આસો સુદ આઠમ. સિદ્ધપુરમાં – મા સહસ્ત્રકળાની પલ્લી અને બીજી ઝાંપાની ખડકીમાં મલાઈ માતાની પલ્લી

દબદબો સહસ્ત્રકળાની પલ્લીના મેળાનો      

 

સિદ્ધપુર શહેરમાં પૂર્વ બાજુ આવેલા માધુ પાવડીયાથી નદીનો પટ પાર કરી સામે કિનારે આવેલું નેળિયું પકડીને આગળ વધીને સામે આવેલા નેળિયામાં દાખલ થઈને થળીના મઠને જમણા હાથે રાખીને આગળ વધીએ તો સીધે સીધો રસ્તો આશરે બે-એક કિલોમીટર દૂર આવેલા સહસ્ત્રકળા માતાના મંદિરે લઈ જાય. લાલપુર ગામની બાજુમાં માતાજીનું આ સ્થાનક આવેલું છે. આસો સુદ આઠમને દિવસે સહસ્ત્રકળા માતાની પલ્લી ઉજવાય છે. લાલપુર પાસે આવેલા સહસ્ત્રકળા માતાજીના આ સ્થાનકમાં માતાજીની મુર્તિ નથી પણ ઉગ્ર પીઠ છે. માતાજી જ્યાં બિરાજે છે તે મંદિરનું સ્થાન એકાંતમાં આવેલું છે. આજુબાજુ ઉભેલા વડલાઓની સુંદર ઘટાઓ વાતાવરણને રમ્ય બનાવે છે. મંદિર નાનું પણ સુંદર બાંધણીનું છે. વટેમાર્ગુઓ માટે પથ્થરની એક મોટી ધર્મશાળા છે અને વંડીથી રક્ષાયેલા આ કમ્પાઉન્ડમાં સુંદર મજાનો કૂવો પણ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે પાંચમા ધોરણમાં અમને અહીં લઈ આવેલા. માનાં દર્શન કર્યા બાદ એની સાન્નિધ્યમાં આવેલી ધર્મશાળાની પડાળીમાં લાઈનબંધ ગોઠવાઈ જઈને સેવમમરાની જ્યાફત માણી હતી. આ માટે દરેક પાસેથી એક આનો એટલે કે અત્યારના છ પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા અને એમાંથી અમને બધાને અખબારી પસ્તીના કાગળના ટુકડા ઉપર ખોબો ભરીને સેવમમરા પીરસવામાં આવ્યા હતા. જે સ્વાદ અને મજા એમાંથી મળી હતી તે કદાચ પાંચ પકવાનમાંથી પણ ન મળી હોત.

શિવચરિત્ર મુજબ સતી શક્તિપીઠોની સંખ્યા ૫૧ છે. કલિકાપુરાણ મુજબ સતી શક્તિપીઠોની સંખ્યા ૨૬ છે. શ્રી દેવી ભાગવત પુરાણ મુજબ શક્તિપીઠોની સંખ્યા ૧૦૮ છે. જ્યારે તંત્ર ચૂડામણી તથા માર્કન્ડેય પુરાણ મુજબ શક્તિપીઠોની સંખ્યા ૫૨ છે. ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત શ્રી દેવી ભાગવતમાં સાતમો સ્કંધ – સિદ્ધપીઠ અને ત્યાં બિરાજમાન શક્તિઓની નામાવલી – પાન નં. ૫૪૫માં ઉલ્લેખ કર્યા મુજબ ૧૦૮ શક્તિપીઠોમાંથી ૭૧મી શક્તિપીઠ સહસ્ત્રકળા છે એમ કહેવાય છે. જેનો ઉલ્લેખ દેવી ભાગવતમાં સરસ્વતી તીર્થ દેવમાતા તરીકે કરવામાં આવ્યો છે.

મહર્ષિ કર્દમ, કપિલદેવ અને વાલખીલ્યાદિ વગેરે મહામુનિઓના પુનિત ચરણોથી પવિત્ર પ્રાચીન જળરૂપી કુમારિકા સરસ્વતી નદીના સામે કિનારે નાનકડા પણ સુંદર ગામ લાલપુરમાં શ્રી સહસ્ત્રકળા માતાના મંદિર સંબંધી ઉપલબ્ધ માહિતી મુજબ ભગવાન સ્વયંભૂ શ્રી મનુએ પોતાની પુત્રી દેવહુતિના વિવાહ સમયે આ શક્તિપીઠની આરાધના કરેલ. ગુજરાતના સોલંકી તેમજ વાઘેલા ક્ષત્રિય રાજવીઓના કુળદેવી તરીકે વિખ્યાત આ શક્તિપીઠની અનેક ઋષિ મુનિઓએ પ્રેમપૂર્વક આરાધના કરેલ છે. આ કારણથી જાગૃત બનેલ આ સ્થાનમાં પ્રવેશ કરતાં જ શ્રદ્ધાળુઓને દૈવીશક્તિ અને સ્પંદનોનો અનુભવ થાય છે. મોદી સમાજના બાળકોની બાબરી અહીં ઉતારવામાં આવે છે તેમજ છેડાછેડી પણ આ મંદિરમાં છોડવામાં આવે છે. માના સારથિ એવા શ્રી નારસંગા વીરનું સ્થાનક પણ બાજુમાં જ આવેલું છે જે માના રક્ષક વીર છે. આવી જ એક બીજી શક્તિપીઠ બહુચરાજી સાથે જોડાયેલ કથા મુજબ જ્યારે ધોળા ભટ્ટજીએ કમોસમમાં રસરોટલીની ન્યાત કરવાનું વચન સ્વીકારેલું ત્યારે સ્વયં મા શક્તિ સ્વરૂપા બહુચર અને નારસંગા વીરે જાતે પ્રગટ થઈ આ અશક્ય કામને શક્ય બનાવ્યું અને ધોળા ભટ્ટની લાજ જાળવી લીધી હતી. નારસંગા વીરમાં પણ અનેક શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ધરાવે છે અને તેઓની બેઠક મા સહસ્ત્રકળાના સાન્નિધ્યમાં આવેલી છે. નારસંગા વીરની બરાબર પાછળ વડના ઝાડ નીચે અતિપ્રાચીન એવું ગોગાબાપજીનું સ્થાનક આવેલું છે. અહીંયાં રહેતા નાગદેવતાનાં ક્યારેક ક્યારેક શ્રદ્ધાળુઓને દર્શન થયાના દાખલા છે. ભાદરવા સુદ બારસના દિવસે ભવાઇ કાઢવામાં આવે છે જે દવે કાંતિલાલ બ્રહ્મપોર પરિવાર દ્વારા કરવામાં આવે છે અને ત્રણ દિવસ સુધી ચાલે છે. ધૂળેટીના દિવસે સિદ્ધપુર શક્તિમંડળ દ્વારા માતાજીના ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. માતાજીના ગરબાનો બેઠક કાર્યક્રમ રાખવામાં આવે છે.

આ ઉરાંત આ જગ્યામાં મંગળિયા હનુમાનજી, ગણપતિજી, નાગેશ્વર મહાદેવ, ભૈરવદાદા, ઓમકારેશ્વર મંદિર, સંકટમોચન હનુમાનજી મંદિર, કાશીવિશ્વનાથ વિગેરે મંદિરો આવેલા છે. માતાજી સહસ્ત્રકળાને છપ્પન ભોજ અન્નકૂટરૂપે પ્રસાદ ધરાવવામાં આવે છે.    

આસો સુદ આઠમના દિવસે મા સહસ્ત્રકળાની પલ્લીનો પ્રસંગ ઉજવાય છે. આ જ દિવસે ઝાંપાની પોળમાં આવેલ મલાઈ માતાજીની પલ્લી પણ ભરાય છે. મલાઇ માતાનું આ સ્થાનક એક ઘરમાં આવેલું છે અને મલય પંડ્યા પરિવાર દ્વારા માતાજીના ખંડ અને નૈવેધ ધરવામાં આવે છે જેના દર્શન કરી શકાય છે.

સહસ્ત્રકળા માતાજીની પલ્લીના દિવસે એક ચમત્કારિક પ્રસંગ બને છે – માને નૈવેધ ધરાવવા માટે વાપરવાની પૂરી ઘી અથવા તેલમાં નહીં પણ પાણીમાં તળાય છે. પલ્લી વખતે બધાં મંદિરોમાં નવ ખંડ ભરાય છે જ્યારે મા સહસ્ત્રકળાની પલ્લીમાં ૬૪ ખંડ ભરાય છે જેની તમામ સામગ્રી પાણીમાં બનાવવામાં આવે છે.

આપણા મૂર્ધન્ય સાહિત્યકાર સ્વ. શ્રી રમણલાલ સોનીના જીવનના પ્રસંગોને સંકલિત કરતું પુસ્તક ‘રાખનું પંખી’ વાંચીએ તો એમાં એક પ્રકરણ છે, જેનું શિર્ષક છે – ચમત્કારો આજે પણ બને છે. રમણલાલ સોની તો ખૂબ વિદ્વાન અને ગાંધી રંગે રંગાયેલું વ્યક્તિત્વ હતું. છતાં એમણે પોતે અનુભવેલા શ્રી નિત્યાનંદ બાબા તેમજ શ્રી સાંઈબાબાની કૃપાના ચમત્કારોનું વર્ણન લખ્યું છે. મા એક કહેવત કહેતી હતી - ‘દેવ બડા કે આકીન (યકીન)?’ એટલે કે દેવ મોટા કે યકીન એટલે કે ભરોસો કે શ્રદ્ધા ? સહસ્ત્રકળા માતાજીની પલ્લી વખતે પાણીમાં પુરી તળાવી એને ચમત્કાર ગણવો હોય તો ચમત્કાર અને શ્રદ્ધા ગણવી હોય તો શ્રદ્ધા પણ એ હકીકત છે.

કોઈક કથામાં એક પ્રસંગ સાંભળવામાં આવ્યો હતો કે ભગવાન રામચંદ્ર વાનર અને રીંછની વિશાળ સેના સાથે લંકા ઉપર ચઢાઈ લઈને જઇ રહ્યાં હતા ત્યારે દરિયો પાર કરવા માટે એમની સેના એટલે કે વાનર અને રીંછ મોટા મોટા પથ્થરો દરિયામાં નાખી સેતુ બાંધી રહ્યા હતા. આ પથ્થરો ડૂબવાને બદલે તરીને સેતુના ભાગ તરીકે ગોઠવાઈ જતા હતા. ભગવાન રામચંદ્રજીને આ જોઈને લાગ્યું કે પોતે પણ આ કારસેવામાં કમસેકમ એક પથ્થર તો મૂકવો જ જોઈએ. પણ પથ્થર પાણીમાં તરશે કે કેમ એ શંકા તો હતી જ. એમણે જેવો પથ્થર મૂક્યો કે ડૂબી ગયો. આ આખીય ક્રિયા ધ્યાન જોઈ રહેલા હનુમાનજીના ચહેરા પર સ્મિત આવ્યું. તે જોઈને ભગવાને પૂછ્યું કે ‘તમારા ચહેરા પર આ સ્મિત કેમ?’ વિનયપૂર્વક હનુમાનજીએ કહ્યું કે ‘ભગવાન ! આ પથ્થરો નથી તરતા પણ એમાં અમારી આપના ઉપરની શ્રદ્ધા તરે છે.’ વાતનો મર્મ સમજાયો. દેવ મોટા નથી તેમનામાં શ્રદ્ધા અથવા યકીન કે ભરોસો મોટો છે.

આ મંદિરનો વહીવટ મહાજની વાડાના કાંતિભાઈ રાવલના હાથમાં છે. અત્યારે માતાજીની સેવામાં ચાર પૂજારી કાર્યરત છે જેનો હક છેક વડોદરા સ્ટેટ વખતથી ચાલ્યો આવે છે. દર વરસે પૂજાનો વારો બદલાય છે. મોટા અંબાજીની માફક અહીંયાં પણ ભટ્ટજી મહારાજની ગાદી જેમ પૂજાનો વારો બદલાય છે. ચાર પરિવારો જે હાલમાં (૧) નવીનચંદ્ર રાવલ, (૨) ખોડીદાસ નટવરલાલ રાવલ. (૩) જસવંતભાઈ કે. રાવલ અને (૪) પ્રવિણભાઈ ત્રિવેદી દરેકને એક-એક વરસનો વારો મળે છે. આમાં પહેલા ત્રણ તપોધન બ્રાહ્મણ છે જ્યારે પ્રવિણભાઈ ત્રિવેદી ઔદિચ્ય બ્રાહ્મણ છે.      


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles