ દ્વારા સજા થવી જોઈએ. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, ‘અમે જ્યારે યુદ્ધ જીતીશું ત્યારે પુતીનને ચોક્કસ સજા કરાવીશું જ.’ ઉલ્લેખનીય છે કે આ વર્ષના માર્ચ મહિનામાં ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટે પુતિન સામે ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે, જેમાં યુક્રેનના બાળકોને પોતાના દેશ બહાર જવાની ફરજ પાડવા માટે રશિયાને ગુનેગાર ગણવામાં આવ્યું છે.

        તાજેતરના ડ્રોન હુમલા અંગે રશિયન પ્રવકતા દોમિત્રી પેસ્કોવ કહે છે કે, ‘વૉશિંગ્ટનને એ ખ્યાલ હોવો જોઈએ કે અમેરિકા રશિયાને નિશાન બનાવવા માગતું હતું અને યુક્રેને તો માત્ર અમેરિકાના આ આયોજનને અમલ કરવાનું કામ કર્યું છે.’ જોકે આ બાબતે રશિયા કોઈ પુરાવો આપી શક્યું નથી. પેસ્કોવના કહેવા મુજબ હવે આ જવાબદારીમાંથી છટકવાનો કીવ અને વૉશિંગ્ટનનો પ્રયાસ માત્ર ને માત્ર હાસ્યાસ્પદ છે. અમને પાકી ખાતકી છે કે આ પ્રકારની કાર્યવાહી અંગેના નિર્ણયો તેમજ આવા ટેરરિસ્ટ હુમલાઓ બાબતનું આયોજન વૉશિંગ્ટન કરે છે અને પછી યુક્રેનના ખભા પર મૂકીને બંદૂક ફોડે છે.

        રશિયા ૯ મેએ વિશાળ લશ્કરી પરેડ સાથે બીજા વિશ્વયુદ્ધની જીતની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે ટ્રેન પાટા પરથી ઉતરી જવા સહિતની શ્રેણીબદ્ધ ઘટનાઓ દ્વારા યુક્રેનના કથિત હુમલાની જાહેરાત રશિયાએ કરી છે. પેસ્કોવે જણાવ્યું હતું કે મોસ્કોમાં પરેડ યોજનાઓમાં કોઈ ફેરફાર નહીં થાય અને પુતિન શેડ્યૂલ મુજબ તેમાં ભાગ લેશે. ઉજવણી પહેલા, મોસ્કોના મેયરે રાજધાની પર અનધિકૃત ડ્રોન ફ્લાઇટ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

        રશિયાના પ્રમુખ પુતિનને જાનથી મારી નાખવા માટેનો આ પ્રયાસ હતો એવું રશિયા દ્વારા કહેવામાં આવ્યું છે. એકબીજા સામેની આ આક્ષેપબાજી ચાલી રહી છે તે દરમિયાનમાં નેધરલેન્ડની ઓચિંતી મુલાકાતે આવેલ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટની પણ મુલાકાત લીધી હતી અને તે સંદર્ભે એમણે રશિયાને તેના આક્રમકતાના ગુના માટે જવાબદાર ઠેરવવા માટે એક વિશેષ ટ્રિબ્યુનલ બનાવવી આવશ્યક પર ભાર મૂક્યો છે.

        આમ, આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો વચ્ચે ખરેખર પુતિન પર હુમલો થયો હતો કે પછી રશિયા-યુક્રેન યુદ્ધના મામલે ધડમાથા વગરની આ વાત કેટલી ચાલશે એ તો ખબર નથી પણ હવે શિયાળો પૂરો થઈ રહ્યો છે ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બનશે કે પછી વિશ્વના નેતાઓની અપીલને માન આપી તેઓ યુદ્ધવિરામ કરશે તે જોવું રહ્યું.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles