ગુજરાતમાં મુકાયેલ એમની પહેલી પ્રતિમા અને દેશમાં પણ એ પહેલી પ્રતિમા છે.
વડોદરામાં મારું પહેલું વરસ ભવિષ્યના પડકારો સામે મને ઘડનાર અને સૌથી વધુ કેળવનારું વરસ હતું. કોઈપણ પરિસ્થિતિને સિક્કાની બે બાજુની માફક બે પાસાં હોય છે. એક સારું અને બીજું નરસું. બરાબર એ જ રીતે કોઈપણ પ્રશ્ન ઊભો થાય ત્યારે સામે એનો ઉકેલ પણ જન્મી ચૂક્યો હોય છે. મેં હંમેશાં એવું માન્યુ છે કે “Any Problem is Always born with a twin brother called Solution” વડોદરામાં શરૂઆતમાં બહુ મિત્રો નહોતા. હું અત્યાર સુધી જે રીતે ઉછર્યો હતો તેની સરખામણીમાં વડોદરાનું મારું જીવન એક નાના તળાવની માછલીને એકાએક સમુદ્રમાં છોડી દેવાય તેવું હતું. આ કારણથી પહેલા વરસ દરમિયાન બહુ સંભાળી સંભાળીને મારે ચાલવાનું હતું. એનું સીધુ પરિણામ એ આવ્યું કે પહેલા વરસ દરમિયાન ભણવા સિવાયનો સમય મેં લગભગ એકલવાયું જીવન જીવવામાં જ વિતાવ્યો મારી જાત સાથે સંવાદનો આ સારામાં સારો સમય હતો. નવા વાતાવરણથી પરિચિત થતા થતા સમય લાગવાનો હતો.
કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે કે પ્રવાસ એ મોટો શિક્ષક છે. મેં વડોદરામાં રઝળપાટને મારા ગુરુપદે સ્થાપિત કરી દીધો. એક કરતાં વધુ વખત જે સ્થળમાં મને રસ પડ્યો તેની મુલાકાત લીધી. ત્યાંથી જે માહિતી મળી તેને સહારે વડોદરાને ઓળખવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્ન મને ઘણું શીખવાડી ગયો. એ સંસ્મરણો આજે લખી રહ્યો છું ત્યારે કેટલીક માહિતી સંશોધિત કરીને વધુ વિગતે મૂકી છે જેથી આ વર્ણન હું જે નગરીમાં ઘડાયો તે નગરીના ઇતિહાસનાં કેટલાંક પાસાંની એક ઝલક પણ વાંચનારને પૂરી પાડે.
આજે વાત કરવી છે કમાટીબાગના દરવાજે જ્યાં એક રસ્તો રેલવે સ્ટેશન તરફથી આવે છે અને બીજો ફતેહગંજ હોમ સાયન્સ તરફથી આવે છે અને આ બંને ભેગા થઈને વિશ્વામિત્રીના પુલ ઉપરથી પસાર થયા બાદ પાછા ફંટાઈ જાય છે એક જાય છે કોઠી રાવપુરા તરફ અને બીજો જાય છે જેલરોડ થઈને દાંડિયા બજાર તરફ. કમાટીબાગના પ્રવેશદ્વાર સામે જ્યાં આ બંને રસ્તાઓ મળે છે ત્યાં એક પ્રતિમા ઊભેલી જોવા મળે છે. આ પ્રતિમા અંગે આજે વાત કરવી છે. કોઈને લાગે કે આવી પ્રતિમાઓ તો અનેક શહેરોમાં અનેક મહાનુભવોની ઊભી કરવામાં આવી છે તો કમાટીબાગને ઝાંપે ઊભેલી આ પ્રતિમામાં એવું શું વિશિષ્ટ છે? પણ આ પ્રતિમા અંગેની વિગતો જાણ્યા બાદ આ પ્રશ્નનો જવાબ મળી જશે.
રૌપ્ય મહોત્સવ પ્રસંગે કરવામાં આવેલ ઠરાવ પ્રમાણે શ્રીમંત મહારાજા સાહેબ(સર સયાજીરાવ ત્રીજા)ની અશ્વારૂઢ પ્રતિમા તૈયાર કરવા સારુ પ્રજા તેમજ કર્મચારી વર્ગે પોણો લાખ રૂપિયા જેટલી રકમ એકઠી કરી હતી. પ્રતિમા બનાવવાનું કામ લંડનના શિલ્પ શાસ્ત્રી ફ્રાંસિસ ડર્વેન્ટને સોંપવામાં આવ્યું. રૂ.૬૦૦૦૦ને ખર્ચે આ પ્રતિમા તૈયાર થઈ અને મહારાજા સાહેબની ૫૧મી વર્ષગાંઠને દિવસે એટલે કે ૧૭ માર્ચ, ૧૯૧૪ના રોજ શ્રીમંત હોલકર મહારાજાના શુભ હસ્તે એનું ઉદ્દઘાટન થયું. આ પ્રસંગનું વર્ણન કરતાં શ્રી સયાજી હીરક મહોત્સવ પ્રકાશનના ભાગ-૧ના ૭૨માં પાને નીચે મુજબ લખવામાં આવ્યું છે-
“સામાન્ય રીતે જે મહાપુરુષની પ્રતિમા ખુલ્લી મૂકવાની હોય છે તે મહાપુરુષ ઉદ્દઘાટનની વિધિ વખતે હાજર હોતા નથી. કદાચ તે કાલધર્મ પામ્યા પછી અથવા રાજ્યધુરાના ભારથી મુક્ત થયા પછી તેમની પ્રતિમા ખુલ્લી મુકાય છે, પણ આજ તો આપણા પરમ ભાગ્યની વાત એ છે કે જે મહાશયની પ્રતિમા ખુલ્લી મૂકવાની છે તે અસલ મૂળ પુરુષ પણ આપણાં ભેગા છે.
બહાદુર મરાઠાઓએ રણસંગ્રામની સમરભૂમિ ઉપર જે વિજયો મેળવેલા તેવા વિજયના સ્મારક તરીકેની આ પ્રતિમા નથી. યુધ્ધના ભોગ થઈ પડેલા નિરપરાધી લોકોનાં અથવા રણમાં પરાજિત થયેલાં માણસોનાં લોહીથી આ પ્રતિમા ખરડાયેલી નથી. એ તો એથી પણ વધારે ઉચ્ચ વિજયનું સ્મારક છે. દુષ્કાળ, અજ્ઞાનને સામાજિક અવનતિ ઉપર મેળવેલા વિજયનું તે સ્મારક છે. ધાર્મિક, રાજકીય અને રાજ્યવહીવટના સુધારાનાં મહાત્કાર્યોનું તે ચિન્હ છે. પોતાની પ્રજા માટે અવિરત શ્રમ કરનાર જ્ઞાની અને કૃપાળુ રાજાએ શાંત અને ઉત્તરોત્તર ઉન્નતિવાળો રાજ્યકારભાર જે ૨૫ વરસ સુધી પૂરેપૂરો સફળતાથી ચલાવ્યો છે તેનું એ સૂચક છે. પોતાના માલીક તરફ સંતોષ ને કૃતજ્ઞતા બતાવનારી પ્રજાના પ્રેમ અને પૂજ્યભાવનો એ ઉપહાર છે. વડોદરામાં આવું સ્મારક આ પહેલ વહેલું જ છે; કારણ કે આજ સુધી થઈ ગયેલા વડોદરાના કોઈ રાજાની પ્રતિમા શહેરના કોઈ પણ ભાગને શોભાવતી હોય એમ દેખાતું નથી.“
આ પ્રતિમા તો હવે એક પ્રસિધ્ધ લેંડમાર્ક બની ચૂકી છે. કમાટીબાગ કાળા ઘોડાની આ પ્રતિમાને લગભગ ઘસાઈને ટ્રાફિક ચાલે છે. પણ આજના ભાગમ-ભાગીના જીવનમાં વડોદરાના ઇતિહાસની તવારીખના આ એક અમીટ ચિન્હને જોવાની અથવા એના વિષે જાણવાની નવરાશ કે કુતૂહલ કોને છે? પેલું George Santayanaનું પ્રસિધ્ધ વાક્ય યાદ આવે છે-
“Those who cannot remember the past are condemned to repeat it”
