સરસ્વતી નદીનું શાસ્ત્રોક્ત પાસું જોયું. સિદ્ધપુર જેના કારણે શ્રી સ્થળ અથવા સિદ્ધક્ષેત્ર બન્યું તેવી પુણ્ય સલિલા સરસ્વતી અને ત્યારબાદ ચાવડા, સોલંકી કે વાઘેલા વંશના સમયમાં ગુજરાતમાં વિપુલ જળ રાશિ સાથે વેગીલા પ્રવાહથી વહેતી સરસ્વતી અંગેની ચર્ચા વિદ્વાન પ્રાધ્યાપક ડો કનૈયાલાલ નાયકના આ લેખ વગર અધૂરી રહી જાય. એટલે  પૂર્ણ આદર સાથે ડૉ. કનૈયાલાલ નાયકનો ઋણ સ્વીકાર કરી એમનો વિદ્વત્તાપૂર્ણ લેખ ‘ગુજરાતની નદીઓ : કુંવારિકા સરસ્વતી’ નીચે પ્રસ્તુત કરું છું

ગુજરાતની જુદી-જુદી નદીઓમાં 'સરસ્વતી' નદીનો નામ-નિર્દેશ થયેલો છે. લુપ્ત થયેલી ઉત્તર ભારતની સરસ્વતી નદી વેદકાળ જેટલી પ્રાચીન હોવાનું મનાય છે, જે વેદોમાં સરસ્વતીને 'નદીતમા' કહી છે. વૈદિક સમયમાં સરસ્વતી નદી એ સમુદ્ર સુધી વહેતી હતી તેવો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. ઉત્તર ભારતમાં સરસ્વતી નદી હિમાલયમાંથી નીકળતી હતી. આ નદી હિમાલયમાંથી નીકળી સિમલા, સિરમમુરમાં પસાર થઇ, પતિયાલા થઇ રાજસ્થાનના રણમાં લુપ્ત થતી, અને "ઘાઘર" નદીને મળતી.

કહેવાય છે કે હિમાલયમાંથી ગંગા એ સાત ધારાઓના રૂપમાં વહેતી થઇ એમાંથી એકનું નામ 'સરસ્વતી' હતું, એટલે કે સરસ્વતી ઉત્તર ભારતની નદીઓમાંની એક નદી છે જે હિમાલયમાંથી નીકળતી એવું જુદાં-જુદાં સંશોધનો દ્વારા જણાય છે. આ ઉપરાંત પણ મહાભારત આદિપર્વના પ્રક્ષેપ (૧૭૧૪)માં તેમજ ભીષ્મપર્વમાં 'સરસ્વતી'નો ઉલ્લેખ છે. પાંડવો વનયાત્રામાં નીકળ્યા ત્યારે જાહ્નવીના કાંઠાથી કુરુક્ષેત્રમાં થઇ સરસ્વતી અને દ્વેષદ્વતી તથા યમુના વટાવી મરુધન્વા પ્રદેશમાં સરસ્વતીના કાંઠા ઉપર આવેલા કામ્યક વનમાં આવ્યાનું કહેવામાં આવ્યું છે.

આપણે સાહિત્યિક ઉલ્લેખો પ્રમાણે જોઈએ તો આરણ્યકપર્વમાં 'કામ્યક' વન સરસ્વતી નદીના કાંઠા પર હોવાનો ઉલ્લેખ છે. સરસ્વતી નદીનો ગુજરાત પ્રદેશ સાથે પણ સંબંધ છે એ પણ આરણ્યકપર્વમાં જોવા મળે છે. નિષાદોના દ્વેષને લઇ વિનશન-કુરુક્ષેત્રમાં લુપ્ત થઇ અને પછી ચમસોદ્ ભેદ નામના તીર્થ પાસે પ્રગટ થઇ. જ્યાં આગળ દિવ્ય એવી નદીઓનો એને સમાગમ થતો. સિંધુ-તીર્થના સાહચર્યને કારણે કચ્છના રણમાં આજની ઉત્તર-ગુજરાતની સરસ્વતી પથરાય છે. જ્યાં આગળ ચમસોદ્ ભેદ' તીર્થનો સંબંધ છે. 'પ્રભાસ તીર્થ' સાથે પણ સરસ્વતીનો સંબંધ રહેલો છે. શલ્યપર્વમાં પણ પ્રભાસ પાસે ' ચમસોદ્ ભેદ' પાઠથી જ એ તીર્થ કહ્યું છે. પાછલા પર્વમાં પ્રભાસને 'સરસ્વતી' ઉપરનું એક તીર્થ કહ્યું છે. આમ, જુદાં-જુદાં સ્થળોને લીધે 'સરસ્વતી' નદીનો સંબંધ 'મહાભારત' સાથે જોડાયેલો છે એવું જુદા-જુદા અભ્યાસોના આધારે જાણવા મળે છે.

કાવ્યમીમાંસામાં રાજશેખરે સરસ્વતીને ઉત્તર ગુજરાતની કહી છે. જયસિંહ સૂરીએ 'હમ્મીર મદમર્દન' નાટકમાં પણ સિદ્ધપુર પાસેથી સરસ્વતી વહે છે તેવો ઉલ્લેખ કર્યો છે. સિદ્ધપુરમાં પ્રાચીન સમયથી કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. સરસ્વતીપુરાણમાં નદીના કાંઠે અનેક સ્થળો હતાં તેમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ તરીકે પવિત્ર ધામ માનવામાં આવે છે.

ગુજરાતમાં 'સરસ્વતી' નામની બે સ્થળોએ નદીઓ છે તેમાં એક તો અંબાજી પાસે અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળી કોટેશ્વર નજીક ઝરણાના રૂપમાં નીકળી સિદ્ધપુર-પાટણ થઇ કચ્છના રણમાં વિલુપ્ત થઇ જાય છે. 'સરસ્વતી' નદીનું બીજું સ્થાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીરના ડુંગરાઓમાંથી નીકળી, દક્ષિણ દિશાએ પ્રાચી તીર્થ પાસે થઇ દેહોત્સર્ગ નજીક પ્રભાસ પાસે હીરણ નદીમાં ત્રિવેણી સંગમ આગળ મળે છે. શલ્યપર્વમાં જોઈએ તો 'બ્રહ્મસર' પાસેથી નીકળી વસિષ્ઠને પોતામાં વહાવી વિશ્વામિત્ર પાસે મૂક્યા એવી અનુશ્રુતિ નોંધાઈ છે. આના મૂળમાં તો ઉત્તર ગુજરાતની 'સરસ્વતી' નદી જ છે. એના ઉપર ચમસોદ્ ભેદ, શિવોદ્ ભેદ, નાદોદ્ ભેદ તીર્થો પણ કચ્છના રણની નજીકનાં શક્ય છે.

મહાભારતમાં સરસ્વતીને લગતાં ત્રણ સંગમ કહેવાયા છે. એક સરસ્વતી અરુણા સંગમ, બીજો સાદો સરસ્વતી સંગમ અને ત્રીજો સરસ્વતી સાગર સંગમ. રત્નમણિરાવ ભીમરાવ જોટેએ વૈદિક સરસ્વતીને ખંભાતના અખાતમાં ભળતી બતાવી છે. ઉત્તર-ગુજરાતની સરસ્વતીનો વર્તમાન પ્રવાહ માર્ગ પ્રાચીન સરસ્વતીના લુપ્ત થઇ ગયેલા પ્રવાહમાર્ગને લગભગ કાટખૂણે વીંધીને કચ્છના નાના રણમાં જાય છે એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. ઉત્તર ગુજરાતમાં રચાયેલું 'સરસ્વતીપુરાણ' એ ઉત્તર ગુજરાતની સરસ્વતી નદીના માહાત્મ્યનો ગ્રંથ છે. અને સ્કંદપુરાણથી પણ પછીના સમયનો છે.

કાવ્યમીમાંસામાં રાજશેખરે પણ સરસ્વતીને ઉત્તર ગુજરાતની કહી છે. જયસિંહ સૂરીએ 'હમ્મીર મદમર્દન' નાટકમાં પણ સિદ્ધપુર પાસેથી સરસ્વતી વહે છે તેવો ઉલ્લેખ કર્યો છે. સિદ્ધપુરમાં પ્રાચીન સમયથી કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. સરસ્વતીપુરાણમાં નદીના કાંઠે અનેક સ્થળો હતાં તેમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ તરીકે પવિત્ર ધામ માનવામાં આવે છે.

હેમચંદ્રે 'દ્વયાશ્રય' કાવ્યમાં જે સરસ્વતી નદીના દધિતીર્થમાં આવેલા મંડુકેશ્વરસંજ્ઞક પુણ્યક્ષેત્રમાં ક્ષેમરાજ ગયાનું લખ્યું છે તે ઉત્તર ગુજરાતની અણહિલપુર 'પાટણ'ની સરસ્વતી છે. સિદ્ધરાજ આશ્ચર્ય જેવા નિમિત્તે જે 'બ્રાહ્મી' નદીએ ગયો તે આ જ સરસ્વતી, બ્રાહ્મી કહેવાનો આશય 'સરસ્વતી' બ્રહ્માની પુત્રી છે એ પૌરાણિક માન્યતા અનુસાર સમજાય છે. પ્રબંધ ચિંતામણીમાં પણ બે સ્થળે વિવિધ તીર્થકલ્પમાં એકવાર અને પુરાતન પ્રબંધ સંગ્રહમાં એકવાર 'સરસ્વતી'નો નદી તરીકે ઉલ્લેખ થયેલો છે. પ્રબંધકોશના હેમસૂરિ પ્રબંધમાં સિદ્ધપુર નજીક હોવાનો નિર્દેશ છે. જ્યારે પુરાતન પ્રબંધ સંગ્રહમાં અભય દેવ નામનો બ્રાહ્મણ પ્રભાસમાં સરસ્વતીમાં સ્નાન કરી સોમેશ્વરને નમન કર્યાનું કહે છે.

ઉત્તર ગુજરાતનો વિસ્તાર એ અણહિલવાડ પાટણની સ્થાપના પહેલાં જંગલવિસ્તાર હતો. અને આ જંગલમાંથી 'સરસ્વતી' નદીનો પ્રવાહ વહેતો હતો. પરંતુ જયારે ગુજરાતમાં સોલંકીઓનું શાસન સ્થપાયું ત્યારે એ વિસ્તારનો ધીરે ધીરે વિકાસ થતાં તે જંગલનો નાશ થયો. સરસ્વતી નદી સમયાંતરે પોતાનો પ્રવાહ બદલતી રહી છે. સોલંકી સમય દરમિયાન ઉત્તર ગુજરાતનો પ્રદેશ 'સારસ્વત મંડળ' તરીકે ઓળખાતો હતો. સારસ્વત મંડળ નામ પણ 'સરસ્વતી' નદીના નામથી પાડવામાં આવ્યું હોય એવું જણાય છે.

'સરસ્વતી' નદીનું મૂળ ક્યાં છે તેના માટે પુરાતત્વવિભાગ દ્વારા જુદાં-જુદાં સંશોધનો થયાં છે. પણ સાહિત્યિક ઉલ્લેખો અને પ્રાચીન માન્યતાઓ પ્રમાણે અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળી ઉત્તર ગુજરાતના 'સિદ્ધપુર' સ્થળ પાસેથી સરસ્વતી નદી નીકળે છે. અને કચ્છના રણમાં જઈ સમાઈ જાય છે, એટલે તે કોઈ સાગર કે મહાસાગરને મળતી નથી તેથી તેને કુંવારિકા નદી પણ કહેવામાં આવે છે. આમ, સરસ્વતી નદી વિષે જુદા-જુદા ઉલ્લેખો જોવા મળે છે.

વીસમી સદીના ઉતરાર્ધની શરૂઆતથી ભારતના વૈજ્ઞાનિકોએ સરસ્વતી નદીની શોધ પરિયોજના હેઠળ, ભગીરથના ગંગાવતરણની જેમ, સરસ્વતી નદી-ઉત્થાનનું સંશોધન કાર્ય ઉપાડ્યું છે. સરસ્વતી નદીના લુપ્ત થવા પાછળનો વૈજ્ઞાનિક અભિગમ રજૂ કરવાનો આ પ્રયાસ છે. ઈ.સ. ૧૮૯૩માં ભારતીય સર્વેક્ષણ ખાતાના ભૂસ્તરશાસ્ત્રી સી.એફ.ઓલ્ડહામે તેમના આ નદી અભ્યાસના નિચોડરૂપે જણાવેલું કે રાજસ્થાનના રણની ધારેધારે જે સૂકો પટ મળી આવેલો તે સરસ્વતી નદીનો જ હોવો જોઈએ. ઇસરો તરફથી નદીના પ્રાચીન પ્રવાહ પથની ઉપગ્રહીય તસવીરો લેવામાં આવેલી છે. સરસ્વતી પરિયોજનાનું કાર્ય આ રીતે શરૂ થયું છે.

૧૯૯૮માં અવકાશી તથા અણુ વૈજ્ઞાનિકોના સહયોગથી મધ્યસ્થ ભૂગર્ભજળપંચ તેના બહુવિષય અભ્યાસ માટે કાર્યરત બન્યું છે. એમ.એસ.યુનિવર્સિટીના નિષ્ણાતો ડૉ. મેઢ, ડૉ. પટેલ, અને ડૉ. શ્રીધરે પ્રસ્થાપિત કરી આપ્યું છે કે સરસ્વતી નદી, લૂણી તેમજ સિદ્ધપુરની સરસ્વતીથી દૂર ઊતરી વાયવ્ય તરફથી ખસતી ગઈ છે. આ કારણે જ સિદ્ધપુર માતૃશ્રાદ્ધ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું હશે એવું જુદા જુદા અભ્યાસોના આધારે જાણી શકાય છે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles