સિદ્ધપુર શહેરની ઉત્તર બાજુનો દરવાજો પશુવાદળની પોળ તરીકે જાણીતો છે. ત્યાંથી ઉત્તર દિશામાં આંકવી થઈને પશવાદળ નામનું બનાસકાંઠાના વડગામ તાલુકાનું ગામ જ્યાં શકટામ્બિકા માતાજીનું મંદિર આવેલું છે ત્યાં જવાય. કદાચ એ કારણે આ દરવાજાનું નામ પશવાદળ અથવા પશુવાદળની પોળ પડ્યું હશે. આ દરવાજાથી બહાર નિકળીએ એટલે તરત જ ઉત્તરથી દક્ષિણ તરફ વહી જતી સરસ્વતી નદીનો પ્રવાહ નજરે પડે. આ નદીનું વહેણ આગળ જતાં સિદ્ધપુર શહેરને મધુ પાવડીએ ટપલીદાવ કરીને પશ્ચિમમાં પાટણ તરફ વહી નીકળે. એક જમાનામાં મોક્ષ પીપળો અને એની નીચેનો ધરો જેનાં પાણી ક્યારેય સુકાતાં નહી એવી આ સરસ્વતી એટલે જ કુંવારિકા કારણ કે એ સાગરને મળતી નથી.
આ પુણ્ય સલિલા સરસ્વતી એનાં ખળખળ વહી જતાં પાણી એને કિનારે વસેલા સિદ્ધપુર શહેરને હમ્મેશાં નિર્મળ જળથી સિંચતાં રહે. સરસ્વતીનાં જળની સરવાણીઓ ફૂટતી રહે અને શહેરના એ કૂવાઓનાં મીઠાં કોપરા જેવાં પાણી સરસ્વતીના વહેણને કારણે ક્યારેય સુકાય નહીં. આ નદી આરાસુરના પર્વતથી નીકળી અંબાજીથી ત્રણેક માઈલ દૂર કોટેશ્વર મહાદેવ પાસેના કુંડમાં ઝરણું બનીને પડે એ ઝરણું કુંડ ઉપર બાંધેલા એક ગૌમુખમાંથી સરસ્વતી કુંડમાં પડે છે અને આ જ કુંડમાંથી છલકાઈ ભગવાન શિવના ચરણોને પખાળતો આ પ્રવાહ આગળ જતાં અદ્રશ્ય થાય છે. વળી આગળ દેખાય એ પ્રમાણે ચાલી છેક સિદ્ધપુર સુધી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે.
પશ્ચિમથી પૂર્વ તરફ વહેતા પાણીમાં ન્હાવાનું માહાત્મ્ય મોટું છે અને આ કારણથી જ સરસ્વતીને તીરે વસેલા સિદ્ધપુર ક્ષેત્રમાં સરસ્વતી સ્નાન કરવાનું માહાત્મ્ય કાશી અને અયોધ્યા કરતાં પણ વધુ ગણાયેલું છે. શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિ ખંડ અધ્યાય ૬માં ઉલ્લેખ્યા મુજબ નારદજી ભગવાન નારાયણને પૂછે છે –
कथं सरस्वती देवी गङ्गाशापेन भारते
कलया कलहेनैव समभूत्पुण्यदा सरित्
અર્થ થાય હે પ્રભુ ! ગંગાજીના શ્રાપથી સરસ્વતી દેવી કઈ રીતે ઉત્પન્ન થયાં તે અંગે આપ કહો. આમ સરસ્વતી કોઈક કારણસર ગંગાજીના શ્રાપથી ઉત્પન્ન થાય છે તે વાતની શરૂઆત કયા કથનથી શરૂ થાય છે.
જવાબમાં ભગવાન નારાયણ કહે છે -
लक्ष्मीस्सरस्वती गङ्गा तिस्रो भार्य्या हरेरपि
प्रेम्णा समास्तास्तिष्ठन्ति सततं हरिसन्निधौ
અર્થાત હે નારદ લક્ષ્મી, સરસ્વતી અને ગંગા એ ત્રણેય મારી અર્ધાંગિનીઓ ખૂબ સ્નેહપૂર્વક હમ્મેશાં મારા સન્મુખ રહેતી હતી. પણ એક વખત બન્યું એવું કે –
विभुर्जहास तद्वक्त्रं निरीक्ष्य च मुदा क्षणम्
क्षमां चकार तद्दृष्ट्वा लक्ष्मीर्नैव सरस्वती
ગંગાજી મારી સાથે (એટલે કે ભગવાન નારાયણ સાથે) હસી મજાક કરી રહ્યાં હતાં. તેમની આ પ્રસન્નતા જોઈને લક્ષ્મી તથા સરસ્વતીને ઈર્ષા થઈ (ગંગાજી પ્રત્યે ઈર્ષા કરનારી પોતાની બંને અર્ધાંગિનીઓ લક્ષ્મી અને સરસ્વતી પર આ કારણથી ભગવાન નારાયણ નારાજ થયા). ઈર્ષા થઈ તે જોઈને મારા(ભગવાન નારાયણ) મનમાં લક્ષ્મી અને સરસ્વતીને અહીથી દૂર કરવાં તેવો વિચાર થયો.
પોતાના પતિ એવા ભગવાન નારાયણની ઈચ્છા જાણીને ગંગાજી એ કહ્યું –
इत्येवमुक्त्वा गंगाया जिघृक्षुं केशमुद्यताम्
वारयामास तां पद्मा मध्यदेशस्थिता सती:
આમ તમો બન્ને જણ (લક્ષ્મી અને સરસ્વતી) જળ રૂપ થઈ જાઓ એવો શ્રાપ ગંગાજી આપ્યો. આ વાત આગળ વધારતાં ભગવાન નારાયણ નારદજીને કહે છે કે તેમની પોતાની ઈચ્છા પણ આ બંનેને ભારત ભૂમિના વિષે મોકલવાની થવાથી તેમણે જળરૂપ થઈ નદીની માફક વહન કરવા કહ્યું.
भारती यातु कलया सरिद्रूपा च भारतम्
अर्द्धांशा ब्रह्मसदनं स्वयं तिष्ठतु मद्गृहे
આમ સરસ્વતી પૃથ્વી પર આવ્યાં તે માત્ર ને માત્ર ભગવાન નારાયણની નારાજગી અને ત્યારબાદ ભારત ભૂમિ વિષે તેઓ જળ બની વહે તેવી ઈચ્છા.
આમ પોતાની અર્ધાંગિનીઓ જેના હ્રદયમાં ગંગાજી માટે ઈર્ષા પેદા થઈ હતી તેને ભગવાન નારાયણે શ્રાપ તો આપ્યો પણ સાથે સાથે સરસ્વતીના કિનારે વસેલ તીર્થ પૃથ્વી વિશેના અનેક તીર્થો કરતાં વિશેષ પવિત્ર બનશે એવું ભગવાન નારાયણે વચન આપ્યું.
મા સરસ્વતીની જળરૂપે ઉત્પત્તિ અને તેનું પ્રાગટ્ય તથા વિવિધ સ્વરૂપો વિષે પદ્મ પુરાણમાં પ્રમાણો સાથે નીચે મુજબ વર્ણન કર્યું છે.
तीर्थानां प्रवरं तीर्थं चतुर्वर्गप्रदायकम्
कलौ धर्मकरं पुंसां मोक्षदं चार्थदं तथा - पद्मपुराणम्/खण्डः ६ (उत्तरखण्डः)/अध्यायः ०२१
હે નારદ ! પૃથ્વીના વિષે અનેક તીર્થો છે તેમાં આ કરતાં બીજું એકે શ્રેષ્ઠ હોવાનું જણાતું નથી.
वग्रस्तंवातसुविपुला प्रवृताचोत्तरामुखी
गत्वाततोनातिदुरात पुण्ययतिपरान्मुखी
ततःप्रभाती सदेवी प्रसन्ना प्रकटास्थिता
સરસ્વતી પ્રથમ પ્રગટ થઈ ઉત્તર ભણી ચાલી. કેટલુંક દૂર ગયા બાદ પૂર્વે મુખે થઈને પોતાનું સ્વરૂપ બતાવ્યુ.
अंतर्ध्यानम परित्यज्य प्राणिनामनुकंपया
कंकासुप्रभाचैव नंदाप्राची सरस्वती - सष्टीखंडे - ब्रह्मवैवर्त पुराण
અને પોતે જે અંતર્ધ્યાન હતા તે પ્રાણીઓ ઉપર દયા કરવાના હેતુથી પોતાના સોના સરખા પ્રભાવવાળા સરસ્વતી વહેવા લાગ્યાં.
प्राच्य नध: सरस्वती मपियन्ती सस्त्रोतस:
सरस्वतितु पश्चधा सोदेशे इम वत्सरित - यजुर्वेदसहिंता
પ્રથમ સરસ્વતી પાંચ રૂપે પ્રગટ થયા અને તે પાંચ દેશના વિષે વહેવા લાગ્યાં.
रुद्रावर्ते कुरुक्षेत्रे पुष्करे श्रीस्थलेस्तथा
प्रभासे पंचमे तीर्थे पंच प्राचीस्मराम्यहम
તેઓનું એક સ્વરૂપ, રુદ્ર વૃતમાં બીજું કુરુક્ષેત્રમાં ને ત્રીજું પુષ્કર રાજ્યમાં તથા ચોથું સિદ્ધક્ષેત્રમાં અને પાંચમું પ્રભાસમાં છે. આ રીતે પ્રાચિ સરસ્વતી રૂપે તેમણે દર્શન આપ્યાં.
सरस्वती महापुण्या ह्लादिनी तीर्थमलिनी
संसेवितामुनिभि: सिद्धेश्वापि समंतत:
- महाभारते अध्याय ९ वनपर्व
હે નારદ ! આ સરસ્વતી યશ અને પુણ્યકારક છે કારણ તેના હ્રદય વિષે ઘણાં તીર્થો રહેલાં છે અને સિદ્ધ મુનિઓએ જેની સેવા કરેલી છે એવાં.
प्राची सरस्वतीयत्र नरोकिंमुग्यते परम
तस्यास्नानातफलम तृप्तेयतपोयज्ञादी लक्षणम - पद्मपुराणे
સરસ્વતીને કિનારે જે સજ્જનો રહી સ્નાન કરે છે તેમણે બીજા તીર્થો ખોળવાની જરૂર નથી કારણ (સરસ્વતી) તપ, યજ્ઞ વિગેરેની વૃદ્ધિ કરવાવાળાં છે.
मन्दाकिनी मुदिक्ष्यंती स्थितायत्न सरस्वती
तथाकामफलस्येयम हेतुभूतामहानदी
ગંગાજી પણ જેની ઈચ્છા કરે છે એવાં સરસ્વતી દરેકના મનોરથને જાણવાવાળી એવી મહાન સરસ્વતી.
तपस्विना तपोरुपा जलस्याकार रूपिणी
कृतपापे ध्मदाहाय ज्वलद्ग्नि स्वरूपिणी - ब्रह्मवैवर्त पुराणे
તપસ્વીને તપ રૂપમાં છે અને પાપીયોના પાપોને અગ્નિની માફક બાળવાવાળી છે તે જળરૂપે વહન કરે છે.
ज्ञानेसरस्वती तोये मृतम्यैमानवैभ्रूवि
स्तेपांस्थितीच वैंकुठे सूचिरम हरिसंसदि
હે નારદ ! સરસ્વતી જળથી પૃથ્વીના મનુષ્યો જ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ હરિ સન્મુખ રહે છે.
भारतेकृत्पापिच स्नात्वातत्र प्रलीलया
मुच्यतेसर्वपापेभ्यों विष्णुलोके वसेत चिरम
ઘણાં પાપો કરી કોઈ માણસ ભાવે અભાવે (પણ સરસ્વતીમાં) સ્નાન કરે છે તો પણ તેના સર્વે પાપનો ક્ષય થઈ તે વિષ્ણુ લોકમાં જાય છે.
आनुष्गेणय:स्नाति हेल्वाश्रधयापिवा
सारूप्य लभ्तेनूनम वैंकूथे सहरेरपि
વળી કોઈ માણસ સરસ્વતીમાં તિરસ્કારથી અગર અશ્રદ્ધાથી સ્નાન કરે તો પણ તે બંને પરમાત્માના રૂપને અવશ્ય પામે છે ને વૈકુંઠમાં વાસ કરે છે.
सरस्वतीमंत्रकश्च मासमेकं तुयोजपेत
मહાमूर्ख: कविन्द्श्च संभावेनात्रसंशय
જો માણસ સરસ્વતીનો મંત્ર એક માસ સુધી સમરે તો તે પોતે મહામૂરખ હોય તો પણ મહાજ્ઞાની થાય છે એમાં કઇ પણ સંશય નથી.
नित्यं सरस्वतीतोये: स्नातिमुन्द्येन्नर:
नगर्भवासकुरुते पुनरेवसमानव:
હે નારદ ! જે માણસ દરરોજ સરસ્વતીના જળના વિષે સ્નાન કરે છે તેને ફરીથી ગર્ભ વાસ કરવો પડતો નથી.
चतुर्दश्य पौर्णीमास्यामक्षयाय दिनक्षये
व्यतिपातेच्गृहणे न्थ्स्मितपुजन्य दिनेपिच
હે નારદ ! જે માણસ દરેક ચૌદશે, પૂનમે, આમાવસ્યાએ, ક્ષયના દિવસે, વ્યતીપાતે, ગ્રહણના દિવસે, અગર કોઈ પુણ્ય કારક દિવસે આ કામનાથી જે મનુષ્ય બીજાનો ત્યાગ કરી પ્રાચીમાં સ્નાન કરી પિંડ આપે છે તેના સર્વે પિતૃ તૃપ્ત થઈ ઉત્તમ પદને પામે છે.
सरस्वत्यामहाराज अनुसंव्त्सरंचत
द्श्यते भारतश्रेष्ठम वृतावैकार्तिकीसदा
અથવા
હે નારદ ! આખા વરસ વિષે તથા કાર્તિકીના વિષે આ ભારત ભૂમીમાં શ્રેષ્ઠ એવી સરસ્વાતિમાં સ્નાન કીર્તન કરનારને તે મોક્ષ આપે છે. હવે બીજું શું સાંભળવાની તમારી ઈચ્છા છે તે કહો. (આમ પ્રમાણે ભગવાને નારદને કહ્યું છે)
(સંદર્ભ : સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ પાનાં ૭ થી ૧૧)
इतयेव कथित: किंचित भारततिस्नान कीर्तनम
सुखदंमोक्षदंसार किमन्यत श्रोतुमिस्छसि - ब्रह्मवैवर्त पुराण
આજ પુસ્તકમાં શ્રી સરસ્વતી દેવીનું મંદિર તેમજ સિદ્ધનાથ મહાદેવ વિષે પણ નીચે મુજબ કહેવાયું છે.
શ્રી સરસ્વતિ દેવી મંદિર
ઘણા કાલથી સરસ્વતી આ શ્રીસ્થળના વિષે વહન કરે છે પણ તેની પ્રતિષ્ઠા ૧૯૪૬ સુધીમાં કરાયેલી હોવાનું જણાતું નથી. થોડા સમયમાં એટલે સંવત ૧૯૪૬ની સાલમાં તેમની ઈચ્છા (સરસ્વતી) થી સિદ્ધપુર નિવાસી બ્રાહ્મણોના મનમાં પ્રતિષ્ઠાની સ્થાપના કરવાની ઈચ્છા થઈ તે દરમ્યાન સુરતના વતની મુંબઈ નિવાસી દામોદરદાસ તાપીદાસ જ્ઞાતે મોઢ વાણિયા યાત્રાર્થે જ સિદ્ધપુર આવ્યા ત્યાં તેમણે સ્વપ્ન દ્વારા સરસ્વતીએ જણાવ્યુ કે હે દામોદર ! હું તારા ઉપર પ્રસન્ન થઈ છું અને મારી ઈચ્છા છે કે તું મારૂ એક દેવાલય આ ક્ષેત્રમાં બાંધીને મારી પ્રતિષ્ઠા કર, કારણ તું ધનાઢ્ય છું ને મારો પરમ ભક્ત છું. આ પ્રમાણે તેમણે સ્વપ્ન દ્વારા એ સાંભળી તુરત જાગૃત થયાને પોતાના સ્વપ્નની વાત બ્રાહ્મણોને જણાવી. બ્રાહ્મણોએ કહ્યું કે – “અમારી ઈચ્છા પણ તમોને કહેવાની જ હતી” આ પ્રમાણેનું બ્રહ્માણોનું બોલવું સાંભળી તેણે (દામોદરદાસે) મંદિર બંધાવવાનો નિશ્ચય કર્યો અને મંદિર બંધાવવાની શરૂઆત કરી. તે કામ સંવત ૧૮૫૦ના માગશર સુદ પાંચમને દિવસે પૂરું કરી સરસ્વતીની મુર્તિની સ્થાપના કરી પોતાની માતુશ્રી પ્રાણકોરના નામથી પ્રસિદ્ધ કરી તેમના તરફથી દરરોજ બ્રાહ્મણો અગર સાધુઓને સદાવ્રત આપવાનું ચાલુ કર્યું અને માતાને નૈવેધ તથા નોકર ચાકર વગેરેના ખરચ માટે દર વર્ષે રૂ ૧૫૦૦/- (પંદરસો) આવક ઉપરાંત બાંધી આપ્યાં તે અધ્યાપિ ચાલુ છે.
સદર શેઠ તરફથી પોતાની અર્ધાંગના હરકોરના પુણ્યાર્થે સદર મંદિરની થડમાં એક ભવ્ય ધર્મશાળા બંધાવી ખુલ્લી મુકેલી છે. તેની વ્યવસ્થા માટે પણ નિમણૂંક શેઠ તરફથી બાંધી આપી છે. ધર્મશાળામાં આવનાર સજ્જનોને અડચણ ના પડે તેના માટે પણ શેઠશ્રી તરફથી વાસણ ગોદડાં વિગેરેની સારી વ્યવસ્થા થાય છે.
સિદ્ધનાથ મહાદેવ
સરસ્વતિ કિનારા આગળ જ્યાં મોક્ષ પિપળો છે ત્યાં ઘાટ ઉપર એક બારી છે. એ બારીની અંદર સિદ્ધનાથ મહાદેવનું દેવાલય છે. આ દેવાલય ઘણું ભવ્ય રમણીય છે અને તેની આજુબાજુ ધર્મશાળા. આ મહાદેવની સ્થાપના સિદ્ધરાજે કરેલી છે. તેમણે રુદ્રમાળો બંધાવ્યો ને ઘણા દેવોની સ્થાપના કરી તે જ વખતે આ સ્થાપના કરેલી છે. આ મહાદેવને સરકાર તરફથી રૂપિયા બાવીસસોનું વર્ષાસન મળે છે. મહાદેવના માટે કથા એવી છે કે જે પુરુષ શ્રાદ્ધ કરી આ મહાદેવની પુજા કરે, નહી તો તેનું શ્રાદ્ધ વળે નહિ.
આમ સરસ્વાતિ એ પાંચ સ્વરૂપે પ્રગટ થયાં તેમનું એક સિદ્ધક્ષેત્ર એટલે કે શ્રીસ્થળ અથવા સિદ્ધપુરને પાવન કરતું વહે છે. એમાં સ્નાન કરવાનું માહાત્મ્ય વિગેરે બાબતો પણ શાસ્ત્રોમાં છે.
કાર્તિક પુર્ણિમા તેમજ અન્ય દિવસોએ સરસ્વતી સાથે ગંગાજીનો પણ સંગમ થાય છે. આપણે ફિલ્મ “રામ તેરી ગંગા મેલી”નું ગીત ‘રામ તેરી ગંગા મેલી હો ગયી પાપીયો કે પાપ ધોતે ધોતે...’ સંભાળ્યું છે.
ગંગાજીમાં ડૂબકી લગાવીને અનેક લોકો પોતાના પાપમાંથી મુક્ત થાય છે. એવું કહેવાય છે જે ગંગામાં સ્નાન, યમુનાનું પાન, અને નર્મદાનાં દર્શન માત્રથી મોક્ષ મળે છે ત્યારે આ બધા પાપીઓનાં પાપ ધોનાર ભાગીરથી ગંગા એક દિવસે ભગવાન નારાયણને એટલે કે માધવને પોતાની પાપ મુક્તિ કેવી રીતે થાય તે બાબત પૂછે છે.
जाह्नव्युवाच-
कलिकल्मष कोट्यौघैर्ब्रह्महत्यादिकैर्युताः
कलिकाले हृषीकेश स्नानं कुर्वंति मज्जले
तेषां पापशतैर्दोषैर्देहो मे कलुषी कृतः
कथं यास्यति मे देव पातकं गरुडध्वज
એક વખતે ગંગાજી પરમાત્મા માધવને પૂછ્યું કે “એ ગરુધ્વજ, કળિયુગના વિષે બ્રહ્મ હત્યાદી કોટિ પાપો વાળા લોકો મારામાં સ્નાન કરી પાવન થાય છે તેમના પાપોથી હું દૂષિત થઈ પીડા પામું છું તે નિવારણ કરવાના ઉપાય માટે આપની પાસે આવી છું માટે કૃપા કરી તે બતાવો?
प्राचीमाधव उवाच-
कथयामि न संदेहो मा पुत्रि रोदनंकुरु
श्यामोवटस्तु मे स्थानं प्राचीदेवी ममाग्रतः
वहते ब्रह्मतनया दृष्ट्वाग्रे च सुरेश्वरीम्
स्नानं कुरुष्व नित्यं त्वं त्वत्र पूता भविष्यसि
यत्र ब्रह्मसुता प्राची तत्राहं नात्र संशयः
तीर्थकोटिशतैर्युक्तः सुरैः सह वसाम्यहम्
पवित्रं मत्प्रियं स्थानं हत्याकोटिविनाशनम्
संतुष्टेन मया दत्तं यस्मात्प्राणाधिकासि मे
तीर्थकोटिसहस्राणि नित्यं तिष्ठंति जाह्नवि
प्राचीसरस्वती तोये सर्वदैव ममाज्ञया
ब्रह्मवधात्सुरापानात्गोधवाद्वृषलीवधात्
ब्रह्मस्वहरणादेव मातापित्रोस्त्वपूजनात्
चक्रियानाद्गुरुद्रोहादभक्ष्यस्य च भक्षणात्
सर्वपापस्य करणात्प्राची ब्रह्मसुता सुते
व्यपोहयति पापानि सकृत्स्नानेन मेऽग्रतः
कुरु स्नानं सरिच्छ्रेष्ठे विपापा त्वं भविष्यसि
- पद्मपुराणम्/खण्डः ६ (उत्तरखण्डः)/अध्यायः ०३४
આ પ્રમાણે સાંભળી માધવ ગંગા પ્રત્યે કહેવા લાગ્યા કે – હે ગંગે ! તું કલ્પાંત કરીશ નહિ. હું તને પાપ મુક્ત થવાનું સ્થાન બતાવું છું તે સંભાળ. હું પ્રાચિ સરસ્વાતિ કિનારે નિવાસ કરું છું ત્યાં મારા આગળ બ્રહ્માની પુત્રી સરસ્વતી ઘણા દેવો સહ રહેલા છે, તેની અંદર દરરોજ સ્નાન કરવાથી તારાં તમામ પાપોનો નાશ થશે. હું ત્યાં આગળ તેત્રીશ કરોડ દેવતાઓ સાથે રહું છું. આ સ્થાન ઘણું પવિત્ર છે ને તે કોટિ પાપોનો નાશ કરનાર છે હું તારા ઉપર પ્રસન્ન થવાથી પ્રાણથી અધિક જે તીર્થ તે હું તને બતાવું છું, આ જગ્યાએ બ્રહ્મ હત્યાવાળો, સુરાપાન કરનારો, ગૌવધ કરનારો, બીજા પ્રાણીઓનો વધ કરનારો, બ્રાહ્મણોનું દ્રવ્ય ચોરનાર, માતા પિતા તથા દેવોનો તિરસ્કાર કરનાર, ગુરુ દ્રોહી, અભક્ષ્ય પદાર્થ ખાનાર તથા તે સિવાય બીજા પાપ કરનાર પણ હે ગંગા સરસ્વતીમાં એક વખત મારા સન્મુખ સ્નાન કરે તો તેના પાપો નાશ પામે છે. હે ગંગે! તું પણ ત્યાં જઇ સ્નાન કર એટલે તમામ પાપોનો નાશ થશે.
जाह्नव्युवाच-
नाहं शक्नोमि देवेश आगंतुं नित्यमेव हि
कथं नश्यंति पापानि कथयस्वेह माधव
ગંગાજી બોલ્યા કે હે માધવ ! મારામાં દરરોજ પાપી લોકો સ્નાન કરે છે ને તે પાપ નિવારણ કરવા દરરોજ આવી શકાય નહિ માટે મને સરળ માર્ગ બતાવો.
प्राचीमाधव उवाच-
न शक्नोषि यदागंतुं नित्यमेव हि जाह्नवि
तदान्यत्संप्रवक्ष्यामि यस्मान्मत्पादसंभवा
હે ગંગે ! તારાથી દરરોજ આવી ન શકાય તેમ હોય તો હું તને બીજો માર્ગ બતાવું છું તે તું સંભાળ.
चतुर्दश्य पौर्णीमास्याम्क्ष्याय दिनक्षये
व्यतिपातेच्गृहने न्थ्स्मितपुजन्य दिनेपिच
ચૌદસે, પૂનમે, અમાવાસ્યાએ, ક્ષયના દિવસે, વ્યતિપાતે તથા ગ્રહનના દિવસે અને બીજા કોઈ શુભ દિવસે આવી સ્નાન કરવાથી તારા પાપો નાશ થશે.
सरस्वत्यामहाराज अनुसाव्त्सरञ्च्त
द्श्यते भारतश्रेष्ठ वृतावैकर्तिकिसदा
વરસમાં ગમે તે દિવસે અગર તો કાર્તિકી પુર્ણિમા પર આવી સ્નાન કરવાથી આખા વરસના પાપોની મુક્તિ થશે.
આમ પતિત પાવની ગંગા સ્વયં ભગવાન નારાયણ એટલે કે માધવ જ્યાં વસી રહ્યા છે જ્યાં તેત્રીસ કરોડ દેવતાઓ તેમની સાથે વસી રહ્યા છે અને જ્યાં બ્રહ્માની પુત્રી સરસ્વતિ વહી રહ્યા છે તે પ્રાચિ સરસ્વતીના કિનારે સરસ્વતી સ્નાનનો મહિમા સમજી ગંગા પોતાના પાપોમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે તે અંગેનું વિવરણ કરે છે.
કારતક સુદી ચૌદસની મધરાતે સિદ્ધપુર તટે ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે. આ કારણથી કારતકી પુનમ સમયે ચૌદસની રાત્રે સરસ્વતી સ્નાન કરવાનો એક મોટો મહિમા છે. આત્મા એટલે તેજ પૂંજ અને તેજ પૂંજ એટલે દિપક. આ રાત્રે સરસ્વતીના વહેતા જળમાં તેજ પૂંજ રૂપી દિપક સ્વરૂપે પૂર્વજોને તરવા માટે દીવા મુકાય છે. આમ પુણ્ય સલીલા સરસ્વતી જે પ્રાચિ સરસ્વતીનું એક સ્વરૂપ છે તેના કારણે સિદ્ધપુર ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, ક્ષિપ્રા, કાવેરી જેવી પવિત્ર નદીઓના તીરે આવેલા તીર્થ ક્ષેત્રો કરતાં ઘણું પવિત્ર તીર્થ છે. પ્રાચિ સરસ્વતી ભગવાન નારાયણની અર્ધગીની પુણ્ય સલિલા, મોક્ષદાયીની છે. એના શાસ્ત્રોક્ત પ્રમાણો સહિત આ ચર્ચા અહીં રજૂ કરી છે. આ પુણ્ય સલિલા સરસ્વતીના કિનારે અગ્નિદાહ આપવાનું પણ વિશેષ મહત્વ છે. કાશીના માણિકર્ણિકા ઘાટ માટે એવું કહેવાય છે કે ત્યાં ગંગા કિનારે જે શબને અગ્નિદાહ આપવામાં આવે છે તેના કાનમાં સ્વયં ભગવાન શિવ તારક મંત્ર ફૂંકે છે.
આ સિદ્ધ ક્ષેત્ર પણ એવું જ પવિત્ર ક્ષેત્ર છે જ્યાંથી સ્વર્ગ હાથવેત છેટુ છે. સ્વયં ભગવાન નારાયણની અર્ધાંગિની પ્રાચિ સરસ્વતીનો આ કિનારો છે. અનેક તપસ્વીઓની આ તપોભૂમી છે. આ સિદ્ધક્ષેત્ર છે, શ્રીસ્થળ છે તીર્થરાજ પ્રયાગની સમકક્ષ મૂકી શકાય એવું પવિત્ર ક્ષેત્ર છે અને તેટલે જ પાપી મનુષ્ય સરસ્વતીમાં સ્નાન કરે તો પાપોથી મુક્ત થાય છે પણ સાથે સાથે સરસ્વતીનો કિનારો સેવનારાઓ એ પણ યાદ રાખવું જોઈએ કે -
अन्य क्षेत्रे कृतं पापं, तीर्थ क्षेत्रे विनश्यति
तीर्थक्षेत्रे कृतं, वज्रलेपो भविष्यति
આ શિખામણ મારા જેવા જેમના નસીબે સિદ્ધપુરની તીર્થભૂમિની રજ લેવાનું લખ્યું છે તેમના માટે ખાસ યાદ રાખવા જેવી છે.
કારણકે....... तीर्थक्षेत्रे कृतं वज्रलेपो भविष्यति