આજે રાધાકૃષ્ણ મંદિરનો ૧૧૫મો પાટોત્સવ
રાધેકૃષ્ણ... રાધેકૃષ્ણ... રાધેકૃષ્ણ...
રાધાકૃષ્ણ મંદિર વિષેનો લેખ વંચાઇ ગયો હશે.
આજે રંગપંચમી. સવારમાં વોટ્સઅપ જેવું ચાલુ કર્યું, ઘણા બધા મેસેજમાં એક સૌથી અગત્યનો મેસેજ હતો શ્રીકાન્તભાઈનો. આજ (તા.૨૫.૩.૨૦૧૯ અને રંગપંચમી)નો દિવસ રાધાકૃષ્ણ મંદિર અને તેની સાથે જોડાયેલ સૌ કોઈ માટે અતિ અગત્યનો અને ઉત્તમ દિવસ છે.
શ્રીકાન્તભાઈ જણાવે છે તે મજબ સિદ્ધપુર મંડીબજાર પાસે આવેલા આ રાધાકૃષ્ણના મંદિરનો આજે ૧૧૫મો પાટોત્સવ છે.
શ્રીકાન્તભાઈએ ખૂબ પ્રેમપૂર્વક મને ભગવાનની સન્મુખ દર્શન કરવા માટે ઉપસ્થિત થવા નિમંત્રણ આપ્યું.
આભાર શ્રીકાન્તભાઈ.
મારું એ સદભાગ્ય હોત જો આપના નિમંત્રણના અનુસંધાને ભગવાનના દર્શનનો લાભ લઈ શકાયો હોત. એ નથી થઈ શક્યું એનું દિલમાં દુ:ખ છે.
પણ...
ભાવ અને ભક્તિને સ્થળ કે કામના બંધન ક્યારેય નડતા નથી. હજુ શનિવારે જ ભગવાન રાધાકૃષ્ણના મંદિર અંગેનો લેખ લખાયો એ કદાચ યોગાનુયોગ હશે.
મારી શ્રદ્ધાવંદના મા સરસ્વતી અને શબ્દના માધ્યમથી થાય છે.
એટલે આજે રાધા અને કૃષ્ણની વાતને જ આગળ વધારવી છે.
રાધાજીની ભક્તિ અને શ્રીકૃષ્ણજી માટેનો એમનો અવિરત ભાવ ખૂબ ટૂંકો સહેવાસ હોવા છતાં પણ કાયમને માટે રાધાજીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડી ગયો.
ભક્તિ કેટલી મોટી કે કેટલા ભપકાથી કરો છો એ અગત્યનું નથી પણ કેટલા સમર્પણ અને કેટલી તમન્નાથી કરો છો તે અગત્યનું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ અતૂટ છે ત્યારે ક્યારેક મનમાં પ્રશ્ન થાય છે કે તો પછી ભક્ત બોલાવે અને ભગવાન તેનો આર્તનાદ સાંભળીને હાજર કેમ નથી થઈ જતો? નીચેની પંક્તિઓ જોઈએ.
अच्चुतम केशवं कृष्ण दामोदरं,
राम नारायणं जानकी बल्लभम।
कौन कहता हे भगवान आते नहीं,
तुम मीरा के जैसे बुलाते नहीं।
कौन कहता है भगवान खाते नहीं,
बेर शबरी के जैसे खिलाते नहीं।
कौन कहता है भगवान सोते नहीं,
माँ यशोदा के जैसे सुलाते नहीं।
कौन कहता है भगवान नाचते नहीं,
गोपियों की तरह तुम नचाते नहीं।
नाम जपते चलो काम करते चलो,
हर समय कृष्ण का ध्यान करते चलो।
याद आएगी उनको कभी ना कभी,
कृष्ण दर्शन तो देंगे कभी ना कभी।
રાધાજી બનો તો જ કૃષ્ણને પામી શકાય.
પણ મીરા બની અને ઝેરનો પ્યાલો ગટગટાવી જાવ તો તો અંતે ભગવાન દ્વારકાધીશના સ્વરૂપમાં એક તેજપુંજ બનીને સમાઈ જઇ શકાય.
હવે માણીએ નીચેની પંક્તિઓને.
एक राधा, एक मीरा दोनों ने श्याम को चाहा
अन्तर क्या दोनों की चाह में बोलो
इक प्रेम दीवानी, इक दरस दीवानी
एक राधा, एक मीरा ...
राधा ने मधुबन में ढूँढा
मीरा ने मन में पाया
राधा जिसे खो बैठी
वो गोविन्द और दरस दिखाया
एक मुरली एक पायल, एक पगली, एक घायल
अन्तर क्या दोनों की प्रीत में बोलो
एक सूरत लुभानी, एक मूरत लुभानी
इक प्रेम दीवानी, इक दरस दीवानी ...
मीरा के प्रभु गिरिधर नागर
राधा के मनमोहन
राधा दिन श्रुंगार करे
और मीरा बन गयी जोगन
एक रानी एक दासी, दोनों हरि प्रेम की प्यासी
अन्तर क्या दोनों की तृप्ति में बोलो
एक जीत न मानी, एक हार न मानी
इक प्रेम दीवानी, इक दरस दीवानी...
આવી રીતે જ કહેવાયું છે કે રાધા જેને ખોઈ બેસી એ ગોવિંદ, એ શ્રીકૃષ્ણને મીરાએ તો મનમંદિરમાં વસાવ્યા. રાધા કૃષ્ણની પ્રેમદીવાની હતી પણ મીરા તો દરશદીવાની. એણે કૃષ્ણને પોતાનો પતિ માન્યો, રાજપાટ છોડ્યાં, જોગણ બનીને એ ચાલી નીકળી અને છેવટે શ્યામના સ્વરૂપમાં સમાઈ ગઈ. રાધારાણી છે, પણ મીરા તો કહે છે ‘મુજે ચાકર રાખોજી, ગિરધારીલાલા, મુજે ચાકર રાખોજી’. એણે ત્યાગ્યું અને જ્યારે રાણાને એની પવિત્રતા અને અધ્યાત્મિક ઊંચાઈનો ખયાલ આવ્યો, એમને માનસન્માનથી પાછા તેડી લાવવા એક પ્રતિનિધિમંડળ ગયું. દ્વારિકા પહોંચ્યા. પણ મીરાને એમ થોડી મનાવી શકાય? ‘હું મારા શામળીયાનાં દર્શન કરી લઉં’ કહીને એ ગઈ તે ગઈ, ભગવાનના સ્વરૂપમાં વિલીન થઈ ગઈ. ત્યાગની એવી ચરમસીમાએ છેવટે એના શામળીયાના તેજપુંજમાં એણે ભેળવી દીધી. સાચા અર્થમાં એ શ્રીકૃષ્ણનો ભાગ બની. અને એટલે રાધાકૃષ્ણ કહેવું પડે છે પણ મીરા તો કૃષ્ણના નામમાં જ સમાયેલી છે, એનો જુદો ઉલ્લેખ જરૂરી નથી.
અને એટલે જ તો કૃષ્ણની વાંસળી પણ કહે છે કે...
श्याम तेरी बंसी पुकारे राधा नाम
लोग करें मीरा को यूँ ही बदनाम
साँवरे की बंसी को बजने से काम
राधा का भी श्याम वोतो मीरा का भी श्याम
પણ શામળીયો તો નરસિંહ મહેતાનો પણ હતો અને તુકારામ, સૂરદાસ, બોડાણા જેવા ભક્તોનો પણ.
આ બધામાં એક વાત આવે છે શરત વગરના સમર્પણની.
સમર્પણ. હા ! સંપૂર્ણ સમર્પણ.
સમર્પણમાં એક એવો ભાવ આવે છે કે જાણે આ સમર્પણ કરનાર પાત્રોએ જ કાંઈક વેઠ્યું છે. તમારા મનમાં પણ એવું જ છે ને?
પણ હું જરા જુદી રીતે વિચારું છું.
મારું એક પુસ્તક ‘મહાભારતની મૈત્રીકથાઓ’ થોડા સમયમાં જ પ્રસિદ્ધ થવાનું છે. એમાં કૃષ્ણ અને રાધાની મૈત્રી વિષે જે લખાયું છે તેમાંથી કૃષ્ણના ત્યાગ બાબતે કાંઈક આમ લખાયું છે –
કંસે કૃષ્ણને મથુરા બોલાવવાની યોજના ઘડી. તેણે અક્રુરજીને બોલાવી ગોકુળ જવા કહ્યું. ગોકુળમાં તો અક્રુરજી કૃષ્ણને લેવા આવ્યા છે તે વાત સાંભળતા જ ગોપીઓ અને રાધા કાનને મળવા આવી હતી. કાન આજે ગોકુળ છોડી જાય છે તો આપણે માતા યશોદાને મદદ કરીએ.
બધાયની આંખો રડીરડીને સૂઝી ગઇ હતી. રાધાજી વિચારે છે કે હું કાન વિના રહી નહીં શકું. રાધા રથનાં પૈડાં નીચે સૂઇ જાય છે. રાધા અક્રૂરજીને કહે છે કે તમારે કાનને મથુરા લઇ જવો હોય તો આ રથને મારા શરીર પરથી ચલાવીને લઇ જજો.
બહુ જ ભરે હૈયે યશોદા કાનને વિદાય આપવાની તૈયારી કરે છે. યશોદાએ કૃષ્ણના કપાળમાં તિલક કર્યું. માળા પહેરાવી. કૃષ્ણએ મા યશોદાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
કૃષ્ણ કહે છે, ‘એક માએ જન્મ આપી ત્યજ્યો, બીજી માએ મારા તોફાન સહન કર્યાં. જગતને બાંધનાર “હું” તારા હાથે બંધાયો. જ્યાં પણ જઇશ, તારા પ્રેમને નહીં ભૂલું. મા ! એકવાર આશિષ આપ.’ કૃષ્ણએ મા યશોદાના આંસુ પોતાના ખેસ વડે લૂછ્યા.
કૃષ્ણે પૂછ્યું, ‘મા, ગોપીઓ ક્યાં છે? રાધા ક્યાં છે?’
રાધા તો રથના પૈડાં નીચે સૂતાં છે.
કૃષ્ણ રાધા સૂતા હતા ત્યાં પૈડાં પાસે બેસી ગયા અને કહે, ‘રાધા ઊભી થા.’
વૃષભાનુ રાજાની દીકરી રાધાએ કૃષ્ણનો પ્રેમ સંપાદન કર્યો. તેને કાનનો વિરહ લાગ્યો.
રાધા કહેવા લાગી, ‘હું નહીં ઊભી થાઉં. અક્રૂરજી ! મારા શરીર પરથી રથને ચલાવો. કાન ! તારો વિયોગ મારાથી નહીં સહેવાય. હું તારા વિના રહી નહીં શકું. તું મને વૈકુંઠ લઇ જવાનું કહેતો હતો. આજે હું તારી સાથે આવવાની છું. તારા વિના ગોકુળ, વૃંદાવનનું જીવન નકામું છે. મારા પરથી રથ ચલાવી દો.’
વાતાવરણ ગમગીન હતું. રાધાને કેમ સમજાવવું? કૃષ્ણ રથના પૈડાં પાસે બેસી, ‘રાધે, રાધે, રાધે’ કહી સમજાવતા હતા.
કૃષ્ણએ બંસરી કાઢી, ‘હે રાધે ! તારા નામ સાથે હું ઘોષણા કરું છું કે આજ પછી બંસરી નહીં વગાડું.’
ગોપીઓએ અને વ્રજવાસીઓએ ભગવાનની આરાધના કરી, ગગનભેદી અવાજ થવા લાગ્યા. ‘કૃષ્ણ કનૈયા લાલ કી જય.’ ભગવાન રથમાં બેસી ગયા અને અક્રૂરજીએ રથ ચલાવ્યો.
રાધાજીએ તો કૃષ્ણનો વિયોગ સહ્યો.
પણ...
કૃષ્ણ તો રાધાજી અને બંસરી બંનેથી વિખૂટા પડ્યા.
એટલે...
રાધાજીનો અધિકાર ખરો કૃષ્ણની આગળ બેસી જવાનો, પણ કૃષ્ણ રાધા વગર તો આધેકૃષ્ણ થઈ જાય એવું કહીએ ત્યારે ક્યાંક એવો વિચાર પણ આવે કે કૃષ્ણ વગર તો રાધાનું અસ્તિત્વ જ નથી, ખરું ને?
રાધેકૃષ્ણ... રાધેકૃષ્ણ... રાધેકૃષ્ણ... રાધેકૃષ્ણ...
આજે રાધાકૃષ્ણ મંદિરમાં ૧૧૫મો પાટોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે શ્યામના એ સ્વરૂપ સામે સન્મુખ થવાનું જેને સદભાગ્ય નથી મળ્યું એવા નિરંતર શ્યામને ચાહતા અને એના જીવન અને કવનમાંથી પ્રેરણા મેળવતા એક કૃષ્ણભક્તની ભગવાન રાધાકૃષ્ણને શ્રદ્ધાવંદના.