featured image

ડૉ, જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)

ઈસ્લામાબાદ અને મોસ્કો વચ્ચે એપ્રિલમાં કરાર થયા બાદ રશિયન ક્રૂડ ઓઈલનું પ્રથમ શિપમેન્ટ તાજેતરમાં જ કરાચી પહોંચ્યું. સાથે જ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે જણાવ્યું હતું કે રશિયા પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધોને વિસ્તારવા અને ગાઢ બનાવવા આતુર છે. મોસ્કો અને ઈસ્લામાબાદ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની ૭૫મી વર્ષગાંઠ પર લવરોવે એક વીડિયો સંદેશમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે રશિયા પાકિસ્તાનને ટ્રાન્સબોર્ડર ક્રાઇમ અને આતંકવાદ સહિતના સુરક્ષાને લગતા પડકારોનો સામનો કરવાના સંયુક્ત પ્રયાસોમાં મુખ્ય આંતરરાષ્ટ્રીય ભાગીદાર તરીકે જુએ છે.

આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે રશિયન ક્રૂડ ઓઇલ કંઇક અંશે મોંઘવારીથી પ્રભાવિત લોકોને રાહત આપે તેવી શક્યતા છે. રશિયન તેલ પાકિસ્તાન માટે ફાયદાકારક છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે પ્રથમ શિપમેન્ટ પાયલોટ પ્રોજેક્ટનો એક ભાગ છે. પાકિસ્તાન, જે હાલમાં મોટું વિદેશી દેવું અને નબળા સ્થાનિક ચલણ સામે ઝઝૂમી રહ્યું છે, તે આશા રાખી રહ્યું છે કે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ રેટ પર ક્રૂડ લેવાથી દેશમાં તેલના ભાવ સ્થિર થશે. પાકિસ્તાનની આયાતમાં સૌથી મોટો હિસ્સો એનર્જીનો છે અને રશિયાનું સસ્તું તેલ પાકિસ્તાનને વેપાર ખાધ અને બેલેન્સ-ઓફ-પેમેન્ટ કટોકટીનો સામનો કરવામાં મદદ કરી શકે છે. પાકિસ્તાને ઓઇલનું પેમેન્ટ ચીની ચલણમાં ચૂકવીને પોતાની યુએસ ડૉલર-પ્રભુત્વવાળી નિકાસ ચુકવણી નીતિમાં ફેરફાર કર્યો છે.

રશિયન વિદેશ પ્રધાને કહ્યું કે છેલ્લા ૭૫ વર્ષમાં રશિયા-પાકિસ્તાન દ્વિપક્ષીય સંબંધોમાં ઘણા ઉતારચડાવ આવ્યા છે, પણ રશિયા હંમેશા પાકિસ્તાન સાથે સહયોગ વધારવામાં રસ ધરાવે છે. ૧૯૮૦ના દાયકામાં અફઘાનિસ્તાન સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં કરાચીમાં સૌથી મોટી સ્ટીલ મિલ, જે હવે પાકિસ્તાન સ્ટીલ મિલ્સ તરીકે ઓળખાય છે, તેના બાંધકામમાં સોવિયેત નિષ્ણાતોની ભાગીદારી આનો પુરાવો છે. ગુડ્ડુ થર્મલ પાવર પ્લાન્ટ, જે તે સમયે પાકિસ્તાનનો સૌથી મોટો પ્લાન્ટ હતો, તે પણ તે અરસામાં જ કાર્યરત થયો હતો.

પાકિસ્તાન અને રશિયા શીતયુદ્ધ દરમિયાન પ્રતિસ્પર્ધી રહ્યા છે, પરંતુ તાજેતરના વર્ષોમાં તેમના દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક વળાંક આવ્યો છે, બંને પક્ષો ભૂતકાળને દફનાવી નવી વાસ્તવિકતાઓને સમાયોજિત કરવા તૈયાર થયા છે. તાજેતરના વર્ષોમાં રશિયા અને પાકિસ્તાનના દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. રશિયા પાકિસ્તાનને ઘઉંનું મુખ્ય સપ્લાયર બની ગયું છે, ગયા વર્ષે ૧૦ લાખ ટનથી વધુનું શિપમેન્ટ થયું હતું. ઓઇલ સેક્ટરમાં સહકાર પ્રોજેક્ટ અંગેની વાટાઘાટો પણ અંતિમ તબક્કામાં છે.

પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકના ડેટા અનુસાર, પાકિસ્તાનનો ફુગાવાનો દર એપ્રિલમાં ૩૬.૪ ટકાના રેકોર્ડ સ્તરેથી વધીને મે મહિનામાં ૩૮ ટકા સુધી પહોંચી ગયો હતો. ગયા વર્ષે વિનાશક પૂરના કારણે દેશનો ત્રીજા ભાગ વિસ્તાર પ્રભાવિત થયો હતો અને લાખો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આના કારણે પાકિસ્તાનની પહેલાથી જ કથળી રહેલી અર્થવ્યવસ્થાને ૧૨.૫ બિલિયન ડોલરનું આર્થિક નુકસાન થયું હતું.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પાકિસ્તાને સૈદ્ધાંતિક રીતે તો તટસ્થ સ્થિતિ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે પણ પાકિસ્તાન અને યુક્રેન ૧૯૯૦ના દાયકાથી સંરક્ષણ ભાગીદારો રહ્યા છે. ૧૯૯૧થી ૨૦૨૦ સુધી, યુક્રેન-પાકિસ્તાન વચ્ચે ૧.૬ બિલિયન ડોલરના સંરક્ષણ કરારો થયા છે. પાકિસ્તાન-રશિયાના દ્વિપક્ષીય સંબંધોમાં પણ સુધારો થયો છે, જેનું મુખ્ય કારણ બંને દેશો ચીનની આગેવાની હેઠળના SCOના કાયમી સભ્યો છે. યુક્રેન યુદ્ધે અમેરિકા અને રશિયા વચ્ચેના વિભાજનને ઊંડું કર્યું હોવા છતાં, ઈસ્લામાબાદે તટસ્થ રહેવાનો પ્રયાસ કર્યો છે. તેણે યુક્રેનમાં વણસતી માનવતાવાદી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ રશિયા વિરુદ્ધ કોઈપણ ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહ્યું છે.

એક તરફ ભારતના પ્રધાનમંત્રીની અમેરિકા મુલાકાત અને બીજી તરફ રશિયા-પાકિસ્તાનનો ઓઇલ સોદો, પણ નિષ્ણાતો માને છે કે ભારત રશિયાની વિરુદ્ધ નહીં જાય અને અમેરિકા પણ પાકિસ્તાન સાથેની દોસ્તી નહીં છોડે.   


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles