Tuesday, March 7, 2017
રાજપુર પ્રાથમિક કુમારશાળા સાથેનો મારો નાતો પુરો થયો. આ શાળામાંથી છઠ્ઠા ધોરણમાં પહેલે નંબર પાસ થઈને મારું પરિણામપત્રક લઈ હરખમાં બહાર નીકળ્યો ત્યારે એ ભુલાઈ ગયું કે આ શાળા અને આ ઝાંપો મને અલવીદા કહી રહ્યાં હતાં. અહીં મેં એકડો ઘુંટ્યો અને છ વરસ ભણતરના જરાય ભાર વગર ભણ્યો. એ શાળા, એનું મેદાન, એની પાછળ ખરવાડમાં આવેલ વડલો, રાજપુર ગામના મહાદેવ સાથે જોડાયેલી હરગોવન સરપંચની એ દુકાન, દેવસ્વામીનો બાગ અને શાળાના પ્રાંગણમાં બેસીને થતી પ્રાર્થના બધું જ એક ઝાટકે પાછળ છુટી ગયું. છઠ્ઠા ધોરણમાં પ્રથમ નંબરે પાસ થવાના આનંદના બદલામાં મેં મારા શૈશવનાં સંભારણાં અભરમ નદાવા લખી આપ્યાં હતાં એ હવે સમજાય છે એ વખતે નહોતું સમજાયું. જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે એ સમજ ત્યારે નહોતી. જો હોત તો છઠ્ઠા ધોરણમાં પેપર કોરુ છોડીને રાજપુરની આ પ્રાથમિક કુમારશાળાને અલવીદા ના કહેત.
ખેર, વીતી ગયેલી પળ પાછી આવતી નથી એમ રાજપુર પ્રાથમિક કુમારશાળાનો આ વિદ્યાર્થી એક પળમાં જ પૂર્વ વિદ્યાર્થી બની ગયો. એના હાથમાં પરિણામપત્રક તો હતું જ પણ સાથે સાથે શાળા છોડ્યાનો દાખલો પણ હતો. શાળા છોડવાના કારણમાં એ દાખલામાં લખ્યું હતું ધોરણ છ માં પાસ થવાથી. હવે ઘંટ વાગે ત્યારે મારે દોડીને આ ઝાંપાની અંદર આવવાનું નહોતું. જે વર્ગખંડોની દિવાલો છ છ વરસ સુધી મેં જોઈ અને જેની બારીમાંથી બહાર ડોકાચિયું કરી ખુલ્લું આકાશ જોતા હતા તે વર્ગખંડ હવે બીજા વિદ્યાર્થીઓ માટે કામમાં આવવાના હતા. એકાએક બધું જ બદલાઈ જશે એ મારી કલ્પના બહારનો વિષય હતો. ખ્યાલ માત્ર એટલો જ હતો કે હવે આગળ સાતમું ધોરણ ભણવું હશે તો સિદ્ધપુર શહેરની પ્રાથમિક શાળામાં દાખલ થવું પડશે. પહેલાં ઘરથી શાળા સુધીનું અંતર માત્ર પાંચ મિનિટ પણ નહોતું તે હવે અડધા કલાકનું થઈ જશે. રાજપુરની શાળાના આ વાતાવરણમાં હું બેતાજ બાદશાહ હતો. પરિણામ આવે ત્યારે બીજા નંબરે કોણ આવ્યું છે તે જ પૂછવાનું રહેતું. પહેલો નંબર મેં સતત જાળવી રાખ્યો હતો અને તે પણ કોઈપણ જાતના તણાવ અથવા ગભરાટ વગર. ઘરે જઈ દફ્તર એક ખૂણામાં ફેંકવાનું અને સીધા રમવા દોડી જવાનું તે રાત પડે વહેલી. બીજા દિવસે શાળાએ જતી વખતે ચોપડીને હાથ અડાડવાનો. આ એકચક્રી સામ્રાજ્ય ભોગવ્યા પછી હવે નવા વાતાવરણમાં ભણવા જવાનું હતું. આ વાતાવરણ શહેરનું હતું. આ વાતાવરણ અપરિચિત હતું. એક નાના તળાવમાં તરનારને મોટા સરોવરમાં ધકેલી દેવામાં આવે અને એની જે સ્થિતિ થાય તે સ્થિતિ મારી હતી. સામાજીક રીતે પણ રાજપુરમાં તે સમયે જે પ્રકારનું વાતાવરણ હતું હું પ્રમાણમાં ભણેલ-ગણેલ અને આગળ પડતા કુટુંબમાંથી આવતો હતો. હવે આ મનોવૈજ્ઞાનિક ફાયદાનો અંત આવવાનો હતો. સિદ્ધપુર શહેરના વાતાવરણમાં ઉછરેલા પ્રમાણમાં સુખી અને સારા કુટુંબોમાંથી આવતા અને એથીય આગળ વધીને કહીએ તો મારે જે નિશાળમાં સાતમા ધોરણમાં દાખલ થવાનું હતું એ નિશાળમાં ભણતા અને એ રીતે વાતાવરણથી પરિચિત તેમજ સહાધ્યાયી મિત્રમંડળ ધરાવતા વિદ્યાર્થીઓના ઝૂંડમાં મારે મારું સ્થાન મેળવવાનું હતું. સાચું કહું તો બીક લાગતી હતી. અધુરામાં પુરું મારા બાપાની રેલ્વેની નોકરી ચાલુ હતી એટલે મને નવી સ્કુલમાં પ્રવેશ અપાવવા માટે તેઓ હાજર નહોતા.
આ પરિસ્થિતિમાં મને નિશાળમાં દાખલ કરાવાનું કામ મારી મા એ સંભાળ્યું. ઘરેથી શૂકન જોઈને નીકળ્યા ત્યારે પણ મનમાં થોડો ગભરાટ તો હતો જ પણ જેમ જેમ અફીણવખાર અને તે સમયના ગંજબજારની મધ્યમાં આવેલ શાળા નંબર એક નજદીક આવતી ગઈ મારા પગ ઢીલા પડવા માંડ્યા. એક અજ્ઞાત ભય જાણે કે મને ઘેરી વળ્યો. ક્ષણભર તો થયું કે અહીંથી મુઠીઓ વાળી અને પાછો દોડી જાઉં. રાજપુરની પ્રાથમિક શાળામાં જઈને મારો દાખલો પાછો આપી દઉં અને ઠાકર સાહેબને વિનંતી કરીને કહું કે મને છઠ્ઠા ધોરણમાં નાપાસ કરી દો પણ આ શાળામાં ભણવા દો. આવા વિચારોમાં ને વિચારોમાં ક્યારે શાળા નંબર એકના દરવાજામાં દાખલ થઈ ગયા તે ખ્યાલ પણ ના રહ્યો. સામે એક પરિચિત ચહેરો જાણે કે અમારી રાહ જોઈ રહ્યો હતો. મોટી મોટી બીક લાગે તેવી મૂંછ, કડકાઈ આંખો, પહાડી અવાજ અને મજબૂત બાંધો ધરાવતા આ સજ્જન તો મારા પરિચિત હતા. મારા બાપાને એ મામા કહેતા. એ સજ્જન હતા શાળા નંબર એકમાં જ તે સમયે શિક્ષક તરીકે કામ કરતા શ્રીમાન કાન્તિલાલ જેઠાલાલ ભટ્ટ. મારા કાન્તિભાઈ.
પેલો અર્જુનવિષાદ યોગ જાણે કે એકાએક ઓગળી ગયો. મને શાળા નંબર એકમાં શિરચ્છત્ર મળી ગયું હતું. હું એમની સાથે હેડમાસ્તર સાહેબની ઓફિસમાં ગયો. મને દાખલ કરવામાં આવ્યો વર્ગ સાત-કમાં. મારા વર્ગશિક્ષક હતા શ્રીમાન ચીમનભાઈ ખત્રી સાહેબ. મારી બાજુના જ વર્ગમાં સિદ્ધપુરનું ઘરેણું કહી શકાય એવા કવિવર્ય મનુભાઈ હ. દવે વર્ગશિક્ષક હતા. અમારો વર્ગ પહેલા માળે હતો.
સાતમા ધોરણમાં ક્યાં ભણવું એના માટે બે વિકલ્પ વિચારાયા હતા. એક વિકલ્પ હતો એલ.એસ. હાઈસ્કુલમાં થર્ડમાં દાખલ થવાનો. કારણકે ત્યાં સાતમા ધોરણથી એડમીશન મળતું હતું. સારા કુટુંબના છોકરાઓ ત્યાં દાખલ થતા જેથી હાઈસ્કુલના વાતાવરણથી પરિચિત પણ થવાય અને પ્રમાણમાં સોફેસ્ટીકેટેડ કહી શકાય તેવા માહોલમાં ભણવાની તક મળે. બીજો વિકલ્પ સાતમું ધોરણ ગુજરાતી શાળામાં ભણીને તે સમયે ગુજરાત શાળાન્ત પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ફાઈનલની પરીક્ષા પાસ કર્યા બાદ આઠમા ધોરણથી હાઈસ્કુલમાં જવાનો હતો. આમાં બે ફાયદા હતા. પહેલો શાળાની પરીક્ષા સારી રીતે પાસ કરી હોય તો તે સમયે સરળતાથી પ્રાથમિક શિક્ષકની નોકરી મળી જતી હતી એટલે એક નોકરી માટેની તક ખુલે. બીજો ફાયદો એવો ગણાવામાં આવ્યો કે સાતમા ધોરણમાં ભણાવવામાં આવતું ગણિત એ થર્ડમાં ભણાવાતા કોર્સ કરતાં વધુ અઘરુ હોય છે એટલે ગણિત પાકુ થાય. મારે માટે ત્રીજો પણ એક મુદ્દો હતો જે સાતમા ધોરણમાં ભણવાથી તે સમયે લેવાતી હાઈસ્કુલ સ્કોલરશીપની પરીક્ષા સારી રીતે આપી શકાય અને એમાં ઉત્તિર્ણ થવાય તો છેક એસએસસી સુધી સ્કોલરશીપ મળે. આ સ્કોલરશીપનો દર આઠમા ધોરણમાં વરસે સાઈઠ રુપિયા હતો અને એસએસસીમાં વરસે એકસો વીસ રુપિયા મળતા. મારા માટે ફાઈનલની પરીક્ષા અને હાઈસ્કુલ સ્કોલરશીપ પરીક્ષા બન્ને અગત્યના હતાં અને એટલે મને સાતમા ધોરણમાં શાળા નંબર એકમાં દાખલ કરવામાં આવ્યો.
મારી સાથેના કેટલાક વિદ્યાર્થીઓ એલ.એસ. હાઈસ્કુલમાં થર્ડમાં દાખલ થયા જેમાં એક મારા મિત્ર અને સહાધ્યાયી ભાઈ પતંજલી શાસ્ત્રી પણ હતા. શાળા નંબર એકમાં દાખલ થઈને ચીમનલાલ ખત્રી સાહેબના ક્લાસમાં મને મુકાવવામાં મુરબ્બીશ્રી કાન્તિભાઈ ભટ્ટ સાહેબનો મોટો ફાળો હતો. એ સમયે ચીમનલાલ ખત્રી સાહેબ સારામાં સારા શિક્ષક ગણાતા. મૂળ રાધાસ્વામી સંપ્રદાયમાં આસ્થા રાખનાર ખત્રી સાહેબ ખૂબ જ સાત્વિક પણ એકદમ કડક શિક્ષક હતા. એમની ધાક જ એવી હતી કે કોઈ વિદ્યાર્થી ચૂં કે ચા ન કરી શકે.
અહીં મને કેટલાક નવા મિત્રો મળ્યા એમાં મુખ્યત્વે સિંધી ભાઈઓમાંથી શ્રી ગનામલ કિશ્નોમલ, જીવત ખાનચંદ, ચીમન ઝાંગીમલ અને રુપાભાઈ ગાંગુમલ હતા. મારે થોડા સમયમાં આ બધા સાથે સારી દોસ્તી થઈ. બે ગુપ્તા ભાઈઓ હતા. એક રામવિલાસ શંકરલાલ ગુપ્તા અને બીજો બીરેન ગુપ્તા. બન્નેની મીઠાઈ-ફરસાણની દુકાન હતી અને તેમાં બીરેન ગુપ્તા શાળાની બાજુમાં જ રહેતો. આ સિવાય નાગરભાઈ ભાણાભાઈ અને નટુભાઈ પરમાર તેમજ પ્રવિણભાઈ પંચોલી, ગોપીભાઈ વધવા, નંદીભાઈ વધવા, કુમુદભાઈ સાથે પણ સારી એવી નીકટતા થઈ.
શાળાની બહાર હજુરીયો ચવાણાનો ખૂમચો લઈ ઉભો રહે અને કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં ઉધારી પણ ચલાવે. આ સિવાય એક ગોરધન રગડાપેટીસની લારી લઈને આવે. મારા ત્યાં પોકેટમની એટલે કે જાતે ખરચવા માટેના પૈસા આપવાની પ્રથા પણ નહોતી અને શક્યતા પણ નહોતી. આમેય જેમાં પાણી નાંખીને બનાવે એ બધી જ વસ્તુઓ એઠી ગણાતી એટલે સિદ્ધપુરમાં બ્રાહ્મણ કુટુંબના છોકરાંઓ ભજીયાં, ભુસું કે રગડાપેટીસ ખાય અથવા કોઈ હોટલમાં બેસે એ બહુ સારી વાત નહોતી ગણાતી. જો કે કેટલાક મોટા કુટુંબના નબીરાઓ માટે આવો કોઈ બાધ નહોતો અને લગભગ સ્વેચ્છાચારી જીવન જીવતા હોય તેવું હતું.
શાળા નંબર એકમાં આમ મારા ભણતરનું ગાડું ધીરે ધીરે પાટે ચડવા માંડ્યું. સિદ્ધપુર શહેરનો કોઈ હાઉ હવે નહોતો. ભણવામાં પણ ઠીક ઠીક ગજુ કાઢ્યું એટલે સરળતા હતી. સરવાળે રાજપુરની પ્રાથમિક કુમારશાળામાંથી શાળા નંબર એકમાં દાખલ થયા બાદ હું ધીરે ધીરે થાળે પડતો જતો હતો.
રાજપુરની પ્રાથમિક કુમારશાળામાંથી
શાળા નંબર એક
પણ....
આ તો માત્ર ટુંકો મુકામ હતો
એક વરસ જ અહીં ભણવાનું હતું
ત્યારબાદ ?
બાંધ ગઠરીયાં કરી ફરી પાછા એલ.એસ. હાઈસ્કુલમાં
નવી ગીલ્લી નવો દાવ રમવાનો હતો
આ એક વરસના ટુંકા ગાળામાં પણ ઘણું બધું બનવાનું હતું
ફાઈનલની પરીક્ષા
હાઈસ્કુલ સ્કોલરશીપની પરીક્ષા
ધીરે ધીરે હવે પરીક્ષાની બીક લાગવા માંડી હતી
જીવનમાં પહેલીવાર થોડો તો થોડો પણ ભણતરનો ભાર લાગતો હતો