શ્રી ગોપાલ કૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલય
મારું બાળપણ જ્યાં વીત્યું તે અમારા રહેઠાણના ખેતરની વાડ પૂરી થાય ત્યાર પછી વચ્ચે અંબાજી માતા તરફથી મૂળજીકાકાના ખેતર તરફ જતાં રસ્તાનું ખાસ્સું પહોળું નેળિયું આવે અને પછી એક નાની ખડભી નાખીને બનાવેલું વાડનું છીંડું પસાર કરીએ એટલે જયદત્ત શાસ્ત્રીજીની પાઠશાળા આવે. થોડા આગળ વધો એટલે જમણા હાથે અધ્યયન મંદિર. સીધા ઉત્તર તરફ નાકની દાંડીએ ચાલ્યા જાવ એટલે ડાબી બાજુએ લીમડાની હરોળવાળો રસ્તો આગળ જતાં ફંટાય. ડાબી બાજુ વળી પાછી કરેણોની હાર, ક્યાંક લીમડા વચ્ચે કુંડા ગોઠવવા માટેનું ગોલંબર અને ત્યાંથી આગળ જાવ એટલે સીધો પશુવાદળની પોળથી ખડાલીયા હનુમાન જતો રસ્તો અને રાજપુરનો રસ્તો બે ભેગા થાય. જમણી બાજુ અખાડો આવે, જેની બાજુમાં મલખમ અને સામે એક પીળી કરેણના ઝાડ નીચે નાની એક હનુમાનજીની દેરી. સાંજ પડે એટલે પાણી છાંટી પાવડાથી અખાડાને એકદમ સરસ રીતે ગોડી નાખવાનો. માટી માખણ જેવી થઈ જાય, પછી એમાં કુસ્તી રમવાની. બાજુમાં જ મલખમ. જમણા હાથની આંટી ભીડી બે પગે જોરથી શરીરને ઉપર લઈ જાવ એટલે બે પગ મલખમના થાંભલાને પકડી લે. તમે ઊંઘા લટકી જાવ એ રીતે લટકેલા જ પછી હાથની આંટી ભીડાવી શરીર આગળ ખેંચતા ખેંચતા છેક ઉપર સુધી જઈ શકાય તો મલખમની ટોચે જઈને બે હાથથી એને પકડી આખું શરીર એક લીટીમાં રાખી સ્થિર રહેવાનું. આ સિવાય લાકડાના મગદળીયા જુદા જુદા વજનવાળા પણ હતા જે હાથમાં પકડી માથા ઉપરથી આખું વર્તુળ ઘૂમાવી મૂળ જગ્યાએ પાછા ફરવાનું. આ બધો કાર્યક્રમ લગભગ દોઢ કલાક ચાલતો પછી હનુમાનજીની સ્તુતિ -
અંજની ગર્ભ સંભૂતો વાયુ પુત્રો મહાબલ:
કુમારો બ્રહ્મચારી ચ હનુમાન પ્રસિદ્ધિતામ
બોલાય. આ ગોલંબર અને અખાડાવાળા ચાર રસ્તાથી આગળ વધીએ એટલે મૃત્યુંજય મહાદેવ મંદિર આવે. થોડા આગળ જાવ એટલે એક મોટો લીમડો અને જમણી બાજુએ લાઈબ્રેરી અને અન્નક્ષેત્રના મકાનો તેમજ પાઠશાળાનો પાકા થળાંવાળો કૂવો આવે. ઉનાળામાં કૂવા ઉપર બેસાડેલા હેન્ડપંપથી પાણી ખેંચી આ થાળું ભરી અંદર અરધો પોણો કલાક પડ્યા રહેવાની જે મજા આવતી તે આજે શાવર કે બાથટબમાં નથી આવતી. લાઈબ્રેરીના મકાનથી આગળ જઈએ એટલે આગળ એક ઝાંપલી આવે. બસ એ વાડ મોટા ભાગે મહેંદી અને થૂવરની ત્યાં સંસ્કૃત વૈદિક પાઠશાળાની હદ પૂરી થાય અને જયદત્ત શાસ્ત્રીજીના લગભગ સાડા ચાર વીઘાના ખેતર અને તેમાં આવેલા તેમના નિવાસસ્થાન ‘શારદાભવન’ની હદ શરૂ થાય. થોડા આગળ વધો એટલે બરાબર થોડીબારામાં ડાબા હાથે એક આંબલીનું મોટું ઝાડ અને પછી શાસ્ત્રીજીના બંગલાના ચોકમાં દાખલ થાવ તે પહેલા એક મોટી બોરસલ્લી. ઉપરાંત ચારે બાજુ લીમડા, આસોપાલવ, ગૂંદી જેવા ઝાડ પણ ખરા. શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવિત કરે એવું અને અવાજ પહાડી. આ પાઠશાળામાં વિદ્યાર્થીઓએ સંસ્કૃતનો અભ્યાસ કરતાં હોય, ક્યારેક વ્યાકરણ ભણતા હોય ત્યારે લઘુ સિદ્ધાંત કૌમુદી તો ક્યારેક મહિમ્ન કે રુદ્રી. આ વાતાવરણમાં જીવનનાં શરૂઆતનાં ચૌદ વરસ ગાળ્યા એટલે સંસ્કૃત પાઠશાળા મને હંમેશા આકર્ષે છે. કમનસીબે આજે જયદત્ત શાસ્ત્રીજીની પાઠશાળા તો નથી ચાલતી પણ સિદ્ધપુરમાં સંસ્કૃતના અભ્યાસને આગળ વધારતી શ્રી ગોપાલ કૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલય જે બિંદુ સરોવર પર ઇન્દુભાઈ શેઠના બંગલા સામે આવેલી છે તે ખૂબ સારી રીતે ચાલે છે.
આ સંસ્થાની સ્થાપના ઇ. સ. ૧૯૧૫માં શ્રી જગન્નાથ માધવરાવ શર્મા (આચાર્ય)એ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતના સંરક્ષણ અને વિકાસ માટે સંસ્કૃતના વિદ્વાનો તૈયાર કરવાના હેતુથી કરી હતી. આ હેતુ સિદ્ધ કરવા માટે આ સંસ્થા શ્રી ગોપાલ કૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલયનું સંચાલન કરે છે. આ સંસ્થા ૧૦૫ વર્ષથી ચાલી રહી છે. સંસ્થાએ સંસ્કૃતના અનેક સુયોગ્ય વિદ્વાનો સમાજને આપ્યા છે જેઓ સંસ્કૃત ભાષા દ્વારા ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ અને વિકાસ કરી રહ્યા છે. આજથી અઠયાવીસ વરસ પહેલા સંસ્થાના પ્રમુખની જવાબદારી પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સ્વ શેઠશ્રી કેશવલાલ વિઠ્ઠલદસ પટેલે લીધી હતી તેમજ મંત્રીની જવાબદારી ઉદ્યોગપતિ કાર્યકુશળ અને અનુભવી સ્વ. શેઠશ્રી અમૃતલાલ કુબેરજી ત્રિવેદી (મારફતીયાજી)એ સ્વીકારી હતી જેઓ દાદાના હુલામણ નામે પ્રસિદ્ધ હતા. તે સમયે સંસ્થાની આર્થિક પરિસ્થિતી સામાન્ય હતી. પ્રમુખશ્રી અને મંત્રીશ્રી પોતાનો શ્રેષ્ઠ અનુભવ અને પુરુષાર્થથી સંસ્થાનો કાયાકલ્પ કરી સંસ્થાનો સુંદર વિકાસ કર્યો, સંસ્થાના ઉત્તમ વિકાસમાં પ્રમુખશ્રી અને મંત્રીશ્રીનો મહત્તમ યોગદાન રહ્યું છે.
આજે આ સંસ્થાનું સંચાલન સ્વ. શ્રી અમૃતલાલ કુબેરજી ત્રિવેદીના બંને પુત્રો ભાઇશ્રી અજીતભાઈ મારફતિયા અને શ્રી વિજયભાઈ મારફતિયા ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે. સો વરસ કરતાં પણ આ જૂની સંસ્થા છે. સિદ્ધપુર મજૂર મહાજન સંઘમાં પ્રમુખ આદરણીય શ્રી સોમાકાકા મારા બાપાના ખાસ મિત્ર હતા ત્યારે બાપાની સાથે ક્યારેક મજૂર મહાજન સંઘના સોમાકાકાને મળવા જવાનું થાય તે સમયે શ્રી ગોપાલ કૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલયનું આ બોર્ડ વાંચીને એક જુદી જ લાગણી એટલા માટે થતી કે મારું બાળપણ પણ આ જ પ્રકારની સંસ્કૃત પાઠશાળાના સાંનિધ્યમાં વીત્યું. શ્રી ગોપાલ કૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલય કપરા કાળમાંથી પસાર થઈને બહાર આવી અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું એ એક ખૂબ જ મોટી સિદ્ધિ ગણી શકાય. જે માટે અજીતભાઈની વહીવટી પકડ અને વિજયભાઈની મહેનત તેમજ આચાર્યશ્રીની વિદ્વત્તા ગણી શકાય.