‘આનંદ’ ચલચિત્રમાં મેગાસ્ટાર રાજેશ ખન્નાના મુખમાં મૂકાયેલા શબ્દો ‘બાબુ મોશાય, જિંદગી બડી હોની ચાહિયે લંબી નાહી’ જિંદગી વિશાળ એટલે કે સત્વભરપૂર અને વસંત ઋતુમાં કોળી ઉઠેલ આંબા જેવી હોવી જોઈએ. એની મંજરી થોડા દિવસ રહે છે પણ એ આપણા દિમાગને તરબતર કરી મૂકે છે અને વસંતના આગમનની એંધાણીઓ આપે છે. કોકિલકંઠી કોયલ પણ પોતાના ટહુકાથી હવે વનવગડાને વસંતના વધામણા આપે છે.
અંગ્રેજીમાં એક કવિતા છે –
A lily of a day
Is fairer far in May,
Although it fall and die that night—
It was the plant and flower of Light.
In small proportions we just beauties see;
And in short measures life may perfect be.
વધુ જીવવું અને પોતાના જીવનવનને મઘમઘતું રાખવું, કોઇને ઉપયોગી થવું અને નિજાનંદની મસ્તીમાં મસ્ત રહેવું એ સાર્થક જિંદગીના લક્ષણ છે.
મોટાભાગે લોકો ઢસરડા કરીને પણ લાંબી જીંદગી જીવે છે કારણકે અપેક્ષાઓથી બંધાઈને સતત દોડવાનું હોય છે.
આપણી ઇચ્છા અને તૃષ્ણાઓનો કોઈ અંત હોતો નથી. એના વિશે વૈરાગ્ય શતકમાં રાજા ભર્તૃહરિએ ખૂબ સરસ વાત કરી છે કે,
‘ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા: તપો ન તપ્તં વયમેવ તપ્તા:
કાલો ન યાતો વયમેવ યાતા: તૃષ્ણા ન જીર્ણા, વયમેવ જીર્ણા:’
અર્થાત્ જીવનમાં આપણે ભોગો નથી ભોગવ્યા, પરંતુ ભોગો દ્વારા આપણે જ ભોગવાઈ જઈએ છીએ, આપણે તપસ્યા નથી કરતાં પણ જાતે જ તપી જઈએ છીએ, સમય પસાર થતો નથી, ખરેખર તો આપણે જ પસાર થઈ જઈએ છીએ, એવી રીતે ઇચ્છા અને તૃષ્ણા ક્યારેય વૃદ્ધ કે જીર્ણ થતી નથી, આપણે જ જીર્ણ અને વૃદ્ધ થઈ જઈએ છીએ. અર્થાત્ આપણી ઇચ્છા અને તૃષ્ણાઓ જીવનના અંત સમય સુધી જેવી હતી તેવી ને તેવી જ રહેતી હોય છે.
આમ અસ્તવ્યસ્ત કોઈપણ નિયમો વગર ભગવાન ભરોસે જીવાતી નિર્બંધ જિંદગી ક્યારેક તો બોજ બની જાય છે.
કેટલાકને જિંદગીમાં પાટો ક્યારે બદલવો એ ભાન નથી હોતું. ક્યારથી પેઢીમાં જવાનું બંધ કરવું, ક્યારથી બાળકોમાં વહેંચણી કરીને નિર્બંધ બની જવું, ક્યારથી ઘરમાં અનુકૂળ ન હોય એવી દખલગીરી બંધ કરવી, કયારથી સ્વૈરવિહારનો પ્રારંભ કરી જિંદગી પોતાની શરતે જીવવી, એ મોટા ભાગના માણસો નક્કી કરી શકતા નથી. છેક છેલ્લે પણ એમનો જીવ બાકી રહેલી કામગીરી કોણ પૂરી કરશે, ક્યારે પૂરી થશે, એ વાતમાં અટવાયેલો રહે છે. આ કર્મયોગ નથી, ઈચ્છા-અપેક્ષાઓથી દોરાતો મોહ અને મત્સર યોગ છે. કામ-ક્રોધ, મદ-મોહ-મત્સર એ જીવનને કંઈક મેળવી આપે છે તેના કરતાં નુકસાન વધુ કરે છે, જે અંતે વિનાશ નોતરે છે.
આ પંક્તિઓ –
કેવો હતો રાવણ તત્વવેત્તા, નવે ગ્રહો નિકટમાં જ રહેતા,
હરી સીતા સુજી કુબુદ્ધિ, વિનાશકાળે વિપરીત બુદ્ધિ
રાવણની પાસે શેની કમી હતી?
ક્રિકેટના એક ધુરંધર ખેલાડી જેનું નામ આજે પણ અમર છે, પોતે જ્યારે લોકચાહનાનાં શિખરે હતા, હજુ હમણાં જ છેલ્લી મેચમાં તેમણે શતક ફટકાર્યું હતું, બરાબર ત્યારે જ એમણે ધડાકો કર્યો. એમના લાખો ચાહકોને મોટો આઘાત લાગ્યો કારણ કે આ મહાનુભાવે ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી. નામ એમનું ડોન બ્રેડમેન. પત્રકાર પરિષદમાં કોઈએ એમને પૂછ્યું કે તમે સંપૂર્ણ ફોર્મમાં છો, આરોગ્યની દ્રષ્ટિએ ચુસ્તદુરસ્ત છો, ત્યારે થોડા મોડા નિવૃત્ત થવાની જરૂર હતી એવું આપ માનો છો?
બ્રેડમેનનો જવાબ મોટી શીખ આપી જાય છે. તેમણે જવાબ આપ્યો,
‘દોસ્ત! આજે મારી નિવૃત્તિ સામે આપ હકારાત્મક અવલોકન કરો છો. હું માનું છું કે માણસે બરાબર ત્યારે જ નિવૃત્તિ લઇ લેવી જોઈએ જ્યારે દુનિયા એને પૂછે કે કેમ નિવૃત્તિ લીધી અને નહીં કે...
હવે ક્યારે નિવૃત્ત થાવ છો?’
દરેક ક્ષેત્રમાંથી, જિંદગીમાંથી, પણ સમયસર નિવૃત્તિ લઇ લેવી વધારે સારી.
ક્યારેક અશ્વત્થામા કે અન્ય ચિરંજીવોની માફક લાંબુ આયુષ્ય અભિશાપ ન બની જાય તે માટે ‘Quit the game when people ask you why rather than when.’