Wednesday, January 4, 2017
સામાન્ય રીતે સરકારમાં બાંધકામ વિભાગ કે અન્ય જગ્યાએ બે પ્રકારના અધિકારીઓની ભરતી થાય છે. એક પ્રકાર બી.ઈ. સિવિલ અથવા તેથી ઉપરની ડીગ્રીવાળાઓનો હોય છે જે પહેલાં જુનીયર એન્જિનિયર અને અત્યારે આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર તરીકે ઓળખાય છે. બીજો પ્રકાર ડીપ્લોમા સિવિલ એન્જિનિયરીંગવાળાનો હોય છે અને તે સુપરવાઈઝરની કક્ષામાં મહદઅંશે સાઈટ સુપરવીઝનનું કામ કરે છે. આ બન્ને કેટેગરી સાથે ત્રીજી કેટેગરી અગાઉ સીધી ભરતીના નાયબ કાર્યપાલક ઈજનેર (ડેપ્યુટી એન્જિનિયર) અથવા કાર્યપાલક ઈજનેર તરીકે લેવાતા હતા તે છે. સીધી ભરતીના અધિકારીઓ યુવાન અને ડાયનેમીક એટલે કે નિર્ણાયક રીતે કામ કરનારા હોય છે. એક સમયે આ બધી કક્ષાઓમાંથી આગળની કક્ષામાં બઢતી માટે ખાસ કરીને જુનીયર એન્જિનિયરમાંથી ડેપ્યુટી એન્જિનિયરમાં મોટો વિવાદ થયેલો અને પછી થયેલ સમજૂતી મુજબ એક નાની ટકાવારી સુપરવાઈઝરમાંથી બઢતી માટે પણ નક્કી કરવામાં આવેલી. મારા સાથી અધિકારીઓમાં આ ત્રણેય પ્રકારના અધિકારી હતા. કનુભાઈ શાહ જેવા સુપરવાઈઝર પણ હતા. હેમંત નાયક, બોઘાણી અને વિરેન્દ્ર શાહ જુનીયર એન્જિનિયરો પણ હતા. સર્વશ્રી ગદાણી, બોડીવાલા અને ટી.આર. બ્રહ્મક્ષત્રીય જેવા ડેપ્યુટી એન્જિનિયર પણ હતા. હું અને શ્રી બ્રહ્મક્ષત્રીય સીધી ભરતીના અધિકારીઓ હતા બાકીના પ્રમોશનથી આગળ વધતા અધિકારી હતા. સુરતમાં પણ એક છીંકણીવાલા કરીને ડેપ્યુટી એન્જિનિયર હતા. એક સ્વભાવગત ઈર્ષા સીધી ભરતીના અધિકારીઓ માટે શરુઆતમાં મેં અનુભવી. થોડાક મહિના આવું ચાલ્યું પછી જેમ ગાડીના ડબ્બામાં નવાં પેસેન્જર આવે ત્યારે શરુઆતમાં જગ્યા નથી કહી ન ચડવા દેવાય પણ પછી બધાં સાંકડે માંકડે ગોઠવાઈ જાય અને આ તો પંખીમેળો છે એવી સુફિયાણી વાતો પણ થવા માંડે એવો જ આ અનુભવ હતો. બીજું મારે માટે આ બધાના મનમાં એક ચોક્કસ ખ્યાલ હતો કે આ આઈટમ હાઉસીંગ બોર્ડમાં લાંબુ ટકશે નહીં એટલે શરુઆતનો એક નાનો તબક્કો બાદ કરીએ તો ગદાણી, બોડીવાલા કે છીંકણીવાલા મને આગળના પ્રમોશન માટે એમનો હરીફ ગણતા નહીં. આ કારણથી તેમણે મારી સાથે મિત્રાચારીનો સંબંધ વિક્સાવવાનું મુનાસીફ માન્યું હશે. મારા સ્વભાવ પ્રમાણે સહુને મારી મર્યાદામાં રહીને મદદરુપ થવું એ તત્વ હતું. ડ્રાફ્ટીંગ ઉપરનો સારો કાબુ અને કોન્ટ્રાક્ટના કાયદા તેમજ તેની આંટીઘૂંટીઓનો અભ્યાસ તથા ટેકનીકલ પાસાં ઉપરનું પ્રભુત્વ એ મારું જમા પાસું હતું. આ કારણથી ધીરે ધીરે કોઈને પણ મેમો મળે અથવા શોકોઝ નોટીસ મળે તો જવાબ લખાવવા મારી પાસે આવતા. હું એ કામ ચીવટથી કરી આપતો. આ બધું કરતાં એક વસ્તુ મારા મનમાં પાકી થતી જતી હતી કે સરકારમાં પ્રોસીજર એટલે કે વિધિ અને એનું કાયદા સાથે જોડાણ કરીને જેને તાર્કિક કહેવાય અને ન્યાયિક ચકાસણીમાં ટકે તેવી ડ્રાફ્ટીંગ માટેની ક્ષમતા અને મહેનત બન્નેનો અભાવ હતો. આ કારણથી સરકાર સામે જો કોઈએ લડવાનું આવે તો ક્યાંકને ક્યાંક પ્રોસીજરલ લેપ્સ એટલે કે જરુરી વિધિવિધાનમાં ક્ષતિ અને એપ્લીકેશન ઓફ માઈન્ડ એટલે કે નિર્ણય પર પહોંચતાં પહેલાં પૂરતી શુદ્ધ બુદ્ધિથી એની વિચારણાનો અભાવ આ બે મુદ્દે કર્મચારી અથવા કોન્ટ્રાક્ટર સરકાર સામે જીતી જાય એની પુરી શક્યતાઓ રહેતી. સ્વાયત્ત કારકીર્દી માટેની એક નવી તક એટલે કે કોન્ટ્રાક્ટ, એસ્ટાબ્લીશમેન્ટ (વહિવટી પ્રક્રિયા) અને આર્બીટ્રેશન એટલે કે લવાદ તરીકેની કામગીરી જેવા ક્ષેત્રોમાં બહુ મોટી તકો છે અને આવનાર સમયમાં પણ રહેશે એવું મંતવ્ય બંધાતુ જતું હતું. એ સમયે અમદાવાદમાં સુખવાણી કરીને એક વકીલ આ ક્ષેત્રના ટોચના વકીલ ગણાતા અને એની ધુમ પ્રેક્ટીસ ચાલતી. આશ્રમ રોડ પર આવેલી એક સોસાયટીમાં એમનું નિવાસસ્થાન અને ઓફિસ હતી. આર્બીટ્રેટર તરીકે મોટા ભાગે નિવૃત્ત મુખ્ય ઈજનેર કે અધિક્ષક ઈજનેર કક્ષાના અધિકારીઓ કાર્યરત હતા, જેમની પ્રેક્ટીસ પણ સારી ચાલતી. તે સમયે મનમાં એક વિચારબીજ રોપાયું કે તક મળે કાયદાની ડીગ્રી મેળવવી અને આ ક્ષેત્રમાં કામ કરવું. આ બાબતે આગળ જતાં શું થયું તેની વાત અત્યારે ન કરીએ પણ ટેકનીકલ અધિકારી બીએસઆર, કાયદો અને ડ્રાફ્ટીંગથી દૂર ભાગે છે એ છાપ આ સમયગાળા દરમ્યાન મારા મનમાં ઉભી થઈ.
એક દિવસ સબ ડીવીઝનનો ચાર્જ સંબંધિત ડેપ્યુટી એન્જિનિયર લાંબી રજા પર જવાને કારણે મારી પાસે આવેલો. કનુભાઈ શાહ સુપરવાઈઝર તરીકે એક સક્ષમ અધિકારી હતી. આર્થિક રીતે નબળા વર્ગ માટેના તેરસો કરતાં વધારે મકાનોનું તરસાળી ખાતે કામ ચાલે. વી.કે. પટેલ એન્ડ કંપનીનું આ કામ સાઈટ ઉપર એમના માણસ તરીકે દાણી એક ખૂબ અનુભવી અને કાબેલ વ્યક્તિ હતા. શું થયું તે ખ્યાલ નથી પણ અમારા ઈજનેરી સ્ટાફ અને દાણી વચ્ચે કંઈક મોટી ચકમક ઝરી. ગમે તે કારણે તે દિવસે દાણીએ થોડી મારામારી પણ કરી અને ગંભીર પરિણામોની ધમકી પણ આપી. વી.કે. પટેલ એટલે મોટું નામ. અમારા સ્ટાફમાં ગભરાટ ફેલાયો. વાત મારી પાસે આવી. મેં સંબંધિત જુનીયર એન્જિનિયર અને કનુભાઈને બોલાવી હકિકતો પૂછી. મને લાગ્યું કે આ ઘટનાને ઠંડા બસ્તામાં નાંખી દઈશું તો ક્ષેત્રીય કર્મચારીઓના જુસ્સા ઉપર એની અવળી અસર પડશે. મેં આ સમગ્ર બનાવ અંગે મારામારી તેમજ સરકારી અધિકારીના કામમાં વિક્ષેપ અને દખલગીરી તથા ધમકી આપવી જેવા શક્ય તે બધા જ ગુનાઓને આવરી લઈ કનુભાઈને પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવવા કહ્યું. ક્યાંકથી વી.કે. પટેલ સુધી આ વાત પહોંચી. તેઓ મારી ઓફિસમાં દોડી આવ્યા. પ્રથમ તો મેં તેમને મળવાની કે વાત કરવાની જ ના કહી. કારણમાં કહ્યું કે જે કોન્ટ્રાક્ટર મારા સાથીઓ ઉપર હૂમલો કરે અને ધમકીઓ આપે તેની સાથે મારે વાત કરવાનું કોઈ જ કારણ નથી. મેં સ્પષ્ટ કહ્યું કે વલ્લભભાઈ તમારું ગજુ અને વગ બન્ને જાણું છું. જે થાય તે હું જ્યાં સુધી આ સબ ડીવીઝનના ચાર્જમાં છું મારા અધિકારીઓનું અપમાન ક્યારેય નહીં ચલાવી લઉં. છેવટે બીજા એક-બે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે પડ્યા અને આ સમગ્ર પ્રકરણમાં દાણી અમારા અધિકારીઓની માફી માંગે અને આ પ્રકારનો કમનસીબ બનાવ કોઈ ગેરસમજથી બન્યો હતો. ભવિષ્યમાં એનું પુનરાવર્તન નહીં થાય એવું લખાણ લખી આપે તો જ વાત આગળ ચાલે એવું નક્કી થયું. આ બધું પત્યું એટલે મેં સહુને ચા-પાણી પીવરાવી વિદાય કર્યા અને આ વાત પુરી થઈ. જો કે આ ઘટનાના પડઘા માત્ર વડોદરા પૂરતા સીમિત નહીં રહેતાં લગભગ આખા હાઉસીંગ બોર્ડમાં પડ્યા અને એને કારણે અમારા સાથી અને જુનીયર અધિકારીઓ મને માનની દ્રષ્ટિથી જોતા થયા.
વી.કે. કાપડીયા સાથે જરા જુદા પ્રકારનો બનાવ બન્યો હતો. મારા એક નિકટના સંબંધી અને એમ.એસ. યુનિવર્સીટીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ભાઈ અલકાપુરી વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં (બનતા સુધી કુંજ સોસાયટીમાં) પોતાનો બંગલો બાંધવા માંગતા હતા. મને એમણે કહ્યું કે કોઈ સારો એન્જિનિયર જે સુપરવીઝનનું કામ કરે અને એક સારો લેબર કોન્ટ્રાક્ટર મને શોધી આપ. હાઉસીંગ બોર્ડમાં જ ભીખાભાઈ કરીને એક લેબર કોન્ટ્રાક્ટર કામ કરતા હતા. નાણાંકીય સદ્ધર અને સાધનો તેમજ માણસો વિગેરે પણ એની પાસે વિપુલ પ્રમાણમાં. લેબર કોન્ટ્રાક્ટર તરીકે મેં ભીખાભાઈ સાથે પેલા ભાઈનો હથેવાળો કરાવી આપ્યો. એન્જિનિયર અને સુપરવાઈઝર માટે મને લાગ્યું કે કાપડીયાથી સારો માણસ નહીં મળે. કાપડીયા સાથે પણ પેલા ભાઈની વાત કરાવી દીધી. આ બન્ને એજન્સી પાસે તાણીતૂસીને ભાવ નક્કી કરાવ્યા. બંગલાનું બાંધકામ શરુ થયું. વચ્ચે બે એક વખત મને આગ્રહ કરીને કામ જોવા લઈ ગયા. ગુણવત્તા તેમજ ગતિ (સ્પીડ) બન્ને દ્રષ્ટિએ કામ સરસ ચાલી રહ્યું હતું. પેલા ભાઈના પણ આટલા બધા વરસના યુનિવર્સીટીના કાર્યકાળને કારણે એમને ટાઈલ્સ ઉત્પાદક, સિમેન્ટ, રેતી, સેનીટરીવેર વિગેરે એજન્સીઓ સાથે સારા સંબંધો હતા અને તેમને જરુરી આઈટમો આ લોકો ખાસા ડિસ્કાઉન્ટથી આપતા. એમના એક વિદ્યાર્થી જંગલ વિભાગમાં અધિકારી હતા એટલે એ વઘઈ જઈને સાગનું સારું લાકડું પણ સાવ નાંખી દેવા જેવી કિંમતે લઈ આવ્યા. આમ કરતાં બંગલાનું કામ એક દિવસ પુરું થયું. પેલા ભાઈએ ધામધૂમથી વાસ્તુ પણ કર્યું. મને થયું કે એક સારા કામમાં આપણે નિમિત્ત બન્યા. પણ, આ બધી બાબતોમાં ક્યારેક સરપ્રાઈઝ એટલે કે આશ્ચર્યના આંચકા છેવાડે આવતા હોય છે. એક દિવસ કાપડીયા મને મળવા આવ્યો. મોટાભાગે આનંદમાં અને હસતા રહેતા આ વોરાજીના ચહેરા પર થોડી ગમગીની અને ખચકાટ હતો. મારા સામેની ખુરશી પર એને બેસવા કહ્યું અને પૂછ્યું “શું વાત છે ?”
