Thursday, November 19, 2015
આમ તો હાઉસીંગ બોર્ડની એ કચેરી થોડા સમય માટે જ લોહાણા બોર્ડીંગમાં રહી. ઈલોરા પાર્કમાં નવી કચેરીનું મકાન લગભગ તૈયાર હતું એટલે બહુ ઝડપથી ત્યાં સ્થળાંતર કરવા માટેની ગતિવિધિઓ થવાની હતી. લોહાણા બોર્ડીંગની કચેરીનો મોટો ફાયદો એ હતો કે હું દાંડિયા બજારમાં જ્યાં રહેતો હતો તે ઘરથી માંડ દસ મિનિટ પણ ન લાગે એટલું અંતર હતું અને સાંજે જ્યાં અમદાવાદી પોળ પાસે પંચમુખી મહાદેવની પોળના બસ સ્ટેન્ડવાળા અમારા અડ્ડે મહેફિલ જામતી હતી ત્યાંથી તો આ ઓફિસ માત્ર હાથવેંતમાં હતી. આમ નોકરી બદલી ખરી પણ આજુબાજુના વાતાવરણમાં જરાય ફેર પડ્યા વગર નવી નોકરીમાં સરળતાથી ગોઠવાઈ જવાય એવું બન્યું.
અમારા સાથે જોડાયેલ સ્ટાફ સિવાય પહેલો પરિચય થયો સુરેશ બોઘાણી અને વિક્રમ પરીખનો. ચંગુ મંગુની આ જોડી લગભગ સાથે જ જોવા મળતી. સુરેશ બોઘાણી સિવિલ એન્જિનિયર અને વિક્રમ પરીખ ઈલેક્ટ્રીકલ એન્જિનિયર. બન્ને લગભગ નવરા માણસો. સ્વભાવે મિલનસાર અને પ્રેમાળ. અમારી ત્રિપુટી જામી. સુરેશ બોઘાણી જૈન પરિવારમાંથી આવે. ખૂબ સુંવાળો જીવ. આમેય જૈન વાણિયા કદાચ સુંવાળા વધારે હોય એવો મારો હજુ સુધીનો અનુભવ છે. સૌરાષ્ટ્રના વતની એટલે બોલવે ચાલવે બહુ મીઠા. આ બોઘાણી કાંદા લસણ ન ખાય એ સિવાય એનામાં કોઈ દુર્ગુણ નહીં. મને એક ફાયદો એ થયો કે આ ભાઈ સયાજીગંજની એક સરસ હોટલમાં માસિક ભાવથી થાળી જમવા જાય. ક્યારેક ક્યારેક લંચમાં જોડાવાનો લાભ મને પણ મળવા લાગ્યો. વિક્રમ પરીખ અને બીજા એક હરિભક્તિ એ ઈલેક્ટ્રીકલ ખાતુ સંભાળે. હરિભક્તિ બરાબર જમાનાનો ખાધેલ. તે સામે વિક્રમ પરીખ હરફનમૌલા માણસ. વડોદરાના જ વતની અને પિતાની ઈલેક્ટ્રીકલ સ્ટોર્સની દુકાન એટલે એકંદરે વિષયની જાણકારી સારી પણ જરુર જેટલું જ કામ કરે બાકી જે. એસ. પટેલ (અગાઉના લેખમાં ભુલથી જે.પી. પટેલ લખાયું છે.), વિક્રમ પરીખ, બોઘાણી બધા ભેગા થઈ ગામગપાટા મારે. સરકારી કચેરીઓમાં જે વાતાવરણ પ્રવર્તતું હોય એનો મારો આ પહેલો સીધો અનુભવ હતો. શરુઆતમાં કેટલોક સમય અળગુ લાગ્યું. મારા બે સાથીઓ શ્રી ગદાણી અને બોડીવાલા મારી જ્યારે નિમણૂંક થઈ ત્યારે જુનીયર એન્જિનિયર હતા. હું સીધો ડેપ્યુટી એન્જિનિયર તરીકે આવી ગયો એટલે શરુઆતમાં મારાથી નારાજ. પછી તો યુનિયને એમને પણ પ્રમોશન અને સીનીયોરીટીના લાભ અપાવ્યા એટલે ડેપ્યુટી એન્જિનિયર બન્યા. પણ એ સબ ડિવિઝનમાં અને હું સર્કલ ઓફિસમાં એટલે એમના કાર્યપાલક ઈજનેરને પણ કામ પૂરતો મારી સાથે સંબંધ રાખવો પડે એ કારણથી ધીરે ધીરે એમણે પણ મારી સાથે સંબંધો સુધારી લીધા. એક ત્રીજા ડેપ્યુટી એન્જિનિયર હતા શ્રી એસ. એ. પટેલ. આખું નામ સોમાભાઈ અમથાભાઈ પટેલ. ખૂબ જ સરળ અને લહેરીલાલા માણસ. પોતાના નામ પાછળ પણ સાહેબ લગાડે. એક સમયે હાઉસીંગ કમિશ્નરમાંથી ફોન આવ્યો. અમારા પટેલ સાહેબે ફોન લીધો અને જવાબ આપ્યો “એસ.એ. પટેલ સાહેબ બોલું છું સાહેબ !” આમ ત્રણ ડેપ્યુટી એન્જિનિયર અને ડિવિઝનમાં બે કાર્યપાલક ઈજનેર. એક શ્રી ડી.જી. નાયક અને બીજા શ્રી ઈ.ધુ. ઠક્કર. આ બન્નેને એકબીજા સાથે અને બન્નેને ભેગા થઈને આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નર સાથે ઉંદર બિલાડી જેવા પ્રેમાળ સંબંધો ! એકબીજાને રમાડ્યા કરે. વિશ્વાસ એકેયનો ન કરે. આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નરશ્રી ભુપેન્દ્ર દોશી ગુજરાત રિફાઈનરીમાંથી સીધી ભરતીથી હાઉસીંગ બોર્ડમાં જોડાયા હતા એટલે પેલા બન્ને કરતાં યુવાન. થોડા મિજાજી પણ ખરા. આ કારણ અને દરેક વાતમાં શંકાથી જોવાની ટેવને કારણે એમના અંગત કહી શકાય એવો કોઈ સંબંધ હું હાઉસીંગ બોર્ડમાં રહ્યો ત્યાં સુધી ઉભો થયેલો મેં જોયો નહીં. સામાન્ય વૃત્તિ પણ કોઈકને મદદરુપ થવાની ઓછી. આ બધા કારણે પટાવાળાથી માંડી અધિકારી સુધી બધા જ એમની સાથે ખપ પૂરતા સંબંધો રાખે. અમારો હેડ ક્લાર્ક ખાન ગમે તે કારણ હોય એમને ક્યારેક ક્યારેક ચુટલો ભરી શકતો એ મારો અનુભવ છે. પ્રમાણમાં ગભરુ સ્વભાવ પણ આના માટે કારણભૂત હોઈ શકે. અમારા બોર્ડ મેમ્બરને મળવા એમના ઘર સુધી ધક્કો ખાય. અમે અમદાવાદી પોળ ઉભા રહીએ અને શ્રી કીકાભાઈ પટેલ પણ ત્યાં રહે એટલે આ નજરે જોયું છે. કાર્યપાલક ઈજનેરના ત્યાં કદાચ નહીં ગયા હોય પણ ક્યારેક ક્યારેક ખાનને મળવા સૂરસાગર હોટલ પર પહોંચી જાય. આ બધું રિપોર્ટીંગ ડ્રાયવર નારણ પાછો ખાનને કરે. ચાણક્યે કહેલ સિદ્ધાંત ‘છ કાને જાય તે વાત ખાનગી રહેતી નથી’ એ સરકારી અધિકારીઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કાં તો કશું ખાનગી રાખવું પડે એવું કરવું જ નહીં અને જો ભુલેચુકે એ જંજાળમાં પડ્યા તો દિવાલોને પણ કાન હોય છે અને ડ્રાયવર પટાવાળા ઘણું બધું જાણતા હોય છે એ વાત સમજીને ચાલવું. આ પરિસ્થિતિમાંથી મને એ શીખવા મળ્યું કે પારદર્શક્તા અને નિખાલસતા જેવો ઉત્તમ ઉપાય બીજો કોઈ જ નથી. કોઈની પીઠ પાછળ કહેવું હોય તો એના વખાણ કરો. સાચું મોઢામોઢ કહેવાની હિંમત રાખો અને પટાવાળાને પણ કોઈની હાજરીમાં ન ઉતારી પડાય. જે કંઈ કહેવું હોય તે કોઈનો પણ સ્વમાન ભંગ ન થાય તે રીતે અથવા એકલા બોલાવીને કહેવું એ સંબંધો સારા રાખવાનો અને ચિંતા વગર નોકરી કરવાનો સારામાં સારો રસ્તો છે એ પદાર્થપાઠ મને હાઉસીંગ બોર્ડની મારી નોકરીમાંથી શીખવા મળ્યો જે આગળ જતાં જીંદગીમાં બહુ જ કામ આવ્યો છે.
માણસે ક્યારેય હોદ્દાના ગુલામ બનીને ન જીવવું જોઈએ. હોદ્દો વ્યવસ્થા માટે હોય છે. જેમ ઉપર જાઓ તેમ તમે માણસ મટી જતા નથી. નાનામાં નાના વ્યક્તિને પણ હસીમજાક કરી બોલાવી શકાય છે. આનાથી કોઈ શિસ્ત તૂટી જાય અથવા છૂટછાટ લેવા માંડે એવું નથી બનતું. આપણે ખેતરમાં બળદને હાંકીએ છીએ તો પણ ડચકારો કરીએ છીએ તો આ તો માણસ છે. સાક્ષાત જીવનું લાગણીનું પોટલું. એને પણ એની લાગણીઓ છે, એના વિચારો છે, એની વ્યથાઓ છે અને એના શોખ કે આવડતો પણ છે. હું જ્યારે મંત્રી હતો ત્યારે અમારા વિભાગની ટીમમાં મારો પટાવાળો ખૂબ જ સારું ક્રિકેટ રમતો અને એ એક સારા ખેલાડી તરીકે મેદાન પર માન મેળવતો. વિભાગના સંયુક્ચ સચિવ જે આઈએએસ હતા તે પણ આજ ટીમમાં રમતા. બસ આજ દાખલો અનુસરવાનો છે. જેને જે કામ છે તે તેને કરવા દો અને જેનામાં જે આવડત સારી છે તેનો મહત્તમ ઉપયોગ કરો. કોઈપણ સંસ્થાના વડાનું કામ ફીલ હાર્મોનિક ઓરકેસ્ટ્રાના ડાયરેક્ટર ઝુબીન મહેતાની માફક દરેક ફનકાર પાસેથી ઉત્કૃષ્ટ કામ લેવાનું છે. જો બધા વાંજિત્રો સારી રીતે સૂરમાં વાગે તો જ ઓરકેસ્ટ્રા જામે. પેલા ભવિષ્યકથન કરવાવાળા વ્યક્તિએ મને કહ્યું હતું કે હવે મારે સરકાર સાથે જ પનારો પડવાનો છે એટલે સરકારી કામગીરી, સરકારી કર્મચારીઓ અને સરકારી વ્યવસ્થાના મિજાજનો પ્રથમ પરિચય અને તાલીમ મારી આ હાઉસીંગ બોર્ડની નોકરી મને આપી રહી હતી. પાયો ચણાઈ રહ્યો હતો. જોઈએ આગળ હજુ શું શું શીખવાનું છે.