featured image

ડૉ. જય નારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)        

છેલ્લા કેટલાક વર્ષોથી બ્રિટનની સરકારને જાણે કે ગ્રહણ લાગ્યું છે. કોઈ વડાપ્રધાન શાંતિથી રાજ કરી શકતું નથી. હવે વડાપ્રધાન સુનોકની સરકારમાં નાયબ વડાપ્રધાન ડોમીનીક રાબનું રાજીનામું ચર્ચાનો વિષય બન્યો છે. રાબનું રાજીનામું બ્રિટીશ વડાપ્રધાન ઋષિ સુનોકની સરકારને અસ્થિર કરવાનું કાવતરું છે એવું મનાય છે. જોકે, સુનોકના કહેવા મુજબ હાલની પરિસ્થિતિ એ એના પુરોગામી સાથે ભૂતકાળમાં ઊભી થયેલ પરિસ્થિતિને મળતી આવતી નથી. 

        ડોમીનીક રાબ જે પોતે justice secretary એટલે કે ન્યાય વિભાગના સચિવ હતા, શુક્રવાર, ૨૧ એપ્રિલ, ૨૦૨૩ના દિવસે પોતાના હોદ્દામાંથી અને સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું આપવા પાછળ કારણ છે રાબ સામે કરવામાં આવેલી એક તપાસ, જેમાં એમના સામે બે ફરિયાદો નોંધવામાં આવી હતી જેમાંની એક ધાકધમકીથી કર્મચારીઓને ગભરાવવાની હતી અને જેમાં મંત્રી પાસેની સત્તાઓનો દુરુપયોગ અથવા એને ગાળ દેવી જેવી ગેરબંધારણીય સત્તાઓ વાપરવી એમ બે આક્ષેપો પુરવાર થયા હતા. 

        આ માટે આક્ષેપ કરનારાઓએ ડોમેનીકને પુરતો ખુલાસો કરવાનો સમય આપ્યો હતો પણ એમણે રાજીનામાનો પત્ર ત્યાર બાદ મોકલી આપ્યો હતો. ડોમેનીકનું રાજીનામું એ રાબની લડાયક સ્ટાઇલમાં લખાયું છે અને પોતાના અણગમાને અભિવ્યક્તિ આપે છે. કર્મચારીઓની વર્તણૂક ડોમેનીક રાબને નારાજ કરી રહી છે. કમનસીબી તો એ છે કે રાબ સામેની તપાસ કમિટીએ એ આક્ષેપોમાં તથ્ય હોવાનું ગણાવ્યું છે, તેને એના મહત્ત્વના સાથીએ પણ ટેકો આપ્યો છે અને આ કારણથી સુનોકની બ્રિટીશ સરકારમાં ચાલી રહેલું સંકટ વધુ ઘેરું બન્યું છે જેની સીધી અસર કેટલાક મહત્ત્વના નિર્ણયો સુનોક લેવા માગે છે તેના ઉપર પણ પડશે. 

        વિરોધ પાર્ટીના કેટલાક સભ્યો તો ત્યાં સુધી માની રહ્યા છે કે એમના વડાપ્રધાન પૂરતી જમણેરી ફિલોસોફી તરફ ઢળેલા નથી. ત્યાંની ચૂંટણીઓ બે અઠવાડિયાથી ઓછા સમયમાં આવવાની છે જે સત્તાધારી પક્ષ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેશે. 

        વડા પ્રધાને લીઝ ટ્રસના સમયની કેટલીક અવ્યવસ્થાઓ છે અને બોરિસ જોન્સનના જે કૌભાંડો છે તેને કડકાઈથી દાબી દઈને આગળ વધવાની જાહેરાત કરી છે. સુનોકના પ્રધાનપદાના છ મહિના જેવા ટૂંકાગાળામાં રાજીનામું આપનાર રાબ ત્રીજા કેબિનેટ મિનિસ્ટર છે. અગાઉ ગેલ્વીન વિલિયમસન અને નદીમ જહાવી સુનોકની કેબિનેટમાંથી રાજીનામું આપીને છૂટા થયા હતા. 

        સુનોકે રાબને લખેલા પત્રમાં એના વર્તન અંગે કોઈ જ ઉલ્લેખ કર્યો નથી. ઊલટાનું એણે આખી પ્રક્રિયામાં રહેલી ત્રુટિઓ અંગે અંગૂલિનિર્દેશ કર્યો છે. આ પ્રકારની કટુવાણી સુનોક સરકારના મંત્રીઓ તેમજ વિવિધ વિભાગો સંભાળતા સનદી અધિકારીઓ વચ્ચે કડવાશભર્યા સંબંધોનો નિર્દેશ કર્યો છે. 

        રાબે રાજીનામું આપ્યું ત્યાર બાદ પણ કેટલાક સિનિયર સનદી અધિકારીઓ એના વિરુદ્ધ પોતાની ફરિયાદો નોંધાવી રહ્યા છે. એક બાજુ સુનોક વિપક્ષની ટીકાઓનો સામનો કરી રહ્યા છે, જેમાં એની પોતાની સરકારના સભ્યોનો પણ સમાવેશ થાય છે જે સુનોકે ડોમેનીક રાબને મજબૂત ટેકો આપવો જોઈએ એવું માને છે. 

        આમ માત્ર છ મહિના પહેલા લીઝ ટ્રસ પાસેથી સત્તાના સૂત્રો સંભાળનાર સુનોકની કેબિનેટના ત્રણ-ત્રણ કેબિનેટ મંત્રીઓએ રાજીનામા આપ્યા બાદ સુનોક પોતાની વિશ્વસનિયતા તેમજ વડાપ્રધાન તરીકે કડકાઈથી કામ લેવામાં નિષ્ફળ ગયા જેવી બાબતોએ એમના જ પક્ષના મંત્રીઓ અને સભ્યો દ્વારા આલોચના પામી રહ્યા છે. સુનોક વડાપ્રધાન બન્યા ત્યારે એમણે ઘણી આશાઓ જન્માવી હતી પણ માત્ર છ જ મહિનામાં એમનું શાસન હાલકડોલક થતું દેખાય છે, એ નરી વાસ્તવિકતા છે. હજુ પણ પાણી માથા ઉપર નથી ચડી ગયું. સુનોક આ તોફાનમાંથી કઈ રીત પસાર થાય છે એ બ્રિટનમાં એક રાજપુરુષ તરીકેની તેમની કારકિર્દી તો નક્કી ક૨શે જ પણ એમની પાર્ટી ફરી શાસનની ધૂરા સંભાળશે કે કેમ એ પણ નક્કી કરશે. 

 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles