featured image

સિદ્ધપુર જેને કિનારે વસ્યું છે તે સરસ્વતી નદી આશરે ૬૦,૦૦૦ વરસોનો ઇતિહાસ સાચવીને બેઠી છે.   

સિદ્ધપુર પુણ્યસલીલા સરસ્વતીને કિનારે વસેલું છે. આ સિદ્ધપુર પાસેનો સરસ્વતી નદીનો પ્રવાહ આશરે ૬૦,૦૦૦ વરસોનો ઇતિહાસ સાચવીને બેઠો છે. ૩૦,૦૦૦ વરસથી આ પ્રવાહ અહીં વહી રહ્યો છે એવું આ વિષય સંદર્ભે સરસ્વતી શોધ અભિયાન સાથે જોડાયેલા ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક શ્રી પ્રભુલાલભાઈ ઠક્કરનું તારણ છે. તેઓશ્રીએ પોતાના આ સંશોધનના નિચોડ સમી નોંધ સિદ્ધપુર ઉપર પ્રગટ થનાર પુસ્તક માટે લખી આપી છે. સરસ્વતી શોધ અભિયાન સાથે વરસોથી સંકળાયેલા અને અવકાશ વિજ્ઞાન સંશોધન સંસ્થાનના વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી પ્રભુલાલભાઈ ઠક્કર કરતાં વધુ અધિકૃત વ્યક્તિ આ વિષય માટે ભાગ્યે જ ઉપલબ્ધ થઈ શક્યા હોત. તેઓશ્રીના ઋણસ્વીકાર સાથે વૈદિક સરસ્વતી નદી સંલગ્ન અત્યંત અધિકૃત માહિતી ધરાવતો લેખ અહીં રજૂ કર્યો છે.  

વૈદિક સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન કૈલાસમાં સરોવરથી આશરે દોઢસો કિલોમીટર દૂર આવેલા ગાંગલા રિંગ ત્સો - ગંગા ઘાટ મુખ સરોવર હતું. ગંગા ઘાટ મુખ સરોવરમાં જુદા જુદા પ્રાણી મુખમાંથી જુદી જુદી આપણી મુખ્ય નદીઓનાં ઉદગમ સ્થાન હતાં. સરસ્વતી નદી આ સરોવરના ગૌમુખમાંથી નીકળી કૈલાસ પાસે આવેલા કપાલ, મા સરોવર તથા રાક્ષસ તાલમાં વહી ત્યાંથી વાયવ્ય દિશામાં વહી પ્લક્ષ પ્રશ્રવણ સરોવરમાં થઇ આજના સતલજ નદીના પ્રવાહમાં વહી તીર્થપુરીથી આદિબદરી સુધી વહેતો હશે. આ પ્રવાહ પહેલાં ધોળી ગંગા તથા ઋષિ ગંગાના પ્રવાહમાં વહેતો હશે. ત્યાર પછી ભૂકંપ જેવા પરિબળોના કારણે આ પ્રવાહ ઉત્તર તથા પશ્ચિમ દિશા તરફ ખસતાં આદિ બદરી એટલે કે આજના તિબેટમાં આવેલ ધૂલિન્ગ મઠથી આજની માંગ નાંગ ત્સાન્ગપો નદીના પ્રવાહમાં વહી માના પાસ થઇ, માના પાસની દક્ષિણે, દક્ષિણ દિશામાં વહી માના ગામ સુધી વહેતો હશે. માના ગામની ઉત્તરમાં સરસ્વતી નદીના જમણા કાંઠા પર માના ગામથી આશરે ત્રેવીસ કિલોમીટર દૂર સરસ્વતી નગર પણ આવેલું હતું. માના ગામથી ઉત્તરમાં થોડે દૂર સરસ્વતીનું મંદિર પણ આવેલું છે. માના ગામમાં વ્યાસનું મંદિર, વ્યાસ ગુફા, ગણેશનું મંદિર તથા ભીમ પૂલ પણ આવેલ છે. સરસ્વતી નદી માના ગામથી દક્ષિણમાં ત્રણ કિલોમીટર દૂર અલકનંદા નદીને મળે છે જે વિષ્ણુ પ્રયાગના નામે ઓળખાય છે.   

ત્યારબાદ આ પ્રવાહ આજની ગંગા નદીના પ્રવાહમાં વહી ઋષિકેશ હરદ્વાર સુધી આવતો હશે. ત્યાંથી આ પ્રવાહ બિજનૌર સુધી વહી બિજનૌરથી બુદ્ધિ ગંગાના પ્રવાહમાં વહી આજના પ્રવાહથી ઉત્તરમાં વહી પ્રયાગરાજ અલ્લાહાબાદ સુધી વહી ત્યાંથી પૂર્વમાં છપરા સુધી વહેતો હશે, છપરાથી આ પ્રવાહ દક્ષિણ દિશામાં આજના સોન નદીના પ્રવાહમાં વહી અમરકંટક સુધી વહેતો હશે. અમરકંટકથી આ પ્રવાહ આજની નર્મદા નદીના પ્રવાહમાં વહી ભરૂચ સુધી વહેતો હશે. ભરૂચથી આ પ્રવાહ પશ્ચિમ દિશામાં વહી સૌરાષ્ટ્રની ભૂમિ પર ભાદર નદીના પ્રવાહમાં ગિરનાર સુધી વહેતો હશે. ત્યાંથી ઓઝત નદીના પ્રવાહમાં વહી પ્રાચી પાસે વહી સરસ્વતીનો પ્રવાહ સોમનાથ પાસે ત્રિવેણી સંગમ પાસે અરબી સમુદ્રમાં મળતો હશે.    

આ સમયે ગુજરાતના ખંભાતનો અખાત કે કચ્છનો અખાત અસ્તિત્વમાં ન હતા. સમુદ્રના પાણીની સપાટી, આજે છે તેના કરતાં, એક સો વીસ મીટર જેટલી નીચે હતી. એટલે કે, ખંભાતનો અખાત હતો નહીં, અને લોકો ભરૂચ તરફથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં બળદ ગાડામાં બેસીને જતા હતા તેવા ઉલ્લેખ સાહિત્યમાં વાંચવા મળે છે.

આપણે અહીં સિદ્ધપુર પાસે સરસ્વતી નદીના પ્રવાહની વાત કરવી છે. હિમાલયમાં તિબેટમાં આવેલા ગંગા ઘાટ મુખ સરોવરના ગૌમુખમાંથી નીકળેલી સરસ્વતી નદી અલ્હાબાદ પાસે વહેતી હતી. જે છપરા સુધી વહી સોન નદીના પ્રવાહમાં વહેતી હતી. સમય જતાં જેમ જેમ હિમાલયની ઊંચાઈ વધતી ગઈ અને વર્તમાન ભારત તથા ભારતવર્ષના પ્રદેશોમાં ધરતીકંપ તથા સુનામી જેવા બનાવો વારંવાર બનતાં આ સમગ્ર પ્રવાહમાં વારંવાર ફેરફારો થતા રહ્યા અને સોનના પ્રવાહમાં વહેતો સરસ્વતીનો પ્રવાહ હાથની, પરબતી, કાલીસિંધ તરફ પશ્ચિમ દિશામાં વહેતી આજની નદીઓના પ્રવાહમાં વહી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા ગુજરાતની વિવિધ નદીઓના પ્રવાહમાં વહી કોઈ કાળે મહી તથા સાબરમતી નદીઓના પ્રવાહમાં પણ વહેતો હતો જેના પુરાવા સાહિત્યમાં પણ જોવા મળે છે. 

સરસ્વતી નદીના પ્રવાહમાં ફેરફાર થતાં, કોઈ કાળે આ પ્રવાહ, અલ્હાબાદથી પશ્ચિમમાં યમુના નદીના પ્રવાહમાં હમીરપુર સુધી વહેતો હશે. ત્યાર પછી વર્તમાન ચંબલ નદીના પ્રવાહમાં વહી રાજસ્થાનના કોટા પહેલાં કોટાથી આશરે એક સો વીસ કી.મી. પહેલાં પૂર્વ બનાસ નદીના પ્રવાહમાં વહી ટોંક પાસે વહેતી હશે. તે વર્તમાન બિસલપુર ડેમ, ઝાઝપુર, હમીરગઢ, ભીલવાડા, નાથદ્વારા પાસે વહી ઢોલ, ઓગણા, ગોગુંદા, પોશીના પાસે સાબરમતી નદીના પ્રવાહમાં વહી વર્તમાન ધરોઈ ડેમ સુધી આવી ત્યાંથી પશ્ચિમમાં વહી વર્તમાન મોકેશ્વર ડેમની ઉત્તરમાં હાલની ઉત્તર ગુજરાતની સરસ્વતી નદી જે આબુ પાસેના કોટેશ્વર પાસેથી ઉદ્ભવ પામે છે તેના પ્રવાહમાં મળી આગળ સિદ્ધપુર, દેથલી પાસે વહી તે હાલના પાટણ શહેર પાસે પાટણ શહેરથી પૂર્વમાં વહી દક્ષિણ દિશામાં લોટેશ્વર પાસે વહી સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામ પાસેથી દક્ષિણ દિશામાં વહી દ્રૌપદી કુંડ પાસે વહી બ્રાહ્મણી નદીના પ્રવાહમાં વહી તરણેતર પાસે થઇ દક્ષિણમાં વહી આ પ્રવાહ સોમનાથ પાટણ સુધી વહેતો હશે. દ્રૌપદી કુંડ હરિયાણા રાજ્યના કુરુક્ષેત્રમાં તથા ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા પાસે એક અને બીજો દ્વારકામાં આવેલ છે.      

સિદ્ધપુર પાસેનો સરસ્વતી નદીનો પ્રવાહ આશરે સાઈઠ હજાર વર્ષોનો ઇતિહાસ સાચવીને બેઠો હોય તેવું અનુમાન કરીએ તો ખોટું નહીં ગણાય. અહીંથી ભેખડમાંથી લીધેલ નમૂનાઓ પરથી વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરતાં જણાયું છે કે ત્રીસ હજાર વર્ષોથી આ પ્રવાહ અહીં વહી રહ્યો છે.

પાટણના સહસ્રલિંગ સરોવરમાંથી લીધેલા માટીના નમૂનાઓનું પૃથ્થકકરણ કરતાં જાણવા મળ્યું છે કે, લગભગ નવ વખત આ સરોવરમાં પૂર આવવાથી અહીં માટી તણાઈ આવેલ છે. આમ ભૂતકાળમાં, સરસ્વતી નદીમાં ભયંકર કહી શકાય તેવાં પૂર નવ વખત, આવ્યા હશે.

ઝીંઝુવાડા પાસે ઝીલ્લંધણ કુંડ / તીર્થમાં, સરસ્વતી નદીનું પાણી આવતું હતું, તેવું લખાણ, સરસ્વતી મહાત્મ્ય નામના ગ્રંથમાં, જોવા મળે છે. આ ગ્રંથ, શ્રુતિ સ્મૃતિ પદ્ધતિ આધારિત, લખાયેલો ગ્રંથ છે. મહારાજ શ્રી પાસેથી રોજ કથાનું શ્રવણ કરી, તે યાદ રાખી તેને બીજા પાસે લખાવી, કચ્છના દીવાનના વિધવા પત્ની કંકુબેન મોતીલાલ લાલભાઈએ ઈ.સ. ૧૮૮૬માં કચ્છના મહારાઓના ભુજમાં આવેલ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવી પ્રસિદ્ધ કરેલ છે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles