સિદ્ધપુરના ધાર્મિક અને ચાંલ્લા-વિવાહ જેવા મંગળ પ્રસંગો માટેનું એક સર્વમાન્ય સ્થાન એટલે રાધાકૃષ્ણનું મંદિર
સિદ્ધપુરના જે અતિપ્રાચીન વૈષ્ણવ મંદિરો છે એમાંનું એક એટલે રાધાકૃષ્ણનું મંદિર. મંડીબજારથી મહેતા ઓળના મહાડ તરફ જવાના રસ્તે આગળ વધીએ એટલે જમણા હાથે અતિપ્રાચીન પંચમુખી હનુમાનજીનું મંદિર આવે. બજરંગબલીના ભક્તો માટેનું આ શ્રદ્ધાસ્થાન. એક જમાનામાં પં. દેવશંકરભાઈ અને એમનો પરિવાર હનુમાનદાદાની સેવા કરતો. આ જગ્યાએ દેવશંકરભાઈ રહેતા પણ ખરા અને શાસ્ત્રીજીની સંસ્કૃત પાઠશાળામાં કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવાડતા. મારા નાનપણમાં જોયેલી આ વૃદ્ધ અને પવિત્ર દંપતીની છાપ આજેય આંખ મીંચું એટલે નજર સામે ઉપસે છે. પૂજારીનાં પત્ની કપાળમાં લાલચટ્ટક જેવો મોટો ચાંદલો કરે અને પ્રમાણમાં મોટી ફ્રેમ કહેવાય એવાં ચશ્માં પહેરે. એમના દીકરાનું નામ સીતારામભાઈ. પહેલાં ચોમાસાની શરૂઆતમાં જોરદાર આંધી ફૂંકાતી. ઘર ઉપર છાપરાં પતરાંના હતા એટલે ક્યારેક આ પવનનું જોર એટલું બધુ હોય કે પતરું ઉખેડી હવામાં તરતું કરી દે. આ ઉડતું પતરું સુદર્શન ચક્રની જેમ ફરતું ફરતું આવીને વાગે તો મોટી ઇજા થાય. આંધી આવે ત્યારે એ જમાનામાં મોટું જોખમ આવાં ઉડતા પતરાં તમારું માથું કે ગળું ન કાપી નાખે એ હતું. પૂ. દેવશંકરભાઈનાં પત્નીને એક વખતે કપાળમાં આવું એક પતરું વાગેલ અને ખાસ્સા ટાંકા આવેલા. અત્યારે તો પાકા ધાબા થઈ ગયા છે એટલે પતરું વાગવું અથવા છાપરાં ઉપરથી માથામાં નળિયું પડે અને ઇજા થાય જેવાં જોખમ ભૂતકાળ બની ગયાં છે.
મા ગામમાં આવે એટલે અચૂક પંચમુખી હનુમાનનાં દર્શન કરવાનો એનો રિવાજ. આ પંચમુખી હનુમાનદાદાના મંદિરેથી મહેતા ઓળ તરફ ચાલવા માંડીએ એટલે કે અત્યંત સેવાભાવી ડૉ. ભટ્ટસાહેબનું દવાખાનું આવે અને ત્યાં જ બે અતિપ્રાચીન વિષ્ણુ મંદિરો, જમણા-ડાબા હાથે જોવા મળે. એમાં જમણા હાથવાળું મંદિર એટલે રાધાકૃષ્ણનું મંદિર. તેના સામેનું મંદિર એટલે રણછોડજીનું મંદિર. અને ત્યાંથી થોડાક આગળ જઈએ, દરબાર વટાવીએ એટલે જમણા હાથે એક મહારાષ્ટ્રીયન પરિવાર જેની સેવા કરે છે તેવું સત્યનારાયણ ભગવાનનું મંદિર આવે. આમ, મંડીબજારથી મહેતા ઓળ જતાં હનુમાનજી, રાધાકૃષ્ણ, રણછોડરાય અને સત્યનારાયણ, બધાના દર્શનનો લાભ લઈ શકાય. રણછોડજીના મંદિર વિષે વિગતે લખીશું પણ માની સાથે ક્યારેક રણછોડજી સમક્ષ ઉપસ્થિત થવાનું થતું ત્યારે મને સૌથી મોટું આકર્ષણ વીંઝણાનું રહેતું. ભગવાનને તાપ ન લાગે એ માટે એક વિશાળકાય વીંઝણો અને એને જોડેલ દોરડું ખેંચી ભક્તો એને હલાવે અને ભગવાનની એટલી સેવા કર્યાનો લાભ લે. મને આમાં ખૂબ રસ પડતો.
વળી પાછા મૂળ વાત પર આવીએ. આજે આપણે રાધાકૃષ્ણ મંદિર વિષે વાત કરવી છે. પંચમુખી હનુમાન મંદિરથી આગળ વધતાં જમણા હાથે શ્રી રાધાકૃષ્ણ ભગવાનનું સુંદર નયનરમ્ય મંદિર આવેલું છે. અહીં એકાદ સદી પહેલાં ગાયકવાડ કચેરીની ઘોડાની જગ્યા હતી. ઇ.સ. ૧૯૦૪માં આ જગ્યાની હરાજી કરવામાં આવી ત્યારે વૈષ્ણવ વણિક જ્ઞાતિના સ્વ. દુર્લભરામ ખુશાલજી શેઠના પરમ મિત્ર એવા સ્વ. મણિલાલ કેવલરામ દવેની પ્રેરણાથી આ જગ્યા મંદિર બાંધકામ માટે ખરીદવામાં આવી હતી. દુર્લભરામ ખુશાલજી શેઠના પત્ની મૂળીબેન દુર્લભરામ શેઠ દ્વારા આ જમીન પર રાધાકૃષ્ણનું મંદિર બાંધવામાં આવ્યું હતું.
શ્રી મણિલાલ કેવલરામ દવે તથા શ્રી જગન્નાથ કેવલરામ દવે, બંને ભાઈઓએ મળીને પોતાના માર્ગદર્શન હેઠળ બીજી કોઈ પણ વ્યક્તિ પાસેથી એક પૈસો પણ લીધા વગર મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું અને એક વરસની મહેનતને અંતરે સુંદર કલાકારીગરીવાળો મંડપ, ગર્ભગૃહ, સિંહાસન, ખુલ્લો ચોક, બગીચો, કૂવો, મેડો, રસોડું, પડાળીઓ, સત્સંગ શેડ સહિતનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું. ઇ.સ. ૧૯૦૫ના ફાગણ વદ પાંચમ, રંગપંચમીના પવિત્ર દિવસે પૂ. મણિલાલ કેવલરામ દવેના શુભ હસ્તે સુંદર મૂર્તિ સ્વરૂપે રસરાજ પ્રભુ શ્રી રાધાકૃષ્ણની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ભગવાનની સેવાપૂજાનું કાર્ય તેમજ મંદિરનો વહીવટ મણિલાલ કેવલરામ દવે કરતા. શ્રીજીના કલાત્મક શણગારની સાથે ચાંદીનું કલાત્મક સિંહાસન, હાથી, હંસ, ગરુડ વગેરે વાહનો સાથેનું સુંદર ચાંદીનું પારણું, ઝુલો, રથ, ચામર વગેરે ચીજો પણ શ્રીજીને અર્પણ કરવામાં આવી હતી. આવા રાજશીઠાઠથી પ્રભુની પૂજા થતી હતી. આજે પણ શ્રીજીની આરતી વખતે નિશાન ડંકા ઘંટારવથી વાતાવરણ દિવ્ય બની જાય છે. નિજમંદિરમાં છપ્પનભોગ અન્નકૂટ, તુલસીવિવાહ, દેવદિવાળી-દીપમાળા ઉત્સવ, વસંતપંચમી, હોલિકાપૂજન, પાટોત્સવ, કૃષ્ણ જન્માષ્ટમી, શરદોત્સવ, નવરાત્રિ જેવા ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. આ દિવસોમાં ભારે જનમેદની દર્શનાર્થે ઉમટે છે. દર વરસે ભાદરવી આઠમથી પુનમ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત ભક્તિ-સત્સંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સેવા કેમ્પો અને અન્ય સમાજલક્ષી પ્રવૃત્તિઓ, પક્ષીઓને ચણ, જરૂરિયાતમંદ વ્યક્તિઓને અનાજ, ભોજન અને અન્ય વસ્તુઓનું વિતરણ, વગેરે પ્રવૃત્તિઓ પણ ચાલે છે. શહેરની મધ્યમાં આવેલા અને વિશાળ જગ્યા ધરાવતા આ મંદિરમાં થતાં અનેક મહાપુરુષોના વક્તવ્યો-પ્રવચનોનો લાભ શહેરીજનોને મળતો રહે છે. સિદ્ધપુરમાં ચાંલ્લા કરવાનો એટલે કે સગાઈનો પ્રસંગ હોય ત્યારે કાં તો અંબાવાડીનો મેડો, ક્યારેક રણછોડજીનું મંદિર અને રાધાકૃષ્ણના મંદિરની પડાળીમાં ઉભય પક્ષના પુરુષો ભેગા થતા. મારા બાળપણના જમાનામાં હોટલમાં આવો કોઈ પ્રસંગ થાય તેવી સગવડો જ નહોતી.
આ મંદિર તેની પવિત્રતા, જાહોજલાલી, ભક્તિ-સત્સંગ અને સેવાકાર્ય માટે જાણીતું છે. આ મંદિરના પ્રયોજક સ્વ. મૂળીબેન દુર્લભરામ શેઠના મૃત્યુ બાદ તેમના કલકત્તા નિવાસી ભત્રીજા શ્રી ગોરધનદાસ શેઠ તેમજ સ્થાનિક કુટુંબીજનોએ ટ્રસ્ટની રચના કરી છે અને હાલમાં તેમના વંશજો ટ્રસ્ટી તરીકે સેવા બજાવી રહ્યા છે. ભૂતપૂર્વ મૈસુર મહારાજાના રાજ્યગુરુ એવા પરમ તપસ્વી શ્રી સત્ય પ્રસન્નજી મહારાજે સતત ૪૦ વરસ આ મંદિર સંકુલમાં રહીને ભક્તિ સત્સંગની ધારા ‘શ્રી રામકૃષ્ણ ભજન મંડળ’ની સ્થાપના કરેલી. તે વખતે પૂ. રંગ અવધૂત મહારાજ પણ અહીં પધારેલા. સ્વ, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, સ્વ. શંભુ મહારાજ, પૂ. ગોસ્વામી ઇન્દિરાબેટીજી, પૂ. ડોંગરેજી મહારાજ, હરિકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ, પાંડુરંગ દાદા જેવા અનેક સંતો-મહંતોની પધરામણી પણ આ મંદિરની થઈ છે.
રાધાકૃષ્ણના પરમ ભક્ત મણિલાલ દવેજી પછી તેમના પુત્ર સોમનાથ દવેજીએ આજીવન સેવા કરી જીવન ધન્ય બનાવ્યું. ત્યારબાદ તેમના સુપુત્ર પ્રસિદ્ધ ભાગવત-રામાયણ કથાકાર શ્રીકાન્તભાઈ દવેજી અને તેમનું કુટુંબ આ વંશપરંપરાથી ચાલી આવતી સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. કથાકાર તરીકે શ્રીકાન્તભાઈ ખૂબ ખ્યાતિ પામ્યા છે અને વિદેશમાં પણ તેમણે ભક્તોને કથાશ્રવણ કરાવી ભક્તિરસમાં તરબોળ કર્યા છે.
જન્માષ્ટમીના દિવસે સાંજે વિદ્વાન બ્રાહ્મણોના પવિત્ર મંત્રોચ્ચાર વડે દૂધ, કેસરથી શ્રીજીનો અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ શ્રીજીનો ભવ્યાતિભવ્ય શણગાર કરવામાં આવે છે અને તેમને ચાંદીના કલાત્મક ભવ્ય પારણામાં બાલકૃષ્ણ સ્વરૂપે પધારવવામાં આવે છે. મધરાતે ૧૨ વાગ્યે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ દિવ્ય અને પવિત્ર વાતાવરણ વચ્ચે આરતી કરી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે શહેર તેમજ આજુબાજુથી હજારો ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
ભગવાન રાધાકૃષ્ણ
જુઓ, આગળ કોનું નામ આવે છે? રાધાજીનું.
આપણે સીતારામ કહીએ છીએ.
આગળ કોનું નામ આવે છે? સીતાજીનું.
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું કેટલું માન હતું અને એના ત્યાગ માટે કેટલો આદર હતો એનું આ ઉદાહરણ છે. રાધાજીનો કૃષ્ણ સાથેનો સહેવાસ તો માંડ પાંચ વરસ, પછી તો વિયોગ જ વિયોગ. અને આમ છતાંય ભગવાન શ્રીકૃષ્ણ સાથે એમની કોઈ પટરાણીનું નામ ન જોડાયું પણ રાધાજીનું જોડાયું. કોઈ વિવાહના બંધનથી રાધાજી ભગવાન શ્રીકૃષ્ણ સાથે નહોતા બંધાયા પણ આત્મીય પ્રેમ અને ભક્તિભાવ એ કેટલો ઉચ્ચ કક્ષાનો હશે કે રાધાજી કાયમ માટે શ્રીકૃષ્ણ ભગવાનની આગળ જ આવે!
એવું પણ કહેવાય છે કે રાધેકૃષ્ણ, રાધેકૃષ્ણ
અને...
બિન રાધે... આધેકૃષ્ણ!
સ્ત્રી એ પ્રકૃતિ છે અને પ્રકૃતિ વગર પુરુષ હંમેશાં અધૂરો જ છે.
સીતારામ, લક્ષ્મીનારાયણ, આ બધા ઉદાહરણ આપણને સાચા અને ઉત્કટ પ્રેમની, ભક્તિનું બળ કેટલું હોય છે તે શીખવે છે. ઉમામહેશના કિસ્સામાં પણ આવું જ હતું પણ બલિદાન સતીએ આપેલું અને ત્યાર પછી હિમવાનને ત્યાં પાર્વતી તરીકે તેમનો જન્મ થયેલો એટલે કદાચ શંકરપાર્વતી એ રીતે શબ્દ પ્રયોજાય છે પણ પાર્વતીજીનો ભગવાન શિવજી માટેનો પ્રેમ અને ભક્તિ કેટલા ઉત્કટ હશે કે આજે પણ નવદંપતીને ‘શિવપાર્વતી જેવું અખંડ સૌભાગ્ય અને સાયુજ્ય હજો’ એવા આશીર્વાદ અપાય છે. આ સંસ્કૃતિના આપણે વારસદાર છીએ.
ગૌરવ હોવું જોઈએ એનું.
હવે રાધાકૃષ્ણનાં દર્શન કરો ને ત્યારે રાધાજીની ઉત્કટ ભક્તિ અને પ્રેમ અચૂક યાદ રાખજો. કૃષ્ણને એટલે કે વિષ્ણુ સ્વરૂપને રાધા બનીને ભજશો તો તમે પણ એના તેજપુંજ સાથે કાયમ માટે જોડાઇ જશો.
કેવું અદ્ભુત છે, નહીં?
રાધેકૃષ્ણ... રાધેકૃષ્ણ... રાધેકૃષ્ણ...