કદાચ વડોદરા વાસીઓને પણ ખબર નહીં હોય કે મ્યુઝિયમના બરાબર સામે એક બીજી પ્રતિમા ઊભી છે. અત્યારે એ પ્રતિમાની આજુબાજુ ગ્રીલ કરી દેવામાં આવી છે જેથી સાવ નજદીક જઇ શકાતું નથી. આ પ્રતિમા ૦૮/૦૩/૧૯૩૪ના રોજ મૂકવામાં આવી હતી. આ મુર્તિ કદાચ ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં સ્થાપવામાં આવેલ મહારાજા છત્રપતિ શિવાજીની પ્રથમ પ્રતિમા છે. હવે તો મુંબઈમાં મહારાજા છત્રપતિ શિવાજીની વિશાળ પ્રતિમા મૂકવાનું આયોજન થાય છે. સરદાર સરોવર બંધને હેઠવાસમાં સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા તૈયાર થઈ રહી છે. આ પ્રતિમાઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને દેશના ગૌરવની ઝાંખી કરાવશે. પણ જે સમયે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મૂકવાનું કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય તે સમયે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની રાજધાની વડોદરાના મ્યુઝિયમના સાનિધ્યમાં ૦૮/૦૩/૧૯૩૪ના રોજ મુકાયેલ આ પ્રતિમા પણ ગુજરાત અને દેશની છત્રપતિ શિવાજી મહારાજની પ્રથમ પ્રતિમાનું ગૌરવવંતુ સ્થાન શોભાવે છે. દિવ્યભાસ્કર ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૫માં આ પ્રતિમા વિષે લખાયું છે-
“સયાજીબાગમાં મૂકાયેલું સ્કલ્પચર છત્રપતિ શિવાજીનું વિશ્વમાં પ્રથમ વખત તૈયાર કરાયેલું સ્કલ્પચર છે. જેનું અનાવરણ ૮ માર્ચ, ૧૯૩૪ના રોજ સયાજીરાવ ગાયકવાડના હસ્તે કરાયું હતું. વર્ષ ૧૯૨૬માં શિવાજી સ્મારક સમિતિ, કોલ્હાપુર દ્વારા પૂણાની શિવાજી પ્રીપેટરી સ્કૂલમાં શિવાજીની પ્રતિમા મૂકવા સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં પૂણાના ગણપતરાવ મ્હાત્રે અને નાનાસાહેબ કરમરકરે ભાગ લીધો હતો. ૧ વર્ષની મુદતમાં સ્કલપ્ચર તૈયાર કરવાનું કામ ગણપતરાવને, જ્યારે તેની પેનલ બનાવવાનું કામ કરમરકરને અપાયું હતું. છ મહિના બાદ ગણપતરાવે કામ શરૂ જ ન કર્યું, જેથી સમિતિએ ગણપતરાવ પાસેથી કામ પરત લઈ કરમરકરને સોપ્યું હતું. જોકે તેમ છતાં ગણપતરાવે મિલકત વેચીને સ્કલ્પચર બનાવ્યું હતું. ઇતિહાસના જાણકાર ચંદ્રશેખર પાટીલે કહ્યું કે, ગણપતરાવે બનાવેલ આ સ્કલ્પચર શિવાજીનું વિશ્વમાં પ્રથમ વખત બનેલું સ્કલ્પચર છે. તે અંગે સર સયાજીરાવને જાણ થતાં તેઓએ પૂણા જઈ કલાકારને ~60 હજાર આપી સ્કલ્પચર ખરીદી લીધું.”
આ થઈ બંને પ્રતિમાઓની વાત. મ્યુઝિયમથી પ્રાણીસંગ્રહાલય તરફ જવાને રસ્તે અને એ સમયે કમાટીબાગના છેડેથી વિશ્વામિત્રી ઉપર બંધાયેલ ઝુલતો પુલ (આ પુલ થોડાં વારસો બાદ નિર્જળા અગિયારસ-ફુગ્ગા અગિયારસના દિવસે તૂટી પડતાં મોટી હોનારત સર્જાઈ હતી.) પણ કમાટીબાગનું એ એક અનેરું આકર્ષણ હતું.
મહારાજા સયાજીરાવની પ્રતિમા
કાળા ઘોડા તરીકે જાણીતું આ શિલ્પ
વડોદરાની પ્રજા અને રાજ્યના કર્મચારીઓ દ્વારા ભંડોળ ભેગું કરી ઊભું કરાયેલ
રૌપ્ય મહોત્સવ પ્રસંગે મહારાજા હોલકરના હાથે એનું ઉદ્દઘાટન થયું.
એ વખતે સયાજીરાવની ઉંમર ૫૧ વરસ હતી.
એમના શાસનકાળાનો સુર્ય મધ્યાહને હતો.
એક દીર્ઘદ્રષ્ટા અને પ્રજાવત્સલ રાજવી તરીકે...
સર સયાજીરાવ ગાયકવાડ પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા.
પ્રજાના પ્રેમની સ્વીકૃતિનું સંભારણું આ કાળા ઘોડાનું સ્થાપત્ય છે
દેશમાં કોઈપણ રાજા માટે પ્રજા અને કર્મચારીઓએ...
ભંડોળ ઊભુ કરી આવું શિલ્પ એની હયાતીમાં ભેટ ધર્યું હોય...
એવો કોઈ દાખલો જાણમાં નથી.
વડોદરા નગરી અને રાજ્ય આવા પ્રજાવત્સલ રાજાની હૂકુમત હેઠળ સુખ અને સમૃધ્ધિના નવા સોપાન સર કરી રહ્યા હતાં.
કાળનું ચક્ર ચાલ્યા કરે છે
એ વખતના યુવાન અને પ્રભાવી મહારાજા...
આજે આપણી વચ્ચે નથી.
પણ કહ્યું છે કે...
“નામ રહંતાં ઠક્કરાં
નાણાં નહીં રહંત
કીરત કેરાં કોટડાં
પાડ્યાં નહીં પડંત.”
આ દુનિયામાં ઘણા આવે છે અને જાય છે.
મોટા મોટા ધનકુબેરો અને શાસકો કાળની ગર્તામાં વિલીન થઈ ગયા છે.
ભાગ્યે જ કોઈ તેમને યાદ કરે છે.
સર સયાજીરાવ ગાયકવાડ આમાં અપવાદ હતા.
એનો સાક્ષાત પુરાવો
આ કાળા ઘોડાની પ્રતિમા છે.
છત્રપતિ શિવાજી મહારાજ
હિંદુપત પાદશાહી અને મોગલ તાકાત સામે ટકરાનાર એક રણબંકો, એક એવો રાજવી જેનું જીવન યુધ્ધભૂમી પર જ ગયું.
એની તાકાતે દિલ્લીની મોગલ સલ્તનતને દક્ષિણમાં આગળ વધતાં રોકી.
આ છત્રપતિ શિવાજી મહારાજની ૦૮/૦૩/૧૯૩૪નાં રોજ એક પ્રતિમા મુકાઇ.
સયાજીબાગમાં મ્યુઝિયમના બરાબર સામે
છત્રપતિ શિવાજી મહારાજની આ પ્રતિમા...
ગુજરાતમાં મુકાયેલ એમની પહેલી પ્રતિમા
અને દેશમાં પણ એ પહેલી પ્રતિમા છે.