સૌરભ સોસાયટી અને પંચશીલ સોસાયટી
અમદાવાદમાં ૧૪ એપ્રિલ, ૧૯૭૫ના દિવસે આવ્યો અને મારા નોકરીના નવા સ્થાનક આશ્રમ રોડ પર આવેલ ફડિયા ચેમ્બર્સમાં જોડાયો. આ અનુભવ તદ્દન જુદો હતો. સરકારી કચેરીઓમાં લીલા રંગનાં ખાદીના પડદા, ખાદી અથવા જેલમાંથી ખરીદેલ ફર્નિચર, એ સિવાય ઝાઝું આંતરિક સુશોભન દેખાય નહીં. ખાખી રંગની ફાઇલોને લાલ રીબીનથી બાંધેલી. આ ફાઇલો એક કેબિનમાંથી બીજી કેબિનમાં ફરવા નીકળે. એમાંથી કેટલીક સમયાંતરે પાછી આવે. કેટલીક ના પણ આવે.
આ સરકારી ફાઇલો ઉપર તમે ‘ખાનગી’ એવો ફ્લેગ લગાવો એટલે વગર પૈસે એ ફાઇલમાં જે કાંઈ લખાયું હોય એની રસીદ થઈ જાય. અનુભવે હું એવું સમજ્યો કે સરકારમાં કોઈ બાબત ગોપનીય રાખવી હોય તો એને સામાન્ય ફાઇલની માફક જ તરતી મૂકી દેવી. જેણે એ ફાઇલ વાંચવી જોઈએ એ પણ તેનો ધ્યાનથી અભ્યાસ નહીં કરે, બીજાની તો વાત જ ક્યાં કરવી? બાબુઓ કેબિનમાં બેસે અને સિનિયર કર્મચારીઓ કેબિનની બહાર વિભાગમાં એમના કદ પ્રમાણે ટેબલ અને એક સ્ટીલનો કબાટ મળ્યો હોય એ ગોઠવીને ત્યાં પોતાનું સામ્રાજ્ય જમાવે.
હું આ પહેલા હાઉસિંગ બોર્ડમાં હતો ત્યાં પણ રૂટિન ડ્રાફિંટગ વગેરેની પદ્ધતિ તો આ જ. પહેલા જવાબ આપવા માટેનો ડ્રાફટ અથવા આગળ મોકલવા માટે નોંધ તૈયાર થાય એને મુસદ્દો કહેવાય. સક્ષમ અધિકારી પાસેથી એ મુસદ્દો મંજૂર થઈને આવે એટલે સુધારાવધારા સાથે અને બેચાર ભૂલો સાથે એનું ટાઇપિંગ થાય. હવે મુસદ્દામાંથી ઓ.સી./એફ.સી. બને. આ ઓ.સી. એટલે ઓરીજીનલ કોપી અને એફ.સી. એટલે ફર્સ્ટ કોપી. પાછું આ સરઘસ ફરતું ફરતું પેલા સક્ષમ અધિકારી પાસે સહી લેવા જાય અને એના ઉપર એ સાહેબની સહી થઈ જાય એટલે પછી એ કાગળ ડિસ્પેચમાં જાય. જેમ કોઈ પણ જીવને ભવાટવીના ફેરામાં અટવાવું પડે છે એમ સચિવાલયની કેટલીક ફાઇલો તેમજ કાગળો પણ આ રીતે અટવાતા હોય છે. માત્ર માણસ જ અટવાયા કરે છે એવું નથી!
જીઆઈડીસીમાં કોર્પોરેટ કલ્ચર. સરસ મજાની ઑફિસો, ઇન્ટીરીયર પણ ખૂબ સરસ. ક્લાસ-૧ અધિકારીઓને એરકન્ડીશન કેબિન મળે. સરસ મજાનો બૉર્ડરૂમ, સચિવ કક્ષાના મેનેજિંગ ડિરેક્ટર અને એ સમયે સ્ટાફ સીધી ભરતીથી લીધેલો એટલે ઉત્સાહી અને સક્ષમ. આમાંનો મોટાભાગનો જશ પૂર્વ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી મનુભાઈ શાહ અને લલિત દલાલ સાહેબ જેવા સુકાનીઓને જાય. ટૂર પર જવું હોય તો એમ્બેસેડર ગાડી અને વિકાસ માટે ખર્ચો કરવો હોય એ માટેની પણ છૂટ. અત્યાર સુધીમાં સરકારી વાતાવરણમાં નોકરી કરવાનો અનુભવ હતો. હવે એની તરાહ બદલાઈ.
આજે આગળની વાત નથી કરવી. આજે વાત કરવી છે બે અગત્યના સ્થળોની. એમાં પહેલું એ સૌરભ સોસાયટી. એક જમાનામાં ગુજરાતનું રાજ્ય આ સોસાયટીમાંથી ચાલતું. સિનિયર અધિકારીઓ જેવા કે પાટણકર સાહેબ, મથુરાદાસ શાહ સાહેબ, મેવાડા સાહેબ, પી. એ. રાજસાહેબ – આ બધાએ ભેગા થઈને વિજય રેસ્ટોરન્ટથી ડ્રાઇવ-ઈન તરફ જઈએ એટલે જમણા હાથે આ સોસાયટી બનાવેલ. સરકારમાં અગત્યના કહી શકાય તેમાંના મોટા ભાગના સિનિયર અધિકારીઓ અહીં રહેતા અને એ રીતે સાચા અર્થમાં સૌરભ સોસાયટી એ સરકાર ચલાવનારા સિનિયર વહીવટી અધિકારીઓનું કેન્દ્રીય બિંદુ હતી. યોગાનુયોગ મારે મથુરાદાસ શાહ સાહેબ સાથે અત્યંત નિકટના સંબંધો બંધાયા. તમારામાં આવડત હોય, મહેનત કરવાની ક્ષમતા હોય એ એક બાબત છે, પણ એ આવડતને જેમ કોઈ વેલો વાડ ઉપર ચડે તેમ વિસ્તરવા માટે કોઈ હાથ પકડનાર કે ટેકો આપનાર જોઈએ. આવડત અને સખત પરિશ્રમ ક૨વાની શક્તિની વાતને એક ભાગ ગણીએ તો એનાથી મોટો ભાગ જેમણે મારામાં વ્યક્તિગત ભાગ લીધો એ લલિત દલાલ સાહેબ, મથુરાદાસ શાહ સાહેબ, એન. વિઠ્ઠલ સાહેબ, એસ. કે. શેલત સાહેબ, પાટણકર સાહેબ વગેરેએ તે સમયે સ૨કા૨માં ખૂબ જ સિનિયર સ્થાને બિરાજતા અધિકારી સાહેબો તેમજ શ્રી હરિસિંહભાઈ મહીડા, અમરસિંહભાઈ ચૌધરી, માધવસિંહભાઈ સોલંકી, મકરંદભાઈ દેસાઈ, દીનશા પટેલ, ડૉ. શીરીષભાઈ પુરોહિત, સનતભાઈ મહેતા, ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર જેવા પ્રજાના પ્રતિનિધિઓનો પણ કહી શકાય.
જીઆઈડીસીના ચેરમેન શ્રી શાંતિભાઈ ઝવેરી – આ બધા એક યા બીજા સમયે મારો હાથ પકડવા માટે ઊભા ના હોત તો ખૂબ નાની ઉંમરે સરકારમાં મેં જે પ્રગતિ કરી તે ન થઈ શકી હોત, એમાં મને કોઈ શંકા નથી. મારા કુટુંબમાંથી કોઈ જાહેરજીવનમાં નહોતું કે કોઈ સરકારી નોકરીમાં પણ નહોતું. એક સાવ સામાન્ય કુટુંબમાંથી લગભગ ગામડીયો કહી શકાય અને વજનથી માંડી લગભગ બધા જ નકારાત્મક પાસા મારા વ્યક્તિત્વનો ભાગ હતા.
આ જ રીતે અખબારી માધ્યમોમાં મારા કામને પ્રસિદ્ધ આપવામાં તે સમયે જેમના નામની ધાક વાગતી હતી શ્રી તુષાર ભટ્ટ, વાસુદેવભાઈ મહેતા, ધીરૂભાઈ દેસાઈ, એમ. કે. મિસ્ત્રી, હેમંતભાઈ, કાંતિ ભટ્ટ, સુરેશભાઈ દલાલ, હરિ દેસાઈ, જયંતિભાઈ દવે વગેરેનો પણ આભાર માનું છું.
એ સમયે આવી રહેલ કોમ્પ્યૂટર યુગ પણ આ માટે કંઈક અંશે જવાબદાર હતો. આ બધા વચ્ચે અગ્રણી ઉદ્યોગપતિઓ, મજૂર મહાજન, સનદી અધિકારીઓથી માંડી જાહેરજીવનના અનેક લોકોએ મને દોર્યો છે અને ક્યારેક તો સાવ ચૂકી જવાય એવી પડકારજનક પરિસ્થિતિમાંથી મને બહાર કાઢ્યો છે. મારા પર વિશ્વાસ મૂક્યો છે. મારી સાથે ઊભા રહ્યા છે. આ ન થયું હોત તો એક સામાન્ય અધિકારી તરીકે પણ હું પસંદ થયો હોત કે કેમ એ શંકાનો વિષય હતો. આવી કટોકટીની અનેક પળોએ ‘આટલું બધું ટેન્શન લેવાની કોઈ જરૂ૨ નથી. આપણને જે કાંઈ મળશે એમાં ઘર ચાલશે. ના ફાવતું હોય તો જરાય મૂંઝાયા વગર આ નોકરી છોડીને ભગવાને દાંત આપ્યા છે તો ચાવણું પણ આપી દેશે,’ એવી હિંમત સહ અડીખમ મારી સાથે ઊભી રહેનાર મારી પત્ની પણ હું જે કાંઈ કરી શક્યો એ પાછળનું એક લોખંડી પરિબળ હતું. આજે કોઈક નબળી ક્ષણે એના વિશે વિચારું છું ત્યારે હિંમત અને આત્મવિશ્વાસથી બેઠા થઈ જવાય છે. અમદાવાદમાં મારું પહેલું રહેઠાણ કોમર્સ છ રસ્તાથી સૌરભ સોસાયટી તરફ જતા અડધે રસ્તે ૨૦, વર્ધમાન નગર હતું. બાજુમાં જ દાદાસાહેબના પગલાં, થોડા આગળ જઈએ એટલે વિજય ચાર રસ્તા અને એ વટાવો એટલે જમણી બાજુ ૫૦૦ વારના રસ્તે સૌરભ સોસાયટી.
આ એ સૌરભ સોસાયટી છે જેની એક રોનક હતી, જેનો એક રૂઆબ હતો, જેનું વ્યક્તિત્વ એ એડ્રેસ સાંભળે એટલે કોઈ પણ માણસ એની ઓરામાં અંજાઈ જતો હતો. અહીંથી જરાક આગળ જાવ એટલે ઝાઝી સોસાયટીઓ નહોતી, વસ્તી નહોતી. હું ભૂલતો ન હોઉં તો તે વખતે જમીનનો ભાવ પચાસ રૂપિયે વાર હતો. આજે સૌરભ સોસાયટી તો છે જ. રોડ પરના પહેલા બંગલાની દીવાલે નર્મદા યોજનામાં જેમનું અદ્ભુત યોગદાન છે એવા રાજસાહેબની નેમપ્લેટ જોઈ શકાય છે. પાટણકર સાહેબ પણ હજુ અહીં જ રહે છે પણ એનો પેલો રૂઆબ હવે રહ્યો નથી. કદાચ સૌરભ સોસાયટીના સ્થાનદેવતા શાંત થઈ ગયા છે.
આવું બીજું એક સરનામું એટલે પંચશીલ સોસાયટી. ગુજરાત વિદ્યાપીઠ બની ત્યારે કેટલાક ગાંધીવાદી આગેવાનોએ આ સોસાયટી બનાવી. જયરામભાઈ પટેલ, જમનાશંકર પંડ્યા, બાબુભાઈ જશભાઈ પટેલ, કાંતિલાલ ઘીયા જેવા અમદાવાદ અને ગુજરાતના જાહેરજીવનના મોટા માથા અહીં રહેતા. ત્યાં સુધી કહી શકાય કે ગુજરાતનું રાજ્ય પંચશીલ સોસાયટીમાંથી ચાલતું.
આજે આ પંચશીલ સોસાયટીના બંગલા નં. ૧ અને ૩માં મારી ઑફિસ આવેલી છે. હમણાં જ દીવંગત થયાં તે ઇલાબહેન ભટ્ટ (સેવા) અમારા પાડોશી હતા જેનું મને ગૌરવ છે. સોસાયટીના પ્રમુખ કેસરીસિંહજી પણ પાકા ગાંધીવાદી. સૌરભ સોસાયટી અને પંચશીલ સોસાયટી ગુજરાતની શાસનધૂરા જ્યાંથી ચાલતી હતી તે બે મહત્ત્વની વસાહતો આજે અજ્ઞાતનો આંચળો ઓઢી ધીરે ધીરે ઝબુરાતી જાય છે. હજુ જમીનોના ભાવ કદાચ વધુ વધશે અને ત્યારે અડધી પડધી કોમર્શિયલ બની ગયેલ પંચશીલ સોસાયટી ક્યારેક આખી કોમર્શિયલ બની જશે. કોઈ મોટા બિલ્ડરોની નજર સૌરભ સોસાયટી પર પણ હશે જ. એક સમયે રીક્ષાવાળાને પંચશીલ સોસાયટી અથવા સૌરભ સોસાયટી કહો એટલે કોઈ જ માર્ગદર્શન જરૂરી નહોતું, આજે એવું નથી.
પંચશીલ સોસાયટી – સૌરભ સોસાયટી – ગુજરાતની શાસન વ્યવસ્થા ખાસ્સા અઢીથી ત્રણ દાયકા સુધી જેમણે ચલાવી તેવા મહાનુભાવો અહીંયા રહેતા હતા. એમણે કેટલાક મહત્ત્વના નિર્ણયો ગુજરાત રાજ્યના વિકાસના શરૂઆતના તબક્કે અહીંયાથી લીધા. પણ આજે? કાળની ગર્તામાં ધીમે ધીમે બધું વિલીન થતું જાય છે. એને એક દિવસ કાળ પોતાના ઉદરમાં આખી ને આખી સમાવી લેશે.
આજે ગાંધીઆશ્રમની કાયાપલટ થઈ રહી છે. એ પછી અહિંસાના પૂજારી અને સાદગીની જીવંત મૂર્તિ ગાંધીજી અને એમના અંતેવાસીઓ અહીં રહેતા હશે ત્યારનું વાતાવરણ દૂરદૂરથી પણ કલ્પી શકાશે ખરું? ત્યાં સાબરમતીના કિનારે આવેલો આ ગાંધીઆશ્રમ – જ્યાંથી દાંડીયાત્રા નીકળી હતી, જ્યાંની વેરાનભૂમિમાં રાત્રે ચોરો આંટા મારી જતા હતા અને અહિંસાના પૂજારી પૂજ્ય બાપુએ રાત્રે ચોકી કરતા આશ્રમવાસીઓને બંદૂકો વસાવવા માટે મંજૂરી આપી હતી. જ્યાં બાપુનો રેંટિયો ગૂંજ્યો હશે, કસ્તૂરબાએ પોતાની રીતે સાથ પુરાવ્યો હશે, મહાદેવ દેસાઈથી માંડી કાળની ગર્તામાં સમાઈ ગયેલ અનેક મહાનુભાવો અહીં વસ્યા હશે. માત્ર ભારત માટે નહીં, વિશ્વભરમાં ગાંધીઆશ્રમ, અમદાવાદ કોઈને પૂછવું પણ ન પડે એવું સરનામું બની ગયું છે, એ ગાંધીઆશ્રમમાં કદાચ હવે આશ્રમ પણ નહીં જોવા મળે અને ગાંધી પણ.
બદલાતો સમય ઘણું બધું બદલી નાખે છે – ગાંધીઆશ્રમ એમાનું એક આદર્શ ઉદાહરણ છે. ગાંધીઆશ્રમ હવે સ્વાતંત્ર્યસંગ્રામનું શક્તિકેન્દ્ર નહીં પણ બાપુને માર્કેટિંગ કરવા માટેનું એક રૂપકડું સ્થળ બનશે. સોનાના પિંજરામાં પોપટ પૂરાશે – જીવ વગરનો.
આજે વિચાર આવ્યો ભૂતકાળમાં લટાર મારી આવવાનો. આ એ જ ગાંધીઆશ્રમ છે, જ્યાં ૧૯૬૦ની ૧લી મે-નો સૂરજ પૂર્વમાંથી ઉદિત થઈ રહ્યો હતો ત્યારે પૂજ્ય રવિશંકર મહારાજને હાથે ગુજરાતની સ્થાપનાનો દીપક પ્રગટ્યો હશે. મહાગુજરાતના અનેક શહીદોને પુનઃસ્મૃતિ તાદૃશ થઈ હશે. ગુજરાત કેવું રાજ્ય હોવું જોઈએ? એના પ્રધાનો કેવા હોવા જોઈએ? – તે વિષયક પૂજ્ય રવિશંકર મહારાજનું ભાષણ વાંચવા જેવું છે. એમનું એ અમર વાક્ય, ‘મરદ માણસના વખાણ મસાણે થાય. માણસ કેવો હતો, કેવો નહીં એ કહેવું એના ગયા પછી જ ઉચિત રહે’ એની સરખામણીએ અત્યારની પ્રસિદ્ધિભૂખી સરકારોએ અને ટૂંકા ગજાના નેતાઓ આપણે અત્યારે ગુજરાતની સ્થાપનાના સાત દાયકા પૂરા કર્યા છે ત્યારે પૂજ્ય રવિશંકર મહારાજને પણ ઘોળીને પી ગયા હોય એવી સ્થિતિ, ભદ્રનું કૉંગ્રેસભવન, ત્યાંથી છૂટેલી ગોળીએ કૌશિક વ્યાસ નામના એક નવલોહિયા વિદ્યાર્થીને વિંધી નાખ્યો હતો. એ વસંતરજબ, અમદાવાદના ઘડતરમાં એમનો મોટો ફાળો છે. એ અમદાવાદના શ્રેષ્ઠીઓ આજે એથીય આગળ જઈએ તો અમદાવાદના પ્રથમ નાગરિક સરદાર વલ્લભભાઈ પટેલ.
મનમાં સ્મૃતિનું ઘોડાપુર ઊગ્યું છે. કેટલાય નામો ચૂકાઈ ગયા છે, જેના માટે મર્યાદા એક માત્ર જવાબદાર છે. અમદાવાદ વિકસ્યું છે, વિકસશે પણ એ વિકાસના પાયામાં એની ગરિમાના હાડપિંજરો ધરબાયેલાં છે – એ કેમ કરી ભૂલાશે
ફરી એક વાર યાદ આવે છે, સૌરભ સોસાયટી, પંચશીલ સોસાયટી – બંને સાથે મારે નજદીકનો પનારો પડ્યો છે. હું તો બહારથી ઊડીને આ ભૂમિ પર ઊતરી પડ્યો છું. એક યાયાવર પંખી છું. અહીં આવ્યાના બે વર્ષમાં પાછા વડોદરા જવાના નિર્ધાર સાથે આવ્યો હતો. વડોદરામાં મને વતનની હૂંફ દેખાતી હતી પણ રોજગારી રળવાની મજબૂરી હતી. અમદાવાદની ધરતીએ બિછાવેલી સોનાની જાળમાં હું ફસાઈ ગયો.
અમદાવાદે મને ઘણું બધું આપ્યું છે. નથી આપી એક વતનની હૂંફ – જે આજે પણ ચાણસ્માના પાદરેથી નીકળું છું, મને મળે છે. એક દિવસ પણ ત્યાં નહીં રહેવા છતાં ચાણસ્માએ મને ધરાઈ ધરાઈને વહાલ કર્યું છે. અમદાવાદ, વડોદરા અને સિદ્ધપુર જેમની એક નાનકડી સ્વીકૃતિ એ હૂંફ માટે મેં હંમેશાં સાચા અંતરથી ખેવના કરી ને બરાબર ત્યારે જ મને પેલું બ્રહ્મજ્ઞાન થયું છેઃ
‘અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!’
મારા પિતા અને પત્ની બંનેના દેહ અમદાવાદની માટીમાં રાખ બનીને ભળી ગયા છે. મારી મા પવિત્ર અને નસીબદાર બંને હતી. તેનો દેહ સિદ્ધપુરમાં પડ્યો અને સરસ્વતી નદીના કિનારે એના વહેતા પાણી તેના અવશેષોને વહાવી ગયાં. મા આમ તો વિરમગામની પણ સિદ્ધપુરના સ્થાનદેવતાઓની કૃપાએ એને સિદ્ધપુરમાં જ સમાવી લીધી. મારે પાછા જવાની કોઈ ઉતાવળ નથી પણ એ મારા હાથમાં નથી એટલે ભાવિના ગર્ભમાં મારા માટે શું લખાયેલું છે?
ફરી પાછા એ જ યાદોને સંકોરીએ. નજર સામે જીવનના લગભગ પાંચ દાયકા જે શહેરમાં વીત્યા છે ત્યાંના આજે નામશેષ થવા બેઠેલા બે નામ – સૌરભ સોસાયટી અને પંચશીલ સોસાયટી.