સિધ્ધપુરનો થેપો અને તલની લાડુડી આ ઉતરાયણે ના મળ્યાં કારણ કે હું વડોદરે હતો અને વડોદરું એ સિધ્ધ્પુર નહોતું
વડોદરાના મારા નિવાસ દરમિયાન અત્યાર સુધી જે કંઈ લખ્યું છે તે મોટા ભાગે મારા જીવન સાથે જોડાયેલુ છે અને મનમાં સંગ્રહાયેલી ઘટનાઓનું ભાવિ એમાથી લખાયું છે. ક્યારેક ક્યારેક આધારભૂત ઇતિહાસનો સહારો લઈ એમાથી ઉતારેલી ઘટનાઓ મે વડોદરાનો મને થઈ રહેલા પરિચય સાથે જોડીને પૂરક માહિતી આપવાનો પ્રયત્ન પણ કર્યો છે. ખૂબ જતનથી જાળવી રાખેલ મારા વિદ્યાર્થી અવસ્થા અને તેની સાથે જોડાયેલાં વડોદરાનાં સંભારણાને અક્ષરદેહ આપ્યો છે. પણ તેની સાથે સાથે આ સંભારણાં આલેખતાં એ વખતે જેનો મને એટલી વિગતે પરિચય નહોતો તે સંબંધિત સ્થળોના ઈતિહાસને પણ જોડવાનો પ્રયત્ન કર્યો છે. વડોદરાના ઈતિહાસને લાગે વળગે છે ત્યાં સુધી સર સયાજીરાવ ગાયકવાડ અથવા પ્રોફેસર ટી. કે. ગજ્જર કે પછી મહાયોગી શ્રી અરવિંદ ઉપર લખાયેલ ઘટનાઓ ઉપરાંત સયાજી હીરક મહોત્સવ પ્રસંગે પ્રગટ થયેલ વડોદરા રાજ્યના ઓફિસિયલ ગેજેટિયર ઉપરાંત વડોદરા નગરીનો પ્રાચીન ઇતિહાસ આલેખતું શ્રી રમેશ જોશી લિખીત પુસ્તક “ઇમારત અને અવશેષો” કે પછી ચંદ્રવદન ચી. મહેતાનાં વિવિધ પુસ્તકો વાંચતાં મળેલ માહિતીને મે સંપૂર્ણ વફાદારી પૂર્વક અત્યાર સુધી રજૂ કરી છે. જેથી આધારભૂત માહિતીના સથવારે મારાં કાચી ઉમરનાં એ સાંભારણાંને વધુ સારી રીતે માણી શકાય.
મારૂ ઉચ્ચ શિક્ષણ ત્રણ શહેરોમાં થયું. એન્જીનિયરીંગની સ્નાતક પદવી અને મેનેજમેન્ટ વડોદરામાં, સિવિલ એન્જીનિયરીંગનો અનુસ્નાતક અભ્યાસ ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈમાં અને ત્યારબાદ એલ.એલ.બી. તેમજ મેનેજમેન્ટમાં પી.એચ.ડી.માટેનું સંશોધન કાર્ય અમદાવાદમાં. નિવાસની દ્રષ્ટિએ જોઈએ તો સિધ્ધપુર છોડ્યા બાદ મેં 11 વરસ વડોદરામાં, 2 વરસથી થોડો વધુ સમય મુંબઈમાં અને ત્યારબાદ ૧૯૭૫ના એપ્રિલથી શરૂ કરી આજદિન સુધી એટલે કે લગભગ ૪૨ વરસ ઉપરનો સમય અમદાવાદમાં ગાળ્યો છે.
બે શહેરોએ મને એક ચોક્કસ નિર્ણય તરફ દોર્યો.
વડોદરા જેના હું લગભગ પ્રેમમાં પડ્યો. હજુ પણ મારૂં હદય તો વડોદરાને જ સ્વીકારે છે એવું મારૂં સપનાનું શહેર. જે દિવસે એ ધરતી પર પગ મૂક્યો ત્યારથી આજ દિવસ સુધી એક અદ્દભુત આકર્ષણે, આ શહેરે મને તેની તરફ ખેંચ્યો છે અને એટલે મેં પહેલી નોકરી વડોદરામાં લીધી ત્યારે મનમાં બિલકુલ સ્પષ્ટ હતું કે વડોદરામાં જ રહીશ. આમ વડોદરા મારૂ સૌથી વહાલું શહેર હતું અને આજે પણ છે.
ત્યારપછી મુંબઈ - મુંબઈની ધમાલભરી જિંદગી મારા મિજાજને કંઇક માફક આવે તેવું ન લાગ્યું. બોરીવલી કે વિરાર અથવા એથીય દૂર રહેવું અને ચર્ચગેટ નોકરી કરવા જવું. અડધી જિંદગી લોકલ ટ્રેનમાં વીતે અને બાકીની ઘણીબધી ઓફિસમાં. પાણીથી માંડી લગભગ બધુ જ પ્રદુષિત. માણસ મશીનની માફક દોડ્યા જ કરે. મે નક્કી કર્યું આ શહેરમા ફરવા અવાય રહેવાય નહીં અને એટલે મુંબઈમાં વસવાટ કરવાના નામ પર ચોકડી લાગી ગઈ. રોડિયો હજરત, સિમેન્ટેશન, સ્ટુપ ઈંડિયા જેવી કંપનીઓમાં સારા એવા પગારની નોકરી મળતી હોવા છતાં મુંબઈ મને ન આકર્ષી શક્યું અને એ રીતે મારૂ આઈ.આઈ.ટી.નું ભણતર પૂરું થયું કે તરત જ મુંબઈથી ભાગી છૂટ્યો સીધો વડોદરા.
આ બે શહેરો સાથે પસંદગી અને નાપસંદગીનો નાતો રહ્યો. પણ એમાં અમદાવાદ વસવાટ કરવાનું થશે એવું તો સ્વપ્ને પણ નહોતું કલ્પ્યું. એસ.એસ.સી. પાસ થયો ત્યારે પણ મારો ભત્રીજો (માસીના દીકરાનો દીકરો) અશ્વિન અમદાવાદ સેંટ ઝેવિયર્સમાં દાખલ થયો. મને પણ એડમિશન મળી રહ્યું હતું પણ આપણું અંજળપાણી વડોદરા સાથે જોડાયેલુ છે એટલે અમદાવાદ કૂદાવી વડોદરા પહોંચી ગયો.
આમ વડોદરા મારા જીવન ઘડતર સાથે અભિન્ન અંગ તરીકે જોડાઈ ગયું. વડોદરાના વિવિધ સ્થળો વિષે અત્યાર સુધી મે લખ્યું છે. ક્યાંક ઇતિહાસની વિગતો સંસ્મરણો સાથે જોડીને લખી છે એટલું બાદ કરીએ તો બધુ જ મારા સંસ્મરણોને આધારે લખાયું છે. આ લખતાં લખતાં એક વિચાર એવો આવે છે કે મૈરાળના ગણપતિ, સુરસાગર, ન્યાયમંદિર, માંડવી, હોસ્ટેલની જિંદગી, કોલેજમાં પ્રથમ ટેસ્ટમાં જ ભોપાળું આવું ઘણું લખ્યું પણ એક મોટો અવિવેક થયો છે. વડોદરાનો તો પરિચય જ ના કરાવ્યો. આવું ચાલે કંઈ?
આજે આપણે વડોદરાને મળવું છે. રમેશ જોશીનું પુસ્તક “ઇમારત અને અવશેષો” વડોદરાને વટપદ્ર તરીકે ઉલ્લેખે છે. સાબ્રમતી(સાબરમતી) અને નર્મદાના પટ વચ્ચેનો આ પ્રદેશ. આ પ્રદેશના અસ્તિત્વ અંગે ૧૫૦૦ વરસ પુર્વેનો પુરાણો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. એક સમયે પથ્થર અને ટાંકણાના અવાજોથી ધમધમતું સલાટ કુટુંબોનો વસવાટ એટલે સલાટવાડો. દીવાન વેણીરામભાઇની હવેલી અને એને બાંધેલી કોટની બાઉન્ડ્રી એટલે વેણીરામભાઇનો વાડો. આ વાડાના ખોદકામમાંથી મળેલ એક તામ્રપત્ર મુજબ ઇ.સ.૮૧૨-૧૩ના વરસમાં રાષ્ટ્રકુટ વંશની એક શાખાના રાજાએ વટપદ્ર ગામ ભાનુ નામના બ્રાહ્મણને દાનમાં આપ્યું હતું.
ગાધીરજનો પુત્ર વિશ્વરથ તે જ વિશ્વામિત્ર જેણે પાવાગઢને પોતાની કર્મભૂમિ બનાવી અને એ ડુંગરા પરથી વહેતાં અનેક ઝરણાંને એકત્ર કરી જે સરીતા વહેતી કરી તે વિશ્વામિત્રી.
આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય કરવા વિશ્વામિત્ર ઘણું મથ્યા એ વાતમાં ન પડીએ તો પણ કાયાવરોહણ – કારવણ એનું સર્જન છે. ત્યારે આજના અકોટાથી માંડી કામનાથ મહાદેવ સુધીના વિસ્તારમાં પૂરાણકાળનું વટપદ્ર વસેલું હતું. તવારીખના પાને આ નામ બદલાતાં રહ્યાં- વટપદ્ર, વટપત્ર, વડોદરા, બડૌદા અને બરોડા. વડોદરાની નગર રચનાનું કાર્ય બાદશાહ બહાદુર શાહે એના એક આર્મેનિયમ ગોલંદાસ રોમી ખાનને સોંપ્યું હતું. એણે રોમન નગરને અનુરૂપ વડોદરાની રચના કરી છે. માંડવીના મધ્ય ચોકમાં ઊભા રહીને જોઈએ તો બરાબર સમાંતરે ચાર દરવાજા સ્પષ્ટ દેખાય છે. તમે સોગઠાબાજી જોઈ છે? મૂળ વડોદરાનો આકાર કંઈક આવો જ હતો. ચાર દરવાજા-ઉત્તરે ચાંપાનેર દરવાજો, દક્ષિણે બુરહાનપુરી દરવાજો(ગેંડી દરવાજો), પશ્ચિમે લાહોરી દરવાજો અને પૂર્વમાં પાણી દરવાજો. બાર પરા અને પંદર તળાવોથી શોભતું આ વડોદરા શહેર.
આજના વડોદરા નિવાસીઓને ભાગ્યે જ ખબર હશે કે અત્યારના ગેંડી દરવાજા (બુરહાનપુરી દરવાજા)ની આગળ બબ્બે ફલાંગના અંતરે બીજા બે દરવાજા હતા-ગોયા દરવાજો અને હાથીખાડનો દરવાજો. આ દરવાજા અત્યારે નથી. પણ ગોયાગેટ પોલીસ ચોકી અને ગોયાગેટ રેલ્વે સ્ટેશન(પ્રતાપનગર) આજે પણ હયાત છે.
માંડવીની ઇમારતના એક સ્તંભ પર મુકાયેલ શિલાલેખ મુજબ ઇ.સ.૧૭૩૩માં દામજીરાવ ગાયકવાડે શહેરની મધ્યમાં આવેલા વિશાળ ચોકમાં હૈદરબાદના ચાર મિનાર જેવી ઇમારત બાંધી. ઇ.સ.૧૮૫૬માં ગણપતરાવ ગાયકવાદે એક વધુ માળ બાંધી તેના પર ઘડિયાળ ગોઠવ્યું.
મુસ્લીમ અમલ દરમિયાન વસેલાં પરાંમાં બાબામાન પરા (બાવમાન પુરા), જહાંગીર પુરા, સુલતાનપુરા, બરહાન પૂરા અને યાકૂત પૂરા-કાળૂપુરાનો સમાવેશ થાય છે. ત્યારબાદ મરાઠા અમલમાં રાવપુરા, બાવાજીપુરા, આનંદપુરા, ફતેહપુરા, શીયાપૂરા, ગણપતપુરા વસ્યાં. અત્યારે જ્યાં જ્યુબિલીબાગ છે ત્યાં ગોલવાડ હતી. તે વસ્તીને ખસેડીને નવી ધરતીને સ્થાને લઈ જવાઈ. એક જમાનો હતો જ્યારે વડોદરાની ધરતી પર સરસ મજાનાં નાગરવેલના પાન થતાં, “દ્રાક્ષ મીઠી રે ચાંપાનેરીની” એ પંક્તિ પ્રચલિત હતી. આ વડોદરાની ધરતી પર લગભગ પંદર દાયકાના ઈતિહાસને સંગ્રહીને બેઠેલી નવલખી વાવ આજે લક્ષ્મીવિલાસ પેલેસના એક ખૂણે એના ભૂતકાળના ગૌરવને સંભારીને કદાચ આંસુ સરતી હશે.
હવે આવીએ સુરસાગર પર. સુરસાગર વિષે જે લખ્યું છે તે ઉપરાંત આ ચંદન તળાવના ખાડા પર પુરુષાર્થી સુરેશ્વર દેસાઈની નજર પડી અને સુરસાગર બન્યું, તે પહેલાં ચારે કોર કબ્રસ્તાનની વચ્ચે ઘેરાયેલો હતો. આજના સુરસાગરની ધરતી હેઠળની કથા રમેશ જોશીની “ઇમારત અને અવશેષો” પુસ્તકમાં કંઈક આ રીતે આલેખાયેલી છે-
કોઈ ભીમદાસનો દીકરો કે જેનું નામ દસ્તાવેજમાં વાંચી શકાતું નથી, એ અનામી માનવી આજના સુરસાગર હેઠળની જમીનનો ટુકડો માત્ર રૂપિયા બસો એકાવન આપીને ખરીદ કરે છે. અને એ વેચાણના દસ્તાવેજ ઉપર સાક્ષીની સહીઓની હરોળમાં પહેલી સહી થાય છે દેસાઇ રાજા કિરપારામના નાયબ ‘પંડા વિરેશ્વર'ની. અને સૌથી છેલ્લે સહી કરે છે, ‘દલા વાઘજી-પાદરાના પટેલ.’
આ દલા વાઘજી તે પાદરાના દલા પટેલ. તવારીખને પાને અનેક બહાદુરીની વાતો પોતાને નામે જમા કરાવી જનાર દલો પટેલ ‘ઉપર અલ્લા ને નીચે દલા’ ની કહેતી લોકજીભે રમતી મૂકી જનારો દલો પટેલ! આજે તો વડોદરાની ધરતી ઉપર દલા પટેલની પોળ એકમાત્ર એની યાદ આપતી ઊભી છે.
ચંદન તળાવના સુકાતાં નીર પર પુરુષાર્થી સુરેશ્વર દેસાઈની નજર પડી ને એમાથી સર્જાયું સુરસાગર... પણ એ સુરસાગર આરંભમાં તો હતું એક નાના નગરની ભાગોળે હોય છે તેવું કાચી પાળવાળું તળાવ.
શહેરની રોનક વધતી ચાલી. જ્યાં એક કાળે વસ્તી નહોતી ત્યાં માનવીનો વસવાટ થવા માંડ્યાં. ને તળાવના ચારે કિનારા ફરતા પરાંઓ ઊભાં થવા માંડ્યાં.
અને ત્યારે ઇ.સ. ની અઢારમી સદીમાં દોઢસો વરસ પછી એટલે કે સુરસાગર અસ્તિત્વમાં આવ્યા પછીનાં દોઢસો વરસ બાદ વડોદરાની ગાદીએ એક કમનસીબ માનવી સત્તા પર આવ્યો.
એ હતો તવારીખે ઉવખેલો ને ઈતિહાસે અવગણેલો વડોદરાનો રાજા મલ્હારરાવ ગાયકવાડ. એ મલ્હારરાવ ગાયકવાડે સુરસાગરની કાચી પાળ, સામાન્ય ઘાટ-ઓવારાને સ્થાને પાકી પાળ બંધાવીને ઘાટ બાંધ્યા. જે આજે પણ મોજૂદ છે ને સુરસાગરની શોભામાં વધારો કરી રહ્યા છે.
એ સુરસાગરના આગલા ખૂણે “ભગત ભુવાની વાવ” આજે તો સહેલાણીઓને ફરવા માટેનું સ્થાન બની ચૂકી છે.
આ થઈ વડોદરા અને જે સુરસાગરની પાળે બેસીને મે કલાકોના કલાકો ક્યારેક ત્યાથી પસાર થતો ટ્રાફિક, તો ક્યારેક સુરસાગરના હિલોળા લેતા જળ તો ક્યારેક વળી અસીમ વિસ્તરી રહેલું આકાશ જોવામાં ગાળ્યા હતા. તેની વાત અને સાથોસાથ મૂળ વડોદરાની પણ વાત. વડોદરા વિષે વધારે જાણવું હોય તો રમેશ જોશીનું આ પુસ્તક વાંચવા જેવુ છે.
વટપદ્ર
વટપત્ર
બડૌદા
વડોદરા
બરોડા
નામ જુદાં પણ નગર એક
આ વડોદરામાં કોલેજનું પ્રથમ વરસ વીતી રહ્યું હતું
મારી વડોદરાની જીંદગીનો
અગિયાર વરસનો...
સૌથી વધુ ઘટનાઓ
સૌથી વધુ અનુભવ
સૌથી વધુ આશા અને નિરાશાની ચડ ઉતર
મારા વડોદરાના વસવાટના આ પહેલા વરસની ભેટ હતી
એ બુમિયાનું ફ્લેવર્ડ મિલ્ક, બાલુભાઈનાં ખમણ, વિષ્ણુરામનો ચેવડો, જગદીશની ભાખરવડી અને કેનેરા કાફેનું પુનામિસળ
આ બધું મારા પરિચયમાં આવ્યું તે વરસ
બધું પસંદ પડ્યું
નાપાસ થયો વડોદરાનો શ્રીખંડ
એ લપ્પી જેવો કેસરી રંગનો શ્રીખંડ
સિધ્ધપુરનો મઠ્ઠો છીણીને બનાવેલ
ઉપર ઈલાયચી અને જાયફળ નાખેલ
મો માં મૂકીએ એટલે માખણની માફક ઓગળી જાય
એવો શ્રીખંડ ક્યાં?
અને આ બાલુભાઈનો શ્રીખંડ ક્યાં?
ઉતરાયણ પૂરી થઈ
બાકી બધું તો ઠીક પણ...
સિધ્ધપુરની એ દિવસ માટે બનતી વાનગી
થેપો...
ખૂબ યાદ આવી ગયો
સિધ્ધપુરનો થેપો અને તલની લાડુડી
આ ઉતરાયણે ના મળ્યાં
કારણ કે હું વડોદરે હતો
અને વડોદરું એ સિધ્ધ્પુર નહોતું
ત્યાં મા નહોતી, શેરડી ને બોર નહોતાં, તલની લાડુડી નહોતી અને ખાસ તો...
થેપો નહોતો...
હા, આ વડોદરાની મારી પહેલી ઉતરાયણ હતી
હોસ્ટેલમાં એ દિવસે ફ્રૂટ સલાડની ફીસ્ટ હતી.