Thursday, December 22, 2016

એશ. એ. પટેલ શાહેબ એટલે કે...

સોમાભાઈ અમથાભાઈ પટેલ. દોલો માણસ.

કોઈનું પણ કામ કરી છુટે.

એક્ઝીક્યુશન અંગેનું જ્ઞાન સારું પણ વિશ્વાસ વધુ પડતો મુકે એટલે એનાં હાથ નીચેના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ક્યારેક ફાયદો ઉઠાવી લે.

 

આ સોમાભાઈએ એક જોરદાર કામ કર્યું.

મહાશિવરાત્રીનો એ દિવસ સોરી રાત્રિ

આમ તો દર પ્રહરે ભગવાન શિવજીની પૂજા આરાધના માટેનો સમય.

આખી રાત શિવમંદિરો રુદ્રાભિષેકના મંત્રોચ્ચારથી ગૂંજતા રહે

ક્યાંક મંત્ર જાગરણ પણ થાય.

સમગ્ર વાતાવરણ ઉમાપતિની આરાધનાનાં પવિત્ર અને પ્રેરક સ્પંદનોથી જીવંત બની રહે.

 

આ થઈ શિવ આરાધનાની વાત

પણ...

ભગવાન શંકર એટલે પ્રલયનો દેવ પણ ખરો

એનું તાંડવનૃત્ય ધરણી ધ્રુજાવી દે

એ સ્મશાનનો દેવ પણ ખરો

ગળામાં સર્પ અને જટામાં ગંગા, ભાલે બીજનો ચંદ્ર એટલે ચંદ્રમૌલિ પણ કહેવાય

આ શિવજીની ભક્તિ માટેનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રી

શિવજીની આરાધના અને ઉપાસનાનો તહેવાર. જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રિ એટલે મહાશિવરાત્રી. અગાઉ કહ્યું તેમ જેમ ભગવાન શંકર સહજ ભક્તિથી પ્રસન્ન થનારા અને સાત્વિકતાના કારક છે તે જ રીતે શંખ, ડમરુ અને ત્રિશુલ ધારણ કરનાર આ ભૂતનાથ, ભૈરવાદી રુદ્રોના અધિષ્ઠાતા પણ ખરા. સાધુ અને યોગીઓના સ્વામી અને ભક્તોના ભોલાનાથ આ દેવ ઉપર મારા માતા-પિતાને અતૂટ શ્રદ્ધા હતી. જયદત્ત શાસ્ત્રીજીની પાઠશાળામાં આવેલ મૃત્યુંજય મહાદેવનું મંદિર આજે પણ મારા અને મારા કુટુંબ માટે શ્રદ્ધાકેન્દ્ર છે. મારા પિતાશ્રી જે પંક્તિઓ વારંવાર ગુનગુનાવતા તે આજે પણ મેં મારી બરોબર નજર સામે મારા ટેબલના કાચ નીચે લખીને મુકી છે. આ પંક્તિઓ છે –

 

भोलानाथ देनेवाला; भोलानाथ देनेवाला

कोई और नहीं;

वो है दुनिया का रखवाला; तेरा मेरा पालनहारा

कोई और नहीं;

डम डम डम डम डमरु बाजे; सांब सदाशिव तांडव नाचे

वो है सबका पालनहारा; तेरा मेरा वो रखवाला

कोई और नहीं;

 

ભગવાન શંકરમાંની અસીમ શ્રદ્ધા એટલી હદ સુધીની કે મારી મા પણ હું એકનું એક સંતાન હોવા છતાંય હંમેશા કહેતી કે “અમે તો ખોટાં મા-બાપ છીએ. માટીનાં માણસ છીએ, ખોવાઈ જઈશું. સાચાં મા-બાપ શિવ અને શક્તિ છે એમાં શ્રદ્ધા રાખજે તે હંમેશા તારું રક્ષણ કરશે.”

જીવનમાં કટોકટીના અનેક પ્રસંગે મેં આ સલાહનો અમલ કર્યો છે અને ગેબી કહી શકાય તે રીતે ક્યાંકને ક્યાંકથી મદદ પણ આવી મળી છે.

ભગવાન શંકરને અતિમાન કે અભિમાન મંજૂર નથી. તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પુરી નહોતી કરી. “વૈરાગ્ય શતક” ભૃતુહરીની રચના છે. રાજા ભૃતુહરી બધું ત્યાગી સાધુ બન્યો. એક પછી એક વસ્તુઓ ત્યાગતો ગયો પણ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી ના તુટ્યું ત્યાં સુધી ભગવાન શંકર એનાથી દૂર જ રહ્યા. શિવના ઉપાસકને એ હંમેશા ખ્યાલ રહેવો જોઈએ કે જ્યાં સુધી એનો અહંકાર કે અભિમાન અકબંધ છે ત્યાં સુધી શંકર એની કોઈપણ ભક્તિ, પૂજા કે ઉપાસના સ્વીકારશે નહીં.

એવું કહેવાય છે કે મહાશિવરાત્રી પર્વના આ દિવસે પૃથ્વી પરના તમામ શિવલીંગોમાં રુદ્રનો અંશ હોય છે. ભગવાન શંકરને મહાદેવ કહેવાય છે અને એ રીતે તે અનિષ્ટોના વિનાશક તેમજ તમામ ગ્રહોના અધિષ્ઠાતા દેવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાતા દેવ પણ શિવ છે એટલે શિવપૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં શિવના સાનિધ્યમાં હોય છે. આ કારણથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે અને જન્મકુંડળીમાં જો દારિદ્રયોગ બનતો હોય તો શિવરાત્રીએ શિવની આરાધના કરવાથી એ દૂર થાય છે.

માણસ બધું જ સમુસૂતર કરે તો એ માણસ શાનો ? એણે આ ભાંગ એટલે કે વિજયાનું સેવન અને ખાસ કરીને ભાંગ તેમજ બદામ, ખસખસ વિગેરે મેળવેલ પ્રસાદ એ દિવસે ભગવાન શિવને ધરાવીને વહેંચવાનું મહાત્મ્ય કરી દીધું છે. સામાન્ય રીતે ખૂબ ઓછી માત્રામાં ભાંગ નાંખેલ આ પ્રસાદને દુધો કહેવાય છે. કેટલાક શોખીનો જો કે એમાં સારા એવાં પ્રમાણમાં ભાંગ નાંખીને પણ એનું સેવન કરે છે. શિવરાત્રીની એ રાત્રે અમારા એશ.એ. પટેલ શાહેબ ક્યાંક શિવ મંદિરમાં દર્શને પહોંચ્યા હશે અને ત્યાંથી ખાસ્સી એકાદ લીટર દુધાની પ્રસાદી ઘરે લઈ આવ્યા. સાહેબ માટેનો માલ હતો એટલે કદાચ પુજારીએ પણ એમાં થોડી વિજયાની માત્રા વધુ નાંખી હશે. ઘરે આવીને બન્ને ધણી-ધણીયાણીએ એક એક ગ્લાસ આ પ્રસાદી ટટકારી દીધી. બાકી જે વધી તે ફ્રીઝમાં મુકી. ભાંગ માટે એવો નિયમ છે કે એ જ્યારે ચડવા ત્યારે દીવો અથવા દર્પણ જેવી ચીજો ઉદ્દીપક એટલે કે એક્સીલરેટરનું કામ કરતી હોય છે. થોડીવાર થઈ હશે અને લગભગ રાતના એકાદ વાગ્યે આ દુધાએ એની અસર બતાવવા માંડી. પટેલ સાહેબ સ્ટાફ ક્વાર્ટરમાં જ રહેતા હતા. મહાશિવરાત્રીની રાત હતી એટલે આમેય જેણે ઉપવાસ કર્યો હોય તેણે કમસે કમ બાર વાગ્યા સુધી જાગવું એનું મહાત્મ્ય છે એટલે આજુબાજુમાં પણ ઘણા બધાં ઘરોમાં હજુ નિંદ્રાદેવીનું સામ્રાજ્ય શરુ નહોતું થયું.

એકાએક પટેલ સાહેબના ત્યાંથી ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો.

પતિ-પત્નિ બન્ને હસી રહ્યા હતા.

પહેલાં તો લાગ્યું કે કોઈક વાત ઉપર આ બન્ને ખુશ થઈને હસે છે.

પણ...

આ ખડખડાટ હસવાનો અવાજ ચાલુ રહ્યો એટલું જ નહીં પણ વધતો ચાલ્યો.

ધીરે ધીરે એ ચિંતાજનક રીતે વધી રહ્યો હતો.

અમે પટેલ સાહેબનું બારણું પણ એ બધું હતું.

અનિલનો નાનો ભાઈ પાઈપ થકી ઉપર ચડ્યો અને બાલ્કનીમાં થઈ ઘરમાં જઈ બારણું ખોલ્યું.

હડુડહુસ કરતું બધું ટોળુ ઘરમાં ઘુસ્યું.

આ બેમાંથી એકેય જણ જવાબ આપી શકે કે કશી વ્યવસ્થિત વાત કરી શકે તેમ નહોતું.

એકેયની સાનભાન ઠેકાણે નહોતી.

વળી કોક દોડ્યું બાજુમાં ઈલોરા પાર્કમાં ડોક્ટર ઓઝાને ત્યાં.

ડોક્ટર ઓઝા આવે ત્યાં સુધી સહુના મનમાં પ્રશ્ન હતો.

શું થયું છે આ લોકોને ?

કોઈકે તો ત્યાં સુધી કહી નાંખ્યું નક્કી કાંક વળગાડ લાગે છે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles