featured image

ડૉ. જય નારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)

 અમેરિકાના બ્લૂમબર્ગ ન્યૂઝે તાજેતરમાં એક અહેવાલ આપ્યો છે કે જાપાન અને નેધરલેન્ડ ટૂંક સમયમાં ચીનમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન સાધનોની નિકાસને પ્રતિબંધિત કરવા માટે અમેરિકા સાથે જોડાવા માટે સંમત થશે. આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને બ્લૂમબર્ગે કહ્યું છે કે, આ દેશો વચ્ચેની વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થશે. નેધરલેન્ડ્સે સેમિકંડક્ટર ઉત્પાદક કંપની ASML હોલ્ડિંગને ચીનને મશીનો વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે જાપાન નિકોન કોર્પ કંપની પર પણ આવા જ નિયંત્રણો લાદશે.

          રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે ડચ અને યુએસ અધિકારીઓ વચ્ચે જાન્યુઆરી ૨૦૨૩ના અંત સુધીમાં કરાર થઈ શકે છે કારણ કે ૨૭ જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં બંને દેશોના પ્રતિનિધિઓની મુલાકાતનું આયોજન થયું છે.

          અમેરિકા અને ચીન વચ્ચેની પ્રતિસ્પર્ધા જગજાહેર છે. એવામાં ચીન પર કડક નિકાસ નિયંત્રણો લાદવા માટે નેધરલેન્ડ અને જાપાનને સંમત કરી પોતાની બાજુ કરવા એ અમેરિકન પ્રમુખ જો બિડેનના વહીવટતંત્ર માટે એક મોટી રાજદ્વારી જીત હશે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર ૨૦૨૨માં બિડેન વહીવટીતંત્રે કેટલાક નિકાસ નિયંત્રણો જાહેર કર્યા હતા, જેમાં યુએસ મદદથી વિશ્વમાં ગમે ત્યાં બનેલી ચોક્કસ સેમિકન્ડક્ટર ચિપ્સ ચીનને ઉપલબ્ધ ન બને તેવા પગલાંનો સમાવેશ થાય છે. ચીનની તકનીકી અને લશ્કરી પ્રગતિને ધીમી કરવા માટે અમેરિકા દ્વારા જે પગલાં લેવામાં આવી રહ્યા છે તેમાંનું આ એક હતું.

          જોકે જાપાન અને નેધરલેન્ડ્સ સેમિકંડક્ટર ક્ષેત્રે અગ્રણી દેશો છે. જાપાનીઝ અથવા ડચ સહકાર વિના, યુએસ કંપનીઓને સ્પર્ધાત્મક ગેરલાભનો સામનો કરવો પડી શકત. જાપાનના અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રી યાસુતોશી નિશિમુરાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘અમે યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય દેશો સાથે નિકાસ-નિયંત્રણ અંગે ચર્ચા કરી રહ્યા છીએ. અમે અમારા વિદેશી વિનિમય કાયદા અનુસાર અને આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા કોઈપણ પગલાંનો અમલ કરીશું,’

          નવા પ્રતિબંધોથી સૌથી વધુ અસર થવાની સંભાવના જાપાની ચિપ મેન્યુફેક્ચરિંગ મશીનરી નિર્માતા કંપની ટોક્યો ઇલેક્ટ્રોનને હશે, જે તેના કુલ વેચાણનું લગભગ ચોથા ભાગનું વેચાણ ચીનને કરે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે આ મુદ્દે સંતુલન જાળવવાની જરૂર છે જેથી જાપાન, અમેરિકા અને યુરોપમાંથી કોઈને અપ્રમાણસર રીતે ગેરલાભ ન ​​થાય.       

          ડચ અધિકારીઓએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે આ નવા નિયંત્રણોમાં જોડાવાની બાબતને યુએસ ચિપ-સંબંધિત કંપનીઓની તરફેણ કરવાની બાબત તરીકે જોવાને બદલે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ સાથે જોડીને જોવાની જરૂર છે.

          પોતાના વેપારનો ચોથો ભાગ જે દેશ સાથે છે એવા ચીન સાથેનો વેપાર કપાઈ જવાથી જાપાની કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે. જોકે જાપાન આવી અસરગ્રસ્ત કંપનીઓમાં વેચાણ ઝડપથી રિકવરી પ્રાપ્ત કરશે એવી અપેક્ષા રાખે છે કારણ કે સેમિકંડક્ટરનું બજાર વિસ્તરી રહ્યું છે.

          ઓક્ટોબરમાં જ્યારે અમેરિકાએ આ જાહેરાત કરી હતી ત્યારે ચીને આ નિર્ણયની નિંદા કરી, તેને આંતરરાષ્ટ્રીય આર્થિક અને વેપાર નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આનાથી અમેરિકા પોતે જ એકલું પડી જશે અને આ નિર્ણય તેના પોતાના ઉપર જ બેકફાયર થશે. આનાથી માત્ર ચાઇનીઝ કંપનીઓના કાયદેસરના અધિકારો અને હિતોને જ નુકસાન નહીં પહોંચે, પરંતુ અમેરિકન કંપનીઓના હિતોને પણ અસર થશે. યુએસ વિજ્ઞાન અને ટેકનોલોજીનું શસ્ત્રીકરણ અને રાજનીતિકરણ કરી રહ્યું છે પરંતુ આવા આર્થિક અને વેપારી મુદ્દાઓ થકી ચીનની પ્રગતિ અટકશે નહીં.

          ૧૯૯૦ના દાયકા પછી ચીનને આપતી ટેક્નોલોજી માટેની યુએસ નીતિમાં આ પગલું સૌથી મોટું હોઈ શકે છે. જો આનો અસરકારક રીતે અમલ કરવામાં આવે તો અમેરિકા યુએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરતી અમેરિકન અને વિદેશી કંપનીઓને દબાણ કરીને ચીનના ચિપ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને વર્ષો પાછું ધકેલી શકે છે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles