Thursday, March 9, 2017

સાતમા ધોરણમાં હાઈસ્કુલ સ્કોલરશીપ પરીક્ષામાં બેઠો એનું શ્રેય છઠ્ઠા ધોરણના અમારા વર્ગશિક્ષકશ્રી મોતીરામભાઈ પટેલને આપું છું. આ માહિતી તેઓ લઈ આવ્યા હતા અને એની તૈયારી માટેનું પુસ્તક પણ તેમણે જ મેળવી આપ્યું હતું. તેમણે જે પાયો નાંખ્યો તેના ઉપર મને મહેનત કરીને તૈયાર કરવાનું કામ સાતમા ધોરણના મારા વર્ગશિક્ષકશ્રી ચીમનભાઈ ખત્રી સાહેબે કર્યું. જેમાં મારા બાપાના માર્ગદર્શન તેમજ સતત પ્રોત્સાહનનો ફાળો ઉમેરાયો અને સરવાળે મારું ગાડું ગબડી ગયું.

 

સિદ્ધપુર બહાર પરીક્ષા આપવા જવાનો આ મારો પહેલો અનુભવ હતો. ટી.જે. હાઈસ્કુલ મહેસાણાની ગાયકવાડ સમયની બાંધણી તેમજ વર્ગખંડોની રચના મને ખૂબ પસંદ આવી. પેપર મેં જે તૈયારી કરી હતી તેના પ્રમાણમાં સરળ હતું. કદાચ આ કારણથી જ મારા બહુ સારા માર્ક આવ્યા હશે જેને કારણે તે સમયના મહેસાણા જીલ્લામાં (આજનું પાટણ અને મહેસાણા જીલ્લા ભેગા હતા) મારો દેખાવ પરીક્ષામાં બેઠેલા બધા વિદ્યાર્થીઓમાં સર્વોત્તમ રહ્યો. મને હાઈસ્કુલના સંપૂર્ણ અભ્યાસકાળ દરમ્યાન જે સ્કોલરશીપ મળી તે મારા ઉપયોગમાં તો આવી જ પણ એમાંથી થોડીક બચત કરીને એ પૈસા ઘર ખરચમાં પણ ઉપયોગમાં આવતા એ મારે માટે વિશેષ આનંદની બાબત હતી. હું પણ ઘર ચલાવવામાં કંઈક ફાળો આપું છું એ રીતે ફુલ નહીં પણ ફુલની પાંખડી જેવું મારું આ પ્રદાન મને પ્રોત્સાહિત કરતું. ક્યારેક ક્યારેક લાગતું કે હવે આપણે પણ મોટા થવા માંડ્યા છીએ. આ મોટા થવાની પ્રક્રિયા આજે પણ ચાલુ છે જો કે ઘણો પ્રયત્ન કરવા છતાંય મારામાંનો બાળક મને મોટો થવા દેતો નથી. આ કારણથી હું મારાથી સમવયસ્ક અથવા નાના વયજૂથના વ્યક્તિઓ અને બાળકો તેમજ હોદ્દાની દ્રષ્ટિએ પટાવાળા કે સ્વીપર સુધી સહુ કોઈ સાથે આત્મિયતાથી વાત કરી શકું છું અને ક્યારેક અમે અરસપરસ મશ્કરી પણ કરી લઈએ છીએ. આ ઉંમરે પણ કહેવાતી મોટા થવાની ગંભીરતા કે ઠાવકાઈ મારામાં નથી આવી. ક્યારેક નાની બાબતે થોડો સમય ગુસ્સે પણ થઈ જવાય છે પણ વળી પાછા એ જ પારદર્શિતા અને બાળસહજ નિર્દોષતા મારો કબજો લઈ લે છે. આવી જ કોઈ ક્ષણોમાં હું ભગવાન શિવ, શક્તિ કે બાબા સાથે ઝગડો પણ કરું છું, એમને સંભળાવી પણ દઉં છું અને વળી પાછો કાકલુદી કરીને મનાવી પણ લઉં છું. ઘણા મોટા માણસો સાથે મારે ઓળખાણ જરુર છે પણ એમના જેવી ઠાવકાઈ અને ગંભીરતા નહીં હોવાને કારણે કોઈક મને બાલીશ તો કોઈક મૂરખ ગણતા હોય તો જરાય મને નવાઈ નહીં લાગે. મને ત્યારે નીચેની પંક્તિઓ યાદ આવે છે –

“કહેતા હૈ જોકર સારા જમાના

આધી હકિકત, આધા ફસાના

ચશ્મા ઉતારો ઔર દેખો યારો

દુનિયા નયી હૈ ચહેરા પુરાના”

મને કદાચ કોઈ પૂછે કે ઈશ્વરે મને આપેલી સહુથી મોટામાં મોટી ભેટ કઈ છે ? તો એક ક્ષણના ય વિલંબ વગર કહી દઉં – “બાલીશતા” – બાલસહજ નિર્દોષતા અને ભોળપણ. મારા રાજકીય સાથીઓ અને કાર્યકર મિત્રો પણ મને સરળ, ભોળો અને કોઈપણ છેતરી જાય તેવો માણસ માને છે. મને એનો આનંદ છે કારણકે ભોળપણમાં હું છેતરાઉં છું પણ કોઈને છેતરતો નથી. ક્યારેક આ મિત્રોને કહેવાનું મન થાય છે –

“સબસે બડા નાદાન વોહી હૈ

જો સમજે નાદાન મુઝે

કૌન કૌન કિતને પાની મેં

સબકી હૈ પહચાન મુઝે”

ખેર, ક્યારેક નાદાનીયતનો કે મૂરખ હોવાનો પણ એક આનંદ હોય છે.

હાઈસ્કુલ સ્કોલરશીપની પરીક્ષામાં જીલ્લામાં પ્રથમ આવવાને કારણે મારું નિશાળમાં પણ માન વધ્યું અને રાજપુર શાળાના મારા શિક્ષકોની માફક અહીંયા પણ હું મારા વર્ગશિક્ષકશ્રી ચીમનભાઈ ખત્રી સાહેબનો પ્રિતીપાત્ર બની શક્યો.

 

રાજપુર પ્રાથમિક કુમારશાળા અને શાળા નંબર એકની અંદર તેમજ આજુબાજુના વાતાવરણમાં આસમાન જમીનનો ફેર હતો. અહીંયાં શહેરના કેટલાક ધનાઢ્ય અને વગદાર કુટુંબોના દિકરાઓ પણ ભણતા. એમની પાસે ખિસ્સાખરચી માટે સારી એવી રકમ રહેતી. આ કારણથી એમનું એક અલગ વર્તુળ બનતું. એમનાં કપડાંથી માંડી બધું જ એમની શ્રીમંતાઈની ચાડી ખાતું. આ વિદ્યાર્થીઓનું નિશાળમાં પણ અલગ જૂથ રહેતું. રીસેસમાં ગોરધનની લારીએ કે હજુરીયાના ખૂમચે ટોળે વળીને તેઓ જ્યાફત ઉડાડતા. રગડાપેટીસ સિંધી ભાઈઓના આવ્યા બાદ સિદ્ધપુરમાં પ્રવેશેલી નવી આઈટમ હતી. એવી જ બીજી આઈટમ હતી ઈટાલીયનના ગોટા (આને ઈટાલી સાથે કોઈ લેવા દેવા નહોતી). પહેલાં શરબત અને ખાંડની ચાસણી તેમજ એસેન્સ નાંખી વાંસની સળી પર થીજાવી દીધેલ આઈસકેન્ડી મળતી. સિંધી ભાઈઓના આવ્યા બાદ એમાં પણ એક નવી આઈટમ ઉમેરાઈ, એ હતી માવા કુલ્ફી. સિંધી ભાઈઓ બરફના ગોળાને પણ રબડી જેવા દૂધમાં બોળીને આપતા. એક મેંદો કે એવી કોઈ આઈટમમાંથી વાંસ પર લુગદી લગાડી એમાંથી જુદાં જુદાં પંખીઓનાં આકાર બનાવી વેચવાનું પણ એમણે શરુ કરેલું. શહેરમાં હવે લાલુમલના પેંડા અને લસ્સી જેવાં નામ પ્રચલિત થવા માંડ્યાં હતાં. સિદ્ધપુરમાં ડૉ. મુરજમલ નિહાલાની ઉર્ફે દાદાનું દવાખાનું મંડીબજાર લાયબ્રેરીના મકાનમાં ધમધોકાર ચાલતું. ક્યારેક તો ખૂબ ગરદી હોય ત્યારે પેશન્ટ તપાસતા સ્ટેથોસ્કોપ કાનમાં ન લાગેલું હોય છતાં દાદાએ લખી આપેલ બે ટીકી સવારે, બે ટીકી સાંજે અને ગુલાબી મીક્ષરથી દરદી સાજો થઈ જતો ! દાદાના હાથમાં ગજબની જશરેખા હતી.

 

આ સિંધી ભાઈઓ તે સમયે નિરાશ્રીત તરીકે પણ ઓળખાતા. પાકિસ્તાનથી હિજરત કરી પહેરેલુગડે તેઓ આવ્યા પણ એકપણ સિંધી બચ્ચો ભીખ નહોતો માંગતો. ગોળી-બિસ્કીટ વેચવાથી માંડીને ઓછે નફે ઝાઝો વેપારની નીતિ અને સખત પરીશ્રમને કારણે આ સમાજ સિદ્ધપુરમાં બે પાંદડે થવા માંડ્યો હતો. અગાઉ જણાવ્યું તેમ મારી સાથે ગનામલ, જીવત, ચીમન અને રુપો એમ ચાર સિંધી વિદ્યાર્થીઓ હતા. ભણવામાં બધા જ મહેનતુ અને સારા. ચીમન વલ્લભવિદ્યાનગરથી મીકેનીકલ એન્જિનિયર થયો અને રુપાભાઈ ઈલેક્ટ્રીકલ એન્જિનિયર થયા. ગનામલ ભણવામાં સારો એવો હોંશિયાર પણ આર્થિક અને કૌટુંબિક પરિસ્થિતિને કારણે એણે ધંધો સંભાળ્યો અને સફળ થયો. જીવત પંચમહાલ બાજુ ક્યાંક સ્થાયી થયો છે. થોડા વરસો પહેલાં સિદ્ધપુર સિંધી સમાજના સમૂહલગ્ન પ્રસંગે મળ્યો હતો.

 

અમારી સાથે નરસિંહ પટેલ કરીને એક વિદ્યાર્થી હતો. સરેરાશ બધા કરતાં ચારેક વરસ મોટો અને શરીરે તંદુરસ્ત. એને ભણવા સાથે બહુ નિસબત નહોતી. ક્લાસમાં પણ અનિયમિત. એક દિવસ કોઈક કારણસર એને આ સિંધી ગ્રુપ સાથે ઝગડો થયો અને એણે હાથ ઉપાડ્યો. વાત એ દિવસ પૂરતી તો પતી ગઈ. બીજા દિવસે નિશાળ છુટી ત્યારે બસુ અને લચ્છુ એ બે યુવાનો નિશાળને દરવાજે હાજર હતા. આ નરસિંહ ઝાંપાની બહાર નીકળ્યો એટલે ફેંટ પકડીને દે ધનાધન. લડતાં લડતાં આ લોકો છેક અફીણવખાર સુધી ગયા ત્યારે માંડ કેટલાકોએ વચ્ચે પડી છોડાવ્યા. પણ લચ્છુ અને બસુની ધાક બેસી ગઈ. જો કે સિદ્ધપુરના ભૂદેવોમાં આનાથીય માથાભારે વિદ્યાર્થીઓ હતા. એ જમાનામાં અખાડા પણ ચાલતા એટલે સિદ્ધપુરના ભૂદેવોનું કોઈ નામ નહોતું દેતું.

 

આવું બધું રાજપુરની પ્રાથમિક કુમારશાળામાં નહોતું જોયું. વિદ્યાર્થીઓ રમતા રમતા નાનો મોટો ઝગડો થાય પણ આ લચ્છુ - બસુ ટાઈપની ફિલ્મી મારામારી પહેલીવાર જોઈ. ખેર, આ પણ સિદ્ધપુર શહેરના વાતાવરણનો ને સંસ્કૃતિ-કલ્ચરનો એક ભાગ હતો.

 

મહાશિવરાત્રીએ વિદાય લીધી અને હોળીનું તાપણું દેખાવા માંડ્યું. ફાઈનલની પરીક્ષા હવે નજદીક આવતી જતી હતી. પરીક્ષા આવે એટલે દિનચર્યામાં ફેરફાર થાય, વાંચવું પડે, રાતના ઉજાગરા થાય, ટેન્શન થાય આ બધું એ વખતે પણ મારી ડીક્સનરીની બહાર હતું. ખત્રી સાહેબ મહેનત કરાવતા. એમ કરતાં કરતાં શાળાન્ત પરીક્ષા એટલે કે ફાઈનલ આવી. પરીક્ષા અપાઈ ગઈ. હવે શાળાની વાર્ષિક પરીક્ષા હતી. એ પણ રંગેચંગે પતી ગઈ. ઉનાળાનું વેકેશન પડ્યું. છેલ્લે દિવસે સાતમા ધોરણનું પરિણામ વર્ગમાં પ્રથમ નંબરે ઉત્તિર્ણ થઈને મેળવ્યું એના આનંદ સાથે શાળા નંબર એકના દરવાજામાંથી બહાર નીકળ્યો. મારી માત્ર એક વરસ માટે શિક્ષણભૂમિ રહેલ શાળા નંબર એકને અલવીદા કહી પરિણામપત્રક સાથે ઉતાવળા પગલે મેં ઘરનો મારગ પકડ્યો. એક વરસ તો એક વરસ શાળા નંબર એકે મને ઘણું આપ્યું. ચીમનભાઈ ખત્રી સાહેબ જેવા પવિત્ર અને કાબેલ શિક્ષક પાસે ભણવાની તક આપી, હાઈસ્કુલના વાતાવરણમાં પ્રવેશતા પહેલાં એક વચગાળાની વ્યવસ્થા તરીકે શહેરી વિસ્તારની શાળા સાથે મારો પરિચય કરાવી આપ્યો, સિંધી સમાજમાં જેમની સાથે આજીવન મૈત્રી ટકી રહી તેવા મિત્રો આપ્યા, હાઈસ્કુલ સ્કોલરશીપ પરીક્ષાના માધ્યમ થકી મહેસાણા જીલ્લામાં સર્વોચ્ચ સ્થાન આપ્યું અને ફાઈનલની પરીક્ષા થકી પ્રાથમિક શાળામાં શિક્ષક થવા માટેની તકના દરવાજા ખોલી આપ્યા.

 

સાતમું ધોરણ પ્રાથમિક શિક્ષણનું છેલ્લું પગથિયું હતું. શૈશવ હવે વિદાય લઈ રહ્યું હતું. તરુણાવસ્થા સામે પાર દેખાઈ રહી હતી. મારા મિત્રશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની એક કવિતા મને ગઈકાલના લેખ ઉપરની ટિપ્પણીરુપે ડૉ. દિનેશસિંહ ગઢવીએ મોકલાવી છે. આ ચર્ચા પુરી કરવા માટે આનાથી વધુ સારું કોઈ ટાંચણ ન મળ્યું હોત. ડૉ. દિનેશસિંહ ગઢવીના આભાર સાથે ‘મિસ્કીન’ની આ રચના રજૂ કરું છું.

"એ જ એનો એ રહ્યો હું, બાળપણ ચાલ્યું ગયું"

એ જ એનો એ રહ્યો હું બાળપણ મારુ ચાલ્યું ગયું,
પ્રેમનું-વિશ્વાસનું વાતાવરણ ચાલ્યું ગયું.
થઈ ગઈ કેવી યુવાની એક તોફાની નદી,
સાવ નિર્મળ જળભરેલું જ્યા ઝરણ ચાલ્યું ગયું.
પ્રૌઢ માણસ ઠાવકો કેવો ઠરેલો થઈ ગયો,
ખૂબ ઊંડો થૈ ગયો તો ભોળપણ ચાલ્યું ગયું.
આવડ્યું ના વૃદ્ધ થાતા પણ હું ચાલ્યો સતત,
ગાંડપણ ગુપચુપ પ્રવેશ્યું જાણે શાણપણ ચાલ્યું ગયું.
ઘર-જગત સુંદર હતું પણ શોધતું’તું શુંય મારુ મન,
ધૂળમાં આમ જ જીવન પ્રત્યેક ક્ષણ ચાલ્યું ગયું..
બાળપણ ની સામે મોટપ ની મજા મને કડવી લગે કાગડા.

છઠ્ઠું અને સાતમું....

તફાવત તો માત્ર એક જ ધોરણનો હતો

પણ એ એક ધોરણે

પ્રાથમિક શિક્ષક બનવાની લાયકાતરુપે

ફાઈનલ પાસનું લેબલ માર્યું

તો બીજીબાજુ....

હાઈસ્કુલ સ્કોલરશીપરુપે

હાઈસ્કુલનું સંપૂર્ણ શિક્ષણ સ્કોલરશીપના પૈસે ભણવાની

તક ઉભી કરી આપી

આમ...

શાળા નંબર એક મારી શૈક્ષણિક કારકીર્દીમાં

એક મહત્વનો પડાવ બની રહી

હવે હું ઘડાવા માંડ્યો હતો


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles