સંપ ત્યાં જંપ
કલહ ત્યાં નુકશાન
બાળપણમાં મા પાસે એક વાર્તા સાંભળી હતી.
એક વેપારીથી લક્ષ્મીજી નારાજ થઈ ગયાં.
તેમણે કહ્યું –
“તેં મને નારાજ કરી છે. હું હવે તારી સાથે રહેવા માંગતી નથી. તને છોડીને જઈ રહી છું. અત્યાર સુધી તેં નફો જ જોયો છે હવે નુકશાન આવી રહ્યું છે.
પરંતુ આટલો લાંબો સહવાસ છે જતાં જતાં તારી છેલ્લી ઈચ્છા હોય તે માંગ હું પૂરી કરીશ”
વેપારી સમજદાર હતો.
એણે લક્ષ્મીજીને કહ્યું, “મા ! આપ ભલે નારાજ થયાં છો નુકશાન આવે તો ભલે આવે પણ મને વરદાન આપો કે મારા પરીવારમાં એકબીજા માટેનો પ્રેમ અને હેતપ્રીત કાયમ રહે.”
લક્ષ્મીજીએ કહ્યું, “તથાસ્તુ !”
થોડાક દિવસોમાં લક્ષ્મીજીએ વિદાય લીધી.
પેલા વેપારીની દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો. પરીવાર એના માટે દાગીના ખરીદવા ગયુ. ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે ખોટા સોનાનો સેટ તેમને પધરાવી દેવામાં આવ્યો હતો. બધા દુખી થયા પણ લક્ષ્મીજીનું વરદાન હતું એટલે વેપારીને ગુસ્સો ન આવ્યો. એણે શિખામણના બે શબ્દો કહી વાત પૂરી કરી. હવે એને સમજાઈ ગયુ હતુ કે નુકશાન તેનો પીછો છોડવાનું નથી.
ઘરે જતાં રસ્તામાં લક્ષ્મી નારાયણનું મંદિર આવતું હતું. વેપારી મંદિરમાં દર્શન કરવા ગયો. તહેવારનો દિવસ હતો. ખાસી ભીડ હતી. બહાર આવીને એણે જોયું તો કોઈ ગઠિયો એના ખિસ્સામાંથી પાકીટ ઉઠાવી ગયો હતો. વળી પાછુ નુકશાન થયું.
વેપારી ઘરે પહોંચ્યો. સાંજના વાળુ માટે નાના દીકરાની વહુએ ખીચડી બનાવી હતી. હાથ પગ ધોઈ એ જમવા બેઠો. પહેલે કોળીએ જ એને ખ્યાલ આવી ગયો કે ખીચડીમાં મીઠું એકદમ વધારે પડી ગયું હતું.
વેપારી સમજદાર હતો. ભાગ્યની રમત એ સમજતો હતો.
કંઈ પણ બોલ્યા વગર એણે જમી લીધું.
પછી મોટો દીકરો આવ્યો. એને પણ કોળીયો મોઢામાં મૂક્યો એટલે ખારો દવ લાગ્યો. એણે પુછ્યું, “પપ્પાએ જમી લીધું? એમને કંઈ કહ્યું?”
જવાબ મળ્યો, ”હાં જમી લીધું ! કંઇ જ કહ્યું નથી”
દીકરાએ વિચાર્યું કે પિતાજી કંઇ નથી બોલ્યા તો મારે અન્નને અપમાનિત કરીને શું કામ છે? એણે પણ ચૂપચાપ જમી લીધું.
ઘરનાં એક પછી એક સદસ્યોએ જમી લીધું પણ કોઈએ મોઢામાંથી ખીચડીમાં મીઠું ખૂબ વધારે નખાઈ ગયું છે એવો એક શબ્દ કાઢ્યો નહીં.
રાત પડી. નુકશાન વેપારી પાસે આવ્યું. હાથ જોડ્યા અને કહ્યું, “હું જઈ રહ્યો છું”
વેપારીએ કહ્યું, “કેમ ! આટલા જલદી?”
નુકશાને જવાબ આપ્યો, “તમે આવી ખારી દવ ખીચડી ખાઈ ગયા તો પણ ઝગડો ન થયો. મને લાગે છે કે અહીંયાં મારું કંઇ કામ નથી.
આ આખીય વાર્તાનો સાર એવો નીકળે –
જ્યાં ઝગડો છે
કંકાસ છે
કજિયાટંટા થાય છે
ત્યાં નુકશાન છે.
જ્યાં સંપ છે
જ્યાં પ્રેમ છે
જ્યાં હેતપ્રીત છે
ત્યાં સમૃધ્ધિ અને લક્ષ્મીનો વાસ છે.
કુટુંબમાં હેતપ્રીત જાળવી રાખો
વડીલો હોય તો સહન કરતાં શીખો
ભાવશે, ફાવશે અને ચાલશે શબ્દને જીવનમાં ઉતારો
સુખ અને સમૃધ્ધિ તમારી પગચંપી કરશે.