Monday, February 27, 2017

પ્રવાસ ઘણું બધું શીખવાડે છે. ગુજરાતીમાં ઘણાં બધાં પ્રવાસવર્ણનો લખાયાં છે પણ ખરાં. આ બધામાં સહુથી પહેલો પરિચય મારો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ઉર્ફે કાકાસાહેબ કાલેલકર દ્વારા લખાયેલ પ્રવાસવર્ણનો સાથે થયો. આમ, તો કાકાસાહેબ સાથેનો મારો પરિચય “જામફળ અને જલેબી” પાઠ જે પાંચમા ધોરણમાં અમારા અભ્યાસક્રમમાં આવતો તેને કારણે કાકા સાથેના મારા પરિચયની શરુઆત આ ‘જામફળ અને જલેબીએ’ કરાવી દીધી. ત્યારપછી હાથમાં આવી ‘સ્મરણયાત્રા’. કાકાસાહેબનું બાળપણ કુલ તોંત્તેર સંસ્મરણ લેખોમાં આલેખતું આ પુસ્તક ત્રણ-ચાર વાર વાંચી ગયો પણ ત્યારપછી જે પુસ્તકો મારા હાથે ચડ્યાં તેમાં સહુથી પહેલું ‘રખડવાનો આનંદ’. ભારતની વિવિધતાનું અદભૂત દર્શન કરાવતા આ પુસ્તકના માધ્યમ થકી મેં આખા દેશનો પ્રવાસ કર્યો. કાકાનું વાક્ય “દેશ દર્શન એ મારે મન દેવદર્શનનો જ ભાગ છે” ખૂબ સ્પર્શી ગયું. દક્ષિણને છેડેથી શરુ થતાં આ પ્રવાસમાં બાહુબલી, વસઈનો કિલ્લો, દેલવાડા, ભુવનેશ્વરની સાથોસાથ કુતુબમિનાર અને તાજમહેલથી પરિચિત થવાનો એક સુંદર મોકો મને મળી ગયો. ભારત એ વિવિધતાનો દેશ છે. આ વિવિધતાઓમાં જ એની એકતા સમાયેલી છે. ધર્મ, સમાજ, સંસ્કૃતિ, જીવનવ્યવસ્થા વિગેરેને આવરી લઈને કરવામાં આવેલું રસપ્રદ ચિંતન આ પુસ્તકની વિશીષ્ટતા છે.

 

આવું જ ચુંમાલીસ પ્રકરણોમાં વહેંચાયેલ “હિમાલયનો પ્રવાસ” માત્ર હિમાલય જ નહીં પણ પ્રયાગ, કાશી, ગયા, અયોધ્ય અને બેલુરમઠની યાત્રાનો પણ આમાં સમાવેશ થયો છે. પ્રવાસનો આરંભ હરિદ્વારથી થાય છે અને છેવટે કાકા નામનો પ્રવાસી જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ સુધી પહોંચે છે. હિમાલયની ભવ્યતા, નગાધિરાજ તરીકેનો એનો વૈભવ, ખળખળ વહી જતી એની નદીઓ, નજર પહોંચે ત્યાં સુધી વિસ્તરેલી વનશ્રી અને એની શોભા, લોકજીવનની વિશીષ્ટતાઓ તેમજ પ્રવાસનો આનંદ અને મુશ્કેલીઓ કાકાસાહેબે એટલું અદભૂત રીતે કર્યું છે કે આપણે એને વાંચ્યા જ કરીએ. કાકાસાહેબની આ શૈલી અને એકદમ સરળ ભાષામાં લખાયેલ પુસ્તકો જેમ જેમ વંચાતા ગયાં બાકીનાં પણ વાંચી જવાની ભૂખ જાગતી ગઈ. ઓતરાતી દિવાલો, જીવનલીલા અને જીવનનો આનંદ આ બધાં જ પુસ્તકો સાથે એક પછી એક પરિચય કેળવાયો અને એ પરિચય ગાઢ દોસ્તીમાં ક્યારે ફેરવાઈ ગયો તેનો મને ખ્યાલ નથી.

 

બે મુદ્દા આમાંથી મને સ્પર્શી ગયા. એક કાકાસાહેબ પોતે મહારાષ્ટ્રીયન હોવા છતાં જે સહજતા અને સરળતાથી એમણે ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું તે કોઈપણ ગુજરાતીને વિચારતા કરી મુકે તેવું છે. હમણાં જ માતૃભાષા દિવસ ગયો. ફેસબુક અને વોટ્સઅપ જેવાં સોશીયલ મીડીયામાં એ દિવસે માતૃભાષા પ્રેમનું ઘોડાપૂર આવ્યું હતું. બીજા દિવસથી બધું પાછું રાબેતા મુજબનું થઈ ગયું. આજે અમદાવાદ જેવા શહેરમાં પણ એવાં ગુજરાતી પરિવારો વસે છે જે પોતાનો દિકરો કે દિકરી ગુજરાતી નથી જાણતાં અને માત્ર અંગ્રેજી જ સમજી શકે છે કે બોલી શકે છે એવું કહેવામાં ગૌરવ અનુભવે છે. પોતાની માતૃભાષાનું જ્ઞાન ન હોવું એનાથી વધારે શરમીંદગી અનુભવવાની બીજી કોઈ બાબત ન હોઈ શકે. ક્યારેક ગુજરાતી હોવા છતાં પોતાના સંતાનો ગુજરાતી નથી જાણતા એવું કહેવામાં ગૌરવ અનુભવતા આ પરગ્રહવાસીઓને મળવાનું થાય ત્યારે એમના માટે અહોભાવ નહીં પણ સહાનુભૂતિ અને દુઃખની લાગણી થાય છે. જો કાકાસાહેબ કાલેલકર આપણા સહુ માટે આટલું સુંદર સાહિત્યસર્જન ગુજરાતી ભાષામાં કરી શકે તો મને ગુજરાતી નથી આવડતું એમ કહીને આપણે આપણા સ્વત્વનું અપમાન નથી કરતા ?

 

બીજું પ્રવાસ કરવા માટે હજારો કિલોમીટર મુસાફરી કરવી જ પડે એ સમજ પણ કાકાસાહેબની “ઓતરાતી દિવાલો” ખોટી પાડે છે. આ પુસ્તક ચાર દિવાલો વચ્ચેની આનંદયાત્રા છે. જેલજીવન જેવી બંધિયાર પરિસ્થિતિમાં પણ એમણે કીડીઓ, ખિસકોલીઓ, કાગડાઓ, બિલાડીઓ, વાંદરાઓ, વંદાઓ, કાનખજૂરાઓ જેવા જીવને નજીકથી નીરખ્યા છે. તેમની જીવનપદ્ધતિ અને ખાસિયતો આલેખી છે. જેલજીવનના એકાંતનાં આ સાથીઓ છે. આજ રીતે દિવાલોમાંથી મળતી આકાશ અને તારા નક્ષત્રની ઝલક કેટલી આલહાદક હોઈ શકે એ કારાવાસની ચાર દિવાલો વચ્ચે પૂરાયેલ વ્યક્તિ સહુથી વધુ સારી રીતે જાણી શકે. આમ, પ્રવાસ એ આંતરમનનો પણ હોઈ શકે અને પોતાની આજુબાજુ રહેલ જીવસૃષ્ટિના અનુસંધાન માટેનો પણ હોઈ શકે. કાકાસાહેબે પ્રવાસ માટેની મારી મર્યાદિત સમજને ધરમૂળથી બદલી નાંખી.

 

મારા ઘરમાં પણ સુભાષબાબુ બર્લિન છટકી ગયા તે વિષયને લઈને એક પુસ્તક હતું. આજે એનું ટાઈટલ યાદ નથી આવતું. એ જ રીતે કેટલાક યુવાનો એક વિમાન લઈને કાબૂલ અને અફઘાનિસ્તાનની ગીરીકંદરાઓમાં નીકળી પડે છે તે પણ એક સરસ ગુજરાતી સાહસકથાનું પુસ્તક હતું. ગુણવંતલાલ માધવલાલ આચાર્ય લિખિત હરારી, સરફરોશ, દરિયાલાલ જેવી કાલ્પનિક સાહસકથાઓ દરિયો ખેડવાનો અનુભવ અને ચાંચિયા સાથેના મુકાબલાનો રોમાંચ પુરો પાડતી. નાનજી કાળીદાસ મહેતાના જીવન ઉપર આધારીત “મારી અનુભવ કથા” અને ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા)નાં જીવનની ઝલક આવરી લેતું “ભાઈકાકાના સંસ્મરણો” પુસ્તક પણ અદભૂત છે. આપણને 1857થી 1947ના કાળખંડમાં પ્રવાસ કરાવતી શ્રી યશોધર મહેતાની કૃતિ “નેવું વરસ” પણ ખૂબ ગમી. આવા ઘણા બધાં પુસ્તકો છે જેમાં ક્યાંકને ક્યાંક પ્રવાસવર્ણનો સુંદર રીતે આલેખાયાં છે.

 

મારા ઘડતરમાં પણ રખડપટી અને તેની સાથે જોડાયેલ અનુભવોએ ઘણું મોટું ભાથું પુરું પાડ્યું છે એ મારી ચોથી નિશાળ હતી એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી.

 

શરુઆત કરીએ સરસ્વતી નદીથી. મારી બાલ્યાવસ્થામાં સરસ્વતી નદીમાં લગભગ માર્ચ મહિનાના અંત સુધી પાણી રહેતું. ઉપરવાસમાં બંધ નહોતો. નદીના પટમાં બટાકા, ટામેટાં, સક્કરટેટી અને તરબૂચનું ખૂબ મોટું વાવેતર થતું. આ વાવેતર થાય એટલે નદીનો રેલો વહેતો હોય તેમાંથી જરુર જેટલું પાણી દરેક પ્લોટવાળો વાળી લેતો. છેક પુનાસણથી માંડી ઉપરવાસમાં મોકેશ્વર સુધી થતી આ ખેતીને કારણે પાણીનો રેલો ઘટી જતો અને હોળી આવતા સુધીમાં તો લગભગ સુકાઈ જતો. અમારી નદીના ભાઠામાં બટાકા અને કોળું કે ટામેટાં તો પાકતાં જ પણ એકદમ મીઠી મધ જેવી સક્કરટેટી અને તરબૂત પણ પાકતાં. આ સક્કરટેટીની સુગંધ અને સ્વાદ એટલો સરસ રહેતો કે આપણે ખાધા જ કરીએ. ઉનાળા દરમ્યાન અમે ભાઠામાં થતી આ ખેતીમાંથી મન ભરીને તરબૂચ અને સક્કરટેટીનો સ્વાદ માણતા. અત્યારે મીનીએચરનો જમાનો આવ્યો છે. સક્કરટેટી અને તરબૂચ જે સાઈઝના બજારમાં આવે છે તેની સરખામણીમાં અમારે ત્યાં પાકતી સક્કરટેટી અને તરબૂચ જમ્બો સાઈઝનાં હતાં. ખૂબ મોટી સાઈઝનું કોળું પણ પાકતું. અત્યારે જે સક્કરટેટી આવે છે તે ગળી હોય તો પણ ચાવવામાં રબર જેવી લાગે છે જાણે મૂળ સ્વાદ ખોવાઈ ગયો છે. કોળુ પણ ઘણી નાની સાઈઝનું આવે છે અને જે મીઠાશ અમારી નદીના ભાઠામાં પાકતા કોળા કે બટાકામાં હતી તે આજે નથી. સરસ્વતી નદીના ભાઠામાં થતી આ ખેતી એ વિસ્તારનાં ગામોને વરસના લગભગ છ મહિના રોજગારી પુરી પાડતી અને નદીમાં વહેતા પ્રવાહને કારણે આજુબાજુના કુવાનાં તળ ઉંચાં રહેતાં. પાણી મીઠું નારિયેળના કોપરા જેવું હતું. આ પાણીનાં તળ કે નદીનાં નીર ક્યારેક સૂકાઈ જશે તે વાત ત્યારે કલ્પનામાં પણ નહોતી. આજે મુક્તેશ્વર ખાતે બંધ બાંધીને સરસ્વતીનાં પાણી રોકાયાં છે. બંધમાં પણ આવરો પૂરતો નથી હોતો એટલે આઠ-દસ વરસે એકાદ વાર આ બંધ પુરો ભરાય છે. વિકાસના નામે ગ્રામ્ય અર્થકારણ અને પર્યાવરણનો કેટલો મોટો ભોગ લેવાયો છે એનું આદર્શ ઉદાહરણ મુક્તેશ્વર બંધ અને એની હેઠવાસમાં આવેલો સરસ્વતી નદીનો સૂકોભઠ પટ છે. આજે પાંત્રીસ-ચાલીસ વરસની વયનો સિદ્ધપુરનો યુવાન સરસ્વતીને નદી તરીકે નહીં પણ રેતના ભાઠા તરીકે ઓળખે છે. આ નદીના બન્ને કિનારે લીલીછમ ધરો રહેતી. આ ધરોવાળો કાંઠો ક્રિકેટ રમવા માટેનું આદર્શ વાતાવરણ અને મેદાન પુરું પાડતો. આજે આમાંનું કંઈ નથી. સરસ્વતી નદીના કાંઠે ક્રિકેટ રમીને ઉછરેલ કે બિંદુ સરોવરમાં ધુબકા મારીને તરવાનું શીખેલ પેઢી અડધી-પડધી તો વિદાય પણ થઈ ચુકી છે અને જે બચ્યા છે એ આ સંસ્મરણોને વાગોળવા સિવાય કંઈ કરી શકે તેમ નથી. નદી અમારા માટે આદર્શ પાઠશાળા હતી. આમેય જગતની સંસ્કૃતિઓ મોટી મોટી નદીઓને કિનારે વિક્સી છે. એક જમાનામાં સિદ્ધપુરનો રુદ્રમહાલય જેની ટોચ પરથી પાટણની પનિહારીઓ જોઈ શકાતી હતી. થળીના મઠનો એ ઘાટ જ્યાં સરસ્વતી નદીમાં ચાલતી હોડીઓ લાંગરતી હતી. નદી ઉપરનો રેલવનો પુલ જેના ઉપરથી પસાર થતી પેસેન્જર ટ્રેનમાંથી ફેંકાતા પૈસા ઝીલી લેવા નીચે એ વિસ્તારના બાળકોની લંગાર લાગતી. આવું બધું આજે કહીએ તો જાણે કોઈ ઐતિહાસિક કથા કહેતા હોઈએ તેવો ભાસ થાય છે.

 

આજ નદીના કિનારે આવેલ અરવડેશ્વર મહાદેવને તપોભૂમિ બનાવીને પૂજ્ય દેવશંકરબાપાએ તપ આદર્યું હતું. ત્યાંથી નીચે ઉતરીએ એટલે તે સમયે પાન વચ્ચેની કેડી ઉપર પૂજ્ય બાપા સરસ્વતી માતાને વંદના અને પૂજાઅર્ચન તેમજ સંધ્યા વિગેરે માટે જતા હતા. પૂજ્ય ડોંગરેજી મહારાજ જેવા સંતો પણ સરસ્વતીના આ સંતની કુટિરમાં પધારે એવું તપ અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા દેવશંકરબાપાનો આશ્રમ આજે પણ અરવડેશ્વર બાપાના સાનિધ્યમાં મોજૂદ છે. આજે પણ એમની ધ્યાનકુટિરની મુલાકાત લઈએ તો એક વિશીષ્ટ અનુભૂતિથી રોમાંચીત થઈ જવાય છે. આજે પણ એ કુટિરમાંથી જાણે કે પેલો ચીરપરિચિત “ઓમ નમો ભગવતે વાસુદેવાય” અવાજ સંભળાયાનો આભાસ થાય છે. પૂજ્ય ગુરુબાપાની એ કૃષકાય અને કમરેથી સહેજ વળી ગયેલ દેહયષ્ટી આજે પણ ત્યાં જનાર સહુને નીરંતર આશીર્વાદ વરસાવતી હોય એ વાતાવરણ માણવા જેવું છે.

 

ઉનાળામાં નદીનાં પાણી સૂકાઈ જતાં ખરાં પણ મેળોજના રસ્તે પશવાદળની પોળથી થોડાક આગળ વધીએ એટલે પાનથી ઘેરાયેલ ઉંડા પાણીના ધરા આવતા. લગભગ દોઢ-બે માથોડા ઉપર પાણી હંમેશા રહેતું. વેકેશનમાં આ ધરામાં ધુબાકા મારવાની મજા આવતી. હા બે વસ્તુથી સાચવવું પડતું. એક પાણીના સાપ જેને અમે ડેડું કહેતા. આ બીનઝેરી જીવ ખરો પણ ક્યાંક પગે વીંટળાવાનો પ્રયત્ન કરે તો બીક તો લાગે જ. આવો બીજો એક ખતરનાક જીવ હતો જળો. આ જળો એક કીડા જેવો જીવ છે. એ તમારા પગે કે કમરે કે બીજે ક્યાંય ચોંટી જાય તો લોહી પીને ધરાઈ ન જાય ત્યાં સુધી એ છુટે નહીં. ખેંચો તો રબરની માફક લાંબી થાય. આનાથી છુટકારો મેળવવાનો અકસીર ઉપાય હતો પોતાનું થૂંક લગાડી દો એટલે એ છુટી પડી જાય. મને જળોની બીક નહોતી લાગતી પણ ચીતરી ચડતી. આમ, આ બધું હોવા છતાં ધરામાં ધુબકા મારી તરવાનો આનંદ વિશીષ્ટ હતો અને અમે એની ભરપૂર મજા લેતા.

 

નદીકાંઠાની ખેતી

તરબૂચ અને સક્કરટેટી

કોળુ અને બટાટાં

મરચાં અને ટામેટાં

જળો અને જળચર

અરવડેશ્વર અને પૂજ્ય દેવશંકરબાપા

નદીનું વહેણ અને એને કિનારે વિકસતી અર્થવ્યવસ્થા

કઈ નિશાળ આ બધું શીખવાડે છે ?

આ શિક્ષણ મારી પ્રાથમિક શાળાના શિક્ષણની સમાંતર

ચાલી રહ્યું હતું

મારી ભ્રમણ અને પ્રવાસની શાળામાં

કાકાસાહેબે કદાચ આ એક એક વિષય પર....

એક એક પ્રકરણ લખ્યું હોત....

પણ....

કાકાસાહેબ બધે ગયા

સરસ્વતી ભ્રમણ માટે નહોતા આવ્યા

મને એનો રંજ છે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles