ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો હતો. મહા શિવરાત્રિ નિમિત્તે રજા હતી. મારી હોસ્ટેલમાં સારસાના ત્રણ વિદ્યાર્થીઓ રહેતા હતા. ગૌતમ બાબુભાઇ પટેલ, નિત્યાનંદ ગોરધનદાસ પટેલ અને પ્રહલાદ પટેલ. અમારા યુનિવર્સિટી રજીસ્ટાર અમિન સાહેબ પ્રહલાદ પટેલના ફૂઆ થતા હતા. આગલે દિવસે ગૌતમે પ્રસ્તાવ મૂક્યો ચાલો મહા શિવરાત્રિ માટે સારસા જઈએ. સારસા એમનું વતન. વડોદરાથી લગભગ 35 કિ.મી. દૂર અને આણંદથી લગભગ 20 કી.મી. દૂર થાય. નાનકડું ગામ પણ સમૃધ્ધ. આ ચરોતર વિસ્તાર કહેવાય. એની વિશેષતા એ હતી કે ત્યાં વસતા પાટીદારો પેઢીઓથી પહેલાં આફ્રિકા અને પછી વિશ્વના ઘણાબધા દેશોમાં સ્થાયી થયા હતા. દરેક ઘરમાંથી એકાદ વ્યક્તિ તો પરદેશ હોય જ. આ ઉપરાંત જમીન ફળદ્રુપ અને તમાકુની ખેતી સારી થાય. આમ તો ખેતી સાથે મારે પણ બચપનથી નાતો ખરો પણ બે અંગૂઠા ભેગા કરીએ એટલું જાડું થડ હોય અને ખાસો ચાર પાંચ ફૂટના ઘેરામાં પથરાયેલ પડ્યો હોય તેવો તુવેરનો છોડ ચરોતર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે. ટીંડોળાથી માંડી તુરીયાં, ગલકાં જેવાં શાકભાજી અને ભીંડા, વાલોળ વિગેરે પણ આ વિસ્તારમાં સારાં થાય, કેળની ખેતી પણ ખરી. વડોદરાથી સારસા જવા માટે અમે બસમાં બેઠા અને અમારી બસે જેવો શહેરી વિસ્તાર વટાવ્યો કે ચરોતરની રસાળ ધરાનો ચોફેર લીલોતરીથી છવાયેલો પ્રદેશ નજરે પડ્યો. દૂર દૂર સુધી બધું લીલુંછમ. આમેય શિયાળામાં તો ઉત્તર ગુજરાતમાં પણ રાયડો, ઘઉં, વરિયાળી, જીરું વિગેરે ઊભાં હોય એટલે ઉનાળામા ભેંકાર લાગતો ઉત્તર ગુજરાતનો સીમ પ્રદેશ પણ શિયાળામા તો નયનરમ્ય દેખાય. એમાંય રાયડાનાં પીળાં ચટ્ટાક ફુલ ખીલ્યાં હોય ત્યારે આ નજારો બે ઘડી જોઈ જ રહીએ એવું મોહક દ્રશ્ય શિયાળામા ઉત્તર ગુજરાતમાં જોવા મળે. સારસા આમ નાનું ગામ પણ સતકૈવલ મંદિરની ગાદીનો જે તે વિસ્તારમાં સારા એવા પ્રભાવને કારણે જાણીતું હતું. સારસાની વાવ પણ ખાસી પુરાણી. આ ત્રણ પટેલોમાંથી ગૌતમ મારો વધુ નજદીકનો મિત્ર એટલે સારસા ઉતરીને નિત્યાનંદ અને પ્રહલાદ પોતપોતાને ઘરે ગયા અને હું ગૌતમનો મહેમાન બન્યો. એના બંગલાનું નામ “બાપુજી સદન”. વિશાળ ખુલ્લી જગ્યા જેમાં વાલોળ, અળવી જેવી શાકભાજી વાવેલી અને ગુલાબ, જાસૂદ જેવાં કેટલાક ફુલ ઝાડ પણ હતાં. અત્યારે આ સારસા આણંદ જીલ્લામા આવેલું છે.
થોડી આડ વાત કરી લઈએ. આ આખાય વિસ્તારને ચારુતર અથવા ચરોતર કહે છે. ઘણી જુદી જુદી રીતે આ શબ્દનો અર્થ રજૂ થતો મેં જોયો છે. પણ પાટીદારોનો ઇતિહાસ વાંચતા એક નવી જ વાત ધ્યાને આવી. આપણા ગુજરાતમાં વસતા પાટીદારો લેઉઆ, કડવા અને આંજણા મૂળ છેક પંજાબની સરહદ પારથી અફઘાનોના ત્રાસથી સ્થળાંતર કરી આવેલા કુર્મી ક્ષત્રિયો છે.
એમાંનો એક ફાંટો જે કરડ નામના ગામથી નીકળ્યો અને અમદાવાદ પાસે અડાલજમા રોકાઈ મહદઅંશે ઉત્તર ગુજરાતમાં અને થોડું ઘણું કચ્છ અને સૌરાષ્ટ્રમાં ફેલાયો તે મૂળ કરડના એટલે કરડવા પાટીદારો કહેવાયા. જેમને આજે આપણે કડવા પાટીદારો તરીકે ઓળખીએ છીએ.
બીજો ફાંટો લેઉ ગામેથી નીકળ્યો. જેણે ખંભાતના સુબાના હૂકુમતના પ્રદેશમાં પડાવ નાખ્યો. ખંભાતનો સૂબો દીર્ઘદ્રષ્ટિ વાળો હતો. એણે આ પરિવારના મોભીઓને અલગ અલગ વિસ્તારો આપી વસાવ્યા અને એ વિસ્તારોને ખેતી થકી સમૃધ્ધ કરવા અને રાજ્યની તિજોરીમાં નક્કી કરેલ મહેસૂલ ભરવાની શરતે ફાળવી આપ્યા. થોડો સમય તો આ ચાલ્યું પછી આ પાટીદારોના આગેવાનો સુબા પાસે ગયા અને કહ્યું કે વરસ સારું હોય ત્યારે તો મહેસૂલ ભરવામાં વાંધો નથી આવતો પણ અમારી તો આકાશીયા ખેતી છે વરસ નબળું જાય ત્યારે મુશ્કેલી પડે છે. એટલે સારું વરસ હોય ત્યારે મહેસૂલના દર વધારે રાખો અને નબળું વરસ હોય ત્યારે ઓછું રાખો તો સારું. સુબો આ સાથે સંમંત થયો અને ભારતમા પહેલી વાર જમીન મહેસૂલની ચડ-ઉતર પધ્ધતિ દાખલ થઈ. જેમાંથી આગળ જતાં ચડોતર શબ્દ બન્યો હશે. લેઉથી આવેલ આ પાટીદારો લેઉઆ કહેવાયા અને મુખ્યત્વે ખંભાત, આણંદ અને વડોદરા સુધીના વિસ્તારમાં વસ્યા. આ પાટીદારો આગળ જતાં પોતાની કુનેહથી સમુહની નેતાગીરી કરતા થયા અને એ રીતે દેસાઈગીરી કરનાર પાટીદારો દેસાઇ અટક લખતા થયા પણ મૂળ આ બધાં કુર્મી ક્ષત્રિયો.
પેલો ત્રીજો ફાંટો હતો તે પ્રમાણમા નાનો સમુહ સ્થળાંતર કરતો કરતો માઉન્ટ આબુ પર પહોંચી ગયો. ત્યાં અર્બુદાદેવીના મંદિરમાં સવારે આરતીનો ઘંટારવ થયો એટલે બધા દર્શન કરવા પહોંચ્યા. સ્વાભાવિક રીતે કોઇકે પૂછ્યું કે આ લોકો કોણ છે? પૂજારીએ જવાબ આપ્યો “અનજાના” એટલે કે અજાણ્યા. આ અનજાના શબ્દ ઉપરથી આંજણા બન્યો અને અર્બુદાદેવી તેમનાં આરાધ્યા દેવી બન્યાં. કડવા પાટીદારોની કુળદેવી ઊંઝા ખાતે મા ઉમિયા અને લેઉઆ પાટીદારો મા ખોડલ ઉપરાંત તારાપુરમાં આશાપુરાને પણ પોતાની કુળદેવી ગણે છે.
આ હતી પાટીદારો ક્યાંથી આવ્યા તેની વાત. આ પાટીદારોનો મારો અનુભવ એવો છે કે દિલના ખૂબ સારા પણ બોલવામાં સાચા અર્થમાં સરદાર પટેલના વંશજ. એક ઘા ને બે કટકા. બહુ ડિપ્લોમસી એમને ફાવે નહીં. નિત્યો(નિત્યાનંદ), પ્રહલાદ અને ગૌતમ એમનો પરિચય વધ્યો. બીજા પણ ચરોતરના પાટીદાર મિત્રોના પરિચયમાં આવવાનું થયું ત્યારે એક બીજી ખાસિયત જોવા મળી. આપણે કોઈને ચૂપ કરવો હોય તો “બેસ છાનો માનો” એમ કહીએ. જ્યારે આ ભાયડાઓ નારી જાતી શબ્દ વાપરતા કહે “બેસ છાની માની”. ગધેડો ના કહે પણ કોઈને સંબોધતા હોય તો ગધેડી કહીને સંબોધે. માથું ના ખઈશ અથવા બહુ પકાવીશ નહીં એમ કહેવું હોય તો “હાળી ઘઈ મુક” એમ કહે. સુરતી જેટલું નહીં પણ બહુ છૂટથી આપણે જેને ગાળ કહીયે તેવા શબ્દો વપરાય. એક જમાનામાં આ લેઉઆ પાટીદારોની સ્ત્રીઓ મરજાદ પાળતી. ગામમાં ચપ્પલ પહેરીને પણ ન નીકળે. આ કારણથી વસો સ્ટેશનથી સ્ટેશને ઉતરી ખરા બપોરે ગામમાં જતી બહેનોના પગ ન દાઝે એટલા માટે લાઈબ્રેરી પ્રવૃત્તિના જતક શ્રી મોતીભાઈ અમીને “પગારખાંની પરબ” શરૂ કરેલી. સ્ટેશનેથી એક સ્વયંસેવક પગરખાં પહેરાવે અને ગામમાં પ્રવેશતાં પહેલાં બીજો સ્વયંસેવક એ પાછાં સંભાળી લે. પરિણામે ઉનાળાના બળબળતા બપોરે વસો ગામની બહેનોને મરજાદના કારણે વેઠવી પડતી હાડમારીનો અંત આવ્યો. આજે તો ચરોતરના આ લેઉઆ પાટીદારો ખૂબ સમૃધ્ધ થયા છે. ગૌતમના પરિવારમાંથી પણ કેટલાક અમેરિકા વસતા હતા. એટલે એ પણ ગ્રેજ્યુએટ સુધી ભણી અને પછી અમેરિકા જવાના આયોજન સાથે ચાલતો હતો.
નિત્યાનંદ અલગારી માણસ. રોજની બે ઝૂડી ખાખી બીડી પી જાય. એ પી.એચ.ડી. થયો. હું ભૂલતો ન હોઉ તો વનસ્પતિ શાસ્ત્રમાં. અમેરિકા પણ ગયો, પણ વાત વાતમા ગાળો બોલનાર બીડીનો બંધાણી આ નિત્યાનંદ આગળ જતાં સાવ બદલાઈ જશે એવું કલ્પ્યું નહોતું. જે બનવાનુ હતુ તે મુજબ નિત્યાનંદ આધ્યશક્તિ ગાયત્રી માતાનો પરમ ઉપાસક અને સમર્પિત સાધક બનવાનો હતો. જો કે એ જ્યારે અમારી સાથે હોસ્ટેલમાં રહેતો હતો ત્યારે આવું કોઈ લક્ષણ દેખાતું નહોતું.
પ્રહલાદ ભણતો હતો કારણ કે ઘરવાળા એને ભણાવવા માંગતા હતા અને યુનિવર્સિટી રજીસ્ટાર કે.એ.અમિન સાહેબનો કડપ હતો. બાકી એને ભણવા સાથે બહુ ઝાઝી નિસ્બત નહોતી. આ ત્રણેયમાં ગૌતમ ખૂબ સુખી અને સાધન સંપન્ન પરિવારમાંથી આવતો હતો અને અત્યંત મૃદુભાષી વ્યક્તિ હતો. નિત્યાનંદ અને ગૌતમને મારા માટે સારી લાગણી હતી. મહા શિવરાત્રિના દિવસે સવારે આઠ સાડા આઠે વડોદરાથી નીકળ્યા હતા. આખો દિવસ સારસામાં ગાળ્યો. અહીં મહા શિવરાત્રિ કરતા જન્માષ્ટમીનું મહત્વ વધારે હતું એવું જાણવા મળ્યું. મહા શિવરાત્રિના દિવસે સિધ્ધપુરમાં ભગવાન ભોળિયા શંભુની નગરયાત્રાની પાલખીઓ અને એની સાથે બાળકોને શણગારીને ઘોડા પર બેસાડ્યા હોય એવો વરઘોડો નીકળતો. સારસામાં આવુ કંઈ નહોતું. આજુબાજુના વિસ્તારમાં થોડુક ફર્યા. ગામની ભાગોળે આવેલા તળાવ સુધી આંટો મારી આવ્યા, વાવ જોઈ એમ કરતાં સાંજ પડી એટલે ગૌતમને ત્યાં વાળું કરી અમે વળી પાછા વડોદરા જવા માટે નીકળ્યા. રાત્રે દસ સાડા દસે પોલિટેકનિક હોસ્ટેલમાં પહોંચ્યા ત્યારે જીવનમાં પહેલી વાર મહા શિવરાત્રિનો ઉપવાસ નહોતો કર્યો એ ખટક મનમા લઈને રૂમમાં પ્રવેશ્યો. મહા શિવરાત્રિનાં દિવસે શેકેલા અથવા બાફેલા શકરિયા, બટાકાની સૂકી ભાજી, રાજગરાનો શીરો, રાજગરા અથવા શિંગોડાના લોટના વડાં અને સાબુદાણાની ખિચડી આવું ઘણું બધુ મા રાંધતી. ઉપવાસ કરવા માટે આ બદલાયેલું મેનૂ પણ એક મોટું આકર્ષણ હતું. રાત્રે બાજુમાં આવેલી જયદત્ત શાસ્ત્રીજીની પાઠશાળાના વિદ્યાર્થીઓ મૃત્યુંજય મહાદેવની પ્રહર પુજા કરતા તેના મંત્રોચારથી વાતાવરણ ગુંજી ઉઠતું. આ પહેલી મહા શિવરાત્રિ હતી જ્યારે આમાનું કંઈ જ નહોતું. કમસે કમ સારસામાં શિવાલયમાં ભગવાન શંકરનાં દર્શન કર્યા હતાં. મારા માટે શિવ અને શક્તિનું હંમેશા એક વિશિષ્ટ મહત્વ રહ્યું હતું. મા કહેતી “સાચા માતા-પિતા તો શિવ અને શક્તિ છે. એમનામાં શ્રધ્ધા રાખજે. અમે તો ખોટાં છીએ ખોવાઈ જઈશું” મા ના આ શબ્દો ફરી ફરીને માનસપટલ ઉપર ઉપસતા અને જાણે અંતરમન “ૐ નમ: શિવાય” નો પડઘો પાડી એનો જવાબ આપતું.
મહા શિવરાત્રિનું આખી રાત્રિનું જાગરણ તો નહીં પણ બાર વાગ્યા સુધી તો જાગ્યો.
સારસાની મુલાકાતમા મજા આવી.
ચરોતરના રસાળ પ્રદેશથી રૂબરૂ થવાનો અનુભવ યાદગાર રહ્યો.
પાટીદારની સમૃધ્ધિ
પાટીદારની દિલેરી...અને…
પાટીદારનું બરછટપણું
આ ત્રણેયનો અનુભવ કરવો હોય તો ચરોતરના પાટીદાર કુટુંબો સાથે થોડોક સમય ગાળવા જેવો ખરો.
પટેલ અમારી બાજુ પણ હતા
મારો ઉછેર જ પટેલ ગામ અને એના વસવાટમાં થયો
પણ, તાત્વિક ફરક એ હતો કે...
ચરોતરના પાટીદારો સમૃધ્ધ હતા
એણે આફ્રિકાથી શરૂઆત કરીને
દુનિયાના બધાં દેશોમાં અને ખાસ કરીને અમેરિકા અને ઈંગ્લેન્ડમા
પોતાનો કારોબાર જમાવ્યો હતો.
“ડાહ્યો દીકરો દેશાવર વસે” એ કહેવત
ચરોતરના પાટીદારોએ યથાર્થ કરી હતી
પરિણામ?
ચરોતરનો પાટીદાર એક વિશિષ્ટ વ્યક્તિત્વ અને આત્મગૌરવ
કરડાકીપણું અને અનુશાસન
સમૃધ્ધિ અને દાનવીરતા
પ્રસંગોએ લખલૂટ ખરચા
આ બધાં થકી જુદો જ તરી આવતો.
સરદાર પટેલ, પૂજ્ય રવિશંકર દાદા, મોતીભાઈ અમીન અને ભાઈકાકા તેમજ
એચ.એમ.પટેલ જેવાં રત્નો
આ ભોમકાએ પેદા કર્યાં.
હા, આ ચરોતર હતું
સારસા આવા ચરોતરનું એક ગામ
ગૌતમનું ગામ
નિત્યાનંદનું ગામ
પ્રહલાદનું ગામ
જ્યાં ઘરથી દુર
પહેલી મહા શિવરાત્રિ
ખાસ કોઈ જ પ્રવૃત્તિ વગર ગાળી
એ...
સારસા, સારસા જ હતું.
મારો ચરોતર સાથેનો પ્રત્યક્ષ પરિચય કરાવ્યો
સારસાએ.