મારા પ્રશ્નના જવાબમાં તેણે જે કહ્યું તે તો મને પણ આશ્ચર્યચકિત કરી ગયું. પેલા ભાઈએ બંગલાની જે કિંમત થાય તેના પર સ્ટ્રક્ચરલ ડિઝાઈનથી માંડી સુપરવીઝન સુધી કરવાનો ચાર્જ દોઢ ટકો નક્કી કર્યો હતો. હવે બીલ ચુકવતી વખતે વિવાદ એ ઉભો થયો કે બજારમાં જે ભાવ ચાલતા હોય તેને બદલે પેલા એમના વિદ્યાર્થીઓ અથવા ઓળખીતાઓ જે કન્સેશન ભાવે એમને માલ આપતા હતા. કુલ કિંમત ગણવામાં આ આઈટમોની ફેર માર્કેટ વેલ્યુ એટલે કે પ્રવર્તમાન યોગ્ય બજારભાવ ગણવાને બદલે પેલા ભાઈ કન્સેશનલ રેટ ગણીને કોસ્ટીંગ કાઢતા હતા. આમ થવાને કારણે બંગલાની કિંમત લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા ઓછી આવતી હતી. કાપડીયાનું તો કલ્યાણ થઈ જાય. એના કહેવા મુજબ નફો તો દૂર રહ્યો એણે ધક્કા ખાવામાં જે પેટ્રોલ બાળ્યું હતું એ પણ ના નીકળે. વિશ્વાસે રહીને એણે એની ફીનો એક પૈસો અત્યાર સુધી લીધો નહોતો. હવે આખી રકમ ડીસ્પ્યુટમાં પડે તેવું થઈ રહ્યું હતું. મનોમન મેં હિસાબ માંડ્યો પ્રવર્તમાન કિંમતો મુજબ ભાવ ગણે તો આ બંગલો તે સમયે છ લાખથી વધારે ન થાય. કાપડીયાનું બીલ એના દોઢ ટકા પ્રમાણે નવ હજાર રુપિયા થાય. જો સાઈઠ ટકા કિંમત ગણે તો પાંચ હજાર ચારસો રુપિયા થાય. ફરક માત્ર ત્રણ હજાર છસ્સો રુપિયાનો હતો. એ જમાના પ્રમાણે આ રકમ એટલી નાની પણ નહોતી જ. કાપડીયાને મેં સલાહ આપી હું પ્રયત્ન કરી તારું બીલ કઢાવી આપું કારણ કે તેં મારા વિશ્વાસે કામ કર્યું છે. શરત માત્ર એટલી કે તારે આની કોઈ ચર્ચા હવે આ સજ્જન સાથે કે મારી સાથે કરવી નહીં. થોડાક દિવસ બાદ હું આ ભાઈને ત્યાં ગયો. એમને સમજાવ્યા કે તમને કોઈ મટીરીયલ મફતમાં આપે એટલે કાપડીયાનું મહેનતાણું ઘટી જાય એ વાત વ્યાજબી નથી. એણે સારું કામ કર્યું છે. તમારા પર વિશ્વાસ રાખીને છેલ્લે સુધી ફી નથી લીધી. તમે મોટા માણસ છો. જરા મોટું મન રાખો આમાં મારું અને આપનું બન્નેનું ખરાબ દેખાય છે. બહુ રકઝક થઈ, થોડી ઉગ્ર ચર્ચાઓ પણ થઈ. થોડીક કડવાશ પણ ઉભી થઈ. માંડ માંડ એ ભાઈ સાડા સાત હજાર રુપિયા આપવા તૈયાર થયા. મેં એ જ ઘડીએ એ પૈસા એમની પાસેથી લઈ લીધા. બીજા દિવસે એમાં પંદરસો રુપિયા ઉમેરી નવ હજાર રુપિયાનું કવર કાપડીયાના હાથમાં મુક્યું અને આ વિવાદનો અંત આણ્યો. ઘરના પંદરસો ગયા એનો અફસોસ નહોતો પણ મારા પિતાશ્રીના આ ભાઈ સાથે અને એમના ઘર સાથે નજદીકના સંબંધ હતા. આ બે આંખની શરમ પણ ન નડી એનું ભારોભાર દુઃખ હતું. ક્યારેક આવી નાની બાબત વરસોના સંબંધ પુરા કરી નાંખતી હોય છે એનો અનુભવ તો થયો જ પણ સાથોસાથ એક ખૂબ મોટો પાઠ શીખવા મળ્યો. મદદરુપ જરુર થવું, કોઈની ભલામણ પણ કરવી પણ મધ્યસ્થી ના થવું. બન્ને પક્ષોની પોતપોતાની રીતે ચર્ચા કરી એકબીજાને અનુકૂળ આવે તો જ આગળ વધવું એવી સ્પષ્ટ સલાહ આપવાની નીતિ ત્યારબાદ મારી રહી છે. ખાસ કરીને સામાજીક સંબંધોમાં તો આ બાબત બહુ જ અગત્યની છે. મારા પિતાશ્રી પાસે આખા સમાજની જાણે કે ડાયરી રહેતી. કોનો છોકરો કુંવારો છે અને કોની દીકરી પરણવા લાયક થઈ છે એ એમને ખબર હોય. કોઈ પૂછે એટલે માત્ર માહિતી જ આપે એવું નહીં વચ્ચે રહી અનેકોના સંબંધો જોડવાનું કામ પણ તેમણે કર્યું છે. અનુભવ એવો થયો કે મોટાભાગના કિસ્સાઓમાં જો લગ્નજીવન બરાબર ચાલે તો એ નસીબદાર લોકો યાદ પણ ન કરે. પણ, જો કંઈ ડખો થયો તો આ સંબંધ તમે બતાડ્યો હતો, હવે આમાંથી રસ્તો કાઢી આપો. આને કારણે કોઈ જ લેવા દેવા વગર જ્યાં દૂધ પીવાના સંબંધ હોય ત્યાં પાણીનું પણ ન પૂછાય એવા અંગત સંબંધો બગાડવાનું કામ થાય છે. મારી મા આ બાબતમાં સ્પષ્ટવક્તા અને વ્યવહારુ. એ હંમેશાં આ મુદ્દે કહેતી રહે કે સમાજના છોકરા છોકરીઓ ઠેકાણે પાડવાનો આ ઠેકો બંધ કરો અને વધુમાં વધુ કોઈ પૂછે તો એકબીજાનું ઘર બતાડી છેટા રહો. એમની અનુકૂળતા હશે તો સંબંધમાં આગળ વધશે. આ વાતમાં જીવનનું ગહન સત્ય છુપાયું છે એ હું અનુભવે સમજ્યો છું. દૂધપાકના તપેલામાં લીંબુના રસનું એક ટીપું બધું દૂધ ફાડી નાંખે છે. આજ રીતે વરસોના અંગત અને ગાઢ સંબંધોમાં નાનો અમથો કડવાશ ઉભી કરે એવો એક બનાવ સંબંધોના કચ્ચરઘાણ વાળી નાંખે છે. એક વખત આવી કડવાશ કે ખટાશ આવી જાય પછી એ સંબંધો ફરીથી એટલા જ મધુર બનતા નથી. પેલા મુરબ્બી સાથેના મારા સંબંધો ભવિષ્યમાં ચાલુ તો રહ્યા પણ પેલી નીકટતા કે મધુરપ ક્યારેય પાછી ન આવી.
આવી બાબતે રહીમજીની નીચેની પંક્તિઓ હંમેશા મને દોરતી રહી છે –
રહિમન ધાગા પ્રેમ કા, મત તોડ઼ો ચટકાય ।
ટૂટે સે ફિર ના જુડે, જુડે ગાઁઠ પરિ જાય ।।25।।
આનો અર્થ થાય લાગણી કે પ્રેમના આ દોરાને ક્યારેય તોડવો નહીં જોઈએ. એકવાર એ તૂટી જાય છે તો ફરી પાછો જોડાતો નથી અને કદાચ જોડાય તો પણ એમાં ગાંઠ પડી જાય છે.
હાઉસીંગ બોર્ડની નોકરીમાં બનેલ આ બનાવે મને રહીમજીની ફીલોસોફીનું પ્રત્યક્ષ દર્શન કરાવ્યું એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી.