Sardar Vallabhbhai Patel
સરદારને આપણે જરૂર યાદ કરીએ
પણ એમના એમના જીવનમાંથી કશું નહીં શિખીએ ?
આજે સરદાર જયંતિ
૩૧ ઓક્ટોબર ૧૮૭૫
આપણા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ
મૂળ નામ વલ્લભભાઈ ઝવેરદાસ પટેલ
જન્મ મામાને ઘેર નડિયાદમાં
છેક ઈંગ્લેન્ડ જઇ સર્વોત્કૃષ્ટ રીતે બેરિસ્ટરની પરીક્ષા પસાર કરી.
બારડોલી ખેડૂત સત્યાગ્રહના સફળ નેતૃત્વએ એમને સરદારનું હુલામણું નામ અપાવ્યું.
આજે સરદાર વિષે ઘણું બધું લખાશે
ઘણી બધી વાતો સરદારના જીવન સાથે વણાયેલી છે.
મેં એ ફૂલછાબમાંથી છેવટનું ફૂલ પસંદ કર્યું છે.
ઘટનાક્રમ છે ૧૧ ડિસેમ્બરનો
૧૨ ડિસેમ્બરે સરદારને મુંબઈ સઘન સારવાર માટે લઈ જવાના હતા.
સરદારની તબિયત લથડતી ચાલી હતી.
પરિસ્થિતી અતિ ગંભીર હતી.
૧૨મી ડિસેમ્બરે સરદારને મુંબઈ લઈ જવા માટે બે ડાકોટા વિમાન તૈયાર રાખવામાં આવ્યાં હતાં.
૧૦મી ડિસેમ્બરે સરદાર ઊંઘી શક્યા નહીં.
મણિબેન, ડૉ. સુશિલાબેન ઐયર, બીજા ડોક્ટરો અને તેમના રહસ્ય સચિવ શંકર બધાં જ...
૧, ઔરંગઝેબ રોડ ખાતે જ રોકાયાં હતાં.
રાતભર સૌ ઊંચા જીવે જાગતાં રહ્યાં.
૧૧મી ડિસેમ્બરે દિલ્હીના તેમના તમામ સાથીઓ વારાફરતી તેમને મળવા લગાતાર આવતા રહ્યા.
શંકર અને મણિબેન મુલાકાતીઓનું પ્રવેશ નિયંત્રણ કરતાં રહ્યાં.
મળવા આવનાર સૌના ચહેરા પર અનાથ બની જવાનો ભય અને આંખમાં વ્યાકુળતા હતાં.
સવારે દસેક વાગ્યાના સુમારે સરદારના પ્રધાનમંડળના સાથી એન. વી. ગાડગીળ આવ્યા.
ગાડગીળ હમ્મેશા સરદારના સમર્થક રહ્યા હતા.
સરદારના કોઈ પણ વૈચારિક સંઘર્ષોમાં ગાડગીળ સરદારની સાથે જ રહ્યા હતા.
તેઓ સરદારના ખંડમાં તેમના પલંગ પાસે બેઠા
સરદારે આંખ ખોલી એમની સામે જોયું. સહેજ હસ્યા અને બોલ્યા –
“ગાડગીળ ! તમારી જવાબદારી વધી જશે.”
“એ કઈ રીતે, સરદાર ?” ગાડગીળે પૂછ્યું.
“જવાહરલાલ મોતીલાલનું મોંઢે ચડાવેલું બાળક છે.” સરદાર એક એક શબ્દ છૂટો પાડીને ધીમે ધીમે બોલ્યા : “મારી ગેરહાજરીમાં તમે એમને છોડશો નહીં. એમને સંભાળી લેજો.”
ગાડગીળ માટે સરદારનું આ કથન એટલું બધું અણધાર્યું હતું કે તેઓ સ્તબ્ધ થઈ ગયા. એક ક્ષણ એમનાથી બોલાયું નહીં. સરદારનું નહીં હોવું તેઓ કલ્પી જ શકતા નહોતા. એમણે સરદારનો હાથ પોતાના હાથમાં લીધો અને પછી બોલ્યા :
“સરદાર સાહેબ ! આપ મુદ્દલ ચિંતા કરશો નહીં. ડોકટરોએ કહ્યું છે કે આપ મુંબઈમાં સારવાર મળવાથી થોડા દિવસમાં જ સાજાનરવા થઈ જશો.”
સરદાર ફરી વાર હસ્યા અને પાછા આંખ મીંચી ગયા. મીંચેલી આંખે હોઠ ફફડાવ્યા : “ગાડગીળ ! બાપુને આટલા જલદી ભૂલી ગયા? એમણે આપણને સત્ય બોલતા શીખવાડયું છે.” (‘મહામાનવ સરદાર’, લેખક દિનકર જોષી, પૃષ્ઠ ૩૫૭-૩૫૮)
થોડી વાર પછી જવાહરલાલ આવી પહોંચ્યા
જવાહરલાલે સરદારના પગ પાસે રાખેલી ખુરશી પર બેઠક લીધી
સરદાર આંખ મીંચીને સૂતા હતા.
જવાહરલાલે તેમના પગ ઉપર હાથ ફેરવ્યો
સરદારે આંખ ખોલી
જવાહરને પોતાના પગ પાસે બેઠેલા અને પગ પર હાથ મૂકેલા જોયા.
એક ક્ષણ તેઓ જોઈ રહ્યા પછી પગ સહેજ દૂર કરીને બોલ્યા :
“જવાહર ! ત્યાં નહીં, અહી આવો.”
સરદારનું સૂચન જવાહરલાલને પોતાના મસ્તક નજીક મૂકેલી ખુરશી ઉપર બેસવા માટે હતું. જવાહર સમજી ગયા. એમણે એ સૂચનનો અમલ કર્યો.
“જવાહરલાલ !” સરદાર બોલ્યા : “જો હવે પછી મળવાનું થાય તો મારે તમારી સાથે એકલા બેસીને કેટલીક પેટછૂટી વાતો કરવી છે.”
“અને મારે પણ, સરદાર !” જવાહર બોલ્યા : “તમારી જોડે ખૂબ ખૂબ વાતો કરવી છે.”
“ક્યારેક મનમાં એવી ચિંતા થાય છે કે આપણે જે સ્વાતંત્ર્ય મેળવ્યું છે એને આપણે ખરેખર બહુજન હિતાય બહુજન સુખાય – બાપુ કહેતા હતા એમ સમાજના છેલ્લા માણસ સુધી લઈ જઇ શકવાની દિશામાં છીએ ખરા?”
જવાહરલાલ સરદારના આ અત્યંત વેદનાસિક્ત ઉદગારથી દ્રવિત થઈ ગયા. એમના ચિત્તમાં પણ આ જ પ્રશ્ન લાંબા સમયથી ઘોળાતો હતો. ભાવવશ થઈને એમણે કહ્યું :
“મને પણ એ જ ચિંતા થાય છે, સરદાર ! આપણે બધા બદલાઈ ગયા છીએ એનો આપણે પ્રામાણિકતાપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. આત્મવંચના અને દંભ આપણા વ્યવહારનો અંશ બની ગયાં છે.” જવાહરલાલ જાણે જાત જોડે સંવાદ કરતાં હોય એમ ખુલ્લી બારીમાંથી આકાશ સામે નજર નોંધીને બોલતા ગયાં : “આપણે બોલીએ છીએ કંઈક અને વર્તન બીજું જ કરીએ છીએ... હું જાણું છું કે હું પોતે પણ આ બાબતમાં દોષિત છું.” જવાહરે આકાશ સામે નોંધેલી નજર પછી ખેંચીને સરદાર સામે જોયું તો સરદારની આંખ ભીની થઈ ગઈ હતી. જવાહરે પોતાના જમણા હાથની આંગળીઓ એ ભીની આંખ પર ફેરવી. સરદારે આંખ મીંચી દીધી. એમણે કશો ઉત્તર ન વાળ્યો. થોડા સન્નતા પછી જવાહરે જ વાત આગળ વધારી : “સરદાર ! તમારી તબિયત સંભાળજો. જલદી સાજા થઈ જજો. અહીંની કશી ફિકર કરશો નહીં. તમે પાછા ફરશો ત્યારે આપણે ખૂબ વાતો કરીશું.”
સરદારે આંખ ખોલી અને પછી પોતાના જમણા હાથની તર્જની આકાશ સામે ચીંધીને આટલું જ બોલ્યા : “બહુ મોડુ થયું, જવાહર ! હવે શું?” (‘મહામાનવ સરદાર’, લેખક દિનકર જોષી, પૃષ્ઠ ૩૫૮-૩૫૯)
સરદારની મૃત્યુને બિછાનેથી જે ચિંતા હતી તે આજે સાચી પડી છે.
એક પ્રજા તરીકે આપણે ઊણા ઉતાર્યા છીએ.
બે મુદ્દા ઉપસીને સપાટી પર આવે છે.
સરદાર અને જવાહરલાલ નહેરુ વચ્ચેના મતભેદો જગજાહેર છે.
નહેરુ સ્વપ્નશીલ પ્રકૃતિના પાશ્ચાત્ય રંગે રંગયેલ વ્યક્તિત્વ હતા
સરદાર ચરોતરની ધીંગી ધરાનો સામાન્ય કુટુંબમાંથી આવતો કિસાનપુત્ર
પણ સરદારના પગ હમ્મેશાં જમીન સાથે જોડાયેલા હતા
જરૂર જણાય ત્યાં કડકાઇ વરતીને સખતમાં સખત નિર્ણયો અને બરછટ ભાષાનો ઉપયોગ સરદારની પ્રકૃતિ હતી.
દ્રઢ નિશ્ચયશક્તિ, ત્વરિત નિર્ણયશક્તિ અને લોખંડી મનોબળ સરદારની આગવી ઓળખ હતી
એટલે જ એ સરદાર કહેવાયા અને એ માટે જ બારડોલી સત્યાગ્રહ બાદ કલકત્તા ખાતે વર્ષ ૧૯૨૯ના ૪૩મા કોંગ્રેસ અધિવેશનમાં તેમનું સરદાર તરીકે સન્માન કરાયું.
સરદાર સરદાર હતા
જવાહરલાલ સાથે એમને મતભેદ હતા, મનભેદ ક્યારેય નહીં.
સરદારના આપણે વારસદાર બનવું હોય તો પોતાના કટ્ટર વિરોધી માટે પણ માંદગીના બિછાનેથી એનું ભલું ઈચ્છીને એની દેખભાળ રાખવાનું ઔદાર્ય બતાવવું પડે.
સરદારે આ કર્યું અને ગાડગીળને જે સૂચના આપી એ આજના વહેંતીયા રાજનેતાઓ આપી શકે ખરા?
રાજનીતિમાં મતભેદ હોવાના જ. એ મૂળભૂત વાતનો સ્વીકાર જેટલો જરૂરી છે તેટલું જ જરૂરી એ મતભેદ મનભેદ ન બની જાય તે છે.
રાજનીતિમાં પ્રતિસ્પર્ધી હોય, પોતાનાથી વિપરીત વિચારસરણી ધરાવનાર હોય પણ એ કારણસર જ એને દુશ્મનનું લેબલ ના મારી દેવાય એ વાત સરદારની ચિંતા અને એમની જવાહરલાલ માટેની ભલામણમાંથી સ્પષ્ટ રીતે ઉપસી આવે છે.
બીજી વાત છે જવાહરલાલનું આગમન અને દેશનો આ વડોપ્રધાન જેમ અર્જુન શ્રીકૃષ્ણના પગ પાસે બેસે છે તે રીતે સરદારના પગ પાસે પોતાનું સ્થાન લઈ સરદારના પગે હાથ ફેરવે તે છે. સરદારના ગુણ અને મોટપનો આ સ્વીકાર છે. તો બીજી બાજુ જવાહરલાલને પગ પાસે બેસેલા જોઈ ખૂબ લાગણીપૂર્વક પોતાના માથા પાસે પડેલી ખુરશી ઉપર બેસવા માટેનો સરદારનો આગ્રહ પણ એટલી જ મોટપની નિશાની છે. બંનેનાં વ્યક્તિત્વની હિમાલય જેટલી ઊંચાઈ આ પ્રસંગ વર્ણવી જાય છે. સ્વ અટલજીની જ પંક્તિઓ –
છોટે મન સે કોઈ બડા નહીં હોતા
તૂટે મન સે કોઈ ખાડા નહીં હોતા... યાદ આવે છે ને?
ત્રીજો પ્રસંગ છે સરદારનો વેધક પ્રશ્ન અને એમને કોરી ખાતી ચિંતા. જ્યારે એ જવાહરલાલને પૂછે છે :
“ક્યારેક મનમાં એવી ચિંતા થાય છે કે આપણે જે સ્વાતંત્ર્ય મેળવ્યું છે એને આપણે ખરેખર બહુજન હિતાય બહુજન સુખાય – બાપુ કહેતા હતા એમ સમાજના છેલ્લા માણસ સુધી લઈ જઇ શકવાની દિશામાં છીએ ખરા?”
અને જવાહરલાલનો પણ નિખાલસ સ્વીકાર જે સરદારની આંખ ભીની કરી જાય છે.
જવાહરલાલ સરદારના આ અત્યંત વેદનાસિક્ત ઉદગારથી દ્રવિત થઈ ગયા. એમના ચિત્તમાં પણ આ જ પ્રશ્ન લાંબા સમયથી ઘોળાતો હતો. ભાવવશ થઈને એમણે કહ્યું :
“મને પણ એ જ ચિંતા થાય છે, સરદાર ! આપણે બધા બદલાઈ ગયા છીએ એનો આપણે પ્રામાણિકતાપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. આત્મવંચના અને દંભ આપણા વ્યવહારનો અંશ બની ગયાં છે.” જવાહરલાલ જાણે જાત જોડે સંવાદ કરતાં હોય એમ ખુલ્લી બારીમાંથી આકાશ સામે નજર નોંધીને બોલતા ગયાં : “આપણે બોલીએ છીએ કંઈક અને વર્તન બીજું જ કરીએ છીએ... હું જાણું છું કે હું પોતે પણ આ બાબતમાં દોષિત છું.” જવાહરે આકાશ સામે નોંધેલી નજર પછી ખેંચીને સરદાર સામે જોયું તો સરદારની આંખ ભીની થઈ ગઈ હતી. જવાહરે પોતાના જમણા હાથની આંગળીઓ એ ભીની આંખ પર ફેરવી. સરદારે આંખ મીંચી દીધી. (‘મહામાનવ સરદાર’, લેખક દિનકર જોષી, પૃષ્ઠ ૩૫૮-૩૫૯)
આ સમય હતો ડિસેમ્બર ૧૧, ૧૯૫૦નો. સરદારનું નિધન મુંબઈમાં થયું ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ. કહેવાય છે મોતને બિછાને પડેલ માણસને સત્ય સૌથી વધુ નિકટથી દેખાય છે. હજુ આઝાદી આવી એનાં ત્રણ વરસ પણ માંડ થયાં હતાં ત્યારે દેશનું સુકાન સંભાળનાર બે ટોચના મહારથીઓનો અંદેશો કે આપણે નિષ્ફળ જઇ રહ્યા છીએ, આવનાર કપરા સામાની એંધાણી હતી, એવું કહી શકાય ખરું?
આ ત્રણેય પ્રસંગો –
પહેલો પોતાનો પ્રતિસ્પર્ધી હોય, જુદો મત ધરાવતો હોય એટલે એ સ્નેહી માટીને દુશ્મન નથી થઈ જતો. તે દર્શાવતી સરદારની જવાહરલાલ માટેની ચિંતા.
બીજો જવાહરલાલને પગ પાસે બેઠા છે તે ઊભા કરીને પોતાના માથા પાસે બેસાડવાની સરદારની મોટાઈ અને આવીને સરદારને ખલેલ કર્યા વગર એમના પગ પાસે બેસી જવાની નહેરુની નમ્રતા.
અને ત્રીજો ગરીબનું હિત કરવામાં સરકારની આ લોકશાહી વ્યવસ્થા બહુ વહેલી નિષ્ફળ જવા માંડી હતી તેનો બંને નેતાઓનો એકરાર.
સરદારને યાદ કરીને ઘણી બધી વાતો આજે થશે પણ એ યાદ કરનારાઓને મારે કહેવું છે - સરદારનો એક ગુણ તો અપનાવો. સાદગી ન અપનાવો તો કાંઇ નહીં પણ કર્મ પ્રત્યેની નિષ્ઠા, સહિષ્ણુતા અને સાચી વાત સ્વીકારવા જેટલી ઉદારતા તો રાખો.
સરદારને આપણે યાદ કરીએ, કારણ કે સરદાર આપણા પ્રેરણાસ્ત્રોત છે પણ એમના જીવનમાંથી કશું નહીં શિખીએ?